You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંદિરા ગાંધીને દુનિયાના કયા નેતાઓ પસંદ હતા, કોને નાપસંદ કરતાં?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિન્દી
ઇંદિરા ગાંધી જ્યારે ઝિમ્બાબ્વેના સ્વતંત્રતા સમારોહમાં હાજરી આપવા માટે હરારે પહોંચ્યાં ત્યારે હરારેની મોનોમોટાપા હોટલમાં તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિશ્વના અન્ય નેતાઓની સાથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ-હક પણ ત્યાં હાજર હતા. તેમણે ઇંદિરા ગાંધીને સંદેશ મોકલ્યો કે તેઓ તેમને મળવા ઇચ્છે છે.
ઇંદિરા ગાંધીની ઑફિસમાં કામ કરી ચૂકેલા અને બાદમાં ભારતના વિદેશમંત્રી બનેલા નટવરસિંહ પોતાના પુસ્તક 'વૉકિંગ વિથ લાયન્સ, ટૅલ્સ ફ્રૉમ ધ ડિપ્લોમેટિક પાસ્ટ'માં લખે છે, "પ્રોટોકૉલ પ્રમાણે ઇંદિરા ગાંધીએ ઝિયા ઉલ હકને મળવા જવું પડે, કારણ કે ઇંદિરા ગાંધી સરકારનાં વડાં હતાં, જ્યારે ઝિયા રાષ્ટ્રના વડા હતા."
"મેં જ્યારે ઝિયાના સ્ટાફને આ વાત કહી ત્યારે ઝિયાએ જવાબ અપાવ્યો કે આ તેમના પર લાગુ નથી પડતી. હું ઇંદિરા ગાંધીની હોટલમાં જઈશ અને તેમને મળીશ."
નટવરસિંહ લખે છે, "ઝિયા જ્યારે ઇંદિરા ગાંધીને મળવા આવ્યા ત્યારે તેમણે સાથે મજાક કરતા કહ્યું, 'દુનિયા મને સરમુખત્યાર કહે છે અને તમને લોકતાંત્રિક.' જતી વખતે તેમણે ઇંદિરા ગાંધીને એક પુસ્તક ભેટમાં આપ્યું. તેમના ગયા પછી ઇંદિરાએ જ્યારે પુસ્તક તરફ નજર કરી તો તેમની ભ્રમર તણાઈ ગઈ."
"તે પુસ્તકમાં એક નકશો છપાયો હતો જેમાં આખું કાશ્મીર પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેમણે મને તરત જ તે પુસ્તક જનરલ ઝિયાને પરત કરવાનો આદેશ આપ્યો. મેં મારી વિરોધનોંધ સાથે તે પુસ્તક પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલી દીધું હતું."
ઇંદિરા ગાંધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ જયવર્દનેને નાપસંદ કરતાં
ઇંદિરા ગાંધીને શ્રીલંકાના રાષ્ટ્રપતિ જુનિયસ જયવર્દને જરાય પસંદ નહોતા. એક વાર જ્યારે તેમણે ઇંદિરાને શ્રીલંકા આવવા આમંત્રણ આપ્યું ત્યારે તેમણે એમ કહીને ના પાડી દીધી કે તેમણે હજુ સુધી તેમની મુલાકાતોનો જૂનો કાર્યક્રમ પૂરો નથી કર્યો.
ઇંદિરા ગાંધીના કાર્યાલયમાં કામ કરનાર અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા ચિન્મય ગારેખાન પોતાના પુસ્તક 'સેન્ટર્સ ઑફ પાવર'માં લખે છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જયવર્દને પ્રત્યે ઇંદિરાના ગુસ્સાનું કારણ એ હતું કે તેઓ તેમના દેશમાં માત્ર સિંહાલી લોકોને જ ખુશ રાખવા માગતા હતા. તમિળ લોકો માટે તેમના મનમાં સહેજ પણ સહાનુભૂતિ નહોતી."
"આ ઉપરાંત તેઓ પોતાના દેશની સમસ્યાને વિદેશી મુદ્દો બનાવીને ભારતને વિલન તરીકે ચીતરવા માગતા હતા. ઇંદિરા ગાંધી જાણતા હતા કે શ્રીલંકાએ અમેરિકા, બ્રિટન અને પાકિસ્તાનને પાસેથી સૈન્ય સહાય માટે વિનંતી કરી હતી."
"ઇંદિરા ગાંધીએ જયવર્દને સમક્ષ જ્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો ત્યારે તેઓ ફરી ગયા અને વાતને નકારી કાઢી."
બ્રિટન સાથે રાજદ્વારી વિવાદ
1983માં નવી દિલ્હીમાં જ્યારે કૉમનવૅલ્થ રાષ્ટ્રોના વડાઓની શિખર પરિષદ મળી ત્યારે બ્રિટનનાં મહારાણી કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કરવા દિલ્હી આવ્યાં હતાં.
જાણવા મળ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ મધર ટેરેસાને ઑર્ડર ઑફ મૅરિટથી સન્માનિત કરશે અને રાષ્ટ્રપતિ ભવનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવશે.
નટવરસિંહ પોતાની આત્મકથા 'વન લાઇફ ઇઝ નૉટ ઇનફ'માં લખે છે, ''ઇંદિરા ગાંધીએ મને તાત્કાલિક બ્રિટનનાં વડાં પ્રધાન માર્ગારેટ થેચરનો સંપર્ક કરવા અને તેમને જણાવવાનું કહ્યું કે આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજી શકાય નહીં."
''જો મહારાણી મધર ટેરેસાનું સન્માન કરવા ઇચ્છતાં હોય તો આ કાર્યક્રમ બ્રિટિશ કૉન્સ્યુલેટ અથવા બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને યોજી શકે છે."
માર્ગારેટ થેચરે જ્યારે આ સાંભળ્યું ત્યારે તેમણે કહ્યું કે હવે ખૂબ મોડું થઈ ગયું છે, કારણ કે આમંત્રણપત્રો પણ મોકલી દેવાયા હતા.
નટવરસિંહ લખે છે, "તેમણે મને ફરીથી થેચર પાસે જવાનું કહ્યું. તેમણે સંદેશો મોકલ્યો, 'રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહમાં મહારાણી ચોક્કસપણે હાજરી આપી શકે. પરંતુ તેમને જણાવી દો કે બીજે દિવસે આ મામલો ભારતીય સંસદમાં ઉઠાવવામાં આવશે અને તેમાં મહારાણીનું નામ બિનજરૂરી રીતે ઢસડવામાં આવશે."
પરિણામ એ આવ્યું કે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત મધર ટેરેસાનો સન્માન સમારોહ રદ કરવામાં આવ્યો. મહારાણીએ મધર ટેરેસાને મુઘલ ગાર્ડનમાં ચા માટે આમંત્રણ આપ્યું અને ગુપ્ત રીતે તેમને ઑર્ડર ઑફ મૅરિટ આપ્યો.
મધર ટેરેસાને એ વાતનો અંદાજ પણ આવવા ન દેવાયો કે તેમનું સન્માન કરવા પાછળ કેટલા રાજદ્વારી દાવપેચ રમાઈ રહ્યા છે.
નિક્સનના ડિનરનું આમંત્રણ નકાર્યું
ઑક્ટોબર 1970માં ઇંદિરા ગાંધી સંયુક્ત રાષ્ટ્રસંઘની 25મી વર્ષગાંઠમાં ભાગ લેવા ન્યૂયૉર્ક ગયાં હતાં. તે વખતે ત્યાંનાં અખબારોમાં પ્રકાશિત થયું હતું કે રાષ્ટ્રપતિ નિક્સને કૉન્ફરન્સમાં ભાગ લેનારા તમામ રાષ્ટ્રના વડાઓને બીજા દિવસે વ્હાઇટ હાઉસમાં ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું હતું. ઇંદિરા ગાંધીએ તેના પર કોઈ ધ્યાન ન આપ્યું.
નટવરસિંહ પોતાના પુસ્તક 'હાર્ટ ટુ હાર્ટ'માં લખે છે, "બીજા દિવસે અમેરિકામાં અમારા રાજદૂત લક્ષ્મીકાંત ઝા ન્યૂયૉર્ક પહોંચ્યા. તેમણે વડાં પ્રધાનને પૂછ્યું કે, તમે વ્હાઇટ હાઉસના ભોજન સમારંભમાં ભાગ લેવા વૉશિંગ્ટન ક્યારે પહોંચવાનાં છો?"
ઇંદિરાએ જવાબ આપ્યો કે મને આમંત્રણ નથી મળ્યું. ઝાએ કહ્યું, 'બાકીના તમામ દેશના વડાઓ ભોજન સમારંભમાં જઈ રહ્યા છે.' તેના પર ઇંદિરાએ કહ્યું, "હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ન્યૂયૉર્કથી નીકળીશ. ઔપચારિક આમંત્રણ વગર વૉશિંગ્ટન જવાનો મારો કોઈ ઇરાદો નથી."
રાજદૂત લક્ષ્મીકાંત ઝાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમની ગેરહાજરી ખોટો સંકેત આપશે, પરંતુ ઇંદિરા સહમત ન થયાં.
નટવરસિંહ લખે છે કે ઇંદિરા ગાંધીનો ઇરાદો મક્કમ હતો. તેમણે કહ્યું, "અખબારો દ્વારા આમંત્રણ આપવામાં આવે, તેનો અર્થ આમંત્રણ નહીં પણ આદેશ થાય છે."
રોનાલ્ડ રેગન અને સોવિયેત સંઘ
અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગન અને ઇંદિરા ગાંધી ઘણી વાર એકબીજાને વિવેકપૂર્ણ પત્રો લખતા હતા, પરંતુ ચિન્મય ગરેખાન માને છે કે તેઓ માત્ર દેખાડો કરવા માટે આમ કરતાં. બંનેના દિલમાં એવું કંઈ ન હતું.
ગરેખાન તેમના પુસ્તક 'સેન્ટર્સ ઑફ પાવર્સ'માં લખે છે, "રેગનને પોતાના દેશ સિવાય બીજા કોઈ દેશમાં રસ ન હતો, જેમાં પશ્ચિમી દેશો પણ સામેલ હતા. તેઓ એક 'અમેરિકન કિલ્લા'ની કલ્પનામાં માનતા હતા જેમાં ભારત માટે કોઈ જગ્યા ન હતી."
અમેરિકન અધિકારીઓ ઘણી વાર અમને પ્રદેશની એક મોટી શક્તિ ગણાવતા હતા અને અમે તેનાથી ખુશ થતા હતા. રેગનને ચીન વિશે પણ કોઈ ખાસ ચિંતા નહોતી.
પોતાના પિતાની જેમ ઇંદિરા ગાંધી સોવિયેત યુનિયન સાથે વૈચારિક સમાનતા ધરાવતાં ન હતાં.
ગરેખાન લખે છે, "લોકોને એક મોટી ગેરસમજ છે કે તેઓ સોવિયેત નેતાઓની ખૂબ નજીક હતા. મેં મારી પોતાની આંખે તેમને ભારતમાં સોવિયેત રાજદૂતને ઠપકો આપતા જોયાં છે. ભારતીય સામ્યવાદી પક્ષો પર સોવિયેત સંઘનો ઘણો પ્રભાવ હતો."
ગરેખાન લખે છે, "સામ્યવાદીઓએ જ્યારે 1977ની ચૂંટણીમાં ઇંદિરા વિરુદ્ધ પ્રચાર કર્યો ત્યારે તેમણે સોવિયેત નેતાઓને વારંવાર યાદ અપાવ્યું કે આ નેતાઓએ તેમની હાલત ખરાબ કરવા માટે જમણેરી દળો સાથે હાથ મિલાવ્યા છે."
"તેઓ સોવિયેત નેતાઓને ઉષ્માસભર સંદેશ મોકલતાં રહ્યાં, પરંતુ તેઓ દરેક સ્થિતિમાં તેમને સાથ આપશે એવી તેમને કોઈ ગેરસમજણ ન હતી."
વિદેશી નેતાઓ સાથે મંત્રણા કરવામાં નિપુણતા
ઇંદિરા ગાંધી વિદેશી નેતાઓ સાથે વાત કરવામાં ઘણાં કુશળ હતાં.
ઇંદિરા ગાંધીની ખૂબ જ નજીક રહેલા પી. સી. ઍલેક્ઝાન્ડર લખે છે, "વિદેશી નેતાઓ સાથેની વાતચીતમાં તેઓ દરેક વાક્ય વિચારીને બોલતાં હતાં. જે દેશો સાથે ભારતના સંબંધો સારા નહોતા તેવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ તેમની વાતચીતમાં કડવાશ ન હતી."
"તેમની સ્થિરતા, મૌન, ઇરાદાપૂર્વકનું અંડરસ્ટેટમૅન્ટ, જવાબી સવાલ એ બધું દર્શાવે છે કે કૂટનીતિમાં તેઓ કેટલાં નિપુણ હતાં."
રાજકીય બાબતોમાં પકડ પણ આર્થિક બાબતોમાં રસ નહીં
વિદેશી રાજકારણીઓ સાથે રાજકીય બાબતોની વાટાઘાટ કરવા માટે ઇંદિરા ગાંધીને તેમની સાથે આવેલા અધિકારીઓની મદદની બહુ ઓછી જરૂર પડતી હતી.
દ્વિપક્ષીય આર્થિક સંબંધો અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંબંધોની વાત હોય ત્યારે તેઓ તેઓ પોતાના મુખ્ય સચિવ પી. સી. ઍલેક્ઝાન્ડરને જવાબદારી સોંપતા હતા.
ઍલેક્ઝાન્ડર લખે છે, "આ વાતચીતના અનુભવના આધારે મને ખ્યાલ આવી ગયો હતો કે મારે ક્યારે વાત આગળ વધારવી છે અને ટિપ્પણીઓ કરવી છે. અમારી વચ્ચે ખૂબ જ સારી સમજણ વિકસી હતી."
તેઓ કહે છે, "કેટલીક વાર તેમની ટીમના કેટલાક સભ્યો બિનજરૂરી હોય ત્યારે પણ બોલવાની કોશિશ કરતા હતા. તેઓ કોઈનો પણ અનાદર કર્યા વગર આવા લોકોને ચૂપ કરી દેવામાં હોશિયાર હતાં."
તાંઝાનિયા અને ઝામ્બિયાના રાષ્ટ્રપતિઓ સાથે મિત્રતા
દુનિયામાં એવા બહુ ઓછા નેતાઓ હતા જેમનો સાથ ઇંદિરા ગાંધીને ગમતો હતો.
તેમાં તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જુલિયસ ન્યરેરે, ઝામ્બિયાના રાષ્ટ્રપતિ કૅનેથ કાઉન્ડા અને ગયાનાના ફૉર્બ્સ બર્નહામનો સમાવેશ થાય છે.
ચિન્મય ગરેખાન લખે છે, “ઇંદિરા ગાંધી યુગાન્ડાના રાષ્ટ્રપતિ મિલ્ટન ઓબોટે સાથે એટલાં નિખાલસ ન હતાં જેટલાં તેઓ નેરેરે, કાઉન્ડા અને બર્નહામ સાથે હતાં. આ ત્રણેયને લઈને વાતાવરણમાં કોઈ તણાવ નહોતો. આ નેતાઓ એકબીજાને ચીડવતા અને મજાક પણ કરતા. આ ત્રણેય નેતાઓ ઇંદિરાને સલાહ આપવામાં ક્યારેય પાછળ ન રહેતા."
મોઝામ્બિકના સમોરા માશેલ સાથે પણ ઇંદિરાના સારા સંબંધો હતા. વિશ્વના ઘણા નેતાઓ ઇંદિરા પાસે આર્થિક મદદ માગતા, પરંતુ તેઓ કોઈને મદદનું વચન ન આપતા. કાઉન્ડા અને નેરેરેને પણ વચન નહોતું આપ્યું. તેઓ એટલું જ કહેતા કે "અમે તેના વિશે વિચારીશું."
રાજકારણ સિવાય અન્ય વિષયોમાં પણ રસ હતો
ઇંદિરા ગાંધીના અગ્રસચિવ રહી ચૂકેલા ઍલેક્ઝાન્ડર માને છે કે ઇંદિરા અન્ય નેતાઓથી અલગ હતાં, કારણ કે રાજકારણ સિવાયના અન્ય વિષયોમાં પણ તેમની રુચિ હતી.
ઍલેક્ઝાન્ડર પોતાના પુસ્તક 'માય યર્સ વિથ ઇંદિરા ગાંધી'માં લખે છે, “જેઓ તેમને નજીકથી જાણે છે, તેમને ખબર છે કે ઇંદિરાને માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ ફૂલો, વૃક્ષો, જંગલો, પર્યાવરણ, પર્વતો, કલા અને સ્થાપત્યમાં પણ રસ હતો."
વાંચનનાં શોખીન ઇંદિરા ગાંધી
ઇંદિરા ગાંધીને વાંચનનો શોખ હતો. તેઓ કારની ટૂંકી મુસાફરીમાં પણ પુસ્તકોનાં થોડાં પાનાં વાંચી લેતાં હતાં.
પી. સી. ઍલેક્ઝાન્ડર લખે છે, “ઇંદિરા જેવાં વ્યસ્ત મહિલા પણ વાંચન માટે સમય કાઢી શકે છે તે વાત મને આશ્ચર્યજનક લાગતી. કેટલીક વાર તેઓ અમને પુસ્તકના રસપ્રદ ભાગ વિશે પણ કહેતાં.
ઍલેક્ઝાન્ડરે લખ્યું છે, “જો તમે તમારા પૂરા દિલથી કંઈક કરવા માગો છો, તો તમે હંમેશાં તેના માટે સમય શોધી શકો છો."
“ઇંદિરા માનતાં હતાં કે સ્વસ્થ વ્યક્તિ માટે ચાર કલાકની ઊંઘ પૂરતી છે. તેમના વિશે એક સારી વાત એ હતી કે તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યાં સૂઈ શકતાં હતાં."
લેખકોની સંગત ગમતી
સમાજના એક વર્ગમાં ઇંદિરા ગાંધીની છાપ એક કઠોર, આપખુદ અને ચાલાક શાસકની હતી.
નટવરસિંહ લખે છે, “આ વાતમાં કોઈ સત્ય નથી. તેઓ એક મહાન માનવતાવાદી હતાં. તેમને લેખકો, કવિઓ અને ચિત્રકારોની સંગત ગમતી હતી."
તેનાથી વિપરીત, ઇંદિરા ગાંધીની ઑફિસમાં જૉઇન્ટ સૅક્રેટરી તરીકે કામ કરી ચૂકેલા અને ત્યારપછી અટલ બિહારી વાજપેયીના અગ્રસચિવ બનેલા બિશન ટંડનનો તેમના વિશે અભિપ્રાય બહુ સારો નહોતો.
ટંડન તેમના પુસ્તક 'પીએમઓ ડાયરી'માં લખે છે, “હું હંમેશાં માનું છું કે આ દેશનું નેતૃત્વ કરવા માટે ત્રણ ગુણોની જરૂર પડે છે: ચારિત્ર્ય, યોગ્યતા અને સહિષ્ણુતા. કમનસીબે વડાં પ્રધાન પાસે આ ત્રણેયનો અભાવ છે.”
“સહિષ્ણુતાનો તેમાં છાંટો પણ નથી. તેમની પાસે રાજકીય દાવપેચ કરવાની ક્ષમતા છે, પરંતુ મને હંમેશાં એવું લાગ્યું છે કે હું એવી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું જેમની બધી ચિંતાઓ માત્ર દેખાડા પૂરતી છે.”
વ્યવસ્થિત જીવનશૈલી
ઇંદિરા ગાંધી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતાં. ખોટી જગ્યાએ ફૂલદાની, ત્રાંસી ખુરશી, ખૂણા પર ત્રાંસું લટકતું ચિત્ર, ટેબલ પર ગમે તેમ રાખેલા કાગળો, પેન, પેન્સિલ અને સ્ટેશનરીની ચીજવસ્તુઓ તરફ તરત તેમનું ધ્યાન જતું. ઘણી વાર તેઓ તેને વ્યવસ્થિત કરવા ઑર્ડરલીની રાહ જોવાના બદલે પોતાના હાથે જ વ્યવસ્થિત કરી નાખતાં.
ઍલેક્ઝાન્ડર યાદ કરે છે, “એક વાર મેં તેમને હાથમાં ભીનો ટુવાલ લઈને છોડનાં પાંદડાં સાફ કરતાં જોયાં. મને જોઈને તેમણે કામ બંધ ન કર્યું, પરંતુ કહ્યું, "તમે બોલતા રહો, હું આ છોડને લૂછતી વખતે તમને સાંભળતી રહીશ."
ખૂબ સારાં યજમાન
ઇંદિરાગાંધી ભોજન સમારંભનું આયોજન કરતાં ત્યારે મેનુ અને બેઠક વ્યવસ્થા પણ જાતે જ નક્કી કરતાં હતાં.
કેટલીક વાર પ્રોટોકૉલ તોડીને એવા લોકોને વિદેશી મહેમાનોની બાજુમાં બેસાડવામાં આવતા હતા જેઓ તેમની સાથે સારી રીતે વાતચીત કરી શકે.
પીસી ઍલેક્ઝાન્ડર લખે છે, “ઘણા વરિષ્ઠ કૅબિનેટ મંત્રીઓ ફક્ત પોતાના જ દેશના લોકો સાથે વાત કરતા હતા અને તેમની બાજુમાં બેઠેલા વિદેશી મહેમાનને અવગણતા હતા."
“વિચારોની આપ-લે કરવાની અને અંગત જોડાણો બનાવવાની તક ન વાપરી શકવા બદલ તેઓ આવા લોકોને ઠપકો આપતાં હતાં. ભોજન પીરસતા વૅઇટરો પર પણ તેમની ધારદાર નજર રહેતી હતી."
67 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ
દિવસમાં 17થી 18 કલાક કામ કરવા છતાં 67 વર્ષની ઉંમરે પણ ઇંદિરા થાકતાં ન હતાં. તેઓ ખૂબ જ ઓછો આહાર લેતાં અને પોતાના ખોરાકમાં કેટલી કૅલરી લે છે તેના વિશે હંમેશાં જાગૃત રહેતાં.
પીસી ઍલેક્ઝાન્ડર લખે છે કે, “તેઓ કોઈ ધાર્મિક કારણસર નહીં, પરંતુ શરીરની સિસ્ટમને આરામ આપવા માટે સોમવારે બિલકુલ ન ખાતાં. તેમણે સોમવારે રાજકીય ભોજન સમારંભમાં ભાગ લેવો પડ્યો હોય તો તેઓ બીજા દિવસે ઉપવાસ કરતાં."
ઍલેક્ઝાન્ડર યાદ કરતા કહે છે, “એક વાર તેમને લોકસભામાંથી ફોન આવ્યો કે તેમને તાત્કાલિક ગૃહમાં પહોંચવું પડશે. તેઓ જે ઝડપે લોકસભા તરફ આગળ વધતાં હતાં, તેને જાળવી રાખવાનું મને ખૂબ જ મુશ્કેલ લાગ્યું."
“પાછા ફરતી વખતે મેં તેમને મજાકમાં કહ્યું કે તેઓ પીટી ઉષાને ખૂબ જ સરળતાથી હરાવી દેશે. તેમણે જવાબ આપ્યો, "હું 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની દોડમાં બધાને હરાવી શકું છું. પુરુષોને પણ હરાવી દઉં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન