You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું શું કહ્યું કે તેમની ટીકા થઈ રહી છે?
ગુજરાતમાં આજે આણંદ અને પાદરાને જોડતા મહી નદી પરના ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો.
બે ટ્રક અને બે પિક-અપ વાન તથા રિક્ષા નદીમાં પડ્યાં હતાં, જેમાં ઓછામાં ઓછા નવ લોકોનાં મૃત્યુ થયાં છે.
આ ઘટના બાદ રાજ્ય સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
જોકે, દુર્ઘટના બાદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આપેલા એક નિવેદનની ખૂબ ટીકા થઈ રહી છે. રાજકીય નેતાઓથી લઈને સામાન્ય લોકો તેમના આ નિવેદનની ટીકા કરી રહ્યા છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે શું લખ્યું હતું?
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું હતું કે, "આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો એક ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઈજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેક્ટર સાથે વાતચીત કરીને અગ્રતાક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે. દુર્ઘટનાસ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બૉટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે."
તેમણે લખ્યું હતું કે, "આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના મેં આદેશો આપ્યા છે. આ માટે ચીફ ઍન્જિનિયર - ડિઝાઇન તથા ચીફ ઍન્જિનિયર- સાઉથ ગુજરાત અને પુલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઍન્જિનિયરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાનાં કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે."
જોકે, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના 23 ગાળામાંથી એક ગાળો તૂટી પડ્યો એ નિવેદનની ટીકા થઈ રહી છે.
ભાજપના નેતાઓ હર્ષ સંઘવી, પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ પણ તેમના ટ્વીટમાં 'બ્રિજનો એક ભાગ તૂટી પડવાનો' ઉલ્લેખ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુખ્ય મંત્રીના નિવેદનની સોશિયલ મીડિયા પર ટીકા
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક યુઝર ધવલ પટેલે લખ્યું હતું કે, "23 ગાળા પૈકીનો એક ગાળો કહીને તમે શું કહેવા ઇચ્છો છો? ભૂલ સરકારની છે એમ સ્વીકારી લેવામાં શું વાંધો છે? નહીંતર 182 પૈકી કેટલી બેઠકો ભાજપને આપવી એ પણ જનતાને આવડે છે."
ચિરાગ કાતરિયા નામના એક યુઝરે કહ્યું છે કે, "શું પુલના 22 ગાળા ઉપયોગમાં લઈ શકાય એવા હશે? આવું સોશિયલ મીડિયામાં તમારા વતી લખનારા લોકોને નહીં સમજાતું હોય સાહેબ?"
અમરત ચૌહાણ નામના એક યુઝરે મુખ્ય મંત્રીની પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે, "23 ગાળા તૂટે કે એક ગાળો તૂટે, એને પુલ તૂટી પડ્યો એમ જ કહેવાય..."
અન્ય એક યુઝર ઉમંગ સાંગાણીએ ગુસ્સામાં લખ્યું હતું કે, "આપને આવું લખતા શરમ આવવી જોઈએ કે એક ગાળો તૂટી પડ્યો. આપની સરકારમાં 30 વર્ષથી લોકો કમોતે મરે છે."
કિરણ નામના એક યુઝરે લખ્યું હતું કે, "આપનો ખૂબ ખૂબ આભાર કે 23માંથી એક જ ગાળો પડ્યો. બાકીના હજુ 22 ભાગ પડી જાય તેની કેટલી રાહ જોવાની છે? તો એ મુજબ લોકોના જીવ ગણીને ગુજરાતીઓ સાઇડમાં મૂકી દે."
પ્રાંજલી રાવલ નામનાં એક યુઝરે લખ્યું હતું કે, "ના...તમે ભૂલો છો...બ્રિજ નહીં લોકોનો તમારા પરનો ભરોસો તૂટ્યો છે."
સંજય ધારસંદિય નામના એક યુઝરે લખ્યું હતું કે, "ગુજરાતના લોકોએ આત્મ નિર્ભર બની ઘરની બહાર નીકળવું જોઈએ. કારણ કે જ્યારે પુલ ખાબકે કે અન્ય મુસીબત આવે ત્યારે ભાજપને કે સરકારી અધિકારીઓને કશો ફરક પડતો નથી.. જેના જેનાં સ્વજનો ગયાં હોય એમને જ ખબર હોય કે તકલીફ શું પડે છે... કેમ કે ગુજરાતનો આત્મા ક્યારે જાગશે એ તો રામ જાણે...."
વિપક્ષે રાજીનામાની માગ કરી
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી ભૂપેન્દ્ર પટેલના જ આ લખાણને રિટ્વીટ કરીને લખ્યું હતું કે, "ગજબનો આત્મા છે આપનો સાહેબ. 23 ગાળામાંથી એક ગાળો તૂટી પડવાનું કહીને તમે હજુ તમારી લાપરવાહી અને ભ્રષ્ટાચારને આટલા લોકોનાં મોત બાદ પણ છુપાવો છો? "
તેમણે લખ્યું હતું કે, "સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી એવા વીડિયો છે છતાં તપાસનું નાટક કરીશું? મૃતક પરિવારો આપણા રાજ્યના છે અને આપણા પરિવારો છે. તમારે આવી દુર્ઘટનાઓની જવાબદારી લેવી જોઈએ."
કૉંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ લખ્યું હતું કે, "ગંભીરા બ્રિજ ભાજપના ભ્રષ્ટાચારને કારણે તૂટ્યો છે. મોરબી કાંડ, તક્ષશિલા કાંડ, હરણી કાંડ, રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાઓ પછી પણ મૃદુ મુખ્ય મંત્રીને કોઈ ફર્ક પડતો નથી. ખૂબ શરમજનક..."
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું, "ગુજરાતનો આત્મા ક્યારે જાગશે? ભ્રષ્ટાચારના કારણે આટઆટલી દુર્ઘટનાઓ બની ચુકી છે, હવે તો ગુજરાતનો આત્મા જાગશે ખરો?"
કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, "લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે પુલ હલી રહ્યો છે, પડી જશે. દુર્ઘટના પહેલાં બ્રિજના સમારકામ માટે પૈસા પણ ખર્ચ કરવામાં આવ્યા. તો પણ પુલ પડ્યો. ગુજરાતમાં જે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘટનાઓ બની છે તેના માટે ભાજપનો ભ્રષ્ટાચાર જવાબદાર છે."
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, "દાદા...જો ખરેખર તમારું હૃદય મૃદુતાથી ભરેલું હોય તો મક્કમતા દાખવીને સમગ્ર બિનકાર્યક્ષમ મંત્રીમંડળ સાથે રાજીનામું ધરી દો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન