ગુજરાતની એ પાંચ ઘટના, જેણે સૌ કોઈને હચમચાવી દીધા

  • મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતા
  • ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીના ઘર બહાર જ તેમની હત્યા કરી હતી
  • બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડે કેટલાયનો ભોગ લીધો હતો
  • કિશન ભરવાડની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી
  • રાજ્યમાં આ વર્ષે પડેલા વરસાદના કારણે હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી

વર્ષ 2022ને અલવિદા કરવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને આપણે 2023ના નવા વર્ષમાં પ્રવેશ કરીશું.

2022નું વર્ષ ગુજરાત માટે અનેક રીતે મહત્ત્વનું રહ્યું છે. ગુજરાતમાં ભાજપે ફરી વાર ઐતિહાસિક સત્તા મેળવી છે. તો કેટલીક ઘટનાઓ પણ ગુજરાતમાં ખાસ ચર્ચાનું કેન્દ્ર રહી હતી.

ગ્રીષ્મા હત્યા કેસ, મોરબી પુલ દુર્ઘટના, બોટાદ લઠ્ઠાકાંડ, કિશન ભરવાડ હત્યા કેસ જેવી ઘટનાઓના કારણે ગુજરાતની ચર્ચા ભારતમાં ખાસી થઈ હતી.

આ એવી ઘટનાઓ હતી, જેની ગુજરાત સહિત દેશદુનિયામાં પણ ચર્ચા થઈ હતી. એક નજર મહત્ત્વની ઘટના પર.

મોરબી પુલ દુર્ઘટના

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ 30મી ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં.

સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.

નોંધપાત્ર બાબત છે કે પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો.

આ તમામ કાઉન્સિલરની રજૂઆત હતી કે મોરબી મ્યુનિસિપાલિટીને ‘સુપરસીડ’ ન કરવી જોઈએ અને મ્યુનિસિપાલિટીના માત્ર જવાબદાર લોકોની સામે જ પગલાં લેવાં જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મોરબી પુલ દુર્ઘટનાની સુઓ મોટો પિટિશનના આધારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે સરકારે હજુ સુધી મોરબી મ્યુનિસિપાલિટીને સુપરસીડ એટલે કે બરખાસ્ત કેમ નથી કરી.

ગ્રીષ્મા હત્યાકાંડ

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાવાળા પ્રકરણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. સુરતમાં વૅલેન્ટાઇન ડેના બે દિવસ પહેલાં ફેનિલ નામના યુવકે એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીના ઘર બહાર જ તેમની હત્યા કરી હતી.

આ ઘટનામાં ગ્રીષ્માના પરિવારજનોની સામે જ યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફેનિલની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટનામાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ ઘટના બાદ ગુજરાતમાં આવી જ હત્યાની અન્ય ઘટનાઓ પણ નોંધાઈ હતી.

આ અંગે બરોડા મેડિકલ કૉલેજમાં ડિપાર્ટમેન્ટ ઑફ સાઇકિયાટ્રીકના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, “આવી ઘટના પાછળ ઘણાં બધાં કારણો જવાબદાર હોય છે.”

તેમના કહેવા પ્રમાણે, “એકતરફી પ્રેમમાં ગુસ્સો એ સૌથી મોટું અસરકારક પરિબળ છે. જ્યારે એક વ્યક્તિ અન્યને પ્રેમ કરતી હોય અને તેને સરખો પ્રતિભાવ ન મળે, ત્યારે ગુસ્સો વધતો જાય છે.”

“જેમ-જેમ ગુસ્સો વધે, તેમ-તેમ સારું-નરસું શું છે? તેનો ભેદ ભૂલી જાય છે અને આ સ્થિતિ સર્જાઈ શકે છે.”

બોટાદ લઠ્ઠાકાંડ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં ગામોમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોનાં મૃત્યુ થયાં હતા. આ મૃતકોમાં મોટાભાગના લોકો યુવાન હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ કે સેવન કાયદાથી પ્રતિબંધિત છે. જોકે આમ છતાં દારૂ દરરોજ સમાચારનો વિષય રહ્યો છે. અનેક વાર લઠ્ઠાકાંડની નાની-મોટી ઘટનાઓ સામે આવતી રહે છે.

જોકે બોટાદ પોલીસે દાવો કર્યો હતો કે બરવાડા તાલુકાના રોજિંદ ગામમાં કૅમિકલ પીવાના કારણે લોકો મૃત્યુ પામ્યા છે. પોલીસનો દાવો છે કે કૅમિકલમાંથી દારૂ નહોતો બનાવવામાં આવ્યો, પરંતુ પાણી ભેળવીને કૅમિકલ જ લોકોને આપવામાં આવ્યું હતું.

કાચા દારૂને વધારે નશીલો બનાવવાના ચક્કરમાં તે ઝેરી બની જાય છે. સામાન્યત: તેને ગોળ અને અન્ય પદાર્થથી તૈયાર કરવામાં આવે છે. તેમાં યુરિયા અને બેસરમબેલનાં પાંદડાં નાખવામાં આવે છે, જેથી તેનો નશો વધી જાય છે.

કિશન ભરવાડ મર્ડર કેસ

25 જાન્યુઆરી 2022ના દિવસે અમદાવાદના ધંધૂકા તાલુકામાં 27 વર્ષીય યુવક કિશન ભરવાડની શબ્બીર અને ઇમ્તિયાઝ નામના બે શખ્સો દ્વારા કથિતપણે ‘વિવાદિત ધાર્મિક પોસ્ટ’ બાબતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

આ મામલામાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી. એ સમયે તપાસ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (SOG) પાસે હતી. બંને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી મૌલવી અય્યુબની પણ ધરપકડ કરી હતી.

આ ઘટનામાં કુલ સાત લોકોની ધરપકડ કરી હોવાનું પણ જણાવાયું હતું.

‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ના એક અહેવાલ અનુસાર, મૃતકના પિતરાઈ ભાઈ ભૌમિક ભરવાડે જણાવ્યું હતું કે કિશન ભરવાડની કથિતપણે વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વ્યથિત કેટલાક ‘અન્ય ધર્મ’ના લોકોએ હત્યા કરી હતી.

મૃતકના પિતા શિવાભાઈ ભરવાડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો પ્રમાણે મારા પુત્રની હત્યા કરનારા લોકો તેની સોશિયલ મીડિયા પર ભગવાન શ્રીકૃષ્ણને લગતી પોસ્ટને કારણે વ્યથિત હતા. તેને વારંવાર ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. અંતે તેની 25મી તારીખે હત્યા પણ કરાવી દેવાઈ. અમને પોલીસે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની બાંયધરી આપી છે.”

આ મર્ડર કેસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં તેની તપાસ ગુજરાત એટીએસ સુધી પહોંચી હતી.

ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ

રાજ્યમાં આ વર્ષે પડેલા વરસાદના કારણે ઘણાં સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી ગ્રસ્ત નર્મદા અને છોટા ઉદેપુરના વિસ્તારોની મુલાકાત લીધી હતી.

નોંધનીય છે કે, છોટા ઉદેપુર, વલસાડ, નર્મદા અને નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેમાં ઘણા લોકોને જાનમાલનું નુકસાન ભોગવવું પડ્યું હતું.

ભારતના હવામાન વિભાગે દક્ષિણ પૂર્વના સૂરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદને પગલે નવસારીના કેટલાય વિસ્તારમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જનજીવનને ભારે અસર પહોંચી હતી. પૂર્ણા નદી ખતરાના નિશાનની ઉપર વહી રહી હતી. ત્યારે 1700 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વરસાદની સમગ્ર સિઝનમાં રાજ્યમાં થયેલા મૃત્યુના આંકડા જણાવતાં ગુજરાત સરકારના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, વરસાદથી સાત સહિત કુલ 56 મૃત્યુ થયાં હતાં. તેમજ તે દરમિયાન 264 પશુનાં મૃત્યુ પણ થયાં હતાં.

છોટા ઉદેપુરમાં આકાશે વરસાદના રૂપે વરસાવેલા કેરનો ભોગ બનનારા લોકોના આ શબ્દો છે:

કોઈ રડતાંરડતાં કહી રહ્યું હતું કે, "હું બરબાદ થઈ ગયો અને મારાં છોકરાં પણ તણાઈ ગયાં. મારા પૈસા પણ ગયા અને મારું આખું ઘર બરબાદ થઈ ગયું."

તો કોઈ વરસાદમાં તૂટેલા ઘર તરફ ઇશારો કરીને કહેતું હતું કે, "પેલું સામે દેખાય એ મારું ઘર હતું. એ પડી ગયું. અનાજપાણી, અમારો સામાન, બધું જ તણાઈ ગયું."

ભારે વરસાદને પગલે સંપૂર્ણ અને અંશત: નુકસાન પામ્યા હોય તેવા આવાસોની વિગતો જણાવતાં રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, "વરસાદને પગલે સાત સહિત કુલ 18 મકાન બિલકુલ ધ્વસ્ત થયાં હતાં, જ્યારે કુલ 11 ઝૂંપડાં પણ સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં."