એ શહેર જ્યાં 50 ડિગ્રીથી વધુ તાપમાન અને ભયાનક ગરમીથી બચવા લોકો જમીનની નીચે વસે છે

    • લેેખક, ઝરિયા ગોર્વેટ
    • પદ, ફીચર્સ સંવાદદાતા

મધ્ય ઑસ્ટ્રેલિયા તરફના લાંબા માર્ગ પર ઍડિલેડના દરિયાકાંઠાનાં મેદાનોથી ઉત્તરમાં 848 કિલોમીટર આગળ વધો ત્યારે રહસ્યમય રેત-પિરામિડ્સ જોવા મળે છે. તેની આસપાસનો વિસ્તાર તદ્દન નિર્જન છે. દૂર સુધી ફેલાયેલી ગુલાબી ધૂળ અને છુટાછવાયા ઝાડવા સિવાય બીજું કશું નથી.

હાઈવે પર આગળ વધીએ ત્યારે રહસ્યમયી બાંધકામો દેખાય છે, લાંબા સમયથી વિસ્મૃત સ્મારકો જેવા નિસ્તેજ માટીના ઢગલા દેખાય છે. થોડા-થોડા અંતરે જમીનમાંથી બહાર નીકળતી સફેદ પાઇપ દેખાય છે.

તે આશરે 2,500 લોકોની વસ્તીવાળા ઓપલ માઇનિંગ ટાઉન કૂબર પેડીના પ્રથમ સંકેતો છે. તેનાં ઘણાં નાનકડાં શિખરો દાયકાઓ પૂર્વે ખાણકામ દરમિયાન બહાર કાઢવામાં આવેલી માટી છે. એ ઉપરાંત વધુ એક સ્થાનિક વિશેષતા, ભૂગર્ભ જીવનના પુરાવા પણ છે.

વિશ્વના આ ખૂણામાં 60 ટકા વસ્તી લોખંડથી સમૃદ્ધ સેન્ડસ્ટોન અને સિલ્ટસ્ટોન ખડકોથી બનેલા ઘરમાં વસવાટ કરે છે. કેટલાંક ઘરોમાં વસવાટનું એકમાત્ર ચિહ્ન વેન્ટિલેશન શાફ્ટ અને પ્રવેશદ્વારની નજીક ફેંકવામાં આવેલી વધારાની માટી છે.

આ ટ્રોગ્લોડાઈટ જીવનશૈલી શિયાળામાં તરંગી લાગી શકે છે, પરંતુ ઉનાળા દરમિયાન કૂબર પેડીમાંનું જીવન (સ્વદેશી ઑસ્ટ્રેલિયન ભાષામાં તેનો અર્થ ‘છિદ્રમાં શ્વેત વ્યક્તિ’ થાય છે) મુશ્કેલ હોય છે. એ સમયે ઉષ્ણતામાન નિયમિત રીતે 52 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે. એટલી ગરમી હોય છે કે આકાશમાં ઊડતાં પક્ષીઓ પણ જમીન પર પટકાય છે. ઇલેક્ટ્રોનિક્સને ફ્રિજમાં રાખવા પડે છે.

દુનિયામાં ગરમી વધતી રહી જઈ રહી છે ત્યારે આ વ્યૂહરચના આ વર્ષે પહેલાંથી ઘણી વધારે દૂરદર્શિતાપૂર્ણ લાગે છે.

દક્ષિણ પશ્ચિમ ચીનના ચોંગક્વિંગ શહેરમાંના, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના જોરદાર હવાઈ બૉમ્બમારાથી બચવા માટે બનાવવામાં આવેલાં આશ્રયસ્થાનો ગયા વર્ષે જુલાઈમાં ખોલી નાખવામાં આવ્યાં હતાં, જેથી નાગરિકોને 35 ડિગ્રી સેન્ટીગ્રેડની સતત દસ દિવસ ચાલેલી ઉષ્ણતાની લહેરથી બચાવી શકાય.

અન્ય લોકો શહેરમાં લોકપ્રિય ભૂમિગત કેવ હોટપૉટ રેસ્ટોરામાં આવી રહ્યા હતા. અમેરિકામાં ગયા વર્ષે સતત ત્રણ મહિના સુધી ભીષણ ગરમી પડી હતી. એટલી જોરદાર ગરમી હતી કે થોર પણ આટલા વધારે તાપમાનને ખમી શકતા ન હતા અને જંગલની આગ દક્ષિણ યુરોપના અનેક વિસ્તારો દઝાડી રહી હતી.

આ પરિસ્થિતિમાં એ સમજવું જોઈએ કે કૂબર પેડીના રહેવાસીઓ પાસેથી આપણે શું શીખી શકીએ.

લાંબો ઇતિહાસ

કૂબર પેડી દુનિયાની સૌપ્રથમ કે સૌથી મોટી ભૂગર્ભ વસાહત નથી. પડકારરૂપ આબોહવાનો સામનો કરવા માટે માણસો હજારો વર્ષોથી ભૂમિગત થતા રહ્યા છે.

માનવ પૂર્વજોએ 20 લાખ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકાની ગુફામાં તેમનાં સાધનો છોડ્યાં હતાં અને નિએન્ડરથલ્સે 1,76,000 વર્ષ પહેલાં હિમયુગ દરમિયાન ફ્રેન્ટ ગ્રોટોમાં સ્ટેલેગ્માઈટ્સના અકલ્પનીય ઢગલા બનાવ્યા હતા. દક્ષિણપૂર્વ સેનેગલમાં જોરદાર ગરમીનો સામનો કરવા માટે ચિમ્પાન્ઝીઓ પણ ગુફામાં ઠંડક અનુભવતા જોવા મળ્યા હતા.

મધ્ય તુર્કીના એક પ્રાચીન જિલ્લા કપ્પાડોકિયાની વાત કરીએ. આ વિસ્તાર એક ઊંચો શુષ્ક પ્રદેશમાં આવેલો છે અને તેની આકર્ષક ભૌગોલિક રચના માટે પ્રખ્યાત છે. તેમાં પરિકથાના સામ્રાજ્ય જેવા શિલ્પિત શિખરો, ચીમનીઓ અને સંખ્યાબંધ ખડકો છે, પરંતુ તેમાં ખરેખર જોવાલાયક બીજી ચીજ પણ છે.

લોકપ્રિય માન્યતા મુજબ, આ બધાની શરૂઆત કેટલાક અદૃશ્ય થઈ ગયેલા ચિકનથી થઈ હતી. 1963માંં એક વ્યક્તિ તેના મરઘા ગૂમ થઈ રહ્યાં હોવાથી પોતાના ભૂગર્ભ ઘરમાં તપાસ કરી હતી. તેણે જોયું તો મરઘાં એક છિદ્રમાં જઈ રહ્યાં હતાં. તે વિસ્તાર સાફ કર્યા પછી એ વ્યક્તિ મરઘાની પાછળ ગઈ ત્યારે વધારે રહસ્ય સર્જાયું હતું.

એ માણસે એક ગુપ્ત માર્ગ શોધી કાઢ્યો હતો, જે તેને અનોખા અને આગળના કોરિડોરની ભુલભુલામણી તરફ દોરી ગયો હતો. તે ખોવાયેલા ડેરિંક્યુ શહેરમાં પ્રવેશવાના ઘણા પ્રવેશદ્વારો પૈકીનું એક હતું.

ડેરિંક્યુ આ વિસ્તારમાંના સેંકડો ગુફા આવાસો અને ભૂગર્ભ શહેરો પૈકીનું એક છે. તેનું નિર્માણ ઈસવી પૂર્વેની આઠમી સદીમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. તેમાં લોકો સહસ્રાબ્દીઓથી સતત વસવાટ કરતા હતા. તેમાં વેન્ટિલેશન શાફ્ટ, કૂવા, તબેલા, ચર્ચ, વેરહાઉસ અને ભૂગર્ભ આવાસોનું વિશાળ નેટવર્ક હતું. આક્રમણ થાય ત્યારે તેમાં 20,000 લોકોને આશ્રય આપી શકાય તેવી મોકળાશ હતી.

કૂબર પેડીની જેમ, ભૂગર્ભમાં રહેવાથી આ પ્રદેશના રહેવાસીઓને ખંડીય આબોહવાનો સામનો કરવામાં મદદ મળી છે. ત્યાં ઉનાળો આકરો તથા શુષ્ક હોય છે, જ્યારે શિયાળો ઠંડોગાર તથા બરફીલો હોય છે. બહારનું ઉષ્ણતામાન શૂન્ય ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી બદલાય છે, પરંતુ અંદરના ભાગમાં ઉષ્ણતામાન કાયમ 13 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે.

આ પ્રદેશમાંની માનવસર્જિત ગુફાઓ અત્યારે પણ તેની ઠંડક આપવાની ક્ષમતા માટે જાણીતી છે. તે એક બિલ્ડિંગ ટેકનિક છે, જેમાં ગરમીના નફા-નુકસાનને ઘટાડવા માટે ઊર્જાને બદલે ડિઝાઇનનો સમાવેશ થાય છે. આજે કેપાડોકિયાની પ્રાચીન ગેલેરીઓ અને માર્ગો પર હજારો ટન બટાકાં, લીંબુ, કોબી અને અન્ય ઉત્પાદનોના ઢગલા જોવા મળે છે. તેની એટલી માંગ છે કે હવે એવા વધુ માળખાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

એક અસરકારક ઉકેલ

કૂબર પેડીના રસ્તાની સાથે આગળ મુખ્ય શહેર છે. પ્રથમ નજરે તે સામાન્ય જૂની વસાહત લાગે. શેરીઓમાં ગુલાબી ધૂળ છે, રેસ્ટોરાં છે, બાર છે, સુપરમાર્કેટ છે અને પેટ્રોલ સ્ટેશન છે.

શિખર ઉપર શહેરનું એકમાત્ર વૃક્ષ છે, ધાતુનું બનેલું શિલ્પ છે. કૂબર પેડી એકદમ ખાલી છે. ઇમારતો એકમેકથી દૂર-દૂરના અંતરે આવેલી છે. તેમાં કશું ઉમેરાતું નથી.

ભૂગર્ભમાં બધું સ્પષ્ટ છે. કૂબર પેડીના કેટલાક "ડગઆઉટ્સ"માં નાની સામાન્ય ઇમારતો મારફત પ્રવેશી શકાય છે. તમે અંદર પ્રવેશો એટલે ભૂગર્ભ માર્ગો ધીમે ધીમે પ્રગટ થાય છે. રિબા જેવાં અન્ય સ્થળો વધારે સ્પષ્ટ છે. રિબા એક કૅમ્પસાઇટ છે, જ્યાં લોકો જમીનની અનેક મીટર નીચે પોતપોતાના તંબુ તાણી શકે છે. તેમાંથી ડાર્ક ટનલમાં પ્રવેશી શકાય છે.

કૂબર પેડીમાં છત તૂટી ન પડે એટલા માટે ભૂમિગત ઇમારતો ઓછામાં ઓછી ચાર મીટર (13 ફૂટ) નીચે હોવા જરૂરી છે અને ખડકોની નીચે હોવાથી ઉષ્ણતામાન કાયમ 23 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જમીનની ઉપર રહેવાસીઓએ આકરી ગરમી અને ઠંડાગાર શિયાળાનો સામનો કરવો પડે છે.

ત્યાં તાપમાન નિયમિત રીતે બે-ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. ભૂગર્ભ ઘરોમાં આખું વર્ષ એકસરખું તાપમાન જળવાઈ રહે છે.

આરામ ઉપરાંત ભૂગર્ભ જીવનનો એક મોટો ફાયદો પૈસા છે. પોતાની જરૂરિયાતની તમામ વીજળી કૂબર પેડી ઉત્પન્ન કરે છે. એ પૈકીની 70 ટકા પવન અને સૌર ઊર્જા મારફત મેળવવામાં આવે છે, પરંતુ એરકન્ડિશનર ચલાવવું અત્યંત ખર્ચાળ છે. રીબાના સંચાલક જેસન રાઈટ કહે છે, "જમીનની ઉપર ઉનાળામાં તાપમાન ઘણીવાર 50 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ હોય છે ત્યારે ગરમી અને ઠંડક માટે બહુ પૈસા ખર્ચવા પડે છે."

બીજી બાજુ, કૂબર પેડીમાંનાં ભૂગર્ભ ઘરોમાં રહેવું પ્રમાણમાં પોસાય તેવું છે. તાજેતરની હરાજી દરમિયાન ત્રણ બેડરૂમવાળું એક ઘર લગભગ 26,000 ડૉલરમાં વેચાયું હતું.

જોકે, આ પૈકીની ઘણી પ્રૉપર્ટી બેઝિક અને સમારકામ માગતી હોવા છતાં અહીંના વેલ્યુએશન અને નજીકના મોટા શહેર ઍડિલેઈડના વેલ્યુએશનમાં મોટો તફાવત છે.

ઍડિલેઈડમાં ઘરની સરેરાશ કિંમત 4,57,000 ડૉલર હોય છે. અન્ય એક ફાયદો એ છે કે અહીં એકેય જંતુ હોતું નથી. રાઈટ કહે છે, "તમે દરવાજે જાઓ ત્યારે માખીઓ તમારી પીઠ પરથી ઊડી જાય છે, કારણ કે તે અંધારા અને ઠંડીમાં જવા ઇચ્છતી નથી." અહીં અવાજ કે પ્રકાશનું પ્રદૂષણ પણ નથી.

વિચિત્ર વાત એ પણ છે કે ભૂગર્ભ જીવનશૈલી ધરતીકંપો સામે પણ થોડું રક્ષણ પ્રદાન કરી શકે છે. તેનું વર્ણન કરતાં રાઇટ જણાવે છે કે તેમાં કંપનશીલ અવાજ ઉત્પન્ન થાય છે, તેની તીવ્રતામાં વધારો થાય છે અને પછી તે ડગઆઉટના બીજા છેડે જાય છે.

રાઇટ કહે છે, "અમારી પાસે બે ડગઆઉટ છે અને મને ક્યારેય ધ્રુજારીનો અનુભવ સુદ્ધાં થયો નથી." (જોકે, ધરતીકંપ દરમિયાન ભૂગર્ભ માળખાની સલામતી તેની વિશાળતા, જટિલતા અને ઊંડાણ પર નિર્ભર હોય છે)

આદર્શ સેટઅપ

સવાલ એ છે કે ભૂગર્ભ ઘરો હવામાન પરિવર્તનની અસરોનો સામનો કરવામાં લોકોને મદદરૂપ થઈ શકે? આવાં ઘરો શા માટે વધારે સર્વસામાન્ય નથી?

કૂબર પેડીમાં ડગઆઉટ્સ બનાવવાનું વિશિષ્ટ રીતે વ્યવહારુ હોવાનાં ઘણાં કારણો છે. પ્રથમ છે ખડક. પ્રવાસી માહિતી કેન્દ્રના કર્મચારી બેરી લુઈસ કહે છે, "તે બહુ જ નરમ હોય છે. તેને પોકેટ નાઇફ અથવા તમારા નખથી સ્ક્રેચ કરી શકો છો."

1960 અને 70ના દાયકામાં કૂબર પેડીના રહેવાસીઓએ તેમનાં ઘરોનો વિસ્તાર, તેમણે સ્ફટિકની ખાણો બનાવી હતી એ રીતે જ કર્યો હતો.

તેમણે વિસ્ફોટકો, પીકેક્સ અને કોદાળીઓનો ઉપયોગ કર્યો હતો. કેટલાકને બહુ ખોદવાની જરૂર પડી ન હતી, કારણ કે ઘણા સ્થાનિકો ત્યજી દેવાયેલી માઈન શાફ્ટનો ઉપયોગ પ્રારંભિક બિંદુ તરીકે કરે છે. આજે તેઓ ખોદકામ ઔદ્યોગિક ટનલિંગ સાધનો વડે કરે છે.

રાઇટ કહે છે, "એક સારું ટનલિંગ મશીન ખડકમાં પ્રતિ કલાક છ ક્યુબિક મીટર ખોદકામ કરી શકે છે. તેથી તમે એક મહિના કરતાં ઓછા સમયમાં ડગઆઉટ બનાવી શકો છો."

જોકે, હાથ વડે ખોદકામ કરવું હજી પણ શક્ય છે. તેથી રહેવાસીઓને વધુ જગ્યાની જરૂર હોય ત્યારે તેઓ માત્ર હેકિંગ શરૂ કરી દે છે અને ઓપલ માઇનિંગ વિસ્તાર હોવાને કારણે પૈસા કમાવા માટે રિનોવેશન પ્રોજેક્ટ એ કોઈ અજાણી વાત નથી.

એક માણસ શાવર લગાવી રહ્યો હતો ત્યારે તેને દીવાલમાં ચીપકેલું મોટું રત્ન મળી આવ્યું હતું અને એક સ્થાનિક હોટેલની ઇમારતનો વિસ્તાર કરવામાં આવતો હતો ત્યારે 9,85,000 ડૉલરના મૂલ્યનો સ્ફટિક મણિ મળ્યો હતો.

એ ઉપરાંત સેન્ડસ્ટોન કોઈ પણ ટેકા વિના પણ માળખાકીય રીતે મજબૂત હોય છે. તેથી વધારાની કોઈ સામગ્રી વિના તમે ઊંચી છતવાળા ગમે તે આકારના ગુફા ઓરડાઓ બનાવી શકો છો.

વાસ્તવમાં કૂબર પેડીમાં ટનલિંગ એટલું સરળ છે કે ઘણા સ્થાનિકો ભૂગર્ભ સ્વિમિંગ પૂલ, ગેમ રૂમ, વિશાળ બાથરૂમ અને અત્યાધુનિક દિવાનખાના સાથેના વિશાળ, વૈભવી આવાસોમાં રહે છે.

એક સ્થાનિક રહેવાસીએ તેના ઘરને કિલ્લા જેવું ગણાવ્યું હતું. 50,000 ટમ્બલ ઈંટો સાથે બનાવવામાં આવેલા તે ઘરના દરેક રૂમમાં કમાનવાળા દરવાજા હતા.

રાઇટ કહે છે, "અહીં કેટલાક અદ્ભુત ડગઆઉટ્સ છે." અહીંના કેટલાક રહેવાસીઓ ખૂબ જ પ્રાઇવસી રાખે છે. તમે ભૂગર્ભમાં રહેતા હો ત્યારે આ શક્ય છે. તેથી તમને રાત્રિભોજન માટે આમંત્રિત કરવામાં આવે ત્યારે જ તમે તેમના વિશે જાણી શકો છો.

ભેજનો મુદ્દો

દરેક જગ્યાએ કૂપર પેડી જેવા આવાસો બનાવવાનું શક્ય નથી. કોઈપણ ભૂગર્ભ માળખામાં એક મોટો પડકાર ભેજનો પણ હોય છે.

માણસો વસવાટ કરતા હોય તેવા ખડકોના ઘણા આવાસો સૂકા વિસ્તારમાં છે. તેમાં કોલોરાડોમાં મેસા ખાતે ખડકો પર બાંધવામાં આવેલા ટાવર તથા દીવાલોથી માંડીને જોર્ડનના પેટ્રામાંના પિન્ક સેન્ડસ્ટોન વડે નિર્મિત વિશાળ મંદિરો, કબરો અને મહેલોનો સમાવેશ થાય છે. આજે માણસો વસતા હોય તેવા છેલ્લા રોક-કટ ગામો પૈકીનું એક કંદોવન છે, જે ઈરાનમાં સહંદ પર્વતની તળેટીમાં આવેલું છે. એ વિસ્તારમાં સમગ્ર ઉનાળા દરમિયાન પ્રત્યેક મહિને સરેરાશ માત્ર 11 મિલિમીટર વરસાદ પડે છે.

બીજી બાજુ, ભીનાશવાળા વિસ્તારોમાં ભૂગર્ભ મકાન બનાવવાનું ખૂબ જ મુશ્કેલ છે. લંડનની 19મી સદીમાં બનાવવામાં આવેલી ભૂગર્ભ ટનલને વૉટરપ્રુફ કરવા માટે ઈંટના અનેક સ્તર બનાવવામાં આવ્યા હતા અને તે દરેક પર મોટા પ્રમાણમાં બિટુમેન કોટિંગ કરવામાં આવ્યું હતું, (આજે વધુ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે) પરંતુ સાવચેતીના એ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં બ્લેક મોલ્ડ્ઝના અહેવાલ નિયમિત રીતે આવતા રહે છે. આ સમસ્યાની અસર સમગ્ર વિશ્વમાંના વધારે વરસાદ પડતો હોય તેવા વિસ્તારોમાં બેઝમેન્ટ્સ, બંકર્સ અને કાર પાર્કિંગને થાય છે.

તેનાં મુખ્ય બે કારણો છે. પહેલું છે વેન્ટિલેશનનો અભાવ. એ અભાવને કારણે રસોઈ, શાવરિંગ અને શ્વાચ્છોશ્વાસથી નીપજતો ભેજ ગુફાની દિવાલોમાં જ રહે છે. બીજું છે ભૂગર્ભજળ. ભૂગર્ભ આવાસો જળસ્રોતની નજીક બાંધવામાં આવ્યા હોય તો એ સમસ્યા સર્જે છે.

ઇઝરાયલની હાઝાન ગુફાઓનું ઉદાહરણ લઈએ. તે રોમનો દ્વારા કરવામાં આવતા જુલમથી બચવા માટે યહૂદી લોકો દ્વારા બનાવવામાં આવેલા ભૂગર્ભ સ્થળોનું એક જટિલ નેટવર્ક છે.

તેમાં ઓલિવ પ્રેસ, રસોડાં, હૉલ, પાણીના ભંડાર અને અંતિમ સંસ્કારના કોલમ્બેરિયમ સહિતની તમામ સુવિધા છે. ગુફામાં માત્ર 66 મીટર નીચે, બહારની સરખામણીએ તાપમાન નોંધપાત્ર પ્રમાણમાં ઓછું રહે છે, પરંતુ ભેજનું પ્રમાણ ચાલીસ ટકાથી બમણું થઈ જાય છે.

તે આંશિક રીતે હોઈ શકે, કારણ કે કેવ સિસ્ટમ નીચાણવાળા વિસ્તારના છિદ્રાળુ ખડકમાં બનેલી છે, જ્યાં ભૂગર્ભજળ વધુ હોય છે.

સાંકડા માર્ગો અને મર્યાદિત પ્રવેશદ્વારો હોવાને લીધે તેમાં હવાની અવરજવર પણ ઓછી થાય છે.

જોકે, છિદ્રાળુ સેન્ડસ્ટોન પરના કૂબર પેડીમાં ભૂગર્ભમાં પણ વાતાવરણ શુષ્ક હોય છે. રાઇટ કહે છે, "અહીં બહુ શુષ્કતા હોય છે." ઑક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે એટલા માટે અને ઘરમાંની ગતિવિધિમાંથી ભેજ બહાર જતો રહે એટલા માટે વેન્ટિલેશન શાફ્ટ બનાવવામાં આવી છે. તે શાફ્ટ મોટા ભાગે છતમાંથી ઉપર જતા સામાન્ય પાઈપ્સ હોય છે.

આ હિટવેવ-પ્રુફ બંકર્સના કેટલાક ગેરલાભ પણ છે. એ સ્થળે આવેલું પોતાનું ભૂગર્ભ ઘર તૂટી પડ્યું એ પછી લેવિસ હાલમાં જમીન ઉપરના કેરેવાન પાર્કમાં રહે છે. લેવિસ કહે છે, "એવું વારંવાર બનતું નથી. તે ખરાબ જમીન પર આવેલું હતું." રહેવાસીઓ અકસ્માતે પાડોશીના ઘરના દરવાજે ટકોરા મારી દે તેવું પણ ઘણીવાર બને છે.

સમસ્યાઓ હોવા છતાં લેવિસને તેમનું ડગઆઉટમાંનું જીવન બહુ સાંભરે છે, જ્યારે હાલના ઊંચા તાપમાનનો સામનો કરતી દરેક વ્યક્તિએ ડગઆઉટમાં રહેવું જોઈએ, તેવી ભલામણ રાઇટ કરે છે.

તેઓ કહે છે, "તમને ગરમીથી તકલીફ થતી હોય ત્યારે આ બુદ્ધિગમ્ય વિકલ્પ છે."

કૂબર પેડીના વિલક્ષણ સેન્ડ-પિરામિડ્સ ટૂંક સમયમાં અન્ય સ્થળોએ પણ દેખાવા લાગે તો નવાઈ નહીં.