You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી પુલ દુર્ઘટના : ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રૂપને નોટિસ કેમ ફટકારી?
130થી વધુ લોકોનો ભોગ લેનારી મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે બુધવારે ‘ઓરેવા ગ્રૂપ’ને નોટિસ ફટકારી અને 19મી જાન્યુઆરીએ કોર્ટ સમક્ષ હાજર રહેવાનું ફરમાન કર્યું.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં 30 ઑક્ટોબરે સાંજે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલનું મૅનેજમૅન્ટ કરતી કંપની ઓરેવા ગ્રૂપ પર કાર્યવાહી કરવાની માગ ઊઠી હતી.
અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા દિલીપ ચાવડા નામની વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે બાદ કોર્ટે આ નોટિસ ફટકારી છે.
હાઈકોર્ટનો સરકારને સવાલ
19મી ડિસેમ્બરના રોજ મોરબી મ્યુનિસિપાલિટીના 52માંથી 44 કાઉન્સિલરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો હતો. આ તમામ કાઉન્સિલરની રજૂઆત હતી કે મોરબી મ્યુનિસિપાલિટીને ‘સુપરસીડ’ ન કરવી જોઈએ અને મ્યુનિસિપાલિટીના માત્ર જવાબદાર લોકોની સામે જ પગલાં લેવાં જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં મોરબી પુલ દુર્ઘટનાની સુઓ મોટો પિટિશનના આધારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે સરકારે હજુ સુધી મોરબી મ્યુનિસિપાલિટીને સુપરસીડ એટલે કે બર્ખાસ્ત કેમ નથી કરી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દિલીપ ચાવડાના વકીલ ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું, “હજુ સુધી ઓરેવા ગ્રૂપની કોઈ જવાબદારી નક્કી થઈ રહી નહોતી.”
“સરકાર પાસેથી જવાબો માગવામાં આવ્યા હતા, પરંતુ ઓરેવાને કોઈ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. એટલા માટે અમે અમારી અરજીમાં નોંધ્યું છે કે મોરબીના ઝૂલતા પુલના સમારકામ અને નિભાવની કામગીરી જ્યારે આ કંપનીની હતી, તો તે કંપનીએ જવાબ આપવો જોઈએ.”
દવેએ કહ્યું હતું કે, “કોર્ટે તેમની અરજી સ્વીકારીને ઓરેવા ગ્રૂપને નોટિસ આપી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલાં સરકારે અને મોરબી મ્યુનિસિપાલિટીએ કોર્ટ સમક્ષ એક સોંગદનામું રજૂ કર્યું હતું, જેમાં નોંધવામાં આવ્યું હતું કે, આ પુલ પર લોકોની અવરજવર બંધ હતી, કારણકે તેનું સમારકામ ઓરેવા ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.
ઍફિડેવિટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે જે દિવસે આ અકસ્માત થયો હતો ત્યારે આખા દિવસ દરમિયાન 3125 લોકોને ટિકિટ આપીને પુલ પર જવા દેવમાં આવ્યા હતા, જ્યારે સાંજના આશરે 6.30 વાગ્યે આ બ્રિજ તૂટ્યો હતો, ત્યારે આશરે 300 ટિકિટ વેચવામાં આવી હતી.
આ ઍફિટેવિટમાં એ પણ નોંધ્યું છે કે કોઈ પણ ફિટનેસ સર્ટિફિકેટ વગર આ પુલ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ વધુમાં જણાવ્યું કે, દિલીપ ચાવડાને ગુજરાત હાઈકોર્ટની સુઓ મોટો અરજીમાં પિટિશનર ક્રમાંક ત્રણ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટની પિટિશનમાં કોર્ટે સરકારની ઝટકણી કાઢતા કહ્યું હતું કે, મ્યુનિસિપાલિટીના ગેરજવાબદાર વર્તન માટે આખી મ્યુનિસિપાલિટીને સરકારે હજુ સુધી કેમ બર્ખાસ્ત કરી નથી.
આ અંગે મોરબી મ્યુનિસિપાલિટીનાં શાસક પક્ષના નેતા તેમજ ભાજપના આગેવાન કમલ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ એકાદ બે વ્યક્તિની ભૂલની સજા બીજા સભ્યોને કેમ આપવામાં આવી રહી છે.
શું છે ઘટના?
મોરબીમાં રાજાશાહી વખતે બનેલો ઐતિહાસિક ઝૂલતો 130થી વધુ લોકોનાં મોતનું કારણ બન્યો હતો, આ બ્રિજના સમારકામ અને જાળવણીનું કામ મોરબીના ઉદ્યોગગૃહ ઓરેવાને સોંપવામાં આવ્યું હતું.
આ ઓરેવા ગ્રૂપની સ્થાપના જયસુખ પટેલના પિતા અને ભારતના ‘દીવાલ ઘડિયાળના પિતા’ ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં એક લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને કરી હતી.
આ કંપનીનું નામ એ વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી.
જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ. ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું ‘ઓરેવા’.
અમદાવાદસ્થિત ગૃપ તેમની મોટી પેઢી અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઈવેટ લિમિટેડના નામથી લાઈટિંગ પ્રોડક્ટ, બૅટરી ઑપરેટેડ બાઈકો, ઘરેલુ વસ્તુઓ, ઈલેક્ટ્રિકલ ઍસેસરી, ટેલિફોન, કૅલક્યુલેટર, એલઈડી ટીવી અને અન્ય ઉત્પાદનો બનાવવામાં સક્રિય છે.
નોંધપાત્ર બાબત છે કે, પુલને છ મહિના અગાઉ સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને 26 ઑક્ટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ ગ્રૂપ અને મોરબી નગરપાલિકા વચ્ચે 300 રૂપિયાના પેપર પર થયેલા ચાર પાનાંના કૉન્ટ્રેક્ટ ઍગ્રિમૅન્ટમાં ટિકિટના દર માટે જેટલી વિગતવાર માહિતી આપવામાં આવી હતી, તેટલી સ્પષ્ટતા આ પુલની જાળવણી માટેની શરતો માટે જોવા મળતી નથી.
બીબીસી ગુજરાતી પાસે આ કૉન્ટ્રેક્ટ ઍગ્રિમૅન્ટની કૉપી છે.
આ કરારમાં લખવામાં આવ્યું હતું કે, “ઝૂલતા પુલનું ‘મૅનેજમૅન્ટ’ જેવું કે O & M (ઑપરેશન અને મેન્ટનન્સ), (સિક્યૉરિટી)/ સફાઈ/મેન્ટનન્સ/ પેમેન્ટ કલેક્શન/સ્ટાફ વગેરેનો ઍગ્રીમેન્ટ કરવામાં આવેલ છે.”