You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિહાર: 'તેમને ડાકણ કહીને મારી નાખવામાં આવ્યા', એક જ પરિવારના પાંચ લોકોની હત્યા મામલે પુલિસે શું કહ્યું?
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બિહારના પૂર્ણિયા જિલ્લામાં ટેટગામા ગામમાં એક જ પરિવારના પાંચ લોકોને ડાકણ કહીને મારી નાખવામાં આવ્યા હતા.
પૂર્ણિયા પોલીસ મુજબ મૃતકોમાં બાબૂલાલ ઉરાંવ અને એની પત્ની સહિત પરિવારના પાંચ લોકો સામેલ છે. પોલીસે જણાવ્યા અનુસાર આ ઘટના રવિવાર, 6 જુલાઈના રોજ બની હતી.
પૂર્ણિયાના જિલ્લાધિકારી અંશુલ કુમારે કહ્યું કે, આ મામલે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના બાદ બિહાર વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવ અને પૂર્ણિયાથી અપક્ષ સાંસદ પપ્પૂ યાદવે રાજ્યની કાયદા-વ્યવ્સથાની પરિસ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે.
પૂર્ણિયા જિલ્લા મેજિસ્ટ્રેટ અંશુલ કુમારે કહ્યું છે કે આ કેસમાં 23 આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે.
તેમણે કહ્યું , "આ ઘટના 6 જુલાઈની રાત્રે લગભગ બે વાગ્યે બની હતી, પાંચ લોકોને માર મારવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે માર માર્યા પછી તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. સોમવારે, પોલીસ અને વહીવટીતંત્રે મૃતદેહો બહાર કાઢ્યા અને તેમનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું."
"એફઆઈઆરમાં 23 આરોપીઓનાં નામ છે, જ્યારે 150થી 200 અજાણ્યા લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે."
અંશુલ કુમારે ગામની વર્તમાન પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી. તેમણે કહ્યું, "ટેટગામામાંથી ઘણા લોકો ફરાર છે. પોલીસ તેમને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે શું કહ્યું?
બીજી તરફ, પૂર્ણિયા ડીઆઈજી પ્રમોદ કુમાર મંડલે કહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં બે મુખ્ય આરોપીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા, પ્રમોદ મંડલે કહ્યું , "કોઈને માનવામાં પણ નહીં આવે કે 21મી સદીમાં આવું થઈ શકે છે. રામદેવ મહતોના પરિવારમાં એક બાળક બીમાર હતું. તેને સાજું કરવા માટે મૃતકો પર દબાણ કરવામાં આવ્યું હતું."
તેમણે કહ્યું, "જ્યારે તે સ્વસ્થ ન થયું, ત્યારે પરિવારના પાંચ સભ્યોનું ઘટનાસ્થળે જ મોત થયું. બે મુખ્ય આરોપીઓ ઉપરાંત, એક ટ્રૅક્ટર માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે 40 થી 50 લોકો હાજર હતા."
પોલીસનું કહેવું છે કે બાકીના આરોપીઓની શોધમાં દરોડા ચાલુ છે.
પૂર્ણિયાના SDPO પંકજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, "એવું માનવામાં આવે છે કે આ હત્યા મેલીવિદ્યા અને જાદુટોણા સાથે સંબંધિત છે. માહિતી મળી છે કે મૃતક પરિવાર પર મેલીવિદ્યાનો આરોપ હતો."
તેમણે કહ્યું, "પરિવારના એક સગીર સભ્યએ કહ્યું કે તેમના પરિવારના પાંચ સભ્યોને મેલીવિદ્યાના આરોપસર માર મારવામાં આવ્યા હતા અને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા."
SDPO એ કહ્યું, "આ ખૂબ જ ગંભીર ઘટના છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે."
વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા
બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે આ ઘટનાની નિંદા કરી છે. પૂર્ણિયા ઘટના અંગે, તેમણે થોડા દિવસો પહેલાં બનેલી બીજી ઘટનાનો ઉલ્લેખ કરીને ત્યાંના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું, "પૂર્ણિયામાં એક પરિવારના પાંચ સભ્યોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલાં, બીજી એક ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં."
બીજી પોસ્ટમાં તેમણે કહ્યું, "ગુનેગારો સતર્ક છે અને મુખ્ય મંત્રી બેભાન છે."
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે આ ઘટનાને શરમજનક ગણાવી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું , "પૂર્ણિયામાં એક આદિવાસી પરિવારના પાંચ સભ્યોની હત્યાકાંડ શરમજનક છે!"
તેમણે કહ્યું, "દુનિયા મંગળ ગ્રહ પર પહોંચી ગઈ છે અને આપણા લોકો ડાકણના નામે નરસંહાર કરી રહ્યા છે!"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન