ગુજરાતની શાળાઓમાં દર શનિવારે 'બૅગલેસ ડે'ની શરૂઆત, તેનાથી શું ફેર પડશે?

    • લેેખક, નિદા ફાતિમા મોમિન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતની તમામ શાળાઓમાં 5મી જુલાઈથી દર શનિવારે હવે 'નો બેગ ડે' ઉજવવાનો અમલ શરૂ થયો છે. તેનો મતલબ એ છે કે ગુજરાતમાં હવે ધો. 1થી 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળાએ દર શનિવારે જશે, પરંતુ તેમની સાથે દફ્તર નહીં હોય.

ગુજરાત કાઉન્સિલ ફૉર એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રૅઇનિંગે (GCERT)એ આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે અને શાળાઓમાં તેના તત્કાલ પાલનની શરૂઆત પણ થઈ ગઈ છે.

'બૅગલેસ ડે'નું પાલન રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને બિનઅનુદાનિત શાળાઓમાં કરવામાં આવશે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તથા 'ભાર વગરનું ભણતર' હેઠળ સરકાર તેને મોટું પગલું ગણાવી રહી છે. તો બીજી તરફ વિપક્ષો અને શિક્ષણવિદો ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિને આગળ ધરીને તેના પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે.

'બૅગલેસ ડે' આ નવા નિર્ણયથી બાળકો પર શું ફેર પડશે? બાળકોને શનિવારે કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે? ગુજરાતની સરકારી શાળાઓમાં શું આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની સગવડતા છે? શિક્ષણવિદો શું કહી રહ્યા છે?

'બૅગલેસ ડે' હેઠળ શાળામાં કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે?

GCERTએ આ અંગે પહેલી જુલાઈના રોજ એક સરક્યુલર બહાર પાડીને 'બૅગલેસ ડે' હેઠળ કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે તે વિશે જાણકારી આપી છે.

તેમાં લખ્યું છે કે, "નવી શિક્ષણ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ સંદર્ભમાં 'આનંદદાયી શનિવાર'- દફ્તર વગરના 10 દિવસ એ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે, જે બાળકોને પરંપરાગત અધ્યયનમાંથી મુક્તિ આપીને વિવિધ સર્જનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓ દ્વારા શીખવાની તક આપે છે. આ દિવસે બાળકો કોઈપણ પ્રકારના શૈક્ષણિક ભારણ વિના આનંદ અને ઉલ્લાસ સાથે શીખી શકે છે."

જીસીઈઆરટી પ્રમાણે, આનંદદાયી શનિવાર અંતર્ગત માસ ડ્રિલ, યોગાસન, શારીરિક કસરતો, બાળસભા અંતર્ગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક રમતો, પ્રોજેક્ટ્સ, ચિત્રકામ, સંગીત, કારકિર્દી માર્ગદર્શન, ગામનાં નજીકનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત, પોસ્ટ ઑફિસ, બૅન્ક, નાના ઉદ્યોગોની મુલાકાત વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

જીસીઈઆરટીનું માનવું છે કે, "આજના સમયમાં જ્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે શારીરિક અને સામૂહિક પ્રવૃત્તિઓ તેમને સક્રિય રાખે છે અને સામાજિક રીતે જોડે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી 'મેદસ્વિતામુક્ત ભારત'ના નિર્માણમાં પણ સહયોગ મળશે."

સરકારના આ નિર્ણયથી શું ફેર પડી શકે?

સોલા સિવિલ હૉસ્પિટલ, અમદાવાદના કન્સલ્ટિંગ સાઇકોલોજિસ્ટ ડૉ. મૂળજીભાઈ સોનારા સાથે બીબીસીએ વાતચીત કરી હતી.

ડૉ. મૂળજી સોનારા કહે છે કે, "આ નિર્ણયથી બાળકમાં શાળાએ જવાની ઇચ્છામાં વધારો થઈ શકે છે. બાળકના મનમાં જો શિક્ષક પ્રત્યેનો ડર હોય તો એ ડર ઓછો થાય છે, કમ્યૂનિકેશન સારું થાય છે, અન્ય બાળકો સાથે મિત્રતા વધે છે. સ્વાભાવિક રીતે જ બાળકની નિર્ણયશક્તિમાં વધારો થઈ શકે છે. ગ્રૂપ ઍક્ટિવિટીને કારણે સર્જનાત્મકતા ખીલી શકે છે."

તેઓ કહે છે, "ઘણીવાર બાળકો અભ્યાસમાં પાછળ રહી જતાં હોય છે. સહ-અભ્યાસક પ્રવૃત્તિઓથી તેમનો આત્મવિશ્વાસ વધી શકે છે અને અભ્યાસમાં પણ ફેર પડે છે. જો બાળકમાં કોઈ માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો તેનો પણ ખ્યાલ આવી શકે છે."

જાણીતા શિક્ષણવિદ સુખદેવ પટેલનું પણ કહેવું છે કે આ પહેલ ખૂબ જ જરૂરી છે.

પરંતુ તેઓ કહે છે કે, "આ પહેલ શિક્ષણની ગતિશીલતા માટે જરૂરી છે, પરંતુ પૂરતું માળખું પણ જરૂરી છે. શિક્ષકો પાસે ચિત્રકામ, સંગીત કે રમતગમત શીખવવાની ટૅક્નિકલ આવડત નથી કારણ કે તેમની પ્રાથમિક તાલીમમાં આ પ્રવૃત્તિઓ સામેલ જ નથી."

બાળશિક્ષણ પર કામ કરતા જાણીતા શિક્ષણવિદ મનસુખ સલ્લાનું માનવું છે કે રાજ્ય સરકાર આ પ્રકારના સુધારામાં ઘણી મોડી છે.

તેઓ કહે છે, "આ યોજના તો ઘણી પહેલાં, એટલે કે નવી શિક્ષણ નીતિ લાગુ પડી ત્યારથી શરૂ થઈ જવી જોઈતી હતી. પણ હવે પ્રશ્ન એ છે કે અમલ કેવી રીતે અને કેટલી સારી રીતે થશે?"

ગુજરાતમાં સરકારી શાળાઓની 'ખરાબ સ્થિતિ'

કેન્દ્રીય શિક્ષણ વિભાગના UDISE+ના 2023-24ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં કુલ 53626 શાળાઓ છે, જેમાંથી 34597 સરકારી શાળાઓ છે.

આ રિપોર્ટમાં માહિતી આપવામાં આવી છે કે, ગુજરાતમાં કેટલી શાળાઓમાં કૉ-કરિક્યુલર ઍક્ટિવિટી રૂમ કે પછી આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ રૂમની સુવિધા છે.

રિપોર્ટ પ્રમાણે, ગુજરાતની કુલ 34597 સરકારી શાળાઓમાંથી માત્ર 1627 શાળાઓમાં જ આ પ્રકારની સુવિધાઓ છે. એટલે કે માત્ર 4.7 ટકા શાળાઓમાં જ આવી સુવિધાઓ છે.

રાજ્યની કુલ 5535 સરકારી અનુદાનિત શાળાઓમાંથી 2097 શાળાઓમાં આ પ્રકારની સુવિધાઓ છે. એટલે કે 37.9 ટકા અનુદાનિત શાળાઓમાં જ આવી સુવિધાઓ છે.

ગુજરાતની સરકારી શાળાઓની સ્થિતિ અંગે લોકસભામાં 17મી માર્ચના રોજ પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ અંગે માહિતી આપવામાં આવી છે.

એ પ્રમાણે ગુજરાતની સરકારી શાળાઓમાંથી 80.9 ટકા પ્રાથમિક શાળાઓમાં જ રમતનું મેદાન છે જ્યારે 89.3 ટકા શાળાઓમાં જ જરૂરી ફર્નિચર છે.

ગુજરાતની 700 કરતાં વધુ શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક છે.

અગાઉ પણ ગુજરાતની શાળાઓમાં ઓરડાંઓની ઘટ બાબતે ઘણીવાર સવાલો ઉઠ્યા છે.

રાઇટ ટુ એજ્યુકેશન ફોરમ,ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસ ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિને ગંભીર ગણાવે છે.

જોકે, તેઓ માને છે કે સરકારે આ નિર્ણય લીધો છે એ સારો વિચાર છે.

તેઓ કહે છે કે, "હકીકત એવી છે કે ગુજરાતની 6 હજારથી સરકારી શાળાઓમાં રમતગમત માટે મેદાન જ નથી. ઘણાં ગામડામાં તો શાળાઓ પાસે પૂરતાં ઓરડાં પણ નથી અને રમતગમત માટે સાધનો પણ નથી. અનેક શાળાઓમાં શારીરિક શિક્ષણના શિક્ષકો નથી અને અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે."

તેઓ કહે છે કે, "આવી સ્થિતિમાં 'બૅગલેસ ડે' એ માત્ર એક નારો બનીને રહી જાય છે. એનો અર્થ એ છે કે સરકાર નીતિ તો બનાવે છે, પરંતુ તેનો અમલ કરવામાં નિષ્ફળ રહે છે."

'વિચાર સારો, પણ અમલ વધુ સારો કરવાની જરૂર'

શિક્ષણવિદ મનસુખ સલ્લા કહે છે, "શાળાઓ વીજળીઘર છે અને વિદ્યાર્થીઓ ઘર છે જેને વીજળીની જરૂર છે. પરંતુ વીજળીના તાર સમા શિક્ષકોની મને ચિંતા થાય છે. ક્યાંક તાર જ નથી, તો ક્યાંક તૂટેલા તાર છે, તો ક્યાંક ઓછા તાર છે. ક્યાંક તાર છે તો વીજળી જ નથી. આપણે ત્યાં કેળવણીની કંઈક આવી જ સ્થિતિ છે. નીતિનિર્ણાયકો નીતિઓ તો બનાવે છે, પરંતુ તેનો બધે અમલ થાય તો જ તેનો ફાયદો મળશે."

તેઓ આ પહેલને ખરેખર 'જોયફુલ શનિવાર' તરીકે ગોઠવવાની ભલામણ કરે છે, જ્યાં માત્ર શાળાએ દફ્તર વગર આવવાનું જ નહીં, પરંતુ બાળકનું સર્જનાત્મક રીતે સંપૂર્ણ વિકાસ થાય તે દિશામાં વિચાર હોય.

સુખદેવ પટેલ કહે છે રાઇટ ટુ એજ્યુકેશન-RTE હેઠળના નિયમોની પણ યાદ અપાવે છે જેમાં આ તમામ પ્રવૃત્તિઓ માટે નિમણૂકની જોગવાઈ છે.

સુખદેવ પટેલ કહે છે, "સરકાર સાધનો તો આપે છે પણ જાળવણી કરવામાં કચાશ છે. જો રાજ્ય સરકાર ખરેખર શિક્ષણમાં પરિવર્તન લાવવા માંગતી હોય તો આ નીતિ માટે અલગથી બજેટ જાહેર કરવામાં આવે અને આ મુદ્દે કાયમી વ્યવસ્થાનું નિર્માણ કરવું જોઈએ. "

ડૉ. સોનારા કહે છે, "જો પ્રાથમિક શિક્ષણના સ્તરે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે તો તે મહત્ત્વનો ભાગ ભજવે છે. જો શિક્ષકોને પણ તેના માટે તાલીમ આપવામાં આવે તો તેની અસરકારકતા વધશે. યોગ્ય આયોજનથી ઍક્ટિવિટીઝ કરાવવામાં આવે તો વધુ સારું પરિણામ મળી શકે છે. માત્ર શનિવારે જ નહીં, પરંતુ અઠવાડિયામાં હજુ બે-ત્રણ વાર આ પ્રકારની ઍક્ટિવિટીઝને રોજિંદા ટાઇમટેબલમાં સ્થાન આપવું જોઈએ. તેનાથી બાળકોને વધુ ફાયદો થશે."

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષી કહે છે કે, "આ પહેલ શિક્ષણના સુદૃઢીકરણ તરફનું એક પગથિયું છે, પરંતુ સરકાર પાસે તેને યોગ્ય રીતે અમલમાં મૂકવાની તૈયારી નથી."

તેઓ સવાલ ઉઠાવે છે કે, "જ્યારે હજારો શાળાઓ પાસે રમતનું મેદાન જ નથી, ત્યારે આ પ્રકારની ઍક્ટિવિટીઝ ક્યાં કરાવવામાં આવશે? અનેક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ બેસીને ભણી શકે તેવા વર્ગખંડ પણ નથી."

"એક દિવસ દફ્તર વગર આવવાનું ઠીક છે, પણ બાકી દિવસોમાં શું કરવામાં આવશે? બાકીના દિવસોમાં તો વિદ્યાર્થીઓ આવી સ્થિતિમાં જ ભણે છે. શાળાની મૂળભૂત વ્યવસ્થા સુધાર્યા સિવાય નવી નીતિઓ લાવવામાં આવે તો એ અંતે વાલીઓ અને શિક્ષકો બંને માટે નિરાશાજનક બને છે."

આ મુદ્દે સરકારનું શું કહેવું છે?

બીબીસીએ આ મુદ્દે જીસીઈઆરટીના નિયામક પ્રકાશ ત્રિવેદી સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "આ પહેલ 2019માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે શાળાઓ પોતપોતાને અનુકૂળ હોય તેવા દિવસે તેનો અમલ કરતી હતી. હવે રાજ્યસ્તરે સ્પષ્ટપણે નક્કી કરવામાં આવ્યું છે કે દર શનિવારે 'બૅગલેસ ડે' હશે."

"બંને સેમેસ્ટરમાં કુલ 12 શનિવાર મળતા હોય છે. તેમાંથી આઠ શનિવારને 'જોયફુલ લર્નિંગ ડેઝ' તરીકે અને બાકીના ચાર શનિવારને ઓકેશનલ ઍક્ટિવિટીઝ માટે રાખવામાં આવ્યા છે."

તેમના મતે, આ પહેલનો હેતુ માત્ર શાળાનો ભાર ઘટાડવાનો નથી, પણ શિક્ષણને વધુ અનુભવ આધારિત અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાનો છે.

ગુજરાતની અનેક શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તથા ચિત્રકામ, સંગીત, શારીરિક શિક્ષણ માટે સ્પેશિયલ શિક્ષકો નથી. આવી સ્થિતિમાં આ કાર્યક્રમનું પાલન કેવી રીતે થશે તે સવાલ છે.

પ્રકાશ ત્રિવેદીએ આ મુદ્દે કહ્યું હતું કે, "શિક્ષકો તરફથી પાછલાં વર્ષોમાં એવું પણ કહેવામાં આવતું હતું કે વિદ્યાર્થીઓને અપાયેલ પ્રોજેક્ટ્સને તેઓ યોગ્ય રીતે શૅર કે પ્રેઝન્ટ કરી શકે એવો સમય નથી મળતો. આ કાર્યક્રમથી તેમાં પણ ફેર પડશે. દરેક શાળામાંથી એક શિક્ષકને આ દિવસ માટે તાલીમ આપવામાં આવશે અને તેમને એક મોડ્યુલ આધારિત બુકલેટ પણ આપવામાં આવશે. તેમાં યોગ, સંગીત અને ડ્રોઇંગ જેવી પાયાની પ્રવૃત્તિઓ શાળામાં કેવી રીતે કરાવવી તે વિશે માર્ગદર્શન હશે."

જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે આ માટે સરકારે અલગથી કોઈ બજેટ ફાળવ્યું નથી. તેમણે કહ્યું હતું કે, "સામૂહિક શિક્ષા યોજના હેઠળ ઉપલબ્ધ સાધનો અને માનવસંસાધનનો ઉપયોગ કરવાની શાળાઓને સૂચના આપવામાં આવી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન