અમદાવાદ પ્લેન ક્રૅશ : ગણતરીની સેકન્ડોમાં તૂટી પડ્યું એ બૉઇંગ વિમાનમાં 'નબળા સ્પૅરપાર્ટ' વપરાય છે?

    • લેેખક, જોનાથન જોસેફ્સ
    • પદ, બિઝનેસ રિપોર્ટર

અમદાવાદમાં 12 જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું બૉઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રૅશ થઈ ગયું અને બૉઇંગ 787 વિમાનને આવી દુર્ઘટના નડી હોય તેવું પહેલી વખત બન્યું છે.

વિમાને 230 મુસાફરો અને ચાલકદળના 12 સભ્યો સાથે ઉડાન ભરી હતી. જોકે થોડી સેકન્ડોમાં જ વિમાન રનવેથી અંદાજે બે કિમી દૂર બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં એક મુસાફર સિવાય તમામનાં મોત થયાં છે.

દુનિયાભરમાં જુદી જુદી ઍરલાઇન્સ પાસે 1175થી વધારે બૉઇંગ 787 વિમાનો સર્વિસમાં છે.

આ મૉડલ 14 વર્ષ અગાઉ લૉન્ચ કરવામાં આવ્યું હતું અને હજુ છ સપ્તાહ અગાઉ જ બૉઇંગે ડ્રીમલાઇનર તરીકે ઓળખાતા આ મૉડલના બિરદાવ્યું હતું જેણે અત્યાર સુધીમાં એક અબજ પ્રવાસીઓનું વહન કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પ્રસંગે કંપનીએ કહ્યું કે દુનિયામાં બૉઇંગ 787 મૉડલનાં 1175થી વધારે વિમાન છે જેણે લગભગ 50 લાખ ફ્લાઇટ ભરી છે અને ત્રણ કરોડ ફ્લાઇટ કલાકથી વધારે ઉડાન નોંધાવી છે.

તાજેતરમાં જુદી જુદી સમસ્યાઓમાંથી બહાર આવવા પ્રયાસ કરી રહેલી બૉઇંગ માટે આ ક્રૅશ એક આંચકો સાબિત થશે. બૉઇંગનાં 737 વિમાનો પણ ક્રૅશનો ભોગ બન્યાં છે.

કેલી ઑટબર્ગ માટે પણ આ એક પરીક્ષા છે જેઓ એક વર્ષ કરતાં વધુ સમયથી બૉઇંગ કંપનીના સીઈઓ છે.

તેઓ કંપનીની સમસ્યાઓનો ઉકેલ શોધવા મહેનત કરી રહ્યા છે, કારણ કે ગંભીર સમસ્યાઓના કારણે બૉઇંગના ભવિષ્ય અંગે સવાલો ઊઠી રહ્યા છે.

ઍર ઇન્ડિયાના બૉઇંગ 787- 8 વિમાનની વિશેષતા

બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન 2014માં ઍર ઇન્ડિયામાં સામેલ થયું હતું.

તેમાં કુલ 256 સીટ હોય છે. વિમાનની લંબાઈ 57 મીટર, પહોળાઈ (બંને પાંખ વચ્ચેનું અંતર) 60 મીટર અને ઊંચાઈ 17 મીટર છે.

બૉઇંગના ભૂતપૂર્વ કર્મચારી જૉન બર્નેટે કંપની પર વિમાન ઉત્પાદનમાં હલકી ગુણવત્તાનાં સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કંપનીમાં 32 વર્ષ કામ કર્યા પછી તેઓ 2017માં નિવૃત્ત થયા હતા. તેમણે બૉઇંગ વિરુદ્ધ પોતાના કેસમાં ઘણા પુરાવા આપ્યા હતા.

કેટલાક દિવસો પછી 9 માર્ચ, 2024ના રોજ બર્નેટે આત્મહત્યા કરી લીધી હતી.

અમદાવાદમાં વિમાન ક્રૅશ થયા પછી બૉઇંગના શૅરના ભાવમાં 4.32 ટકાનો ઘટાડો થયો હતો.

ઉત્પાદનમાં ખામીના આરોપ

બૉઇંગ જ્યારે 787 ડ્રીમલાઇનરનું ઉત્પાદન કરતી હતી ત્યારે જૉન બર્નેટ નૉર્થ ચાર્લ્સટન ફૅક્ટરીમાં ક્વૉલિટી કંટ્રોલના મૅનેજર હતા.

તેમણે 2019માં બીબીસીને જણાવ્યું હતું કે ઉત્પાદન કર્મચારીઓ ઘણા દબાણમાં હતા અને વિમાનોમાં હલકી ગુણવત્તાના પાર્ટ્સ લગાવાતા હતા.

બર્નેટે ચેતવણી આપી હતી કે વિમાનની ઑક્સિજન સિસ્ટમમાં ગંભીર ખામીઓ છે. તેનાથી ઇમરજન્સીની સ્થિતિમાં દર ચારમાંથી એક ઑક્સિજન માસ્ક ફેઇલ જવાની શક્યતા છે.

તેમણે કહ્યું હતું કે બૉઇંગ 787માં સ્થાપિત ઇમરજન્સી ઑક્સિજન સિસ્ટમમાંથી 25 ટકા પરીક્ષણ દરમિયાન નિષ્ફળ ગઈ હતી.

તેમણે આરોપ લગાવ્યો કે સાઉથ કેરોલિનામાં ઉત્પાદન શરૂ થયા પછી વર્કર્સ પર વિમાનનું ઝડપથી ઉત્પાદન કરવાનું દબાણ વધી ગયું હતું. તેના કારણે તેમણે ઉત્પાદનની પદ્ધતિ અને સેફ્ટીના મામલે સમાધાન કરવું પડ્યું હતું.

અમેરિકન ફૅડરલ ઉડ્ડયન ઑથૉરિટીએ બર્નેટના આરોપોની તપાસ કરી અને તેમાંથી અમુક આરોપ સાચા હોવાનું જાણવા મળ્યું.

કંપનીનાં ખામીયુક્ત ઉપકરણોના મામલે બૉઇંગને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો.

બૉઇંગે બર્નેટના આરોપો નકારી કાઢ્યા હતા.

2017માં ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ સ્પષ્ટ કર્યું કે કેટલાક ઑક્સિજન સિલિન્ડરોને ખોટી રીતે મોકલવામાં આવ્યા અને વિમાનમાં ઇન્સ્ટૉલ કરાયા હતા તે આરોપો ખોટા છે.

આ દરમિયાન ગયા વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં પોર્ટલૅન્ડ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી ઉડાન ભરતી વખતે એક નવનિર્મિત બૉઇંગ 737 મેક્સ વિમાનનું ઇમરજન્સી એક્ઝિટ ડોર ઉડાન ભર્યા પછી તરત નીકળી ગયું હતું.

બૉઇંગ પર અગાઉ પણ ઉત્પાદન અને સુરક્ષાનાં ધોરણોનું પાલન ન કરવાના આરોપ લાગ્યા છે.

બીજા એક એન્જિનિયર સેમ સાલેપોરે પણ દાવો કર્યો હતો કે તેમણે બૉઇંગનાં વિમાનોમાં સુરક્ષાની ખામીઓ સામે ધ્યાન દોર્યું તો તેમની હેરાન કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ક્રૅશનું કારણ શું હોઈ શકે?

અમદાવાદમાં જે વિમાન ક્રૅશ થયું તે બૉઇંગ 737 મેક્સ કરતાં અલગ પ્રકારનું વિમાન છે. બૉઇંગ 737ને ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયામાં અનુક્રમે 2018 અને 2019માં જીવલેણ અકસ્માત નડ્યા હતા જેમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં.

બૉઇંગ 737ના સોફ્ટવેરમાં એક ખામી જાણવા મળી હતી અને 18 મહિના સુધી વિમાન ગ્રાઉન્ડેડ કરાયું હતું.

બીબીસીના પત્રકાર નિક માર્શના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ શા માટે થયું તેના માટે જુદી જુદી થિયરી આવી રહી છે, પરંતુ એક પાઇલટે કહ્યું કે હવે મૅન્યુફૅક્ચરિંગ ખામીના કારણે જીવલેણ અકસ્માત થાય તેવું જવલ્લે જ બને છે.

તેમણે કહ્યું કે બૉઇંગ 737 મેક્સના ક્રૅશને બાદ કરીએ તો મોટા ભાગના ક્રૅશ માટે પાઇલટની ભૂલ જ જવાબદાર હોય છે.

બૉઇંગમાં સેફ્ટીના પ્રશ્નો, ક્વૉલિટી કંટ્રોલના પ્રશ્નો અને સાત અઠવાડિયાં સુધી ચાલેલી વર્કરોની હડતાલના કારણે ગયા વર્ષે કંપનીને દર મહિને એક અબજ ડૉલરનું નુકસાન ગયું હતું.

2024માં અલાસ્કા ઍરલાઇન્સની એક ફ્લાઇટનો દરવાજો અધવચ્ચે નીકળી ગયા પછી બૉઇંગે વળતર પેટે 16 કરોડ ડૉલર ચૂકવવા પડ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન