માછલી ખાધા પછી દૂધ પીવાથી પેટમાં દુખાવો કે ઊલટી થાય?

    • લેેખક, મોહમ્મદ સુહૈબ
    • પદ, બીબીસી ઉર્દૂ
  •  "જો તમે કોઈ વસ્તુ વધારે ખાઓ છો, તો તેની નકારાત્મક અસર તમારા પાચનતંત્ર પર પડે છે"
  • કેટલીક ખાદ્ય ચીજો લોકોમાં ત્વચાની ઍલર્જી પેદા કરી શકે છે
  • ત્વચા પર સફેદ નિશાન એટલે કે પાંડુરોગને દૂધ અને માછલી એકસાથે ખાવા સાથે કોઈ લેવાદેવા નથી

સામાન્ય રીતે શિયાળામાં માછલી ખાવાનું ચલણ વધી જાય છે. આવા સંજોગોમાં ફરી એક વાર ચર્ચા છે કે શું માછલી ખાધા પછી દૂધ પી શકાય? શું આમ કરવાથી પાંડુરોગ એટલે કે ચામડી પર સફેદ ફોલ્લીઓ કે મોતિયો થાય છે?

પાંડુરોગમાં ત્વચાનો અમુક ભાગ તેના રંગદ્રવ્ય ગુમાવી દે છે, જેના કારણે તે ભાગ અલગ દેખાવા લાગે છે.

ભારતના એક ટ્વિટર યૂઝર ઉઝૈર રિઝવીએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, તેઓ જ્યારે માછલી ખાધા પછી દૂધ પીએ છે, તો તેમનાં માતા પરેશાન થઈ જાય છે.

રિઝવીએ ટ્વિટર પર સવાલ કર્યો કે શું આ માત્ર ભારતીય અને પાકિસ્તાની માતાઓનો મુદ્દો છે?

આ માન્યતા વિશે કેટલાક લોકો એવું પણ કહે છે કે યહૂદીઓનો એક સંપ્રદાય માછલી ખાધા પછી દૂધ પીવામાં ખૂબ કાળજી રાખે છે.

તેવી જ રીતે અન્ય એક યૂઝરે લખ્યું કે, “તેઓ વાસ્તવમાં યુનાની દવાની ફિલૉસૉફી છે.”

બીજી તરફ, કેટલાક લોકોની માન્યતા છે કે બંને વસ્તુઓ એકસાથે ખાવાથી પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, ઊબકા, ઊલટી જેવી સમસ્યાઓ થાય છે.

જોકે, આ દિવસોમાં રેસ્ટોરાંમાં દૂધનો ઉપયોગ કરીને માછલી તૈયાર કરવામાં આવે છે.

નિષ્ણાતો શું કહે છે?

દૂધ અને માછલીને એકસાથે ખાવા અંગે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું આ બંને બાબતો વચ્ચે કોઈ સંબંધ છે?

પાકિસ્તાનનાં ત્વચારોગ વિજ્ઞાની ડૉ. ઊર્મિલા જાવેદે કહ્યું કે, “આ એક પૂર્વધારણા છે.”

તેમણે કહ્યું કે, “ત્વચા પર સફેદ નિશાન એટલે કે પાંડુરોગને દૂધ અને માછલી એકસાથે ખાવા સાથે કોઈ લેવાદેવા નથી, બલકે તેનો ખોરાક સાથે કોઈ સંબંધ નથી.”

ડૉ. ઊર્મિલાએ કહ્યું, "તે એક ઓટોઇમ્યુન રોગ છે, જેનો અર્થ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મેલાનિન (ત્વચાને રંગ આપતા કોષો) સામે એન્ટિબૉડીઝ બનાવવાનું શરૂ કરી દે છે."

"જે જગ્યા પર એન્ટિબૉડીઝનો હુમલો થાય છે તે મેલાનિનને નુકસાન પહોંચાડે છે અને આપણી ત્વચા પર સ્પષ્ટપણે દેખાય છે."

ન્યુટ્રિશનિસ્ટ્સ શું કહે છે?

બીબીસીએ આ વિશે ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઝૈનબ સાથે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ અમારી માન્યતા છે પરંતુ તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

તેમણે કહ્યું, "દૂધ અને માછલીનું એકસાથે સેવન કરવાથી ત્વચા પર સફેદ નિશાનો દેખાશે તેની ખાતરી નથી."

ડૉ. ઝૈનબે ઉમેર્યું કે, “એ નોંધવું જોઈએ કે તે માત્ર માછલી અને દૂધ સાથે જ નહીં પરંતુ અન્ય ઘણી ખાદ્યવસ્તુઓ સાથે પણ સંકળાયેલું છે. આમાં એ વસ્તુઓ આવે છે જે ગરમ અને ઠંડીના આધારે હાનિકારક માનવામાં આવતી હોય.”

તેમણે કહ્યું કે, “પોષણશાસ્ત્રીઓ ખોરાકની માત્રા પર ધ્યાન આપવાની વાત કરે છે. ખાદ્યપદાર્થ તાસીરમાં ઠંડો હોય કે ગરમ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં લઈ રહ્યા છો તે મહત્ત્વનું છે.”

ડૉક્ટર ઝૈનબ કહે છે, "જો તમે કોઈ વસ્તુ વધારે ખાઓ છો, તો તેની નકારાત્મક અસર તમારા પાચનતંત્ર પર પડે છે."

જોકે, એ વાત ચોક્કસ છે કે કેટલીક ખાદ્ય ચીજો લોકોમાં ત્વચાની ઍલર્જી પેદા કરી શકે છે.

આ અંગે વાત કરતાં ડૉ. ઊર્મિલા જાવેદે જણાવ્યું કે અમુક લોકોને અમુક ખાણી-પીણીની ઍલર્જી હોય છે.

તેમણે કહ્યું કે, “કેટલાક કિસ્સામાં ડબ્બાબંધ સામાન, પ્રિઝર્વેટિવ્સ અથવા ખાદ્યપદાર્થોના રંગને કારણે પણ ઍલર્જી થાય છે.”

દૂધ અને માછલી એક જ પૅનમાં!

  • કેટલાક લોકો માછલીને ધીમે ધીમે દૂધમાં પકાવીને પણ તૈયાર કરે છે. તેને પોચ ફિશ કહેવામાં આવે છે
  • માછલીને દૂધમાં ધીમે ધીમે રાંધવાથી ક્રિમી ગ્રેવી બને છે, જે રાંધેલી માછલી પર નાખી શકાય છે
  • આ માટે તમારે બે કપ દૂધ (400 મિલી), થોડું મીઠું અને માછલીના નાના ટુકડાની જરૂર પડશે
  • સૌપ્રથમ એક તપેલી લો, તેમાં દૂધ અને ચપટી મીઠું નાખીને પકાવો. દૂધ ઊકળે એટલે તેમાં માછલીના ટુકડા નાખી આંચ ઓછી કરો
  • માછલીના ટુકડા કડાઈમાં અડધાથી વધુ ડૂબેલા હોવા જોઈએ. દૂધને ધીમી આંચ પર લગભગ આઠથી દસ મિનિટ સુધી પકાવો. આમ કરવાથી ટુકડાઓ દૂધ શોષી લેશે
  • છેવટે, તમે કડાઈ માછલીના ટુકડાઓ કાઢીને પ્લેટમાં સર્વ કરી શકો છો અને બાકીનું ગાઢ દૂધ ઉપરથી રેડવા માટે વાપરી શકાય છે