બિનસચિવાલય પરીક્ષા મોકૂફ: 'કાળી મજૂરી કરી ભણાવતી વિધવા માતાની ઇચ્છા છે કે મને સરકારી નોકરી મળે પણ પરીક્ષા લેવાતી નથી'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા પિતા ગુજરી ગયા છે, ઘરમાં નાનો ભાઈ છે, ત્રણ વર્ષથી મારાં માતા કાળી મજૂરી કરીને મને ભણાવવા માટેના પૈસા મોકલે છે, પણ પરીક્ષા યોજાતી નથી."

"ત્રીજી વખત પરીક્ષા મોકૂફ રહી છે. મારી સરકારી નોકરી લાગે એટલે લગ્ન યોજાવાનું હતું, પરંતુ હવે પાછું ઠેલાશે." આ શબ્દો છે પોરબંદર જિલ્લાના નાનકડા ગામડામાંથી આવતાં વનિતા નરેના.

જીએસએસએસબી દ્વારા બિનસચિવાલય તથા ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષાઓને બે મહિના માટે મોકૂફ કરી દેવામાં આવી છે, જેને પગલે સરકારી નોકરીની આશાએ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોની સ્થિતિ કફોડી બની જવા પામી છે. વિશેષ કરીને મહિલા ઉમેદવારોની.

કૉંગ્રેસ દ્વારા પરીક્ષામોકૂફીના નિર્ણયને રાજકીય ગણાવવામાં આવી રહ્યો છે, પાર્ટીનો આરોપ છે કે ચૂંટણી પહેલાં યુવાનોને રોજગારના નામે પ્રચાર કરવામાં આવશે. બીજી તરફ ભાજપ 'વધુ સારી રીતે' પરીક્ષા લઈ શકાય તે માટે મોકૂફ રખાઈ હોવાની વાત કહી રહ્યો છે.

ત્રણ હજાર 900 જેટલી જગ્યા માટે લગભગ 10 લાખ 45 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, પરંતુ પેપર લીક થવાને કારણે પરીક્ષામોકૂફ રહેવા પામી હતી. અગાઉ પણ અલગ-અલગ કારણોસર રાજ્ય સરકારની નોકરીઓ માટેની પરીક્ષાઓ મોકૂફ રહી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદેથી અસિત વોરાના રાજીનામા બાદ નવા નિમાયેલા ચૅરમૅને ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ફૂલપ્રૂફ રીતે પરીક્ષા યોજવાની વાત કહી રહ્યા છે.

'પિતાની અંતિમ ઇચ્છા હતી કે...'

વનિતાના પિતાનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેમના પિતાની અંતિમ ઇચ્છા હતી કે તેમનાં દીકરી ભણીગણીને સરકારી અધિકારી બને. એટલે માતાએ વનિતાને ગાંધીનગર મોકલ્યાં છે, જ્યાં તેઓ બિન-સચિવાલય ક્લાર્ક સહિતની સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. બીબીસી સાથેની વાતચીતમાં પોતાની કહાણી વર્ણવતાં વનિતાએ કહ્યું:

"પિતાની ઇચ્છાને પૂરી કરવા માટે માતાએ મને ગાંધીનગર મોકલી છે અને તે પોરબંદરમાં મજૂરી કરે છે. અહીં પ્રાઇવેટ ક્લાસમાં એક સેમેસ્ટરના ભણવાની રૂ. 25 હજાર ફીસ ભરું છું. આ સિવાય અમે પાંચ છોકરીઓ પેઇંગગેસ્ટ તરીકે રહીએ છીએ અને મહિને રૂપિયા પાંચ હજારનું ભાડું આપીએ છીએ. લાઇબ્રેરીના રૂપિયા 1,500 ભરીએ છીએ."

"2019માં આવી જ રીતે પૈસા ખર્ચ્યા હતા અને તૈયારી કરી હતી,પરંતુ પરીક્ષા મોકૂફ રહી હતી. મારાં માતાએ પાઈ-પાઈ ભેગી કરીને મને ગાંધીનગર ભણવા મોકલી હતી, એ પૈસા પાણીમાં ગયા."

"દરમિયાન મારી સગાઈ નક્કી થઈ. સાસરીવાળા તાત્કાલિક લગ્ન કરવા માગતા હતા, પરંતુ મેં કહ્યું હતું કે 'એકવાર સરકારી નોકરીમાં પાસ થઈ જાઉં એટલે લગ્ન કરીશ.' એ પછી મારાં લગ્ન મોકૂફ રહ્યાં."

"2021માં લગ્ન થવાનું હતું, પરંતુ ડિસેમ્બર મહિનામાં પરીક્ષા ગોઠવાઈ અને તેમાં પણ પેપર ફૂટવાને કારણે મોકૂફ રહી."

"ફેબ્રુઆરી-2022માં પરીક્ષા યોજાવાની હતી, પરંતુ હવે વહીવટી કારણોસર તેને બે મહિના માટે મોકૂફ રાખી છે. સરકાર કહે છે કે પરીક્ષા આપનારને પરીક્ષાસ્થળે આવવા-જવાનું ભાડું આપવામાં આવશે, પરંતુ ત્રણ-ત્રણ વર્ષથી કોચિંગ ક્લાસ, પેઇંગ ગેસ્ટ તથા લાઇબ્રેરી ફીનો ખર્ચ થઈ રહ્યો છે, તેનો ખર્ચ કોણ આપશે?"

વનિતા કહે છે કે, "તેમની સ્થિતિ ખૂબ જ કફોડી થઈ ગઈ છે, કારણ કે એક તરફ સાસરીવાળા તરફથી લગ્નનું દબાણ થઈ રહ્યું છે અને ઉંમર વધી રહી હોવાથી માતા પણ લગ્ન કરાવા ઉતાવળાં બન્યાં છે.

"બીજી બાજુ, મારી ઇચ્છા પિતાની અંતિમઇચ્છા પૂર્ણ કરવાની છે. વનિતા પોતાની વાતને આગળ વધારતા કહે છે"

"હવે બે મહિનામાં પરીક્ષા યોજાવાની વાત છે, પરંતુ જો આ વખતે પણ મોકૂફ રહેશે તો મારાં જેવી ગરીબ પરિવારમાંથી આવતી અનેક બહેનોએ પૈસાના અભાવે ભણવાનું છોડવું પડશે. આ તો અમારું મનોબળ તોડવાની વાત છે."

"હું ભણું તો મારી માતાએ મજૂરી કરવી પડે. તેણે ત્રણ-ત્રણ દિવાળીથી નવી સાડી નથી લીધી. એની કાળી મજૂરીના પૈસા ક્યાં સુધી હું મારી પરીક્ષાની તૈયારીઓ પાછળ વાપરું?"

તા. 12મી ડિસેમ્બરે રાજ્યભરમાં 180 કરતાં વધુ પરીક્ષાકેન્દ્રો ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાનું પેપર લીક થયું હોવાની ચર્ચા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી ચાલી રહી હતી, પરંતુ રાજ્ય સરકારે તેનો મોડેકથી ઔપચારિક સ્વીકાર કર્યો હતો અને પરીક્ષાને રદ જાહેર કરી હતી.

'લગ્ન છતાં કુંવારા જેવી સ્થિતિ'

મૂળ પંચમહાલ જિલ્લાના આદિવાસી ગામના અનિલા પારગી 25 વર્ષનાં છે. તેમનું લગ્ન 2018માં થઈ ગયું હતું.

અનિલા તથા તેમના પતિ ગાંધીનગરમાં રહીને સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતાં.

લગ્ન પછી પણ સાથે સાથે રહેવાને બદલે બંને અલગ-અલગ રહે છે, કારણ કે જો સાથે રહે તો મકાનમાં વધારે ભાડું આપવું પડે. બંને પેઇંગ ગેટ તરીકે અલગ-અલગ રહે છે.

પતિ-પત્ની બંને કોચિંગ ક્લાસમાં ભણવાની તૈયારીના એક સેમેસ્ટરના રૂપિયા 30-30 હજાર ચૂકવે છે, આ સિવાય લાઇબ્રેરીના મહિને રૂપિયા 1,500-1,500 ચૂકવે છે. અનિલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે :

"અમને એમ હતું કે સરકારી નોકરીની પરીક્ષા આપીને બંને પાસ થઈ જઇશું એટલે અમારું લગ્નજીવન સુખેથી પસાર થશે. મારા પતિ અને હું ત્રણ વર્ષથી ગાંધીનગરમાં રહીએ છીએ. અમે પરણેલાં છીએ, પરંતુ ક્લાસ હોય કે લાઇબ્રેરીમાંથી છૂટાં પડીએ ત્યારે મળીએ છીએ."

"અમારે ગામમાં ખેતી છે એટલે મારા સસરા અમને બંનેને ભણવાના અને બીજા ખર્ચના પૈસા મોકલે છે. અમારી હાલત પરણ્યા પછી પણ કુંવારાં જેવી છે."

"15 દિવસે ગામડે જઈએ છીએ. મારા પતિને ખાનગી નોકરી મળતી હતી, તે લઈ લીધી હોત તો અત્યારે પૈસા માટે સસરા સામે હાથ લંબાવવો ન પડતો હોત. અલબત્ત મારા સસરા અમને ભણવા માટે પૈસા અને પ્રોત્સાહન આપે છે."

"ખેતીના કામસર મારા પતિને ઘણી વખત ગાંધીનગર છોડીને ગામડે જવું પડે છે, જો અમે ગોધરા કે દાહોદમાં ખાનગી નોકરી લઈ લીધી હોત તો મારા સસરાને આ ઉંમરે કામ ન કરવું પડતું હોત તથા અમે તેમની સેવા કરી શક્યા હોત."

"ત્રણ વર્ષ દરમિયાન દર વર્ષે એક-એક જણનો ભણવાનો ખર્ચ રૂપિયા બેથી અઢી લાખ થાય. ત્રણ વર્ષમાં અમે બંનેએ રૂપિયા 15 લાખ વાપરી નાખ્યા. આ રીતે પરીક્ષા મોકૂફ રહે તો અમારા પૈસાનું શું?"

"હવે એમ થાય છે કે સરકાર આવી રીતે પરીક્ષા મોકૂફ રાખ્યા કરશે તો અમારા જેવા ગરીબ લોકો આર્થિક બોજ સહન નહીં કરી શકે અને કદાચ સરકારી નોકરીનું સપનું છોડી દઈશું."

ગુજરાત સ્ટેટ સબઑર્ડિનેટ સિલેક્શન બોર્ડની સ્થાપના ગુજરાત રાજ્ય સરકારમાં તૃતીય કક્ષાની ભરતીપ્રક્રિયા માટે કરવામાં આવી હતી. 1980ના દાયકાના અંતભાગમાં તેને પંચ સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો હતો. પરંતુ 'ગુજરાત લોકસેવા આયોગ' સ્વરૂપે અગાઉથી જ એક પંચ અસ્તિત્વમાં હતું, એટલે પંચ સ્વરૂપે વધુ એક આયોગ અસ્તિત્વમાં આવી શકે તેમ ન હોવાથી તેને મંડળ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ઠરાવ આધારે તે અસ્તિત્વમાં આવ્યું.

પતિ, પત્ની અને પુત્રી અલગ-અલગ

પદ્મા પટેલ ચાર વર્ષની દીકરીને સાસુ પાસે મૂકીને ગાંધીનગરમાં સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરે છે. તેઓ પતિ અન પુત્રીથી દૂર રહે છે. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું :

"મારા પતિ સરકારી સ્કૂલમાં શિક્ષક છે. હું નાનપણથી ભણવામાં હોંશિયાર હતી એટલે મારી ઇચ્છા પણ સરકારી નોકરી મેળવવાની હતી."

"એટલે જ્યારે બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીની જાહેરાત આવી, ત્યારે પતિ-પત્નીએ નક્કી કર્યું કે હું સરકારી નોકરી માટે પ્રયાસ કરું."

"એ સમયે મારી દીકરી એક વર્ષની હતી, મારા સાસુએ તેની જવાબદારી સંભાળી અને મને ગાંધીનગરમાં ખાનગી કોચિંગ ક્લાસમાં ભણવા જવાની મંજૂરી આપી."

" શરૂઆતમાં મારું મન માનતું ન હતું એટલે હું ગાંધીનગરથી હિંમતનગર જતી હતી. મારા પતિ પણ રજાના દિવસોમાં ઘરે આવતા."

"ગાંધીનગરમાં અન્ય છોકરીઓ સાથે પેઇંગ ગેસ્ટ રહું છું અને ભાડાપેટે મહિને રૂપિયા સાત હજાર ભરું છું. આ સિવાય કોચિંગ પેટે સેમેસ્ટરદીઠ રૂપિયા 25 હજાર ભરું છું. આ સિવાય બીજા ખર્ચા અલગ."

"2019માં પેપર ફૂટ્યું અને પરીક્ષા મોકૂફ રહી, ફરી ડિસેમ્બર-2021માં પણ પેપર ફૂટ્યું અને પરીક્ષા ન લેવાઈ. છલ્લા બે મહિનાથી હું ગાંધીનગરમાં રહીને તા. 13મી ફેબ્રુઆરીએ યોજાનારી પરીક્ષાની તૈયારી કરી રહી હતી."

"દીકરી સાથે પણ વૉટ્સઍપ કોલ કરીને વાત કરતી હતી. 15થી 25 દિવસે હિંમતનગર જવા મળે ત્યારે દીકરીને મળું છું."

"આ ત્રણ વર્ષ દરમિયાન કોચિંગ ક્લાસ, પેઇંગ ગેસ્ટ અને લાઇબ્રેરીના લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. ત્યારે પરીક્ષા કૅન્સલ કરનાર સરકાર અમને તેના પૈસા આપવાની હતી?"

"પરીક્ષા આપ્યા વગર અમે આટલા રૂપિયા ગુમાવ્યા છે. આટલા પૈસાની અમે દીકરીના નામે ફિક્સ ડિપોઝિટ કઢાવી હોત તો એના લગ્નનો ખર્ચો નીકળી જાત, પણ સરકારના તઘલઘી નિર્ણય સામે અવાજ કોણ ઉઠાવે?"

ગુજરાતમાં ગાંધીનગરને સરકારી પરીક્ષાઓની તૈયારી માટે હબ ગણવામાં આવે છે. દર વર્ષે હજારો ઉમેદવારો રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સરકારી પરીક્ષાની તૈયારીનું કોચિંગ મેળવવા માટે અહીં આવે છે.

કોચિંગ ક્લાસ, તૈયારીનું મટીરિયલ, પુસ્તક, ભાડે મકાન, લોજ, અને લાઇબ્રેરી સ્વરૂપે આ વિદ્યાર્થીઓના આધારે ઇકોસિસ્ટમ વિકસી છે.

મોકૂફીનું 'રાજ' અને કારણ

અપેક્ષા મુજબ જ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીની યુવા પાંખ દ્વારા અસિત વોરાના રાજીનામાને પોતાની રાજકીય જીત ગણાવવામાં આવી છે.

બીજી બાજુ, કૉગ્રેસ પણ ચૂંટણીવર્ષમાં આ મુદ્દાને છોડવા નથી માગતી. તે પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયને રાજકીય ગણાવે છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મુદ્દે કહ્યું, "આ વર્ષે ચૂંટણી આવે છે, એટલે પરીક્ષાને પાછળ ઠેલીને મોડી પરીક્ષા લઈને 2012ની જેમ, ચૂંટણી પહેલાં પરિણામ જાહેર કરીને સંખ્યાબંધ લોકોને રોજગાર આપ્યાનો દાવો કરીને સરકાર યુવાને ગેરમાર્ગે દોરશે."

જોકે, ભાજપ આ આરોપોને નકારે છે. પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેના કહેવા પ્રમાણે. "ભાજપનો સંકલ્પ વધુ અને વધુ ઉમેદવારોને પારદર્શક રીતે નોકરી આપવાનો છે, છતાં કૉંગ્રેસને તેમાં વાંક દેખાય છે. વહીવટી કારણોસર પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે, જેથી કરીને નવી પ્રક્રિયા અને ટેકનૉલૉજી દ્વારા પારદર્શકતા સાથે પરીક્ષા યોજી શકાય."

કથિત રીતે પેપરલીક કૌભાંડને કારણે જેમનું રાજીનામું લેવાયું હતું, તેવા અસિત વોરાના સ્થાને એકે રાકેશને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

પરીક્ષા મોકૂફી અંગે બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે 'પુખ્ત વિચારણા' પછી હાલ પૂરતી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાકેશે કહ્યું, "પરીક્ષામાં પારદર્શકતા વધે તે માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા પ્રક્રિયામાં લગભગ 90 હજાર કર્મચારીની સેવા લેવામાં આવે છે."

"પેપર તૈયાર કરવા, સ્ટ્રૉંગરૂમમાં સંગ્રહ તથા ત્યાંથી પરીક્ષાકેન્દ્ર સુધી લઈ જવા માટેના ટ્રાન્સપૉર્ટેશન માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે તથા તેને ફૂલપ્રૂફ બનાવવામાં આવશે. તેની તૈયારીઓ માટે જ પરીક્ષાને બે મહિના મોકૂફ રાખવામાં આવી છે."

એક સવાલના જવાબમાં એકે રાકેશે કહ્યું, "મેં હમણાં જ પદભાર સંભાળ્યો છે. પરીક્ષાપદ્ધતિને સમજવા માટે થોડો સમય જોઇશે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ, કયા ઉમેદવારે શું જવાબ લખ્યા છે, તે પરીક્ષા પછી જોઈ શકે તેવું આયોજન કરવા પ્રયાસરત છીએ, એટલે હાલમાં પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે."

બે મહિના પછી પરીક્ષા યોજાશે કે ત્રણ હજાર 901 બેઠક માટે તૈયારી કરી રહેલા 10 લાખ 45 હજાર 442 ઉમેદવારોને વધુ એક વખત તારીખ મળશે, તે નવા ચૅરમૅનની તૈયારીઓ ઉપર નિર્ભર કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો