ક્રૅડિટ સ્કોર તળિયે પહોંચી ગયો છે, આ છ ઉપાય અજમાવીને સ્કોર 750 ઉપર લઈ જાવ

આજે કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો તેના માટે મજબૂત ક્રૅડિટ સ્કોર અનિવાર્ય ગણવામાં આવે છે. ભારતમાં સિબિલ, ઍક્સપેરિયા સહિત કેટલીક એજન્સીઓ ક્રૅડિટ સ્કોર તૈયાર કરે છે જેના માટે તમારો નાણાકીય રેકૉર્ડ જોવામાં આવે છે.

ક્રૅડિટ સ્કોર 300થી 900 સુધીનો હોય છે અને આ સ્કોર નીચો હોય તો લોન કે ક્રૅડિટ કાર્ડ મેળવવામાં તકલીફ પડી શકે છે. જ્યારે 750થી ઉપરનો ક્રૅડિટ સ્કોર હોય તો બહુ આસાનીથી અને નીચા દરે લોન મળી શકે છે.

ક્રૅડિટ સ્કોર નબળો હોય તો તેને કેવી રીતે સુધારી શકાય તેના વિશે વાત કરીએ.

અહીં એવા છ મુદ્દા આપેલા છે જેના દ્વારા તમે તમારા ક્રૅડિટ સ્કોરને સુધારીને 750 કે તેનાથી ઉપર લઈ જઈ શકો અને વાજબી દરે તથા અનૂકુળ શરતો પર લોન મેળવી શકો છો.

નાણાકીય શિસ્ત જાળવો

'સોહમ કેપિટલ સર્વિસિસ'ના ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કરે આ વિશે જણાવ્યું કે "ક્રૅડિટ સ્કોર નીચો હોય ત્યારે શિસ્તબદ્ધ પ્રયત્નો કરવાથી તેને સુધારી શકાય છે."

તેઓ કહે છે, "તમારો રિપેમેન્ટ હિસ્ટરી ક્રૅડિટ સ્કોર માટે સૌથી મહત્ત્વનો ભાગ છે. લોનની EMI, ક્રૅડિટ કાર્ડ બિલ કે અન્ય ચુકવણી સમયસર કરો. કોઈ પણ બિલ ભરવામાં ડિફોલ્ટ ન થાવ. એક જ વાર મોડું થવાથી પણ સ્કોર ખરાબ થઈ શકે છે. રિમાઇન્ડર અથવા ઑટો-ડેબિટ સેટ કરવાથી તમને મદદ મળશે અને ક્રૅડિટ સ્કોર સુધરશે."

સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ ઍડવાઇઝર વિનોદ ફોગલા પણ આ વાત સાથે સહમત છે.

તેમણે કહ્યું કે, "શક્ય હોય ત્યાં સુધી પર્સનલ લોન લેવાનું અથવા બિનજરૂરી શૉપિંગ માટે ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ટાળો. તેનાથી તમે નાણાકીય શિસ્ત જાળવી શકશો અને પેમેન્ટમાં મુશ્કેલી નહીં પડે. કારણ કે ઈએમઆઈમાં મોડું થાય અથવા હપ્તો ચૂકી જશો તો વધારે મુશ્કેલી પડશે અને પછી ક્રૅડિટ સ્કોર સુધારવામાં વાર લાગશે."

ક્રૅડિટ લિમિટથી ઓછો ખર્ચ કરો

પ્રિયાંક ઠક્કર કહે છે કે "ક્રૅડિટ કાર્ડ પર 30–40 ટકા કરતાં વધુ ખર્ચ કરવાનો પ્રયત્ન ન કરો. ઉદાહરણ તરીકે, જો તમારી લિમિટ એક લાખ રૂપિયા હોય, તો મહિને 30થી 40 હજાર રૂપિયા સુધી જ ઉપયોગ કરો. વધુ ઉપયોગ કરવાથી એવું લાગે છે કે તમે વધારે દેવા પર આધાર રાખો છો."

આ ઉપરાંત તમે ક્રૅડિટ લિમિટ નીચી રાખી હશે અને આ લિમિટ ખર્ચ કરી નાખશો તો તમારો ક્રૅડિટ સ્કોર ઘટશે. તેથી આવું ટાળવા માટે ક્રૅડિટ લિમિટ વધારી શકાય છે.

ફાઇનાન્સિયલ ઍડવાઈઝર વિનોદ ફોગલા કહે છે કે "તમારી જે ક્રૅડિટ લિમિટ હોય તેના ત્રીજા ભાગ સુધી જ ખર્ચ કરવો જોઈએ. તેનું પેમેન્ટ પણ નિયમિત થવું જોઈએ."

કોઈની લોનમાં ગેરંટર ન બનો

કેટલીક વખત તમે લોન લેનાર બીજી વ્યક્તિ માટે ગેરંટર બનો છો.

આવી સ્થિતિમાં જો લોન લેનાર વ્યક્તિ પોતાના હપ્તા ન ભરે અથવા નિયમિત ચૂકવણી ન કરે તો ગેરંટર તરીકે તમારા પર જવાબદારી આવી જાય છે.

ઋણ લેનાર મુખ્ય વ્યક્તિ ડિફોલ્ટ થાય ત્યારે ગેરંટરના ક્રૅડિટ સ્કોરને પણ અસર થાય છે.

તમને કોઈ વ્યક્તિની નાણાકીય સદ્ધરતાની ખાતરી હોય અને તે ડિફોલ્ટ નહીં થાય તેવો વિશ્વાસ હોય તો જ તેની લોન માટે ગેરંટર બનો.

એકથી વધારે લોન ન લો

ટૂંકા ગાળામાં એકથી વધારે લોન માટે અરજી કરવામાં આવે તો ક્રૅડિટ સ્કોર ખરાબ થાય છે.

બૅન્ક અથવા નાણાકીય સંસ્થાને લાગશે કે તમે નાણાકીય રીતે સ્થિર નથી. તેનાથી ક્રૅડિટ સ્કોર ઘટી જશે. વારંવાર લોન માટેની અરજીઓ વધતી જશે તેમ તેમ ક્રૅડિટ સ્કોર ખરાબ થશે.

પ્રિયાંક ઠક્કર કહે છે કે, "લોનની દરેક અરજી વખતે બૅન્ક કે નાણાકીય સંસ્થા તમારો ક્રૅડિટ રિપોર્ટ ચેક કરે છે, જેને 'હાર્ડ ઇન્ક્વાયરી' કહેવામાં આવે છે. ટૂંકા સમયમાં ઘણી ઇન્ક્વાયરી થવાથી સ્કોર ઘટી જાય છે અને એવું લાગે છે કે તમને તાત્કાલિક પૈસાની જરૂર છે. માત્ર જરૂરી હોય ત્યારે જ અરજી કરો."

ફાઇનાન્સિયલ ઍડવાઈઝર વિનોદ ફોગલા કહે છે કે, "તમારા જૂના ક્રૅડિટ એકાઉન્ટ હોય તો તેને બંધ ન કરવાની સલાહ પણ આપવામાં આવતી હોય છે. ક્રૅડિટ હિસ્ટ્રી લાંબા ગાળાની હોય તે જરૂરી છે. જૂનાં એકાઉન્ટ ચાલુ હશે તો તેનાથી લૉન્ગ ટર્મ માટે તમે ક્રૅડિટને કઈ રીતે મૅનેજ કરો છો તે જોઈ શકાશે."

ક્રૅડિટ મિક્સને સંતુલિત રાખો

પ્રિયાંક ઠક્કરના કહેવા મુજબ, "તમારે ક્રૅડિટ સ્કોર સુધારવો હોય તો માત્ર પર્સનલ લોન કે ક્રૅડિટ કાર્ડ જેવી અનસિક્યૉર્ડ લોન પર આધાર રાખવો યોગ્ય નથી. હોમ લોન કે કાર લોન જેવી સિક્યૉર્ડ લોન સાથે મિશ્રણ રાખવું સારું માનવામાં આવે છે. તેનાથી તમારું ઋણ લેવાનું વલણ જવાબદારીપૂર્વકનું છે એવું લાગશે અને ક્રૅડિટ સ્કોર સુધરશે."

ક્રૅડિટ રિપોર્ટને નિયમિત રીતે ચેક કરો

ભારતમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા લાયસન્સ ધરાવતા ચાર મુખ્ય ક્રૅડિટ બ્યૂરો છે જેમાં સિબિલ, ઈક્વિફેક્સ, ઍક્સપિરિયન અને સીઆરઆઈએફ હાઇમાર્કનો સમાવેશ થાય છે.

આમાંથી કોઈ બ્યૂરો દ્વારા તમારો ક્રૅડિટ રિપોર્ટ ખરાબ આવે અને તે રિપોર્ટમાં ભૂલ હોય તો તમે ક્રૅડિટ બ્યૂરોમાં ફરિયાદ કરી શકો છો. તમારી પાસે વાજબી કારણો હશે તો તમારો ક્રૅડિટ સ્કોર સુધરી જશે, પરંતુ તેમાં લગભગ 30 દિવસ અથવા વધારે સમય લાગતો હોય છે.

ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ ગોલ પ્લાનર પ્રિયાંક ઠક્કર કહે છે કે, "ક્યારેક આ રિપોર્ટમાં ભૂલો પણ હોઈ શકે છે, જેમ કે ખોટી રીતે બાકી રકમ દેખાડવામાં આવે, બંધ થયેલાં ખાતાં ચાલુ બતાવે અથવા ખોટી વ્યક્તિગત વિગતો હોય. આવી ભૂલો સ્કોર ઘટાડે છે. વર્ષમાં ઓછામાં ઓછી એક વાર CIBIL, Experian કે Equifax જેવી એજન્સીનો રિપોર્ટ ચેક કરો અને ભૂલ હોય તો સુધારા માટે વિનંતી કરો."

ફાઇનાન્સિયલ ઍડવાઈઝર વિનોદ ફોગલાએ જણાવ્યું કે, "750થી ઉપર સિબિલ સ્કોર હોય તો અનૂકુળ શરતો પણ લોન મેળવી શકો છો. એકથી વધુ બૅન્કો તમને લોન આપવા તૈયાર થઈ જશે. સામાન્ય રીતે ક્રૅડિટ સ્કોર નબળો હોય તો ચોક્કસ પગલાં લઈને તેને સુધારીને 700થી ઉપર લઈ જઈ શકાય છે. પરંતુ તેમાં છથી 12 મહિના જેટલો સમય લાગી શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન