You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં ઍર ક્રેશઃ ઍર હોસ્ટેસ રોશની ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતાં, લગ્નની તૈયારી ચાલતી હતી
- લેેખક, દીપાલી જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
'સ્કાય લવ્ઝ હર...'
આ રોશની સોંઘારેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનું નામ છે. પરંતુ કમનસીબે અમદાવાદમાં પ્લેન ક્રૅશમાં રોશનીનું મૃત્યુ થયું. તેઓ એક ઍર હોસ્ટેસ હતાં.
અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં 242માંથી 241 લોકો મૃત્યુ પામ્યા. તેમાં ચાલકદળના 12 લોકો સામેલ હતા. બે પાઇલટ અને એક 10 ક્રૂ મૅમ્બર આ ક્રૅશનો ભોગ બન્યાં છે.
વિમાનના પાઇલટ તરીકે કૅપ્ટન સુમિત સભરવાલ હતા, જ્યારે કો-પાઇલટ ક્લાઇવ કુંદર હતા. ક્રૂ મૅમ્બર્સમાં રોશનીનો સમાવેશ થતો હતો.
રોશની પોતાના પરિવાર સાથે મુંબઈના ડોંબિવલીમાં રહેતાં હતાં. તેમના પરિવારમાં તેમનાં માતા, પિતા અને નાનો ભાઈ છે.
'માતાને હજુ આશા છે કે તે પરત આવશે'
દુર્ઘટનાના કારણે સોંઘારે પરિવારને આંચકો લાગ્યો છે. રોશનીનાં માતાને 24 કલાક પછી પણ રોશની વિશે જણાવાયું નથી. તેમને આશા છે કે રોશની પાછા આવશે.
27 વર્ષીય રોશની સોંઘારેના કાકા દત્તા સોંઘારેએ જણાવ્યું કે "બાળપણથી જ રોશનીનું સપનું ઍર હોસ્ટેસ બનવાનું હતું."
"લગભગ પાંચ વર્ષ અગાઉ તેમનું આ સપનું સાકાર થયું હતું. તેમણે એક ડૉમેસ્ટિક ઍરલાઇનમાં ઍર હોસ્ટેસ તરીકે કામ શરૂ કર્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દત્તા સોંઘારે કહે છે, "પરંતુ તેમને ઇન્ટરનેશનલ ઍરલાઇનમાં કામ કરવું હતું. તેથી લગભગ બે વર્ષ અગાઉ તેઓ ઍર ઇન્ડિયામાં જોડાયાં હતાં."
10 બાય 10ના રૂમમાં રહેવાથી લઈને ઇન્ટરનૅશનલ ઍરલાઇનમાં ઍર હોસ્ટેસ બનવા સુધીની રોશનીની સફર વિશે તેમના મામા પ્રવીણે માહિતી આપી હતી.
બીબીસી મરાઠી સાથે વાત કરતા તેમના કાકા દત્તા સોંઘારે કહ્યું કે, "અમને જ્યારથી માહિતી મળી છે, ત્યારથી અમે સંપર્કમાં છીએ. પરંતુ અમને કોઈ નક્કર માહિતી મળતી ન હતી."
રોશનીના પિતા, ભાઈ અને પરિવારના કેટલાક સભ્યો ઍર ક્રૅશના દિવસે સાંજે સાત વાગ્યે અમદાવાદ જવા રવાના થયા હતા. જોકે, કોઈ સત્તાવાર માહિતી નથી મળી.
તેમણે કહ્યું કે, "તેમનાં માતાને બહુ આઘાત લાગ્યો છે. તેમને આખી માહિતી નથી આપી. તેમના માટે આ આઘાતજનક વાત હશે. શોધખોળ જારી છે, મને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે."
"રોશનીના સપના સાકાર કરવા તેમનાં માતાપિતાએ ઘણી મહેનત કરી હતી. તેમનાં માતા ઘરનું કામ કરતાં હતાં. તેમના પિતાએ પણ ઘણી મહેનત કરી છે."
રોશનીના મામા પ્રવીણે જણાવ્યું કે, "રોશનીએ પણ બહુ મહેનતથી પોતાનું સપનું સાકાર કર્યું. અગાઉ તેઓ સ્પાઈસજેટમાં કામ કરતાં હતાં. બે વર્ષ અગાઉ ઍર ઇન્ડિયામાં જોડાયાં હતાં."
લગ્નની વાત ચાલતી હતી
રોશની માટે તાજેતરમાં લગ્નની વાત ચાલતી હતી તેમ દત્તા સોંઘરે જણાવે છે.
તેમણે કહ્યું કે "લવ કમ ઍરેન્જમેન્ટ હેઠળ આ લગ્ન નક્કી થયાં હતાં."
બીબીસી મરાઠી સાથે વાત કરતા દત્તા સોંઘારેએ કહ્યું કે, "છોકરો બહુ સારો હતો. અમે થોડા સમય અગાઉ જ તેમને મળ્યા હતા. બંને પરિવાર મળ્યા હતા."
"તેઓ બહાર હતા તેથી તેમણે દિવાળી પછી આવવાનું હતું. એવું નક્કી થયું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં સગાઈ થશે અને ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન થશે."
રોશનીના પરિવારે પણ કહ્યું કે, "અમે બધા લગ્નની વાત કરવા આવ્યાં હતાં, તેમનાં માતાપિતા પણ આવ્યાં હતાં. અમે હૉલ પણ શોધી રહ્યા હતા."
'સ્કાય લવ્ઝ હર'
રોશનીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પ્રમાણે તેઓ એક બ્લૉગર હતાં. તેમનું પ્રોફાઇલ નામ 'સ્કાય લવ્ઝ હર' છે.
તેમના મામા પ્રવીણે જણાવ્યું કે, "તેમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી તેમનું ઝનૂન જોઈ શકાય છે. તેમને ઍરહોસ્ટેસ અને મૉડેલિંગમાં રસ હતો. તેઓ એક ઇન્સ્ટા ઇન્ફ્લુઅન્સર પણ હતાં."
દુર્ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ
દત્તા સોંઘારેએ કહ્યું કે, "ત્યાં કોઈ પ્રક્રિયા ચાલે છે. ડીએનએ સૅમ્પલ લેવાયાં છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે રિપોર્ટ આવવામાં 72 કલાક લાગશે."
"મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ થઈ ગઈ છે. મને નથી લાગતું કે તે સરળ હોય. આ માત્ર ડીએનએ દ્વારા જ કરી શકાશે."
સોંઘારે પરિવારે દુર્ઘટનાની તપાસની પણ માંગણી કરી છે.
દત્તા સોંઘારેએ કહ્યું કે, "દુર્ઘટનાની ઊંડી તપાસ થવી જોઈએ. ક્રૅશનાં કારણો બહાર આવવા જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન