ઇંદિરા ગાંધી રાષ્ટ્રપતિ બનીને આખી જિંદગી સત્તામાં રહેવા માગતાં હતાં?

    • લેેખક, સૌતિક બિશ્વાસ

1970ના દાયકાના મધ્યમાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન ભારત એવા સમયગાળામાં પ્રવેશ્યું જ્યાં નાગરિક સ્વતંત્રતાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. મોટાભાગના રાજકીય વિરોધીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

ઇતિહાસકાર શ્રીનાથ રાઘવન તેમના નવા પુસ્તકમાં ખુલાસો કહે છે કે, આ સરમુખત્યારશાહીના પડદા પાછળ રહીને કૉંગ્રેસ પાર્ટીની સરકારે શાંતિથી દેશની પુનઃકલ્પના કરવાનું શરૂ કર્યું હતું. ચેક અને બૅલેન્સની લોકશાહી તરીકે નહીં, પરંતુ આદેશ અને નિયંત્રણ દ્વારા સંચાલિત કેન્દ્રિય રાજ્યના રૂપમાં.

ઇંદિરા ગાંધી અને યર્સ ધેટ ટ્રાન્સફૉર્મ્ડ ઇન્ડિયામાં, પ્રોફેસર રાઘવન લખે છે કે કેવી રીતે ગાંધીના ટોચના અમલદારો અને પક્ષના વફાદારોએ રાષ્ટ્રપતિ શાસન માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આ એક એવી સિસ્ટમ હતી જે કારોબારી શક્તિનું કેન્દ્રીકરણ કરશે. "અવરોધક" ન્યાયતંત્રને બાજુ પર રાખી અને સંસદને પ્રતીકાત્મક કોરસ સુધી સીમિત કરી દેશે.

ચાર્લ્સ ડી ગોલના ફ્રાન્સથી પ્રેરિત ભારતમાં મજબૂત રાષ્ટ્રપતિપદ માટેનો પ્રયાસ સંસદીય લોકશાહીની મર્યાદાઓથી આગળ વધવાની સ્પષ્ટ મહત્ત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. ભલે તે ક્યારેય સંપૂર્ણ રીતે સાકાર ન થઈ.

રાષ્ટ્રપતિ પ્રણાલી લાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

પ્રોફેસર રાઘવન લખે છે કે આ બધું સપ્ટેમ્બર 1975માં શરૂ થયું હતું, જ્યારે એક અનુભવી રાજદ્વારી અને ગાંધીના નજીકના સહાયક બી.કે. નહેરુએ કટોકટીને "લોકસમર્થન દ્વારા ઉત્પન્ન થતી અપાર હિંમત અને શક્તિની યાત્રા" તરીકે ગણાવીને એક પત્ર લખ્યો હતો અને ઇંદિરા ગાંધીને આ તકનો લાભ લેવા વિનંતી કરી હતી.

સંસદીય લોકશાહી "આપણી જરૂરિયાતોનો જવાબ આપી શકી ન હતી", નહેરુએ લખ્યું. આ પ્રણાલીમાં કારોબારી સતત ચૂંટાયેલી વિધાનસભાના સમર્થન પર આધાર રાખતી હતી "જે લોકપ્રિયતા શોધે છે અને કોઈપણ અપ્રિય પગલાને અટકાવે છે".

પ્રોફેસર રાઘવન લખે છે કે, ભારતને જેની જરૂર હતી તે સીધી રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિની હતી. સંસદીય નિર્ભરતાથી મુક્ત અને રાષ્ટ્રીય હિતમાં "કઠિન અને અલોકપ્રિય નિર્ણયો" લેવા સક્ષમ.

તેમણે જે મોડેલ તરફ ઇશારો કર્યો તે ડી ગોલનું ફ્રાન્સ હતું. જે મુજબ એક મજબૂત રાષ્ટ્રપતિપદમાં સત્તા કેન્દ્રિત કરવી. નહેરુએ એકલ, સાત વર્ષના રાષ્ટ્રપતિ કાર્યકાળ, સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ, મર્યાદિત સત્તાઓ સાથે ન્યાયતંત્ર અને કડક બદનક્ષી કાયદાઓ દ્વારા નિયંત્રિત પ્રેસની કલ્પના કરી હતી. તેમણે મૂળભૂત અધિકારો - ઉદાહરણ તરીકે સમાનતાનો અધિકાર અથવા વાણી સ્વાતંત્ર્ય - ને તેમની ન્યાયસંગતતાથી વંચિત કરી દેવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

નહેરુએ ઇંદિરા ગાંધીને વિનંતી કરી કે "જ્યારે તમારી પાસે બે તૃતીયાંશ બહુમતી હોય ત્યારે બંધારણમાં આ મૂળભૂત ફેરફારો કરો". તેમના વિચારોને વડાં પ્રધાનના સચિવ પી.એન. ધરે "ઉત્સાહથી સ્વીકાર્યા". ત્યાર બાદ ગાંધીએ નહેરુને તેમના પક્ષના નેતાઓ સાથે આ વિચારોની ચર્ચા કરવાની મંજૂરી આપી પરંતુ "ખૂબ સ્પષ્ટ અને ભારપૂર્વક" કહ્યું કે તેમણે એવી છાપ ન આપવી જોઈએ કે તેમના પર તેમની મંજૂરીની મહોર છે.

'અમારી બહેનને આજીવન રાષ્ટ્રપતિ બનાવો'

પ્રોફેસર રાઘવન લખે છે કે આ વિચારોને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જેમ કે જગજીવન રામ અને વિદેશ મંત્રી સ્વર્ણ સિંહ તરફથી ઉત્સાહપૂર્વક સમર્થન મળ્યું. હરિયાણા રાજ્યના મુખ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું: "આ ચૂંટણીની બકવાસ છોડી દો. જો તમે મને પૂછો તો ફક્ત અમારી બહેન [ઇંદિરા ગાંધી] ને આજીવન રાષ્ટ્રપતિ બનાવો અને બીજું કંઈ કરવાની જરૂર નથી". બે બિન-કૉંગ્રેસી મુખ્ય મંત્રીઓમાંથી એક - તમિલનાડુના એમ કરુણાનિધિ - જે બે બિન-કૉંગ્રેસી મુખ્ય મંત્રીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યા હતા - તેનાથી પ્રભાવિત થયા નહીં.

પ્રોફેસર રાઘવન લખે છે કે જ્યારે નહેરુએ ગાંધીને પાછી જાણ કરી, ત્યારે તેમણે કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી નહીં. તેમણે તેમના નજીકના સહાયકોને દરખાસ્ત પર વધુ વિચાર કરવાની સૂચના આપી.

"આપણા બંધારણ પર એક નવી નજર: કેટલાંક સૂચનો" નામનો દસ્તાવેજ બહાર આવ્યો, જે ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવ્યો અને વિશ્વસનીય સલાહકારોને આપવામાં આવ્યો. તેમાં એક રાષ્ટ્રપતિનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જેની પાસે તેમના અમેરિકન સમકક્ષ કરતા પણ વધુ સત્તાઓ હોય, જેમાં ન્યાયિક નિમણૂકો અને કાયદા પર નિયંત્રણનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક નવી "સુપિરિયર કાઉન્સિલ ઑફ જ્યુડિશિયરી", "કાયદા અને બંધારણ" નું અર્થઘટન કરશે - સુપ્રીમ કોર્ટને અસરકારક રીતે તટસ્થ બનાવશે.

ગાંધીએ આ દસ્તાવેજ ધરને મોકલ્યો, જેમણે સ્વીકાર્યું કે તે "બંધારણને અસ્પષ્ટ રીતે સરમુખત્યારશાહી દિશામાં વાળે છે".કૉંગ્રેસ પ્રમુખ ડી.કે. બારુઆએ 1975ના પક્ષના વાર્ષિક સત્રમાં બંધારણની "સંપૂર્ણ પુનઃપરીક્ષણ" માટે જાહેરમાં હાકલ કરીને સ્થિતિને પામવાનો પ્રયાસ કર્યો.

બંધારણનો 42મો સુધારો

આ વિચાર ક્યારેય ઔપચારિક દરખાસ્તમાં સંપૂર્ણ રીતે ફેરવાયો નહીં. પરંતુ તેનો પડછાયો 1976માં પસાર થયેલા ચાલીસમા સુધારા કાયદા પર છવાઈ ગયો, જેણે સંસદની સત્તાઓનો વિસ્તાર કર્યો, ન્યાયિક સમીક્ષા મર્યાદિત કરી અને કારોબારી સત્તાઓને વધુ કેન્દ્રિત બનાવી.

આ સુધારાએ પાંચ કે સાત ન્યાયાધીશોની બહુમતી જરૂરી બનાવીને કાયદાઓને રદ કરવાનું મુશ્કેલ બનાવ્યું, આનો હેતુ સંસદની સત્તાને મર્યાદિત કરી બંધારણના 'મૂળભૂત માળખાના સિદ્ધાંત'ને નબળો પાડવાનું હતું.

તેણે રાજ્યોમાં સશસ્ત્ર દળો તહેનાત કરવા, પ્રદેશ-વિશિષ્ટ કટોકટી જાહેર કરવા અને રાષ્ટ્રપતિ શાસન - સીધા સંઘીય શાસનને - છ મહિનાથી એક વર્ષ સુધી લંબાવવાની વ્યાપક સત્તા પણ સંઘીય સરકારને સોંપી દીધી. તેણે ચૂંટણી વિવાદોને પણ ન્યાયતંત્રની પહોંચની બહાર મૂક્યા.

આ હજુ સુધી રાષ્ટ્રપતિ પ્રણાલી નહોતી, પરંતુ તેમાં એક આનુવંશિક છાપ હતી - એક શક્તિશાળી કારોબારી, હાંસિયામાં ધકેલાઈ ગયેલું ન્યાયતંત્ર અને નબળી તપાસ અને સંતુલન. સ્ટેટ્સમેન અખબારે ચેતવણી આપી હતી કે "એક જ પ્રહારથી, આ સુધારો બંધારણીય સંતુલનને સંસદની તરફેણમાં ઢાળી દેશે."

તો પછી રાષ્ટ્રપતિ શાસનનો પ્રશ્ન કેવી રીતે ઊભો થયો?

દરમિયાન ગાંધીના વફાદાર લોકો પૂરી તાકાતથી આગળ વધી રહ્યા હતા. સંરક્ષણ પ્રધાન બંસીલાલે તેમને વડાં પ્રધાન તરીકે "જીવનભરની સત્તા" માટે વિનંતી કરી, જ્યારે ઉત્તરનાં રાજ્યો હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કૉંગ્રસસભ્યોએ ઑક્ટોબર 1976 માં સર્વાનુમતે નવી બંધારણ સભાની માંગ કરી.

પ્રોફેસર રાઘવન લખે છે, "વડાં પ્રધાન આશ્ચર્યચકિત થઈ ગયાં. તેમણે આ પગલાંને નકારવાનો અને સંસદમાં સુધારા બિલને ઝડપથી પસાર કરવાનો નિર્ણય લીધો."

ડિસેમ્બર 1976 સુધીમાં બિલ સંસદનાં બંને ગૃહો દ્વારા પસાર થઈ ગયું હતું અને 13 રાજ્ય વિધાનસભાઓ દ્વારા બહાલી આપવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ દ્વારા સહી થઈ કાયદો બની ચુક્યું હતું.

1977 માં ગાંધીની આઘાતજનક હાર પછી, અલ્પજીવી નીવડેલી જનતા પાર્ટીએ – જે ગાંધી વિરોધી દળોનો સમૂહ હતી- નુકસાનને પૂર્વવત્ કરવા માટે ઝડપથી પગલાં ભર્યાં. 43મા અને 44મા સુધારા દ્વારા તેણે 42મા બંધારણના મુખ્ય ભાગોને પાછો ખેંચી લીધો. સરમુખત્યારશાહી જોગવાઈઓને રદ કરી અને લોકશાહી નિયંત્રણો અને સંતુલનને પુનઃસ્થાપિત કર્યા.

જાન્યુઆરી 1980માં આંતરિક વિભાજન અને નેતૃત્વ સંઘર્ષોને કારણે જનતા પાર્ટીની સરકાર પડી ભાંગી ત્યારે, ઇંદિરા ગાંધી ફરીથી સત્તા પર આવ્યાં. રસપ્રદ વાત એ છે કે બે વર્ષ પછી પક્ષના અગ્રણીઓએ ફરીથી રાષ્ટ્રપતિ પ્રણાલીનો વિચાર રજૂ કર્યો.

ઇંદિરા ગાંધી કેમ પાછળ હટી ગયાં?

1982માં રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડીના કાર્યકાળના અંત સાથે ઇંદિરા ગાંધીએ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે વડા પ્રધાનનું પદ છોડી દેવાનું ગંભીરતાથી વિચાર્યું હતું.

તેમના મુખ્ય સચિવે પાછળથી ખુલાસો કર્યો કે તેઓ આ પગલા અંગે "ખૂબ જ ગંભીર" હતા. તેઓ કૉંગ્રેસ પક્ષને પોતાની પીઠ પર રાખીને કંટાળી ગયા હતા અને રાષ્ટ્રપતિ પદને "પોતાના પક્ષને આઘાત પહોંચાડવાના ઉપાય તરીકે જોતા હતા, જેનાથી પક્ષને એક નવું પ્રોત્સાહન મળે".

આખરે તેઓએ પીછેહઠ કરી. તેના બદલે, તેમણે તેમના વફાદાર ગૃહમંત્રી ઝૈલ સિંહને રાષ્ટ્રપતિ પદ આપ્યું.

આ ચર્ચાનો અંત કેવી રીતે થયો?

જોકે ભારતે ક્યારેય રાષ્ટ્રપતિ પ્રણાલી તરફ કૂદકો માર્યો નહીં. શું એક ઊંડા વ્યૂહાત્મક રાજકારણી એવાં ઇંદિરા ગાંધીએ પોતાને આમ કરતા રોકી લીધાં? અથવા શું આમૂલ પરિવર્તન માટે કોઈ રાષ્ટ્રીય ભૂખ નહોતી અને ભારતની સંસદીય પ્રણાલી અટપટી સાબિત થઈ?

પ્રોફેસર રાઘવને જણાવ્યા મુજબ 1970ના દાયકાની શરૂઆતમાં રાષ્ટ્રપતિના વલણનો સંકેત મળ્યો હતો, કારણ કે ભારતની સંસદીય લોકશાહી - ખાસ કરીને 1967 પછી - વધુ સ્પર્ધાત્મક અને અસ્થિર બની હતી. જેમાં નાજુક ગઠબંધનોનો સમાવેશ થતો હતો. આ સમય દરમિયાન એવા અવાજો આવવા લાગ્યા કે રાષ્ટ્રપતિ પ્રણાલી ભારતને વધુ સારી રીતે અનુકૂળ થઈ શકે છે. કટોકટી એ ક્ષણ હતી જ્યારે જ્યારે આ વિચારો ગંભીર રાજકીય વિચારસરણીમાં પરિવર્તિત થયા.

પ્રોફેસર રાઘવને બીબીસીને જણાવ્યું, "ઉદ્દેશ એવી રીતે સિસ્ટમને ફરીથી આકાર આપવાનો હતો કે જેનાથી સત્તા પર તેમની પકડ તાત્કાલિક મજબૂત બને."

"કટોકટી દરમિયાન તેમનો પ્રાથમિક ધ્યેય ટૂંકા ગાળાનો હતો: તેમના પદને કોઈ પણ પડકારથી બચાવવાનો. ચાલીસમા સુધારાની રચના એ રીતે કરવામાં આવી હતી કે ન્યાયતંત્ર પણ તેમના માર્ગમાં ન આવી શકે."

કૉંગ્રેસમાં રાષ્ટ્રપતિ પ્રણાલી માટેની ચાહના ક્યારેય ઓછી થઈ નહીં. એપ્રિલ 1984 ના અંતમાં વરિષ્ઠ મંત્રી વસંત સાઠેએ સત્તામાં હોવા છતાં રાષ્ટ્રપતિ શાસન તરફ વળવાની હિમાયત કરતી રાષ્ટ્રવ્યાપી ચર્ચા શરૂ કરી હતી.

પરંતુ છ મહિના બાદ દિલ્હીમાં તેમના શીખ અંગરક્ષકો દ્વારા ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી, અને તેની સાથે જ આ વાતચીત પણ અચાનક મૃત્યુ પામી. ભારત સંસદીય લોકશાહી બની રહ્યું.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન