You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : M.Sc. થયેલ વ્યક્તિ અને સાથીઓએ શરૂ કર્યો ડ્રગ્સ બનાવવાનો ઘરગથ્થુ બિઝનેસ, કેવી રીતે પકડાયા?
- ગુજરાત એટીએસે મંગળવારે હાથ ધરેલ ઑપરેશનમાં સાવલી ખાતે એક ફેકટરીમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું
- આ દરોડામાં ટીમે 225 કિલોગ્રામ ડ્રગ પકડાયું હતું. જેની અંદાજિત બજારકિંમત 1125 કરોડ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે
- આ દરોડામાં સામે આવ્યું હતું કે આ એકમમાં આરોપીઓ જાતે જ કાચા માલ થકી ડ્રગ્સ બનાવતા હતા
ગુજરાતમાં એક પછી એક ડ્રગ્સનો જથ્થો પકડાવાનો સિલસિલો ચાલુ છે. ગત મંગળવારે ગુજરાત એટીએસની ટીમે વડોદરાના સાવલી ખાતે એક ફેકટરીમાં દરોડો પાડી અને ગેરકાયદેસર મૅફેડ્રોન ડ્રગ બનાવી વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.
આ દરોડામાં ટીમે 225 કિલોગ્રામ ડ્રગ પકડાયું હતું. જેની અંદાજિત બજારકિંમત 1125 કરોડ રૂપિયા હોવાનું મનાઈ રહ્યું છે.
આ સમગ્ર બાબતમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતી વ્યક્તિઓ સિવાય ઉચ્ચ અભ્યાસ કરી ચૂકેલ પ્રૉફેશનલ અને ધંધાદારીઓ પણ સામેલ હતા.
આ દરોડામાં પકડાયેલ આરોપી પૈકી એક આરોપી રાકેશ નરસિંહભાઈ મકાણી કૅમિસ્ટ્રી વિષય સાથે M.Sc. થયેલ હતા અને વર્ષ 2011થી ફાર્માસ્યુટિકલ સૅક્ટરમાં કાર્યરત્ હતા.
આ ગુનાનો આરોપ વિજય વસોયા, દિલીપ વઘાસીયા, મહેશ ધોરાજી અને પિયુષ પટેલ અને અન્ય કેટલાક પણ પર મૂકવામાં આવ્યો છે.
પોલીસ અનુસાર આ તમામ આરોપીઓ કોઈ બહારના દેશથી ડ્રગ્સ મગાવીને સપ્લાય કરવાનું કામ નહોતા કરતા, પરંતુ જાતે જ કાચા માલ થકી નાની ફેકટરી સ્થાપી અને તેનું ઘરગથ્થુ ઉત્પાદન કરતા હતા. આ બાબત આ સમગ્ર કૌભાંડને વધુ ગંભીર બનાવે છે.
આખરે કેવી આરોપીઓ ઘરગથ્થુ એકમ ચલાવી અને ખતરનાક ડ્રગ્સનું ઉત્પાદન કરતા અને અંતે કેવી રીતે આ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો તે અંગે આ અહેવાલમાં વાત કરીશું.
કેવી રીતે ચલાવાતું કૌભાંડ?
ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના (ATS) DIG દીપન ભદ્રને બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે વાત કરતાં આ સમગ્ર કૌભાંડની મૉડસ ઑપરેન્ડી વિશે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, "આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઇન્ડ મહેશ ધોરાજી હતો. તે અગાઉ પણ આવા જ એક મામલામાં સાત વર્ષ સુધી જેલની સજા કાપી આવેલ છે. તેણે વડોદરાના પિયુષ પટેલ કે જેઓ તેની પાસેથી માલ લઈને સપ્લાય કરવાનું કામ કરતા હતા, ને મેફેડ્રોન ડ્રગ્સ બનાવી વેચવાનો પોતાનો પ્લાન જણાવ્યો. તે પછી તેમણે ભરૂચ નજીક સાયખા જીઆઈડીસીમાં ફેકટરી ધરાવતા રાકેશ મકાણી, વિજય વસોયા અને દિલીપ વઘાસિયાનો સંપર્ક કર્યો. આ ફેકટરી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવવાનું કામ કરતી હતી."
દીપન ભદ્રને આગળ આ સમગ્ર નેટવર્ક અંગે વાત કરતાં કહ્યું કે, "આ પૈકી મકાણી વર્ષ 2011થી ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં છે. તેઓ વૈષ્ણવની વાત માની ગયા અને વૈષ્ણવ દ્વારા પૂરો પડાતા કાચા માલમાંથી લિક્વિડ મેફેડ્રોન બનાવતા. જે વૈષ્ણવ અને તેના સાથીદારો સાવલી ખાતેની અન્ય ફેકટરીમાં લાવીને તેનું પાઉડર બનાવતા હતા. અને તેને સપ્લાય માટે અન્ય સાથીદારોને મોકલતા."
આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસને મુંબઈ ખાતેના નાર્કોટિક્સ સેલ પાસેથી માહિતી મળી હતી. અને અંતે પોલીસે ગુજરાતમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો.
નોંધનીય છે કે મેફેડ્રોન એ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટાન્સીસ ઍક્ટ અંતર્ગત પ્રતિબંધિત ડ્રગ છે.
તાજેતરની માહિતી અનુસાર કોર્ટે દિનેશ ધોરાજી અને પિયુષ પટેલના 26 ઑગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી ગુજરાતનાં દરિયાકિનારે અને અન્ય સ્થળોએથી હજારો કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.
પોલીસ અને અન્ય એજન્સીઓ જ્યારે આવી કાર્યવાહીને લઈને પોતાની પીઠ થાબડે છે તો ઘણા ટીકાકારો ગુજરાતને 'ડ્રગ્સની હેરાફેરીનું હબ' ગણાવે છે.
ડ્રગ્સના ઉત્પાદન સિવાય દરિયા અને અન્ય માર્ગો મારફતે પણ તેની હેરફેરનો મુદ્દો ખૂબ મોટો છે.
ગુજરાતનો દરિયાકાંઠો એક મોટા નેટવર્કનો ભાગ?
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ થોડા દિવસો પહેલાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, "ગુજરાતનો દરિયાકાંઠાનો મુખ્યત્વે ડ્રગના જથ્થાને અફઘાનિસ્તાનથી યુરોપ કે અન્ય દેશો સુધી પહોંચાડવામાં ઉપયોગ થાય છે."
તેમણે કહ્યું કે યુરોપીય દેશો સુધી ડ્રગ ગુજરાતના દરિયાકિનારેથી પહોંચાડવાનો ઘણા ડ્રગ પેડલરો પ્રયાસ કરી રહ્યા છે.
બીબીસી ગુજરાતીએ અગાઉ એક રિપોર્ટમાં લખ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં જુલાઈ 2021 સુધી આઠ ટકાનો વધારો નોંધાયો છે, જેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠા પર પડી રહી છે.
એટીએસમાં કાર્યરત એક ઉચ્ચ અધિકારીએ આ નેટવર્ક વિશે બીબીસી ગુજરાતી સાથે વિસ્તારથી વાત કરી.
તેમણે કહ્યું કે "આ નેટવર્કમાં મુખ્યત્વે માછીમારોનો સમાવેશ છે અને આ એવા માછીમારો છે કે જેઓ વિદેશી વહાણોમાં કામ કરીને અહીં પાછા આવ્યા હોય છે."
તેમણે કહ્યું કે આ લોકોનો ડ્રગ પેડલર આવાં વહાણોમાં જ સંપર્ક કરે છે અને તેમના થકી દરિયાકાંઠાનાં ગામોમાં લોકોને શોધવામાં આવે છે, જે ડિલિવરી લઈ શકે છે, અને તેને એકાદ-બે દિવસ સુધી સાચવી શકે.
આ સાચવેલું ડ્રગનું કન્સાઇન્મેન્ટ પછી મુખ્યત્વે દિલ્હી, પંજાબ તરફથી આવેલા લોકો ગુજરાતમાં આવીને લઈ જતા હોય છે અને જે દિલ્હી કે પંજાબ તરફ ન જાય તે તામિલનાડુ અને શ્રીલંકા તરફ જાય છે અને ત્યાંથી તે કન્સાઇન્મેન્ટ બીજા દેશોમાં મોકલવામાં આવે છે.
આ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે એ પણ જણાવ્યું હતું કે "ડ્રગનું મોટા ભાગનું સેવન ઉત્તર ભારતમાં થતું હોય છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો