'મગફળી વાવી છતાં સરકારને દેખાતી નથી', ગુજરાતના ખેડૂતોએ કરાવેલાં મગફળીનાં રજિસ્ટ્રેશન કેમ રદ થઈ રહ્યાં છે?

થોડા દિવસ પહેલાં રાજકોટ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોના ખેડૂતોને તેમનાં ખેતરમાં વાવેલા મગફળીના પાક માટે સરકારી ટેકાના ભાવ મળે એ માટે કરાવેલા રજિસ્ટ્રેશન સંબંધે એક મૅસેજ મળ્યો હતો.

જેમાં સંબંધિત ખેડૂતોનાં ખેતરોમાં સેટેલાઇટ વેરિફિકેશનમાં 'મગફળીના પાકનું વાવેતર ન થયું' હોવાની વાત કરાઈ હતી.

જે બાદ આવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.

નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં મગફળીના વાવેતર મામલે એક નવો રેકૉર્ડ સર્જાયો છે.

આ વર્ષે 22 લાખ હેક્ટરમાં થયેલી મગફળીનું વાવેતર પાછલાં ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા સરેરાશ 17.50 લાખ હેક્ટર કરતાં 4.5 લાખ હેક્ટર (28.12 લાખ વીઘા) જેટલું ઊંચું છે.

વાવેતરમાં વધારાને પગલે ખેડૂતોને 'બમ્પર પાક ઊતરવા' અને સરકારી ટેકાના ભાવને કારણે 'સારી કમાણી' થવાની આશા હતી. પરંતુ હવે ઘણા ખેડૂતો આ 'આશા પર પાણી ફરી વળ્યા'ની વાત કરી રહ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે આ મહિનાની શરૂઆતમાં તેમણે લાઇનોમાં ઊભા રહીને પોતાના પાક માટે 'મિનિમમ સપૉર્ટ પ્રાઇઝ' એટલે કે 'ટેકાના ભાવ' માટે નોંધણી કરાવી હતી. બાદમાં થોડા સમય પહેલાં ઘણા ખેડૂતોને ખેતરના 'સેટેલાઇટ નિરીક્ષણ'માં ખેતરમાં મગફળીનું વાવેતર ન દેખાયું હોવાનું જણાવીને આ રજિસ્ટ્રેશન રદ થયાના મૅસેજ આવ્યા હતા.

ખેડૂતોની ફરિયાદ છે કે સરકારે ખેતરે-ખેતરે પોતાના કર્મચારીઓને મોકલીને ખેડૂતના વાવેતરની 'ખરાઈ' કરવી જોઈએ અને રજિસ્ટ્રેશન રદ કરવા માટે સેટેલાઇટ નિરીક્ષણને 'અંતિમ આધાર' ન માનવું જોઈએ.

બીજી તરફ ગુજરાત સરકારે પણ ખેડૂતોની ફરિયાદની નોંધ લઈને આપેલા નિવેદનમાં કહ્યું છે કે 'વેરિફિકેશન બાદ દસ ટકાથી પણ ઓછા ખેડૂતોને એસએમએસ મારફતે ખેતરમાં મગફળીનું વાવેતર ન જોવા મળ્યા બાબતનો મૅસેજ કરાયો છે.'

સરકારી તંત્રે જાહેર કરેલા નિવેદન પ્રમાણે આવા ખેડૂતોએ પરેશાન થવાની કોઈ જરૂર નથી. સરકારે આવા ખેડૂતો માટે આગળ લેવાનાં પગલાં અંગેનાં સૂચનો પણ જાહેર કર્યાં છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોની એક પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્ર સરકારે આ વર્ષે મે માસમાં ખરીફ પાક માટે મિનિમમ સપૉર્ટ પ્રાઇસ (ટેકાના ભાવ) જાહેર કર્યા હતા.

જે મુજબ આ વર્ષના મગફળીના પાક માટે પ્રતિ મણ 1452.6 રૂ.ના ભાવ નક્કી કરાયા છે.

શું કહે છે ખેડૂતો?

સરકાર તરફથી મગફળીનું વાવેતર ન જોવા મળ્યાના મૅસેજ મળતાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતો તરફથી પ્રતિક્રિયા જોવા મળી હતી.

રાજકોટ તાલુકાના ગણકોટ ગામના શિવાભાઈ નંદાણિયાએ આ મૅસેજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમારી જમીન ત્રણ સર્વે નંબરમાં વહેંચાયેલી છે. ત્રણેયમાં હાલ માત્ર મગફળીનું જ વાવેતર છે. તેમાં અમે બીજું કંઈ વાવ્યું નથી. અમે આ મહિને 5 તારીખે એમએસપી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું."

"જે બાદ 16 તારીખે અમને અમારું રજિસ્ટ્રેશન રિજેક્ટ થયાનો મૅસેજ મળ્યો છે. સરકારમાંથી આ માટેના કારણ અંગે જાણવા મળ્યું છે કે સેટેલાઇટ મારફતે કરાયેલા સર્વેમાં અમારા ખેતરમાં મગફળીનું વાવેતર જોવા મળ્યું નથી."

તેઓ ભારપૂર્વક પોતાની વાત આગળ વધારતાં કહે છે કે, "આ બધું તો ખરું, પણ અમે તો અમારા ખેતરમાં માત્ર મગફળીનું જ વાવેતર કર્યું છે. બીજું કંઈ નથી. એની તપાસ કોઈ પણ કરી શકે છે."

તેઓ પોતાની માગ આગળ ધરતાં કહે છે કે, "આ મૅસેજ ખોટો છે. અમારી માગણી છે કે આ બાબતે સરકાર અને તેના અધિકારીઓ ઘટતી કાર્યવાહી કરે."

અન્ય એક ખેડૂત વિપુલભાઈ ડોબરિયા કહે છે કે, "પહેલાં તો ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે લાઇનોમાં ઊભા રાખવામાં આવ્યા અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમનાં ખેતરોમાં મગફળીનો પાક જ ઊભો નથી. આ વાત યોગ્ય નથી."

"આ એકને નહીં, પણ ઘણા ખેડૂતને આવા મૅસેજ આવ્યા છે. હજુ પણ આગળ ઘણા ખેડૂતોને આવા મૅસેજ આવશે એવો ભય છે."

તેઓ પણ સ્થળ નિરીક્ષણની વાત પર ભાર મૂકતાં કહે છે કે, "સરકારે અધિકારીઓને સ્થળ પર મોકલીને આનું નિરીક્ષણ કરાવવું જોઈએ."

તેઓ નિરાકરણ સૂચવતાં કહે છે કે, "આનાથી સારું તો સરકાર ખુલ્લા બજારમાં જ ભાવનિર્ધારણ કરે અને એમાં ઘટ પડે તો ટેકો આપે."

ભારતીય કિસાન સંઘના નૅશનલ સેક્રેટરી બાબુભાઈ પટેલે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ખેડૂતોને આવેલા આ મૅસેજો અંગે અગાઉ ચિંતા પેદા થઈ હતી. જોકે, સરકારની સ્પષ્ટતા બાદથી ચિંતાનો માહોલ નથી."

"સરકારે અમને અને તમામ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે ખેડૂતોને આવો મૅસેજ મળ્યો છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે ગ્રામ્ય લેવલે પોતાના ગ્રામસેવકનો સંપર્ક કરીને સ્પોટ વેરિફિકેશન કરાવવાનું છે."

"અમે પણ અમારા સ્થાનિક કાર્યકરો મારફતે તેમજ સોશિયલ મીડિયા ગ્રૂપ્સ મારફતે આ બાબતે ખેડૂતોમાં કોઈ ગેરસમજ ન પેદા થાય એ માટેના પ્રયાસ કરી રહ્યા છીએ."

તેઓ ચિંતા ટળી હોવાની વાત પર ભાર મૂકતાં આગળ કહે છે કે, "આવા મૅસેજોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના અમને ઘણા ફોન આવ્યા હતા, અને અમે એ વાતન રજૂઆત સરકારમાં કરતાં તે અંગે સ્પષ્ટતા થઈ છે, જેનાથી અમે સંતુષ્ટ છીએ. અત્યારે આ ચિંતા ટળી ગઈ છે. જોકે, અમે અમારા કાર્યકરોને સતર્ક રહેવાની સૂચના આપી છે."

સરકારે શું કહ્યું?

કૃષિવિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ આ મામલે એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, "ગત વર્ષની જેમ આ વર્ષે પણ ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. આ વેરિફિકેશન પ્રક્રિયામાં નોંધણી કરાવેલા દસ ટકાથી પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો નથી. આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને એસએમએસના માધ્યમથી જાણ કરવામાં આવી છે, પરંતુ આ મૅસેજથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર નથી."

ખેડૂતોને ખાતરી આપતાં ડૉ. અંજુ શર્માએ કહ્યું છે કે નોંધણી દરમિયાન ખેડૂતોએ દર્શાવેલા સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેમ છતાં આવો મૅસેજ મળ્યો હોય, તેવા ખેડૂતોએ કોઈ પણ ચિંતા કર્યા વગર વહેલામાં વહેલી તકે ગ્રામસેવકને રજૂઆત કરીને પાક અને સર્વે નંબરનું વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. ખેતી નિયામકની કચેરી દ્વારા આવા તમામ સર્વે નંબરની યાદી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવી છે.

આ ઉપરાંત ખેડૂતો ગામના સર્વેયરનો સંપર્ક કરીને નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે પણ કરાવી શકશે.

ખેડૂતો પાસે પોતાના ફોનના પ્લેસ્ટોરમાંથી ડિજિટલ ક્રૉપ સર્વે - ગુજરાત (Digital Crop Survey-Gujarat) ઍપ્લિકેશન ડાઉનલૉડ કરીને જાતે પણ ડિજિટલ ક્રૉપ સર્વે કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. ખેડૂતો ફોનના માધ્યમથી જાતે જ ડિજિટલ ક્રૉપ સર્વે કરી શકે, તે માટે બાઇસેગની (ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન ઍન્ડ જિયૉઇન્ફર્મેટિક્સ) વંદે ગુજરાત ચૅનલ મારફત કૃષિવિભાગ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે, જેનો મહત્તમ ખેડૂતોને લાભ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીયો ટેગ્ડ (Geo-tagged) ફોટો લઈને પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવાનું કહેતાં ડૉ. અંજુ શર્માએ કહ્યું હતું કે, "જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે."

નોંધનીય છે કે મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા આગામી 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે.

17 સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યના 8.79 લાખથી વધુ ખેડૂતોએ મગફળી માટે, 66,000થી વધુ ખેડૂતોએ સોયાબીન માટે 5,000થી વધુ ખેડૂતોએ અડદ માટે તેમજ 1,100થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન