You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : આ રીતે થાય છે ભારતમાં વિમાન દુર્ઘટનાની તપાસ
- લેેખક, પ્રેરણા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. તે અમદાવાદથી લંડન જઈ રહી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક મુસાફરને બાદ કરતાં અન્ય તમામ મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં.
દેશના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુના કહેવા પ્રમાણે, અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
કિંજરાપુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું કે ઇન્ટરનૅશનલ સિવિલ ઑર્ગેનાઇઝેશન (આઈસીએઓ) દ્વારા નિર્ધારિત ઇન્ટરનૅશનલ પ્રોટોકૉલ હેઠળ ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ (એએઆઈબી) અકસ્માતની સત્તાવાર તપાસ શરૂ કરી દીધી છે.
પોસ્ટમાં તેઓ વધુમાં લખે છે, "આ સિવાય, સરકાર આ કેસની વિસ્તૃત તપાસ માટે અનેક વિષયોના નિષ્ણાતોની એક ઉચ્ચસ્તરીય સમિતિ રચશે. આ સમિતિ ઉડ્ડયન સુરક્ષાને સુદૃઢ કરવા તથા ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે કામ કરશે."
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને અકસ્માત સમયે તેમાં 242 મુસાફર સવાર હતા.
બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરના કહેવા પ્રમાણે, અકસ્માતની તપાસમાં મદદ કરવા માટે બ્રિટિશ તપાસકર્તાઓની એક ટીમ અમદાવાદ પહોંચી છે.
અમેરિકામાં વિમાન અકસ્માતોની તપાસ કરવા માટેની સંસ્થા નૅશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફ્ટી બોર્ડની પણ એક ટીમ ભારત પહોંચી છે. તેઓ પણ વિમાન અકસ્માતની તપાસ કરનારી ભારતીય એજન્સીઓની મદદ કરશે.
શું તમે જાણો છો કે ભારતમાં વિમાન અકસ્માતોની તપાસ કોણ કરે છે અને તેની પ્રક્રિયા કેવી હોય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિમાન દુર્ઘટનાની તપાસ કોણ કરે?
ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ એએઆઈબી (ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો) દ્વારા કરવામાં આવે છે. એએઆઈબી દ્વારા જે તે અકસ્માતની તપાસ કરવા માટે અધિકારીઓની ટીમ ગઠિત કરવામાં આવે છે.
ઉડ્ડયન નિષ્ણાત મીનુ વાડિયાના કહેવા પ્રમાણે, અકસ્માતથી જે કોઈ સંસ્થાને અસર પહોંચી હોય, તેમને પણ સામેલ કરવામાં આવે છે અથવા તો સામેલ કરી શકાય છે.
મીનુ વાડિયા કહે છે, "અમદાવાદમાં જે વિમાનને અકસ્માત નડ્યો, તેનું નિર્માણ બૉઇંગે કર્યું છે, એટલે તેને પણ તપાસમાં સામેલ કરાશે. વિમાનમાં ખાસ્સી સંખ્યામાં બ્રિટિશ મુસાફર પણ હતા, એટલે બ્રિટનની એજન્સી ઍર ઍક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ પણ તેમાં સામેલ છે."
"જોકે તેની ભૂમિકા માત્ર તપાસ સંબંધિત વાતચીત તથા બેઠકોમાં સામેલ થવા પૂરતી મર્યાદિત રહેશે, વધુમાં વધુ તો સૂચન કરી શકે છે. દુર્ઘટનાની તપાસ તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતી, આ કામ માત્ર એએઆઈબી દ્વારા પસંદ કરાયેલા અધિકારીઓ જ કરી શકે છે."
મુખ્યત્વે કયા મુદ્દે તપાસ થાય?
કયા-કયા મુદ્દે તપાસ કરવામાં આવશે, તે કેસ-ટુ-કેસ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ દરેક દુર્ઘટનાની તપાસ દરમિયાન અમુક આયામથી છણાવટ થાય જ છે.
જેમ કે સૌપ્રથમ અકસ્માતસ્થળને સીલ કરી દેવામાં આવે છે, પછી બ્લૅક બૉક્સને શોધવામાં આવે છે, જે તપાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ કડી સાબિત થાય છે.
બ્લૅક બૉક્સ 'ફ્લાઇટ ડેટા રેકૉર્ડર' પણ હોય છે, જેમાં ઉડ્ડાણ દરમિયાન પાઇલટ તથા ઍર ટ્રાફિક કંટ્રોલર (એટીસી) વચ્ચે શું વાતચીત થઈ, તેનું રેકૉર્ડિંગ અને વિવરણ હોય છે.
એ પછી પુરાવા એકત્ર કરવામાં આવે છે, આના માટે વિમાનના કાટમાળની તપાસ હાથ ધરવામાં આવે છે. સાથે જ રડાર ડેટા, સારસંભાળની રિપોર્ટ, એટીસી તથા પાઇલટ વચ્ચેની વાતચીતનું રેકૉર્ડિંગ, હવામાન વિશે માહિતી તથા સુરક્ષા માટે લગાડવામાં આવેલા કૅમેરાના ફૂટેજ ચકાસવામાં આવે છે.
તપાસકર્તાઓ વિમાન અકસ્માતમાં બચી ગયેલા લોકો, ઍર ટ્રાફિક કંટ્રોલર, ઍરલાઇનની જાળવણી કરનાર સ્ટાફ, પ્રત્યક્ષદર્શીઓ તથા અન્ય હિતધારકો સાથે વાતચીત કરીને ક્રૅશનાં સંભવિત કારણો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે.
આ પ્રકારની દુર્ઘટનામાં ફૉરેન્સિક તપાસ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કડી હોય છે. જેમ કે, પાઇલટ કે ચાલકદળના સભ્યોના મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવે છે, જેથી કરીને તેમણે કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા કે નશામાં હોવા વિશે જાણકારી મેળવી શકાય.
બીજી બાજુ, ઍરક્રાફ્ટના પાર્ટ્સની પણ તપાસ કરવામાં આવે છે. આ પ્રારંભિક તપાસ બાદ જ તપાસકર્તાઓની ટીમનું ગઠન કરવામાં આવે છે.
તપાસ કરનારી ટીમમાં કોણ-કોણ હોય છે?
મીનુ વાડિયાના કહેવા પ્રમાણે, આ ટીમમાં તબીબો, મનોચિકિત્સક, એન્જિનિયર્સ, પાઇલટ્સ, ઍવિયેટર્સ તથા અન્ય કેટલાક નિષ્ણાતો સામેલ હોય છે. જે દુર્ઘટનાના દરેક આયામની તપાસ કરે છે.
તપાસ પૂર્ણ થયે એએઆઈબી દ્વારા આ અંગેનો અહેવાલ સાર્વજનિક કરવામાં આવે છે તથા તેને વેબસાઇટ પર પણ મૂકવામાં આવે છે.
તપાસનો અંતિમ અહેવાલ આઈસીએઓને પણ મોકલવામાં આવે છે. આ સિવાય તપાસમાં સામેલ તમામ પક્ષકારોને આ અહેવાલ મોકલવામાં આવે છે.
તપાસ બાદ સુરક્ષાને વધારવા સંબંધિત સૂચનો આપવામાં આવે છે. જે ડીજીસીએ (ડાયરેક્ટર જનરલ સિવિલ ઍવિયેશન) તથા આઈસીએઓમાં સામેલ દેશોનાં ઉડ્ડયન મંત્રાલયોને પણ મોકલવામાં આવે છે.
જેથી કરીને તેઓ ભલામણોને લાગુ કરે તથા ભવિષ્યમાં દુર્ઘટના ન થાય તે માટે જરૂરી પગલાં લે.
આઈસીઓ શું છે?
વર્ષ 1944માં અમેરિકા ખાતે વિશ્વના 52 દેશોની વચ્ચે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન કરાર થયા, જેના હેઠળ આ દેશોની (જેમાં બ્રિટિશ સંસ્થાન ભારત પણ સામેલ હતું) વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વધુ સલામત અને શાંતિપૂર્ણ બનાવવા કેટલાક નિયમો ઘડવા અંગે સહમતિ સધાઈ હતી.
આ નિયમ ઍરસ્પેસના ઉપયોગ, સુરક્ષા પરિમાણો, ઍરક્રાફ્ટ રજિસ્ટ્રેશન, કસ્ટમ તથા ઇમિગ્રેશન સંબંધે હતા. જે કોઈ દેશોએ ઉપરોક્ત કરાર પર સહી કરી હતી, તેમણે આ નિયમોનું પાલન કરવાનું હતું.
આ કરાર પછી આઈસીએઓની (ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશન) સ્થાપના થઈ, જે સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી છે. આ સંસ્થા આજે પણ અસ્તિત્વ ધરાવે છે તથા આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીનું નિયમન કરવામાં મદદ કરે છે.
આ પહેલાં ભારતમાં વિમાન દુર્ઘટનાઓની તપાસ ઇન્ડિયન ઍરક્રાફ્ટ ઍક્ટ -1934 હેઠળ થતી હતી.
એ સમયે ભારત બ્રિટિશ શાસનને આધીન હતું. 1944ના શિકાગો કન્વેન્શન બાદ સંગઠને નક્કી કરેલા માપદંડો મુજબ કામકાજ શરૂ થયું.
ડીજીસીએની સ્થાપના
ભારતમાં આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ રાષ્ટ્રીય ડાયરેક્ટર જનરલ સિવિલ ઍવિયેશનની (ડીજીસીએ) સ્થાપના કરવામાં આવી.
ડીજીસીએ દ્વારા ભારતમાં નાગરિક ઉડ્ડયનક્ષેત્રે નિયમ ઘડતર અને સુરક્ષા સંબંધિત કામકાજ કરવામાં આવે છે. પાઇલટ તથા એન્જિનિયરોને લાઇસન્સ આપવાં, ઍરલાઇન્સને પરમિટ આપવી, વિમાન ઉડ્ડયનને પાત્ર છે કે નહીં તે નક્કી કરવું, હવાઈયાત્રા સંબંધિત નિયમો તથા દિશાનિર્દેશનું ઘડતર કરવું, આઈસીએઓના માપદંડો મુજબ કામકાજ થઈ રહ્યું છે કે નહીં, તે જોવાની જવાબદારી ડીજીસીએની છે.
વર્ષ 2012 સુધી ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટનાઓની તપાસ હાથ ધરવામાં આવતી હતી. ડીજીસીએ દ્વારા નિયમોનું ઘડતર કરવામાં આવતું હતું અને તે જ અકસ્માતની તપાસ કરતું, જેના કારણે તેની નિષ્પક્ષતા અંગે સવાલ ઊભા થતા હતા.
આઈસીએઓના નિયમ મુજબ, વિમાન દુર્ઘટનાઓની તપાસ સ્વતંત્ર સંસ્થા દ્વારા થવી જોઈએ, જે ઍરલાઇન સાથે જોડાયેલી ન હોય કે નિયામક પણ ન હોય.
એટલે ભારત સરકારે વર્ષ 2012માં ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોની સ્થાપના કરી, જે વિમાન અકસ્માતોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી શકે.
નિષ્પક્ષતા પર પણ સવાલ યથાવત્
જોકે, કેટલાક નિષ્ણાતો એએઆઈબીની નિષ્પક્ષતા અંગે પણ સવાલ ઊભા કરે છે.
મીનુ વાડિયાએ બીબીસી સાથે વાત કરતી વેળાએ કહ્યું કે, 'એએઆઈબીના નિદેશક દ્વારા ભલે એવો દાવો કરવામાં આવે કે તે સ્વતંત્ર બૉડી છે અને સંપૂર્ણપણે નિષ્પક્ષ છે, પરંતુ હકીકત એ છે કે આ સંસ્થા હજુ પણ નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ આવે છે. એટલે આ સંસ્થાને કે તેના રિપોર્ટને સંપૂર્ણપણે નિષ્પક્ષ ઠેરવી ન શકાય.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન