You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની કહાણી
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં ગત રવિવારે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી ગયો અને તેમાં 135 લોકોનાં મોત થયાં.
આ પુલ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી. આરોપીઓમાં ઓરેવા કંપનીના બે મૅનેજરોનો પણ સમાવેશ થાય છે.
પોલીસ ફરિયાદમાં ઝૂલતા પુલનું મેન્ટનન્સ અને મૅનેજમૅન્ટ કરનારી વ્યક્તિઓ અથવા તો એજન્સી પર પુલનું યોગ્ય રીતે મેન્ટનન્સ કે મૅનેજમૅન્ટ નહીં કરવાનો આરોપ લગાવાયો છે.
ફરિયાદમાં એવો પણ આરોપ છે કે પુલના મેન્ટનન્સ મામલે બેદરકારી અને નિષ્કાળજી રાખવાના કૃત્યને કારણે ઝૂલતા પુલ પર પ્રવાસન માટે આવેલા નાગરિકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
પુલ પર આવનારા પ્રવાસી નાગરિકોને શારીરિક હાનિ પહોંચાડવાની સંભાવનાની જાણકારી હોવાના પણ આરોપો મૂકવામાં આવ્યા છે.
આ પુલની દેખરેખ કરવાનો પરવાનો જેમને આપવામાં આવ્યો હતો તે ઓરેવા કંપનીના મૅનેજરોની ધરપકડ કરવામાં આવી છે. જોકે મોરબીની દુર્ઘટના પછી કંપનીના માલિક જયસુખ ઓધવજી પટેલનું નામ પણ ચર્ચામાં છે , જેમણે તેમના પરિવાર સાથે આ પુલને નવીનીકરણ બાદ ખુલ્લો મૂક્યો હતો.
મોરબી નગરપાલિકાના ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાએ આરોપ મૂક્યો હતો કે 'નગરપાલિકાની જાણ બહાર આ પુલનું ઉદ્ધાટન કરી દેવામાં આવ્યું, જેને કારણે તેનું સેફ્ટી ઑડિટ થયું નહોતું.'
કોણ છે જયસુખ પટેલ?
જયસુખ પટેલના પિતા અને ભારતના "દીવાલ ઘડિયાળના પિતા" ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને 'ઓરેવા ગ્રૂપ'ની સ્થાપના કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કંપનીનું નામ તે વખતે 'અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર' હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.
જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં 'અજંતા કંપની' ઓધવજીના નામે થઈ.
આ દાયકામાં ઓધવજીએ 'ક્વાટર્ઝ ઘડિયાળ' બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.
કંપનીનો કારોબાર 45 જેટલા દેશોમાં ફેલાયો. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું 'ઓરેવા'.
ઓરેવા નામ કેવી રીતે પડ્યું?
જયસુખ પટેલ 1983માં કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પિતાની કંપનીમાં જોડાઈ ગયા હતા.
રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખ જણાવે છે કે, "જયસુખ પટેલે તેમના પિતા ઓધવજીના નામનો 'ઓ' અને માતા 'રેવા'ના નામ પરથી તેમના હિસ્સામાં આવેલી કંપનીને નવું નામ આપ્યું ઓરેવા."
અમદાવાદસ્થિત ગ્રૂપ તેમની મોટી પેઢી અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડના નામથી લાઇટિંગ પ્રોડક્ટ, બૅટરી ઑપરેટેડ બાઇકો, ઘરેલુ વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ ઍસેસરી, ટેલિફોન, કૅલક્યુલેટર, એલઈડી ટીવી અને અન્ય ઉત્પાદનો બનાવવામાં સક્રિય છે. ઓરેવા 55 હજાર ચેનલ પાર્ટનર થકી સમગ્ર દેશમાં ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીએ સસ્તું ઇ-બાઇક પણ લૉન્ચ કર્યું હતું. તેમણે સસ્તાં ટાઇલ્સ, રિસ્ટ વૉચ અને મોબાઇલ ફોન પણ બનાવ્યાં હતાં.
ગુજરાતમાં કચ્છના સામખિયાળીથી 200 એકર જમીનમાં આવેલા દેશના સૌથી મોટા પ્લાન્ટ પૈકી એકને તેઓ ઑપરેટ કરે છે.
લાઇટિંગ સેગમૅન્ટમાં આગળ વધી કંપની એલઈડી લાઇટિંગ પ્રોડક્ટના નિર્માણમાં સક્રિય થઈ છે અને એક સમયે દીવાલ ઘડિયાળ ક્ષેત્રે આગળ પડતું નામ એવી આ કંપની ડિજિટલ ઘડિયાળ ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂકી છે.
વર્ષ 1980ના દાયકામાં અજંતામાં મહિલાઓને કામ આપવાની શરૂઆત થઈ હતી. તે વખતે 12 જેટલી મહિલાઓ કામ પર આવતી.
આજે ચાર દાયકા બાદ તેની સંખ્યા પાંચ હજારથી વધુ થઈ છે. ઓરેવા ગ્રૂપમાં હાલ 7 હજાર કર્મચારીઓ કામ કરે છે જેમાં પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ છે.
વરિષ્ઠ પત્રકાર સુરેશ પારેખના જણાવ્યા અનુસાર કંપની 'મહિલા કર્મચારીઓનાં લગ્ન વખતે કરિયાવરનો ખર્ચ ઉઠાવવાની તૈયારી' પણ રાખે છે.
જયસુખ પટેલ માનતા હતા કે ચીનમાં જે પ્રકારે સસ્તું ઉત્પાદન થાય છે તેને ટક્કર આપવા માટે ભારતમાં સરકારી નીતિઓમાં બદલાવ જરૂરી છે. તેઓ અવારનવાર જાહેરમાં કહેતા કે "મોટી મોટી કંપનીના માલિકો મને કબાડી તરીકે ઓળખે છે પણ મને ફરક પડતો નથી. હું મારા ગ્રાહકોને સસ્તો અને ગુણવત્તા ધરાવતો સામાન પહોંચાડવા પ્રતિબદ્ધ છું."
ઓરેવા ગ્રૂપની વૅબસાઇટ પ્રમાણે હાલ ઓરેવા ગ્રૂપની 8 કંપની કાર્યરત
- અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ
- અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરિંગ કંપની
- અજંતા ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ
- અજંતા ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ
- ઓરેવા ઍનર્જી પ્રાઇવેટ લિમિટેડ
- ઓરેવા સિરેમિક પ્રાઇવેટ લિમિટેડ
- ઇન્ડ-ઇન્ફ્રા ડૅવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ
- ગ્રીન-કૉ એનવિરો પ્રાઇવેટ લિમિટેડ
જયસુખ પટેલનું રાજકીય જોડાણ
ઓરેવા ગ્રૂપની વેબસાઇટ પ્રમાણે, ગુજરાતમાં ચેકડેમ માટે બે કરોડની સહાય આપનારા આ ગ્રૂપે સરકારની વૉટરશેડ યોજના હેઠળ સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચે 21 હેક્ટર ખેતીને પિયતની સુવિધા પહોંચાડી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બીબીસીના સહયોગી બિપિન ટંકારિયા કહે છે કે, "જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈનું પણ પટેલ સમાજમાં ભારે વર્ચસ્વ હતું. અને તેમના સમયથી જ કંપની દ્વારા વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે."
જયસુખ પટેલ લિખિત 'રણ સરોવર' નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, આ કંપનીએ મોરબી અને કચ્છમાં કંપનીના પરિસરમાં એક લાખથી વધારે વૃક્ષો વાવ્યાં છે. પર્યાવરણનું જતન કરવાના પ્રયાસરૂપે ઓરેવા ગ્રૂપને 2007માં 'ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર' પણ મળ્યો છે. જયસુખ પટેલના રાજકીય સંપર્કો ગુજરાતના બંને મુખ્ય પક્ષો- કૉંગ્રેસ અને ભાજપ સાથે રહ્યા છે.
મોરબી ખાતેના બીબીસીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા પ્રમાણે, તેમના પિતા અને જયસુખભાઈ ભાજપના થોડા વધુ નજીક હતા. તેનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે લાંબા સમયથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ છતાં તેમના કાર્યક્રમોમાં ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષોના નેતાઓ આવતા રહ્યા છે.
તેમની કંપનીની વૅબસાઇટમાં તેમના ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ મળે છે, જેને કારણે તેઓ ભાજપના નજીકના હોવાના ઓરોપો પણ લાગે છે.
રણ સરોવરના પ્રોજેક્ટ અને વિવાદ
જયસુખ પટેલે કચ્છના નાના રણમાં પાણીનું સરોવર બનાવવાનો 'રણ સરોવર પ્રોજેક્ટ' હાથ ધર્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટ અંગે મુલાકાતો પણ કરી હતી.
4900 વર્ગ કિલોમીટર વિસ્તારને આવરી લેનારા આ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છના નાના રણમાં એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનાવાશે. જેમાં જળસંચય કરીને ગુજરાતના આસપાસના જિલ્લામાં ખેતીને લાભ મળશે એવો ગ્રૂપનો દાવો છે.
આ પ્રોજેક્ટ કાર્યાન્વિન્ત કરવા માટે ઘણાં વર્ષોથી જયસુખ પટેલ કાર્યરત છે. પરંતુ હજુ સુધી તેમને મુલાકાતો અને આશ્વાસન સિવાય કશું હાથ લાગ્યું નથી.
જોકે આ 'રણ સરોવર' પ્રોજેક્ટનો અગરિયાઓ અને અગરિયા સાથે સંકળાયેલી સ્વયંસેવીસંસ્થાઓ દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે.
અગરિયાઓનાં બાળકોના શિક્ષણ સાથે અને મહિલાઓના ઉત્થાન સાથે સંકળાએલી સંસ્થા 'અનુબંધ'ના સંચાલક નિરુપા શાહ કહે છે, "આ પ્રોજેક્ટને કારણે આ વિસ્તારમાં આવેલા અગર પણ ખતમ થઈ જશે અને અગરિયાઓની રોજગારી પણ. કારણકે મીઠા પાણીનું સરોવર નિર્માણ પામશે તો મીઠું જ નહીં પાકે."
નિરુપા શાહને એવો પણ ભય છે કે આ વિસ્તારમાં આવેલા અગરિયાનાં આશિયાનાં પણ છીનવાઈ જશે.
નિરુપા શાહ એમ પણ કહે છે કે તેની અસર અહીંના પર્યાવરણને અને ઘુડખર અભયારણ્યને પણ થઈ શકે છે કારણકે જંગલની ઘણી જમીન આ સરોવરમાં જતી રહેશે.
અલબત્ત, નિરૂપા શાહ કહે છે કે જો અહીં મીઠાં પાણીનું સરોવર થાય તો મચ્છીમારીને ફાયદો થઈ શકે પણ અગરિયાઓને તો નુકસાન જ જશે. કદાચ આ જ કારણ છે કે સરકાર દ્વારા જયસુખ પટેલ પ્રસ્તાવિત રણ સરોવર પ્રોજેક્ટને મંજૂરી નથી અપાઈ.
કચ્છના નાના રણમાં લગભગ 60,0000 અગરિયાઓ ભારતમાં મીઠાના કુલ ઉત્પાદનમાં 30 ટકા જેટલો ફાળો આપે છે. જોકે, સદીઓથી તેઓ જે જમીન પર મીઠું પકડવે છે એના પર એમને કોઈ કાયદાકીય અધિકાર નથી.
કચ્છના નાના રણમાંથી માત્ર 3 ટકા જમીન પર મીઠું પાકે છે, જોકે, વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર આસપાસના વિસ્તારમાંથી માછીમારો, ટ્રકડ્રાઇવરો, છુટક મજૂરી કરનારાઓ એમ કુલ મળીને 17.5 લાખ લોકો એના પર નભે છે.
મોરબી પુલ દુર્ઘટના બાદની પરિસ્થિતિ
મોરબીમાં રાજાશાહી વખતના ઐતિહાસિક ઝૂલતો પુલનાં સમારકામ અને જાળવણી ઉદ્યોગગૃહ ઓરેવાને સોંવવામાં આવ્યાં હતાં.
ઉદ્યોગગૃહના વડા જયસુખ પટેલે આ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો ત્યારે કહ્યું હતું કે, "મોરબીના રાજાના જમાનાનો અંદાજે 150 વર્ષ જૂનો આ ઝૂલતો પુલ છે. જે સરકાર અને મોરબી નગરપાલિકા વચ્ચે થયેલાં ચાર પાનાંના કરારમાં બ્રિજના મેન્ટનન્સ, ઑપરેશન અને સિક્યૉરિટી માટે 15 વર્ષ માટે અમારી કંપનીને સોંપવામાં આવ્યો છે. આ ઝૂલતો પુલ મોરબીનું એક સંભારણું છે. ઝૂલતો પુલ છેલ્લા 6 મહિનાથી રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. જે બેસતા વર્ષના દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો."
તેમના જણાવ્યા અનુસાર અંદાજે બે કરોડના ખર્ચે પુલનું સમારકામ પૂરું થયું હતું.
જોકે, રવિવારે આ પુલ તૂટી પડ્યો અને 135 લોકોનો ભોગ લેવાયો. આ સમગ્ર ઘટના મામલે ઓરવા કંપનીના પીઆરઓ અને પ્રવક્તા દિપક પારેખે સમાચાર સંસ્થા પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'ઘણા લોકો પુલના વચ્ચેના ભાગે ભેગા થઈ ગયા હતા અને એનાથી પુલ તૂટી પડ્યો હતો. '
અલબત્ત, આ પુલના સમારકામ અને દેખરેખની જવાબદારી ઓરેવાની હોવા છતાં દુર્ઘટના બાદ જયસુખ પટેલ જાહેરમાં દેખાયા નથી અને એમના તરફથી આ અંગે કોઈ નિવેદન પણ અપાયું નથી.
બીજી તરફ ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)ની તપાસમાં જાણવા મળ્યું છે કે આ પુલની મરામતમાં તેનાં તળિયાનાં પતરાં જ બદલવામાં આવ્યાં હતાં, જ્યારે પુલને ટેકો આપતા કેબલને બદલવામાં નહોતા આવ્યા.
પીટીઆઈના અહેવાલ અનુસાર જે કૉન્ટ્રાક્ટરે ઝૂલતા પુલનું રિપેરિંગ કર્યું હતું તેમની પાસે આ પ્રકારની કામગીરી કરવાની યોગ્ય લાયકાત નહોતી. ધરપકડ કરવામાં આવેલા નવ આરોપીઓને મંગળવારે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે સરકારી વકીલ દ્વારા આ વિગતો કોર્ટને આપવામાં આવી હતી.
વળી, પુલ પર જવા માટેની ટિકિટના મોટેરાઓ માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા વસુલવામાં આવતા હતા.
ઓરેવા અને મોરબી નગરપાલિકા વચ્ચે જે કરાર થયા હતા એમાં ઓરેવા ગ્રૂપ દ્વારા સહેલાણીઓ માટે ટિકિટનો દર 15 રૂપિયા રાખવામાં આવ્યો હતો. અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાંચ રૂપિયા અને 12 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે પહેલાં બે વર્ષ માટે અનુક્રમે 10 રૂપિયા અને 12 રૂપિયા અને ત્યારબાદ વર્ષ 2017-28 સુધી 15 રૂપિયા રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું.
જોકે, જે પ્રકારે હાલ ટિકિટનો દર રાખવામાં આવ્યો હતો તે પ્રમાણે ઓરેવા કંપની સામાન્ય સહેલાણીઓ પાસે ટિકિટના 17 રૂપિયા અને બાળકોની ટિકિટના 12 રૂપિયા વસુલતી હતી.
આ દરમિયાન આ દુર્ઘટનામાં જો જયસુખ પટેલનું નામ ખૂલશે તો તેમનો કેસ નહીં લડવાનો નિર્ણય મોરબીના વકીલોએ કર્યો છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો