ગંભીરા પુલ : 'જેની માનતા પૂરી કરવા જતાં હતાં તે જ બે વર્ષનો પુત્ર ન બચ્યો', પતિ અને સંતાનો સહિત પરિવારજનોને ગુમાવનારાં મહિલાની વ્યથા

બુધવારે આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો, આ દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં છે.

વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વપૂર્ણ બ્રિજનો વચ્ચેનો એક મોટો સ્લેબ તૂટી પડતાં બે પિક-અપ વાન, બે ટ્રક અને રિક્ષા સહિતનાં વાહનો ઘણી ઊંચાઈએથી નદીમાં પડ્યાં હતાં.

આ દુર્ઘટનામાં એક આખો પરિવાર વિખેરાઈ ગયો છે.

"મદદ માટે બૂમો પાડતી રહી પણ કોઈ ન આવ્યું''

મહી નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. જ્યાં આ દુર્ઘટનામાં વાહનો નદીમાં પડતાં કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે તો કેટલાક લોકો બચી ગયા છે જેમાં સોનલબહેન પઢિયારનો પણ સમાવેશ થાય છે.

પરંતુ આ દુર્ઘટનામાં તેમણે પોતાના બે વર્ષના પુત્ર સહિત પરિવારજનોને ગુમાવ્યા છે.

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ પોતાના દીકરાને બચાવવા માટેની બૂમો પાડતાં સોનલબહેનનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

બીબીસી ગુજરાતીએ સોનલબહેન પઢીયાર અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.

સોનલબહેનના ગામ દરિયાપરમાં માહોલ ગમગીન છે. પઢિયાર પરિવારના દુ:ખમાં આખું ગામ સામેલ થયું છે.

દરિયાપરમાં એક મહિલાના આક્રંદથી સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે.

સોનલબહેનના હાથમાં બાંધેલો સફેદ પાટો અને આ પાટા પર સુકાઈ ગયેલા લોહીના ડાઘ એમને થયેલી ઈજાની સાક્ષી પૂરી રહ્યા છે.

અલબત આ પીડા અંગતજનને ગુમાવવાની પીડા સામે કંઈ નથી. સોનલબહેનના પરિવારના છ સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા હતા અને જીવ ગુમાવ્યો હતો.

સોનલબહેનને આસપાસની મહિલાઓ આશ્વાસન આપી રહી છે. તેમની બાજુમાં દુનિયાદારીથી અજાણ ત્રણ દીકરીઓ બેઠી છે. આ ત્રણ દીકરીઓનો બે વર્ષનો ભાઈ અને પિતા હવે ક્યારેય પાછા આવવાના નથી.

વિલાપ કરતાં સોનલબહેન પઢિયાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "અમે બગદાણા પૂનમ ભરવા માટે જતાં હતાં. અમે કુલ સાત જણ હતાં. હું, મારા પતિ, મારો પુત્ર, મારી પુત્રી અને ત્રણ સંબંધી હતાં. મારી સાથેના કોઈ પણ બચી શક્યા નથી."

પોતાના બચી જવા અંગે સોનલબહેન બીબીસી ગુજરાતીને જણાવે છે, "ગાડી પાછળનો કાચ ભાંગી ગયો હતો જેમાંથી હું બહાર નીકળી ગઈ હતી."

"બહાર આવીને બધાને મદદ માટે વિનંતી કરતી હતી. જોકે કોઈ મદદ માટે આવ્યું ન હતું. સાત વાગ્યે આ ઘટના બની હતી. છેક અગિયાર કલાકે બધાને બહાર કાઢવામાં આવ્યા હતા."

"દીકારાની માનતા પૂરી કરવા માટે પરિવાર બગદાણા જઈ રહ્યો હતો પણ...''

સોનલબહેનની આંખ સામે તેમનો પરિવાર પાણીમાં ડૂબી ગયો. જ્યારે તેમના બે વર્ષના પુત્ર, પુત્રી અને પતિ સહિત અન્ય સંબંધીઓને નદીમાં ડૂબી રહ્યા હતા ત્યારે સોનલબહેન લાચાર થઈને મદદ માટે બૂમો પાડી રહ્યાં હતાં.

ગંભીરા બ્રિજ તૂટવાની કમનસીબ ઘટનાએ સોનલબહેનના પતિ(રમેશભાઈ)ની સાથે એમનાં બે સંતાનો- બે વર્ષના દીકરા(નૈતિક) અને ચાર વર્ષની દીકરી (વેદિકા)નો પણ ભોગ લીધો છે.

સોનલબહેનના કાકાજી સસરા એટલે કે સોનલબહેનના સસરા રાવજી પઢિયારના ભાઈ બુધાભાઈના જણાવ્યા પ્રમાણે ચાર દીકરીઓ પછી અગિયાર વર્ષે સોનલબહેનના આ પુત્રનો જન્મ થયો હતો. એના જન્મની ખુશીમાં ગામમાં હજુ એક મહિના પહેલાં જમણવાર પણ ગોઠવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, "પુત્ર જન્મની માનતા પૂરી કરવા માટે પરિવાર બગદાણા જઈ રહ્યો હતો પણ આ પરિવારના સુખને જાણે કુદરતની નજર લાગી ગઈ અને સવારે પરિવાર ગંભીરા બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યાં જ....એક પળમાં બધું વિખેરાઈ ગયું....પુલના તૂટવાની સાથે સોનલબહેનનો પરિવાર પણ જાણે તૂટી ગયો."

સોનલબહેન કહે છે કે, "મારો બે વર્ષનો છોકરો પાણી પીને મરી ગયો, મારો ઘરવાળો મરી ગયો, મારી છોકરી પણ મરી ગઈ, મારી છોકરીઓનું શું કરીશ...હું શું કરું સાહેબ, મારી છોકરીઓ પપ્પા અને ભાઈ માગે છે, હું ક્યાંથી લાવું.. હવે કેમ કરીને દહાડા કાઢીશું...મારી પર આભ તૂટી પડ્યું છે."

"મારી જોડે જ આવું થવાનું આવ્યું. હવે, આ બધું સરકારને જ જોવું પડશે, મારી છોકરીઓનું શું થશે...મારો ભગવાન જેવો માણસ પાણી પીને ડૂબી ગયો, હું કોના આશરે જીવીશ? મારા જોડે આવું શું કામ કર્યું?"

સોનલબહેન જેવી જ સ્થિતિ એમનાં સાસુ સૂરજબહેનની છે. તેઓ કહે છે, "મારો દીકરો જાતરા જતો હતો. મારું કુટુંબ આખું જતું રહ્યું. અમારા દીકરા ડૂબી જાહે એવું નહોતું ધાર્યું."

..તો અમારા એક-બે જણ બચી ગયા હોત

સોનલબહેનના પરિવારમાં અત્યારે કોણ કોને શાંત કરે એવી ગમગીન સ્થિતિ છે. પરિવારના સુખી જીવનના તમામ અરમાનો અત્યારે મહી નદીના એ પાણીમાં ડૂબી ગયા છે.

પઢિયાર પરિવારના મોભી અને સોનલબહેનના સસરા રાવજી પઢિયાર જણાવે છે કે, "ગાડીમાં કુલ સાત જણ હતા. જેમાં મારા બે જમાઈ, મારો દીકરો, દીકરાનાં વહુ, એક દીકરાના સાઢુ અને બે સંતાનો સામેલ હતાં. જેમાં માત્ર મારા દીકરાની વહુ (સોનલબહેન) બચ્યાં છે."

"પુલ તૂટવાના સમચાર મળ્યા એટલે અમે સ્થળ પર ગયા. મારો દીકરો અને પરિવાર હજુ થોડા સમય પહેલાં જ નીકળ્યો હતો. સમાચાર મળ્યા એટલે અમે બે ભાઈઓ સ્કૂટર પર પહોંચ્યા પણ અમને પોલીસે આગળ જવાની ના પાડી. મેં મારો છોકરો અને તેનો પરિવાર હોવાની વાત કરી પણ તેઓ માન્યા નહીં. મારી વહુ મારી પાસે આવીને 'મારા છોકરાને તમે કાઢો'નું રટણ કરી રહી હતી."

રાવજીભાઈનું માનવું છે કે જો પોલીસવાળાએ તેમને અંદર જવા દીધા હોત તો અમારા એક- બે જણ બચી ગયા હોત.

'સરકારી પાપે લોકો માર્યા ગયા છે'

સરકારી તંત્ર પુલની જાળવણીમાં નિષ્ફળ પુરવાર થયું હોવાનો આરોપ હાલ લાગી રહ્યો છે. સરકાર સામે આ મામલે વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે દાવો કર્યો છે કે તેઓ ગંભીરા પુલ 'જર્જરિત' હોવાની દુર્ઘટનાનાં લગભગ ત્રણ વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે.

હર્ષદસિંહ પરમારનો આરોપ છે કે કલેક્ટરના સૂચન બાદ આ મામલે કોઈ પગલાં લેવાયાં નહોતાં.

તેઓ કહે છે કે, "આ બ્રિજ આજે નથી તૂટ્યો, પરંતુ 2022માં જ્યારે અમે સૌ આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી હતી એ સમયે જ તૂટી ગયો હતો."

"આજ દિન સુધી સરકારના કોઈ અધિકારી દ્વારા આ બ્રિજની કોઈ સ્થળતપાસ કરવામાં આવી નથી. આ એક માનવસર્જિત ઘટના કહી શકાય. સરકારી કર્મચારીઓની સામેલગીરીને કારણે જ આ ઘટના બની છે."

રાવજીભાઈ પણ આ મામલે કહે છે કે, "બે-ત્રણ વર્ષ પહેલાં અમારી જિલ્લા પંચાયતના એક સભ્યએ પુલ જર્જરિત હોવાની રજૂઆત કરી હતી. મોટાં વાહનો બંધ કર્યાં હોત તો આ દુર્ઘટના ન ઘટી હોત. આ અકસ્માત ન કહેવાય પણ સરકારની બેદરકારી કહેવાય. આ અધિકારીઓની બેદરકારીને લીધે પુલ તૂટ્યો છે."

આટલું બોલતા રાવજીભાઈ ભાંગી પડે છે.

રાવજીભાઈના ભાઈ બુધાભાઈ બીબીસીને કહે છે, "મૃતક મારો ભત્રીજો છે. મારો પરિવાર બેહાલ થઈ ગયો છે. સરકારે અમારા માટે શું કર્યું? વિમાન દુર્ઘટનામાં કરોડો રૂપિયા આપી દીધા પણ હવે અમે બિન આધારિત થઈ ગયા છીએ.''

બુધાભાઈના જણાવ્યા પ્રમાણે "અગાઉ રજૂઆત કરી હોવા છતાં પણ વાહનવ્યવ્હાર ચાલુ હતો. અમે જ્યારે પસાર થતા ત્યારે ધ્રુજારી અનુભવાતી હતી. પુલ હલતો હોવાનું અનુભવાતો હતો."

વહીવટીતંત્રે આ મામલે આરોપોને ફગાવ્યા છે.

વડોદરાના ઍક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું."

બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન