You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્ટ્રેલિયાઃ પખવાડિયામાં ત્રણ મંદિરને નિશાન શા માટે બનાવવામાં આવ્યાં?
- ઑસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટનાઓ બની છે
- છેલ્લા પખવાડિયામાં ત્રણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે
- અગાઉ 12 અને 16 જાન્યુઆરીએ પણ મંદિરોમાં તોડફોડના સમાચાર બહાર આવ્યા હતા
- ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓફેરલે આ મામલે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ સમાચારથી તેઓ દંગ થઈ ગયા છે
- આ મામલે ઑસ્ટ્રેલિયાની અનેક એજન્સી તપાસ કરી રહી છે
- ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે ઑસ્ટ્રેલિયન સરકાર સાથે વાત કરીને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે
ઑસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક દિવસથી હિન્દુ મંદિરો પર હુમલાની અનેક ઘટના બની છે. સોમવારે વધુ એક મંદિર પરના હુમલાને આ ઘટનાની શ્રેણીની કડી ગણવામાં આવી રહ્યો છે.
સ્થાનિક મીડિયામાં પ્રકાશિત સમાચાર મુજબ, આ મંદિર ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં આવેલું છે અને મંદિરને નિશાન બનાવનાર લોકોએ તેની દિવાલો પર ભારત-વિરોધી સુત્રો પણ લખ્યાં છે.
ઑસ્ટ્રેલિયામાં મંદિર પર હુમલો કરવામાં આવ્યો હોય એવી આ પહેલી ઘટના નથી. છેલ્લા પખવાડિયામાં આ ત્રીજા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ અગાઉ 12 અને 16 જાન્યુઆરીએ પણ મંદિરોમાં તોડફોડના સમાચાર બહાર આવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઑફેરલે આ મામલે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ સમાચારથી તેઓ દંગ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે “ભારતની માફક ઑસ્ટ્રેલિયા પણ બહુ-સાંસ્કૃતિક દેશ છે. મેલબર્નમાં બે મંદિરમાં તોડફોડની ઘટનાથી અમે આશ્ચર્યચકિત છીએ. આ મામલે ઑસ્ટ્રેલિયાની અનેક એજન્સી તપાસ કરી રહી છે. અમે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને ભરપૂર સમર્થન આપીએ છીએ, પરંતુ તેમાં નફરત ફેલાવતા ભાષણો તથા હિંસાને કોઈ સ્થાન નથી.”
ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે ઑસ્ટ્રેલિયન સરકાર સાથે વાત કરીને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.
કોણ બનાવે છે મંદિરોને નિશાન?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઑસ્ટ્રેલિયાના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત સમાચારમાં આ ઘટના માટે ખાલિસ્તાની સમર્થકોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
ધ ઑસ્ટ્રેલિયન ટુડે અખબારે ગત સોમવારની ઘટના વિશેના સમાચારમાં જણાવ્યું છે કે મંદિરનું વ્યવસ્થાપન સંભાળતા લોકોને સોમવારે મંદિરની દિવાલો પર ભારત-વિરોધી નારા લખેલા જોવા મળ્યા હતા.
ઇસ્કૉન મંદિરના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર ભક્ત દાસે જણાવ્યું હતું કે મંદિર સાથે જોડાયેલા તમામ લોકો ખિન્ન અને નારાજ છે. આ બાબતે વિક્ટોરિયા પ્રાંતની પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેથી આ કૃત્ય કરનારાઓને પકડવામાં મદદ મળી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અગાઉ ક્યાં હુમલા થયા હતા
આ અગાઉ 12 અને 16 જાન્યુઆરીએ પણ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા. એ પછી 16 જાન્યુઆરીએ વિક્ટોરિયાના કેરમ ડાઉન્સસ્થિત ઐતિહાસિક શિવ વિષ્ણુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.
અહીં રહેતા તમિળ હિન્દુ સમુદાયના લોકો ગયા સપ્તાહે પોંગલ ઉત્સવની ઉજવણી કરવા મંદિરે પહોંચ્યા ત્યારે તેમને મંદિરની દિવાલો પર ભારત-વિરોધી સૂત્રો લખેલા જોવા મળ્યાં હતાં.
આ મંદિરમાં લાંબા સમયથી દર્શનાર્થે આવતા ઉષા સેંથિલનાથને જણાવ્યું હતું કે "તેઓ એક તમિળ લઘુમતી સમાજ સાથે જોડાયેલાં છે. એમનો સમાજ ધાર્મિક સતામણીથી બચવા માટે શરણાર્થી સ્વરૂપે ઑસ્ટ્રેલિયા આવ્યો હતો."
તેમણે જણાવ્યું હતું કે "ખાલિસ્તાની સમર્થકો આટલી નિડરતાથી હિન્દુ પૂજાસ્થળો પર નફરત ફેલાવતા સૂત્રો લખી નાખે તે અસ્વીકાર્ય છે."
મેલબર્ન હિન્દુ સમુદાયના સભ્ય સચીન મહાતેએ કહ્યું હતું કે “ખાલિસ્તાની સમર્થકોમાં એટલી જ હિંમત હોય તો તેમણે વિક્ટોરિયાના શાંતિપ્રિય હિન્દુ સમુદાયને નિશાન બનાવવાને બદલે વિક્ટોરિયાની સંસદ પર જઈને સૂત્રો લખવા જોઈએ.”
12 જાન્યુઆરીએ મેલબર્નના સ્વામીનારાયણ મંદિરમાં ભારત-વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. એ બાબતે એક નિવેદન બહાર પાડીને મંદિરના સંચાલક મંડળે જણાવ્યું હતું કે મંદિર પરિસરમાં ભારત-વિરોધી નારાઓ લખાવાને કારણે તેઓ બહુ નારાજ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે ઉઠાવ્યો મુદ્દો
ભારતીય વિદેશ મંત્રાલયે ગયા સપ્તાહે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ભારત સરકાર આ મુદ્દે ઑસ્ટ્રેલિયા સરકાર સાથે વાત કરી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે “ઑસ્ટ્રેલિયાના મંદિરોમાં તોડફોડ કરવામાં આવ્યાની ઘટનાથી અમે વાકેફ છીએ. અમે આ કૃત્યોની આકરી નિંદા કરીએ છીએ. તેની ઑસ્ટ્રેલિયાના નેતાઓ, સામુદાયિક નેતાઓ અને ત્યાંના ધાર્મિક સંગઠનોએ પણ જાહેર નિંદા કરી છે.”
તેમણે ઉમેર્યું હતું કે “મેલબર્નમાં ભારતીય કોન્સલેટ જનરલે સ્થાનિક પોલીસ સાથે આ મુદ્દે રજૂઆત કરી છે. અમે ગુનેગારો વિરુદ્ધ તત્કાળ તપાસ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બનતી રોકવાના પગલાં લેવાની વિનંતી કરી છે. આ મામલે ઑસ્ટ્રેલિયા સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.”
આ મામલે પગલાં લેવાની ધરપત વિક્ટોરિયા વહીવટીતંત્રે પણ આપી છે.
વિક્ટોરિયાના કાર્યકારી પ્રીમિયર જેસિન્ટા એલને ઑસ્ટ્રેલિયા ટૂડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિક્ટોરિયામાં રહેતા તમામ લોકોને જાતિવાદ, નફરત અને ટીકા-ટિપ્પણ વિના પોતાની આસ્થા સાથે જીવન જીવવાનો અધિકાર છે.
તેમણે કહ્યું હતું કે “વિક્ટોરિયામાં રહેતા મોટાભાગના લોકોની વિચારધારા આવી નથી. વિવિધતા અમારી સૌથી મોટી પૂંજી છે. અમે આ પ્રકારના હુમલાને વખોડીએ છીએ.”
ઇસ્કૉન મંદિર પર સોમવારે થયેલા હુમલાના બે દિવસ પહેલાં જ વિક્ટોરિયાના બહુ-સાંસ્કૃતિક પંચે અલગ-અલગ ધર્મોના નેતાઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. એ બેઠક પછી પંચે ખાલિસ્તાની સમર્થકો તરફથી કથિત રીતે હિન્દુ સમાજ વિરુદ્ધ નફરત ફેલાવવાના કૃત્યને વખોડી કાઢતું નિવેદન બહાર પાડ્યું હતું.
વિક્ટોરિયાની લિબરલ પાર્ટીને સંસદસભ્ય બ્રેડ બેટિને પણ કહ્યું હતું કે “આ બહુ ગંદુ કૃત્ય છે. આવી ઘટનાઓ બનવી ન જોઈએ.”
ઑસ્ટ્રેલિયન સંસદસભ્ય જોશ બર્ન્સે પણ આ ઘટનાઓની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે કહ્યું હતું કે “એલ્બર્ટ પાર્કના હરે કૃષ્ણ મંદિર પર હુમલાના સમાચાર સાંભળીને હું દંગ થઈ ગયો છું.”