You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની તારીખ નક્કી થઈ, શું તેમને બચાવી શકાશે?
- લેેખક, બેંગ્લોરથી બીબીસી હિન્દી માટે ગીતા પાંડે ઇમરાન કુરેશી સાથે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
યુદ્ધગ્રસ્ત દેશ યમનમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી રહેલી ભારતીય નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવશે. તેમને બચાવવા માટે ઝુંબેશ ચલાવતા લોકોએ બીબીસીને આ માહિતી આપી છે.
નિમિષાને સ્થાનિક વ્યક્તિ અને તેમના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
2017માં, મહદીનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
તેમને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે મહદીનો પરિવાર તેમને માફ કરી દે. નિમિષાના પરિવાર અને સમર્થકોએ દિયા અથવા બ્લડ મની તરીકે દસ લાખ ડૉલર દિયાહની ઑફર કરી છે, જે મહદીના પરિવારને આપવાના છે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો મહદીનો પરિવાર આ રકમ સ્વીકારવાના બદલામાં નિમિષાને માફ કરી દે.
નિમિષા પ્રિયા હાલમાં ક્યાં બંધ છે?
સેવ નિમિષા પ્રિયા કાઉન્સિલના એક સભ્યએ બીબીસીને જણાવ્યું કે, "અમે હજુ પણ તેમની માફી કે અન્ય કોઈ માંગણીઓની રાહ જોઈ રહ્યા છીએ."
કાઉન્સિલના સભ્ય અને સામાજિક કાર્યકર્તા બાબુ જૉને જણાવ્યું હતું કે, "પ્રૉસિક્યુશન ડિરેક્ટોરેટના વડા દ્વારા ફાંસીની તારીખ જેલ અધિકારીઓને જણાવવામાં આવી છે. અમે હજુ પણ તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ આખરે પરિવારે તેમને માફ કરવા માટે સહમત થવું પડશે."
ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે તેઓ હજુ પણ ઘટનાની વિગતો ચકાસી રહ્યા છે.
નિમિષા પ્રિયા 2008 માં ભારતના કેરળ રાજ્યથી નર્સ તરીકે કામ કરવા માટે યમન ગયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં મહદીનો મૃતદેહ મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 34 વર્ષીય નિમિષા હાલમાં યમનની રાજધાની સનાની સેન્ટ્રલ જેલમાં બંધ છે.
તેમના પર મહદીને 'બેહોશીની દવાઓનો વધુ પડતો ડોઝ' આપીને અને પછી શરીરના ટુકડા કરીને તેની હત્યા કરવાનો આરોપ હતો.
નિમિષા પ્રિયાનો દાવો શું છે?
નિમિષાએ આ આરોપોને ફગાવી દીધા હતા. તેમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મહદીએ તેમને શારીરિક ત્રાસ આપ્યો હતો, તેમના બધા પૈસા છીનવી લીધા હતા, તેમનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો અને બંદૂકથી ધમકી આપી હતી.
નિમિષાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ ફક્ત એનેસ્થેસિયા આપીને મહદી પાસેથી પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માંગતાં હતાં પરંતુ ભૂલથી દવાનો ડોઝ ઓવરડોઝ થઈ ગયો હતો.
2020માં, એક સ્થાનિક કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી. તેમના પરિવારે આ નિર્ણયને યમનની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ 2023માં તેમની અપીલ ફગાવી દેવામાં આવી હતી.
જાન્યુઆરી 2024માં, યમનના હુતી બળવાખોરોની સુપ્રીમ પૉલિટિકલ કાઉન્સિલના અધ્યક્ષ મહદી અલ-મશાતે ફાંસીની મંજૂરી આપી.
યમનની ઇસ્લામિક કાનૂની વ્યવસ્થા, જેને શરિયા કહેવાય છે, હેઠળ હવે તેમની પાસે ફક્ત એક જ છેલ્લી આશા બાકી છે - પીડિતનો પરિવાર. જો તેઓ ઇચ્છે તો, તેઓ બ્લડ મની લઈને તેમને માફ કરી શકે છે.
નિમિષાનાં માતા, જે ઘરેલુ કામદાર છે, તેઓ 2024થી યમનમાં છે અને તેમની પુત્રીને બચાવવા માટે મહત્તમ પ્રયાસો કરી રહ્યાં છે.
તેમણે મહદીના પરિવાર સાથે વાટાઘાટો કરવા માટે યમનમાં રહેતા સામાજિક કાર્યકર્તા સૅમ્યુઅલ જેરોમની મદદ લીધી છે.
'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' નામનું એક જૂથ લોકો પાસેથી ભંડોળ એકત્ર કરીને નાણાં એકત્ર કરી રહ્યું છે. સૅમ્યુઅલ જેરોમે કહ્યું છે કે મહદીના પરિવારને દસ લાખ ડૉલરની ઑફર કરવામાં આવી છે.
ભારત સરકારે શું કર્યું?
ગયા વર્ષે ડિસેમ્બરમાં, નિમિષાના પરિવારે આ મામલે ભારત સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે આ બાબતે એક નિવેદન બહાર પાડ્યું હતું અને શક્ય એટલી તમામ મદદની ખાતરી આપી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "અમે યમનમાં નિમિષા પ્રિયાને આપવામાં આવેલી સજાથી વાકેફ છીએ. અમે સમજીએ છીએ કે પ્રિયાનો પરિવાર વિકલ્પો શોધી રહ્યા છે."
જયસ્વાલે કહ્યું હતું કે, "ભારત સરકાર આ મામલે શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે."
ગયા વર્ષે ડિસેમ્બરમાં, મીડિયા અહેવાલો બહાર આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહદી પરિવાર સાથે વાટાઘાટો દ્વારા માફી મેળવવાના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે મધ્યસ્થી પ્રયાસો માટે જરૂરી ભંડોળ એકત્ર કરી શકાયું નથી.
મનોરમા ઑનલાઇન અનુસાર, યમનમાં નિમિષાની મુક્તિ માટે મધ્યસ્થી પ્રયાસોનું નેતૃત્વ કરનારા સૅમ્યુઅલ જેરોમે કહ્યું કે આદિવાસી નેતાઓ સાથે મધ્યસ્થી વાટાઘાટો માટે પૈસા એકઠા કરી શકાયા નથી.
જેરોમે કહ્યું હતું કે, "પૈસા ચૂકવવામાં અસમર્થતાને કારણે વાટાઘાટો અટકી ગઈ. જો વાટાઘાટો ચાલુ રહી હોત, તો નિમિષા અત્યાર સુધીમાં મુક્ત થઈ ગઈ હોત."
જોકે, નિમિષાના પરિવારના વકીલ સુભાષ ચંદ્રને દાવો કર્યો હતો કે યમનમાં મધ્યસ્થી વાટાઘાટો કરી રહેલી ટીમે જુલાઈ 2024માં વીસ હજાર ડૉલરની માંગણી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "તેમણે ફરીથી 20,000 ડૉલર માંગ્યા, જે અમે મોકલી દીધા. અમે ભારતીય દૂતાવાસ દ્વારા યમનના વકીલને કુલ 38 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. પરંતુ કમનસીબે રાષ્ટ્રપતિ તરફથી સજા મંજૂર થઈ હોવાના સમાચાર મળ્યા છે."
શું છે આખો મામલો?
તાલીમ પામેલાં નર્સ નિમિષા પ્રિયા 2008માં કેરળથી યમન ગયાં હતાં. તેમને રાજધાની સનાની એક સરકારી હૉસ્પિટલમાં નોકરી મળી હતી.
2011માં, નિમિષા ટોમી થૉમસ સાથે લગ્ન કરવાં માટે કેરળ ગયાં અને પછી તેઓ બંને યમન ગયાં. ડિસેમ્બર 2012માં તેમને એક પુત્રીનો જન્મ થયો.
થૉમસે બીબીસીને જણાવ્યું કે તેમને યોગ્ય નોકરી મળી શકી નહીં, જેના કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને 2014 માં તેઓ તેમની પુત્રી સાથે કોચી પાછા ફર્યા.
તે જ વર્ષે, નિમિષાએ ક્લિનિક ખોલવા માટે તેમની ઓછી પગારવાળી નોકરી છોડી દેવાનું નક્કી કર્યું.
યમનના કાયદા હેઠળ, આમ કરવા માટે સ્થાનિક ભાગીદારની જરૂર પડે છે, અને હવે આ મામલામાં મહદીની ઍન્ટ્રી થાય છે.
મહદી કપડાની દુકાન ચલાવતા હતા અને તેમનાં પત્નીએ નિમિષા જે ક્લિનિકમાં કામ કરતી હતી ત્યાં એક બાળકીને જન્મ આપ્યો હતો. જાન્યુઆરી 2015માં જ્યારે નિમિષા ભારત આવ્યાં ત્યારે મહદી તેમની સાથે આવ્યા હતા.
નિમિષા અને તેમના પતિએ મિત્રો અને પરિવાર પાસેથી લગભગ 50 લાખ રૂપિયા એકઠા કર્યા અને એક મહિના પછી, નિમિષા પોતાનું ક્લિનિક ખોલવા માટે યમન પાછાં ફર્યાં.
થૉમસ અને તેમની પુત્રીને પાછા લાવવાના પ્રયાસો શરૂ થયા હતા તે જ સમયે યમનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.
તે સમય દરમિયાન, ભારતે યમનમાંથી તેના 4,600 નાગરિકો અને 1,000 વિદેશી નાગરિકોને બહાર કાઢ્યા પરંતુ નિમિષા પરત ન આવ્યાં.
પરંતુ નિમિષાની હાલત ટૂંક સમયમાં જ બગડી ગઈ અને તેમણે મહદી વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું.
નિમિષાનાં માતા પ્રેમા કુમારીએ 2023માં દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, "મેહદીએ નિમિષાનાં લગ્નના ફોટા તેના ઘરમાંથી ચોરી લીધા હતા અને બાદમાં તેમાં છેડછાડ કરીને દાવો કર્યો હતો કે તેણે નિમિષા સાથે લગ્ન કર્યાં છે."
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહદીએ નિમિષાને ઘણી વખત ધમકી આપી હતી અને "તેનો પાસપોર્ટ પણ રાખ્યો હતો અને જ્યારે નિમિષાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારે પોલીસે તેને છ દિવસ માટે જેલમાં ધકેલી દીધી હતી."
નિમિષાના પતિ થૉમસને 2017માં મહદીની હત્યા વિશે ખબર પડી હતી.
થૉમસને યમનથી સમાચાર મળ્યા કે નિમિષાને તેના પતિની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
થૉમસ માટે આ આઘાતજનક હતું કારણ કે તેઓ પોતે નિમિષાના પતિ હતા.
મહદીનો વિકૃત મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો અને એક મહિના પછી, નિમિષાની સાઉદી અરેબિયા સાથેની યમનની સરહદ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી.
બીબીસીના અહેવાલ મુજબ, "દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મેહદીએ ક્લિનિકના માલિકીના દસ્તાવેજ સાથે છેડછાડ કરી હતી અને તેને પોતાનો હોવાનો દાવો કર્યો હતો. તેણે ક્લિનિકમાંથી પૈસા પણ લેવાનું શરૂ કર્યું અને નિમિષાનો પાસપોર્ટ પણ રાખ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન