You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સફેદ ઈંડાં કે બ્રાઉન ઈંડાં, બંનેમાંથી કયાં ખાવાથી શરીરને વધારે ફાયદો થાય?
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
જો તમને ઈંડાં ખાવાનો શોખ હોય, તો તમે ક્યારેક ક્યારેક સફેદ અને બ્રાઉન ઈંડાં વચ્ચે થતી ચર્ચા વિશે સાંભળ્યું હશે.
બંનેની સરખામણી કરીને લોકો ઘણી વાર એ પ્રશ્ન ઉઠાવે છે કે કયું ઈંડું વધારે પૌષ્ટિક છે, સફેદ કે બ્રાઉન?
બજારમાં સફેદ ઈંડાં કરતાં બ્રાઉન ઈંડાં સામાન્ય રીતે વધુ મોંઘાં મળે છે, તેના કારણે આ પ્રશ્ન લોકો માટે એક કોયડા સમાન છે.
ઘણા લોકો માને છે કે બ્રાઉન ઈંડાં ઑર્ગેનિક હોય છે અને આથી તે સફેદ ઈંડાં કરતાં વધુ પૌષ્ટિક હોય છે, જ્યારે કેટલાક લોકો તેને સ્વાદ સાથે પણ જોડે છે.
આવા લોકો માને છે કે બ્રાઉન ઈંડાંનો સ્વાદ વધુ સારો હોય છે અને તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.
આ બંને ઈંડાંની સરખામણી વિશેના કેટલીક પાયાની બાબતો જાણીએ. ઈંડાંનાં રંગ અને પોષણ વિશે થતાં દાવામાં સાચું શું છે?
ઈંડાંનો રંગ શેના પર આધાર રાખે છે?
બજારમાં બ્રાઉન અને સફેદ બંને પ્રકારનાં ઈંડાં સરળતાથી મળી જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે તેમનો રંગ કેમ અલગ હોય છે? શું આનો અર્થ એ છે કે તેમના પોષણમાં પણ કોઈ તફાવત છે?
નિષ્ણાતોના મતે, ઈંડાંના પડનો રંગ ફક્ત મરઘીની પ્રજાતિ પર જ આધાર રાખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન મૅગેઝિન 'ફૂડ ઍન્ડ વાઇન'માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, સામાન્ય રીતે સફેદ પાંખ અને સફેદ કાનવાળી મરઘીઓ સફેદ ઈંડાં મૂકે છે, જ્યારે લાલ પાંખ અને લાલ કાનવાળી મરઘીઓ બ્રાઉન ઈંડાં મૂકે છે.
યુનિવર્સિટી ઑફ મૅરીલૅન્ડના મરઘા નિષ્ણાત ડૉ. જોનાથન મોયલના મતે, "પડનો રંગ પ્રજાતિ દ્વારા નક્કી થાય છે. તે સંપૂર્ણપણે આનુવંશિક છે."
યુસી ડેવિસ યુનિવર્સિટીના મરઘા સંશોધક ડૉ. રિચાર્ડ બ્લૅચફૉર્ડ સમજાવે છે કે, "મોટાં ભાગનાં ઈંડાંનો મૂળ રંગ સફેદ હોય છે, પરંતુ જ્યારે ઈંડું મરઘીના પ્રજનનતંત્રમાંથી પસાર થાય છે, ત્યારે કેટલીક પ્રજાતિઓ તેના પર પિગમેન્ટનું એક સ્તર જમા કરે છે, જે ઈંડાંના બહારના પડનો રંગ બદલી નાખે છે."
એનો અર્થ એ કે ઈંડાંનો બાહ્ય રંગ મરઘીના આનુવંશિક ગુણધર્મો દ્વારા નક્કી થાય છે .
આ ઉપરાંત, મરઘીઓની કેટલીક જાતિઓ વાદળી અથવા લીલા રંગનાં ઈંડાં પણ મૂકે છે, પરંતુ આ ફક્ત તેમના આનુવંશિકતાને કારણે થાય છે.
શું બ્રાઉન ઈંડાં વધુ પૌષ્ટિક છે?
યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (USDA) કહે છે કે પોષણસ્તરે બ્રાઉન અને સફેદ ઈંડાં વચ્ચે કોઈ ખાસ તફાવત નથી.
સ્વાસ્થ્ય સમસ્યા પર માહિતી આપતી વેબસાઇટ મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર, "બંને રંગોનાં ઈંડાંમાં લગભગ સમાન માત્રામાં પ્રોટીન, વિટામિન (A, D, B12) અને મિનરલ્સ હોય છે. જોકે, ફ્રી-રેન્જ અને ઓમેગા-3થી ભરપૂર ઈંડાંમાં વધુ વિટામિન-D અને ઓમેગા-3 ફેટી ઍસિડ હોઈ શકે છે."
USDA મુજબ, ઈંડાંનું કદ તેમના રંગ કરતાં તેમના પોષણને વધુ અસર કરે છે.
યુએસડીએ કહે છે કે મોટાં ઈંડામાં લગભગ 90 કેલરી અને 8 ગ્રામ પ્રોટીન હોય છે, જ્યારે મધ્યમ ઈંડાંમાં લગભગ 60 કેલરી અને 6 ગ્રામ પ્રોટીન હોય છે.
અમેરિકન સંસ્થા, યુનાઇટેડ સ્ટેટ્સ નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન (NLM) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મુક્તપણે ફરતી મરઘીઓમાંથી જન્મેલાં ઈંડાંમાં વિટામિન ડીનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે તેને સૂર્યપ્રકાશ મળે છે.
બ્રાઉન ઈંડાં કેમ મોંઘાં હોય છે?
જો બંને ઈંડાંમાં રહેલાં પોષકતત્ત્વો લગભગ સમાન હોય, તો પછી ભૂરાં ઈંડાં સફેદ ઈંડાં કરતાં થોડાં મોંઘાં કેમ હોય છે?
ડાયેટિશિયન અનુ અગ્રવાલ આ પાછળ બે મુખ્ય કારણો જણાવે છે.
તેમના મતે, "પહેલું કારણ એ છે કે સફેદ ઈંડાંની સરખામણીમાં બજારમાં બ્રાઉન ઈંડાં ઓછાં ઉપલબ્ધ છે. બીજું કારણ એ છે કે બ્રાઉન ઈંડાં આપતી મરઘીઓની જાતિ મોટી હોય છે અને તેમને વધુ ખોરાકની જરૂર પડે છે. આનો અર્થ એ છે કે ઉત્પાદન ખર્ચ વધવાને કારણે તેમની કિંમત પણ વધે છે."
યુએસડીએ એ વાત સાથે પણ સંમત છે કે બ્રાઉન ઈંડાં આપતી મરઘીઓ વધુ ખોરાક ખાય છે, તેથી તે બજારમાં ઊંચા ભાવે વેચાય છે.
શું ઈંડાંના સ્વાદમાં પણ ફરક છે?
કેટલાક લોકો કહે છે કે બ્રાઉન ઈંડાંનો સ્વાદ અલગ હોય છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો સફેદ ઈંડાં પસંદ કરે છે.
અમેરિકન મીડિયા સંગઠન હેલ્થલાઇનના એક અહેવાલમાં જણાવાયું છે કે 'પોષકતત્ત્વોની જેમ સફેદ અને બ્રાઉન ઈંડાંના સ્વાદમાં કોઈ ખાસ તફાવત નથી. જોકે, આનો અર્થ એ નથી કે બધાં ઈંડાંનો સ્વાદ એકસરખો હોય છે.'
અહેવાલ મુજબ, "અન્ય પરિબળો ઈંડાંના સ્વાદને અસર કરે છે, જેમાં મરઘીની પ્રજાતિ, ખોરાકનો પ્રકાર, ઈંડાંની તાજગી અને રસોઈની પદ્ધતિનો સમાવેશ થાય છે. ઘરે ઉછેરવામાં આવતી મરઘીઓનો આહાર પરંપરાગત રીતે ઉછેરવામાં આવતી મરઘીઓ જેવો નથી હોતો, જે ઈંડાંના સ્વાદને પણ અસર કરી શકે છે."
આપણે કયું ઈંડું પસંદ કરવું?
ઘણી વખત લોકો એવો પણ દાવો કરે છે કે બ્રાઉન ઈંડાં સફેદ ઈંડાં કરતાં વધુ ઑર્ગેનિક હોય છે.
જોકે, અમેરિકન એગ બૉર્ડના કૉમ્યુનિકેશન ડાયરેક્ટર માર્ક ડ્રેસનર આ દાવાને નકારે છે .
તેઓ કહે છે, "બ્રાઉન રંગનાં ઈંડાં વધુ સારાં અથવા 'કુદરતી' માનવામાં આવે છે, પરંતુ આવું નથી. બધાં ઈંડાં સારાં હોય છે. ઑર્ગેનિક ઈંડાં સફેદ અને બ્રાઉન બંને હોઈ શકે છે, પરંતુ એવું માનવું ખોટું છે કે બધાં બ્રાઉન ઈંડાં ઑર્ગેનિક છે."
એકંદરે, રંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, લોકોએ ઈંડાં ખરીદતી વખતે તેની તાજગી અને ગુણવત્તા પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત, ઈંડાં ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો :
- સ્વચ્છ, તૂટેલાં ન હોય તેવા પડવાળાં ઈંડાં પસંદ કરો.
- એક્સપાયરી ડેટવાળાં ઈંડાં ન ખરીદો.
- તમારી જરૂરિયાતો અને બજેટ અનુસાર યોગ્ય કદનાં ઈંડાં પસંદ કરો.
- ખરીદ્યા પછી, ઈંડાંને તરત જ રેફ્રીઝરેટરમાં રાખો.
- ઈંડાં પસંદ કરતી વખતે, તેની તાજગી અને સ્રોતને પ્રાથમિકતા આપો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન