ગંભીરા બ્રિજ : 10 તસવીરમાં જુઓ વડોદરામાં મહી નદીનો પુલ તૂટ્યા બાદ કેવી સ્થિતિ થઈ?

મહી નદી પરનો ગંભીરા બ્રિજ આજે સવારે અચાનક તૂટી પડવાથી દોડધામ મચી ગઈ હતી. બે ટ્રક અને બે પીક-અપ વાહનો તથા રિક્ષા નદીમાં પડ્યાં હતાં, જેમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

બ્રિજ તૂટી પડવાના સમાચાર ફેલાતા જ સ્થાનિક લોકો સૌથી પહેલા બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા. ત્યાર પછી એનડીઆરએફ અને વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સત્તાવાળાઓના કહેવા પ્રમાણે આ બ્રિજ 1985માં ખુલ્લો મુકાયો હતો.

વડોદરાના એસપી રોહન આનંદે મીડિયાને જણાવ્યું કે, "હજુ બે ટ્રક પાણીમાં છે તેને કાઢ્યા પછી ખબર પડશે કે તેમાં જીવિત અથવા મૃત્યુ પામેલા લોકો ફસાયેલા છે કે નહીં."

આણંદના સાંસદ મીતેશ પટેલે જણાવ્યું કે, "વડોદરા તરફથી બ્રિજનો એક ટુકડો તૂટી ગયો છે. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ અહીં આવી ગઈ છે. અત્યાર સુધીમાં આઠથી લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે જેમાં એક બાળકી પણ સામેલ છે."

રોડ અને બિલ્ડિંગ વિભાગના સચિવ પીઆર પટેલિયાએ મીડિયાને જણાવ્યું કે, "મહી નદી પર સવારે બ્રિજનો એક સ્પાન ડૅમેજ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમે તેનો રિપોર્ટ લઈ રહ્યા છીએ અને ઍક્સપર્ટની ટીમ મોકલી છે."

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહીસાગર નદીમાં પાંચથી છ વાહનો પડ્યાં છે. તેમણે કહ્યું કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા પુલના સ્લેબનો એક ટુકડો પડવાના કારણે વાહનો નદીમાં પડ્યાં હતાં.

વડોદરા જિલ્લાની હદમાં અને મહી નદી પર આવેલા વાહનોની અવરજવરવાળા આ બ્રિજમાં મોટું ભંગાણ પડતાં કેટલાંક વાહનો નદીમાં પડ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન