You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા પુલ દુર્ઘટના : 'આ બ્રિજ 2022માં જ તૂટી ગયો હતો, પણ કોઈએ ધ્યાન ન આપ્યું,' આવા આરોપ કેમ લાગી રહ્યા છે?
પાછલાં અમુક વર્ષોમાં ગુજરાત કેટલીક દુ:ખદ ઘટનાઓનું સાક્ષી બન્યું છે, આ યાદીમાં 9 જુલાઈએ વહેલી સવારે વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડતાં વધુ એક દુર્ઘટના ઉમેરાઈ છે.
વડોદરાના પાદરા અને આણંદ જિલ્લાને જોડતા આ મહત્ત્વપૂર્ણ બ્રિજનો વચ્ચેનો એક મોટો સ્લેબ તૂટી પડતાં બે પિક-અપ વાન, બે ટ્રક અને રિક્ષા સહિતનાં વાહનો ઘણી ઊંચાઈએથી નદીમાં પડ્યાં હતાં.
અત્યાર સુધી આ વાહનોમાં બેઠેલા અને દુર્ઘટનાનો ભોગ બનેલા 15 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. જ્યારે ચાર લોકો હજુ ગુમ છે. ઉપરાંત પાંચ ઈજાગ્રસ્ત છે.
સમગ્ર મામલે હવે સરકારી તંત્ર સામે 'પુલની જાળવણી અને સમારકામમાં ગંભીર બેદરકારી'ના આરોપ લાગી રહ્યા છે.
જોકે, સામે પક્ષે સરકારનું કહેવું છે કે આ આરોપો 'પાયાવિહોણા' છે. સરકારે આ પુલની નિયમિત જાળવણી અને ઇન્સ્પેક્શન થતાં હોવાનો દાવો કર્યો છે.
સરકાર સામે આ મામલે વડોદરા જિલ્લા પંચાયતના કૉંગ્રેસના સભ્ય હર્ષદસિંહ પરમારે દાવો કર્યો છે કે તેઓ ગંભીરા પુલ 'જર્જરિત' હોવાની દુર્ઘટનાનાં લગભગ ત્રણ વર્ષ પૂર્વે સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે.
બીબીસી ગુજરાતીએ તેમની સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે આ પુલની સ્થિતિ તરફ ધ્યાન દોરતા સરકારને કરેલી રજૂઆતો જોઈ હતી.
'2022માં પુલની સ્થિતિ અંગે કરી હતી રજૂઆત'
પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, "હું જ્યારે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો તેની તુરંત બાદ મેં આ બ્રિજ અંગે રજૂઆત કરી હતી. ચાર ઑગસ્ટ 2022ના રોજ વડોદરાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અને રસ્તા તથા બાંધકામ ડિવિઝનને મુજપુરસ્થિત ગંભીરા બ્રિજ અત્યંત ગંભીર અને ખૂબ જર્જરિત હાલતમાં હોવાની રજૂઆત કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ રજૂઆતમાં મેં તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ અને યોગ્ય પગલાં ભરી ટેસ્ટ રિપોર્ટ જાહેર કરવા સૂચન કર્યું હતું."
આ રજૂઆત બાદ કલેક્ટરે તેમને લેખિતમાં જવાબ આપ્યો હતો.
તેઓ કહે છે કે, "આ રજૂઆત બાદ કલેક્ટરે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને યોગ્ય પગલાં ભરવા માટે ખાસ સૂચન કર્યું હતું."
હર્ષદસિંહ પરમારનો આરોપ છે કે કલેક્ટરના સૂચન બાદ આ મામલે કોઈ પગલાં લેવાયાં નહોતાં.
તેઓ કહે છે કે, "આ બ્રિજ આજે નથી તૂટ્યો, પરંતુ 2022માં જ્યારે અમે સૌ આગેવાનોએ ભેગા મળીને રજૂઆત કરી હતી એ સમયે જ તૂટી ગયો હતો."
"આજ દિન સુધી સરકારના કોઈ અધિકારી દ્વારા આ બ્રિજની કોઈ સ્થળતપાસ કરવામાં આવી નથી. આ એક માનવસર્જિત ઘટના કહી શકાય. સરકારી કર્મચારીઓની સામેલગીરીને કારણે જ આ ઘટના બની છે."
'જો તંત્રે પહેલાંથી ધ્યાન આપ્યું હોત તો...'
દુર્ઘટનાગ્રસ્ત બ્રિજની નજીકના એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ પઢિયારે ઘટના બન્યા બાદ તરત ઘટનાસ્થળે પહોંચેલા લોકો પૈકી એક હતા.
તેમણે ઘટના બની ત્યારે શું થયું હતું એ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "બ્રિજ તૂટ્યાની પાંચ મિનિટમાં જ આ બનાવની મને ખબર પડી ગઈ હતી, કારણ કે હું અહીં પાસે જ રહું છું."
"ઘટના બાદ હું જ્યારે અહીં તાત્કાલિક પહોંચ્યો ત્યારે મેં જોયું કે બ્રિજ તૂટીને નદીમાં પડી ગયો છે, બ્રિજ પરનો વાહનવ્યવહાર બિલકુલ બંધ થઈ ચૂક્યો હતો. બાદમાં મેં આ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હાલના ધારાસભ્યને જાણ કરી. અને તેમને તંત્રને આગળ આ મામલાની જાણ કરવા કહ્યું."
ધનજીભાઈ પઢિયારે કહ્યું કે, "બ્રિજ તૂટી પડતાં ચારથી પાંચ વાહનો પણ પડ્યાં હતાં."
તેમણે પણ બ્રિજની 'જર્જરિત હાલત' અંગે પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, "બ્રિજ જર્જરિત અવસ્થામાં હતો એ તંત્ર અને બધા જાણતા હતા. જો તંત્રે પહેલાંથી આ બાબતે થોડું ધ્યાન આપ્યું હોત તો લોકોનાં મૃત્યુ થયાં ન હોત."
પુલ તૂટી પડતાં નદીમાં જ્યાં વાહનો પડ્યાં હતાં ત્યાં પણ ધનજીભાઈ પહોંચ્યા હતા.
તેમણે નદીની વચ્ચોવચ જોવા મળેલા વિનાશના દૃશ્ય અંગે વાત કરતાં કહ્યું કે, "ત્યાં વાહન એકબીજા પર પડ્યાં હતાં. આ વાહનોમાં રહેલા ઘણા લોકો બૂમો પાડી રહ્યા હતા. એકલબારા અને મુજપુરના સ્થાનિકોએ લોકોને બચાવવાના સૌથી વધુ પ્રયત્નો કર્યા."
સરકારી તંત્રે કહ્યું, 'બ્રિજની નિયમિત તપાસ અને જાળવણી કરાતી'
સરકારની પ્રેસનોટમાં જણાવાયું છે એ પ્રમાણે, "આ દુર્ઘટના માટે ચીફ એન્જિનિયર- ડિઝાઇન તથા દક્ષિણ ગુજરાતના ચીફ એન્જિનિયર ઉપરાંત પુલ નિર્માણના બે નિષ્ણાતો અને બે ખાનગી એન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતોની તપાસ હાથ ધરીને અહેવાલ આપવાની સૂચના આપવામાં આવી છે."
બ્રિજ અગાઉથી જ જર્જરિત હતો અને તેનું ઇન્સ્પેક્શન યોગ્ય રીતે ન થયાના આરોપોનો જવાબ આપતાં પાદરાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ તો વિરોધીઓનું કામ છે આરોપો કરવાનું."
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ બ્રિજની નિયમિતપણે તપાસ થતી હતી અને છેલ્લા ઇન્સ્પેક્શનમાં આ બ્રિજ પર કોઈ જોખમ હોય તેવું જણાયું નહોતું. છતાં આ જે દુર્ઘટના ઘટી છે, એ દુ:ખદ છે અને તેનાં કારણોની તપાસના આદેશ સરકારે પહેલાંથી જ આપી દીધા છે. તપાસ બાદ વધુ ખબર પડશે."
વડોદરાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નૈનેશ નાઇકાવાલાએ ઇન્ડિયન ઍક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, "ઇન્સ્પેક્શન બાદ જે યોગ્ય મરામતનું કામ કરવું જોઈતું હતું એ અમે કર્યું જ હતું. એ વખતે બ્રિજ પર કોઈ જોખમ હોવાનું અમને જણાયું નહોતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન