ગુજરાતમાં ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો 3,300 કિલોગ્રામ જથ્થો કેવી રીતે પકડાયો?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડવાની ઘટનાઓ જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અને ભારતીય નૅવીએ મંગળવારે પોરબંદરના દરિયા કાંઠે લગભગ 3,300 કિલોગ્રામ ડ્રગ પકડયું છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે ભારતીય નૅવીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની મદદથી એક સંદિગ્ધ બોટને પકડી હતી. આ બોટમાંથી લગભગ 3,300 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

ઇન્ડિયા ટુડે મીડિયાના એક અહેવાલ પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ જથ્થાની કિંમત લગભગ 2,000 કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવી રહી છે.

ભારતીય નૅવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તાજેતરના સમયમાં જથ્થાની દૃષ્ટીએ આ સૌથી મોટી ડ્રગ જપ્તી છે.

નેવીના નિવેદન અનુસાર, “આ શંકાસ્પદ જહાજને અરબી સમુદ્રમાં ગુજરાત કિનારે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક અટકાવવામાં આવ્યું હતું. આ ડ્રગના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલી બોટ અને ક્રુ મેમ્બરને 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય બંદર પર લૉ ઇન્ફોર્સમૅન્ટ એજન્સીના હવાલે કરવામાં આવ્યા હતા.”

પ્રતિબંધિત ડ્રગના કૂલ 3,300 કિલોગ્રામ જથ્થામાંથી 3089 કિલોગ્રામ ચરસ, 158 કિલોગ્રામ મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોરફીન જપ્ત કરવામાં આવ્યું છે.

અમિત શાહ અને એનસીબીએ આ વિશે શું કહ્યું?

ભારતના ગૃહ મંત્રી અમિત શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ભારતીય નૅવી અને ગુજરાત પોલીસને આ ઓપરેશનની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ-મુક્ત ભારતના વિઝનને અનુસરીને આપણી એજન્સીઓએ આજે દેશમાં ડ્રગ્સની સૌથી મોટી ઑફશૉર જપ્તી કરવામાં સફળતા હાંસલ કરી છે. એનસીબી, નૅવી અને ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં ડ્રગનું વિશાળ કન્સાઇન્મૅન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું.”

સમાચારપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, “આ વિશે અમે વધારે માહિતી આજે આપીશું. ધરપકડ કરાયેલા પાંચ લોકોની પાસે કોઈ ઓળખપત્રો નથી. તેઓ ઈરાન કે પાકિસ્તાનથી આવ્યા છે. દેશમાં જથ્થાની દૃષ્ટીએ આ સૌથી મોટી ઑફશૉર ડ્રગ જપ્તી છે.”

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એકસ પર લખ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં આ ઑપરેશન ડ્રગ-મુક્ત ભારતની પ્રતિબધતાને મજબૂત કરશે. દરેકને અભિનંદન જેમણે આ ઓપરેશને સફળતાપૂર્વક પાર પાડ્યું.”

ગુજરાતમાં ક્યાંથી પહોંચાડાય છે ડ્રગ?

નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ એજન્સીઓએ ડ્રગ્સના મોટા મોટા જથ્થા પકડ્યા છે. આ પૈકી મોટા ભાગની કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં કરાઈ છે. જેમાં, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રનાં અન્ય કેટલાંક સ્થળો અને દક્ષિણ ગુજરાતનાં સ્થળો સામેલ છે.

વર્ષ 2023માં કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.

આ પહેલા વર્ષ 2021માં મુંદ્રા બંદર ખાતેથી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા લગભગ 21 હજાર કરોડ રૂપિયા મૂલ્યનું ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ પહેલાં અને પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો હતો.

નોંધનીય છે કે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ પકડાયાની ઘટનાઓને ગુજરાતમાં સુરક્ષા દળોની અને સરકારી ડ્રગ્સ સામેની કઠોરની નીતિની કામયાબી ગણાવે છે.

હવે જ્યારે ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે એ પ્રશ્ન જરૂર ઊઠે છે કે આખરે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ગુજરાતના દરિયાકાંઠે કેવી રીતે પહોંચે છે અને એ કોણ મંગાવે છે?

ગુજરાતમાં તાજેતરના સમયમાં જે કોઈ ડ્રગ્સની રિકવરી થઈ છે, તેનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ડીઆરઆઈનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસમાં અફઘાન નાગરિકોનાં નામ પણ બહાર આવી રહ્યાં છે અને તેમના વિશે પણ તપાસ હાથ ધવામાં આવી હતી.

સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા લોકો અફઘાનિસ્તાનમાં સત્તાપરિવર્તનને કારણે ડ્રગ્સની હેરફેરમાં વધારો થયો છે કે કેમ તેને નજીકથી જોઈ રહ્યા છે. તાલિબાન માટે અફીણના ખેડૂતો પાસેથી ખંડણી તથા હેરફેર કરનારા પાસેથી રકમની વસૂલાત આવકનો મુખ્ય સ્રોત છે.

યુનાઇટેડ નૅશન્સ ઑફિસ ઑન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના રિપૉર્ટ પ્રમાણે, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. જેમાં શુદ્ધિકરણ દ્વારા હેરોઇન સહિતના આદત પડી જાય તેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા જો કોઈ વ્યક્તિ પાસેથી પાંચ ગ્રામ સુધીનું હેરોઇન પકડાય તો તેને 'ઓછો જથ્થો' માનવામાં આવે છે. જ્યારે અઢીસો ગ્રામ કે તેથી વધુના જથ્થાને મોટો જથ્થો માની તેમાં વેપારનું તત્ત્વ હોવાનું માનવામાં આવે છે.

નોંધનીય છે કે અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, અને માંડવી જેવાં સૌરાષ્ટ્રનાં બંદરો ઉપર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રૉનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો. જે માટે 'ધાવ' તરીકે ઓળખાતા નાના દેશી જહાજનો ઉપયોગ હતો.

વર્ષ 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં વિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે.

અગાઉ કચ્છ, પંજાબ અને રાજસ્થાનની સરહદો ઉપર સુરંગ કે પાઇપ વાટે નશાકારક પદાર્થો દેશમાં ઘુસાડાતા.

ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે. આથી, ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે.

સુરક્ષા એજન્સીઓ, નૅવી, કૉસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે, ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે.

ડ્રગ્સ કોણ મોકલે અને મગાવે છે?

ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી પકડાતું ડ્રગ્ઝ મુખ્યત્વે ઉત્તર ભારત જ પહોંચાડવાનું હોય છે.

તેઓ કહે છે, "ડ્રગ્ઝ ગુજરાતની ધરતી પર પહોંચ્યા બાદ દરેક વખતે જુદા-જુદા માણસો દ્વારા તેને આગળ પહોંચાડવામાં આવે છે. મુખ્યત્વે આ ડ્રગ્ઝ પંજાબ અને દિલ્હી જ પહોંચાડવાનું હોય છે."

ડ્રગ્ઝ માફિયાઓની મોડસ ઑપરેન્ડી અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે એક વખત ગુજરાતમાં ડ્રગ્ઝ પહોંચે ત્યાર બાદ તેને ટ્રેન, બસ કે કારમાં ગુજરાતમાંથી બહાર લઈ જવામાં આવે છે.

ગુજરાતમાં પકડાઈ રહેલા ડ્રગ્ઝ સાથે સંકળાયેલા લોકો વિશે ભાવેશ રોજીયા જણાવે છે, "પકડાયેલું ડ્રગ્ઝ ગુજરાતમાં કોઈ એક વ્યક્તિએ મંગાવ્યું હોય તેમ નથી. દરેક વખતે એ અલગ-અલગ લોકો દ્વારા મોકલાતું હોય છે અને જુદા-જુદા લોકો તેને ગુજરાત બહાર લઈ જવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે, મોટા ભાગના લોકો તે પહેલાં જ પકડાઈ જતા હોય છે."

તાજેતરમાં જ ભારતીય જળસીમામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઑપરેશન પાર પાડીને અંદાજે 280 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપી પાડ્યું હતું. ગુજરાત એટીએસ પ્રમાણે, પાકિસ્તાનના ડ્રગ્ઝ માફિયા મુસ્તુફાએ 'અલ હજ' નામની બોટમાં પાકિસ્તાનથી કરોડોનું ડ્રગ્ઝ મોકલ્યું હતું.

જોકે, આ ડ્રગ્ઝ ગુજરાત થઈને ઉત્તર ભારતમાં પહોંચાડવાનું હતું. આ અંગેની બાતમી પહેલેથી જ ગુજરાત એટીએસને મળી જતા કોસ્ટગાર્ડ સાથે મળીને તેમણે મધદરિયે જ આ બોટને ઝડપી પાડી હતી.

કોસ્ટગાર્ડે આ બોટને ઘેરી લેતાં બોટના ચાલકે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અંતે તે પકડાઈ ગયો હતો. આ બોટમાં હાજર નવ પાકિસ્તાની નાગરિકોની હેરોઇન સાથે અટકાયત કરીને એટીએસ અને એનસીબી દ્વારા જુદી-જુદી ટીમો બનાવીને ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં તપાસ શરૂ કરાઈ હતી.