You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : મહી નદી પરનો પુલ તૂટતાં 15 લોકોનાં મોત, બચાવવા ગયેલા લોકોએ શું જોયું?
આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાં છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ કહ્યું કે આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે. ચાર લોકો હજુ પણ ગુમ છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મધ્ય ગુજરાતના સહયોગીઓએ આપેલી માહિતી અનુસાર વડોદરા જિલ્લાની હદમાં અને મહી નદી પર આવેલા વાહનોની અવરજવરવાળા આ બ્રિજમાં મોટું ભંગાણ પડતાં કેટલાંક વાહનો નદીમાં પડ્યાં છે.
સ્થાનિક તંત્ર ઘટના સામે આવ્યા બાદ રાહત બચાવની કાર્યવાહી શરૂ કરી છે.
ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ શું કહ્યું?
ગુજરાત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ કહ્યું કે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.
તેમણે કહ્યું કે "ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાના અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની પડખે સંપૂર્ણ સંવેદના સાથે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાય આપશે."
તેમણે વધુમાં કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને બ્રિજની દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી."
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું, "બ્રિજ 1985માં બન્યા પછી સમયાંતરે તેની મરામત કરવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ કરાવ્યું હતું, પરંતુ આ કમનસીબ અને દુ:ખદ બનાવ બન્યો છે. મુખ્ય મંત્રીએ નવો બ્રિજ 212 કરોડના ખર્ચે બનાવવા એમના તબક્કે મંજૂરી આપી હતી. તેની ટેન્ડર, એસ્ટિમેટ અને ડિઝાઇન પ્રગતિમાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ બીબીસીને જણાવ્યું કે, "આખું રેસ્ક્યૂ ઑપરેશન વડોદરા તરફથી થાય છે, અમે માત્ર ટ્રાફિકને રોક્યો છે. આ પુલ પણ વડોદરા જિલ્લામાં આવે છે. આણંદ અને સૌરાષ્ટ્રથી વડોદરા જતાં વાહનો રોકવામાં આવ્યાં છે. લગભગ 1983થી 1984માં બનેલો પુલ છે."
રોડ અને બિલ્ડિંગ વિભાગના ચીફ એન્જિનિયર સીપી પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "આ બ્રિજને 1985માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો."
બ્રિજની ઘટના કેવી રીતે બની તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "આ વિશે તપાસ કરવામાં આવે ત્યાર પછી ખબર પડશે. અમે તમામ બ્રિજનું પ્રિ-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ. આ બ્રિજની શું હાલત હતી તેના વિશે રેકૉર્ડ જોયા પછી ખ્યાલ આવશે."
રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ પીઆર પટેલિયાએ મીડિયાને જણાવ્યું કે, "મહી નદી પર સવારે બ્રિજનો એક સ્પાન ડૅમેજ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમે તેનો રિપોર્ટ લઈ રહ્યા છીએ અને નિષ્ણાતની ટીમ મોકલી છે."
લોકોને બચાવનાર વ્યક્તિએ શું કહ્યું?
એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢીયારે જણાવ્યું કે, "બ્રિજ તૂટવાનો મૅસેજ મળતા જ હું અડધા કલાકમાં અહીં આવી ગયો. અહીં આવીને જોયું કે લગભગ ચાર ગાડી નીચે પડી ગઈ હતી. બીજી બાઇક પણ છે."
તેમણે દાવો કર્યો કે "આ પુલ જર્જરિત હતો, તેની આવરદા પૂરી થઈ ગઈ હતી."
ઘટનાસ્થળની નજીકના મુજપુર ગામના સરપંચ અભેસિંહ પરમારે જણાવ્યું કે, આ પુલ જર્જરિત હાલતમાં હતો અને બધે ખાડા પડી ગયા હતા. સળિયા પણ દેખાતા હતા. આ વિશે ઘણી રજૂઆત કરી છતાં કાળજી લેવામાં આવી ન હતી.
એક મહિલાના પરિવારના ઘણા સભ્યો બ્રિજ તૂટી જવાના કારણે નદીમાં પડી ગયા છે. મહિલાએ વિલાપ કરતા કહ્યું કે "અમે બગદાણા પૂનમ ભરવા જતાં હતાં. અમારી સાથે છ જણ હતા, જેમાં મારો નાનકડો પુત્ર, પતિ, જમાઈ, બનેવી સહિતના લોકો છે જેઓ અંદર જ છે."
રાહત બચાવકાર્યમાં જોતરાયેલી એક વ્યક્તિ જગમારસિંહ પઢિયાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, "મને સાડા સાત વાગ્યે આ બનાવ બન્યાની ખબર પડી, તે બાદ હું દોડીને અહીં આવ્યો. નદીમાં એક રિક્ષા, એક ટ્રક, એક ઇકો કાર, એક લૉડિંગ મૅક્સ ગાડી અંદર પડી હતી."
"લોકો અહીં અન્યોને ફોન કરીને બોલાવી રહ્યા હતા. અહીં પોલીસતંત્ર પણ આવ્યું. એ બધાએ મળીને કેટલાક મૃતદેહ કાઢ્યા છે. થોડા હજુ કાઢવાના છે. નદીમાં હાલ ચાર-પાંચ વાહન છે, પરંતુ તેમાં બાઇક નથી દેખાઈ. "
તેઓ આગળ કહે છે કે, "આ ઘટનામાં મારા ગામના પાંચ લોકો હતા, જેમાંથી એક મહિલા બચ્યાં છે. તેમને દવાખાને મોકલ્યાં છે."
રાહત બચાવમાં લાગેલી વધુ એક વ્યક્તિ રાજદીપ પઢિયારે કહ્યું કે, "અમે અહીં આઠ વાગ્યાથી છીએ. અમે અહીં ગાડીને દોરડાથી બાંધીને ખેંચીને બહાર કાઢી છે. બે લોકો જીવિત હતા, તેમને દવાખાને મોકલી આપ્યા છે."
"અહીં પહેલાં ગામના લોકો જ હતા, પાછળથી બીજા લોકો પણ આવ્યા."
ઘટનાસ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં બ્રિજની તૂટેલી રેલિંગ પાસે એક ટ્રક બ્રિજ પર માંડ ટકેલી જોવા મળી રહી છે. તેમજ બીજી તરફ નદીમાં અમુક વાહન પડેલાં નજરે પડી રહ્યાં છે.
આ ઉપરાંત ઘટના બાદ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો અને રાહદારીઓ નદી તરફ નમીને જોતા દેખાઈ રહ્યા છે.
આ સિવાય બ્રિજ પર કેટલાક પોલીસકર્મી અને વાહનો જોવા મળી રહ્યાં છે.
ઘટનાસ્થળના એક વીડિયોમાં નદીમાંથી આરોગ્યકર્મીઓ પીડિતોને બચાવીને ઍમ્બુલન્સમાં લઈ જતા જોવા મળી રહ્યા છે.
પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ બ્રિજ આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના રસ્તે હતો. આ બ્રિજ આણંદ અને આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કૉંગ્રેસ અને આપનો સરકાર પર આરોપ
ગુજરાત કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, "આ બ્રિજ પરથી મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. વારંવાર આવા બનાવો કેમ બને છે? બ્રિજ ભયજનક હોય તો તેને બંધ કરવો જોઈએ અથવા મરામત કરવી જોઈએ. સરકારની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે."
આપના નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે "આ પુલ દુર્ઘટના માનવસર્જિત છે. ટ્રક અને પીક-અપ વાહનો સહિત ચાર વાહન નદીમાં પડ્યાં છે. સરકાર અને ભાજપને સવાલ છે કે જનતા ટૅક્સ ભરે ત્યારે સુદૃઢ વ્યવસ્થાની અપેક્ષા રાખે છે."
તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા કહ્યું કે "આજે કોઈ બ્રિજ ઉપરથી પસાર થતા કે નીચેથી પસાર થતા ડર લાગે છે. બ્રિજ જર્જરિત હતો તો વાહન વ્યવહાર બંધ કરવામાં કેમ ન આવ્યો?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન