You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ : ઓમાનની ક્રિકેટ ટીમમાં ગુજરાતી ખેલાડીઓના દબદબાની કહાણી
સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ખાતે હાલમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ ઉપરાંત અફઘાનિસ્તાન, યુએઇ, હૉંગકૉંગ અને ઓમાન જેવી ટીમો પણ રમી રહી છે.
ભારતે પાકિસ્તાન અને યુએઇને આસાનીથી પરાજય આપ્યો છે અને 19મી સપ્ટેમ્બરે ઓમાન સાથે ભારતની મૅચ છે.
ઓમાનની ટીમમાં અનેક ભારતીય મૂળના ખેલાડી છે, જેમાંથી ચાર તો ગુજરાતી છે. તેના કારણે ક્રિકેટચાહકોને ઓમાનની ક્રિકેટમાં રસ પડ્યો છે.
ઓમાનની ક્રિકેટ ટીમનું નેતૃત્વ કૅપ્ટન જતિંદરસિંહ સંભાળે છે જેઓ મૂળ પંજાબના છે અને એક દાયકા કરતાં વધુ સમયથી ઓમાન માટે રમે છે.
ભારતના ખેલાડીઓ ફુલ-ટાઇમ ક્રિકેટર હોય છે જ્યારે ઓમાનની ટીમના મોટા ભાગના ખેલાડીઓ પાર્ટ-ટાઇમ ક્રિકેટ રમે છે. ક્રિકેટ સિવાય તેઓ કોઈને કોઈ નોકરી-ધંધા સાથે સંકળાયેલા હોય છે.
જતિંદરસિંહ ઉપરાંત ઓમાનની ટીમમાં સામેલ ભારતીય મૂળના ખેલાડીઓમાં વિનાયક શુક્લા, આશિષ ઓડેદરા, સમય શ્રીવાસ્તવ, કરણ સોનવલે સામેલ છે.
ગુજરાતી ખેલાડીઓનો દબદબો
ઉદાહરણ તરીકે ઓમાનની ટીમમાં જિતેન રામાનંદી સામેલ છે જેઓ એક સમયે ગુજરાતમાં હાર્દિક પંડ્યાની સાથે ક્રિકેટ રમતા હતા. હવે તેઓ ઓમાન વતી ભારત સામે રમશે. રામાનંદી એક સમયે બરોડાની ટીમના ઑલરાઉન્ડર હતા.
જિતેન રામાનંદીના કોચ રાકેશ પટેલે તેમને ઓમાન જવા પ્રોત્સાહિત કર્યા હતા. રાકેશ પટેલ પોતે બરોડાની ટીમમાં બૉલર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જિતેન રામાનંદી મૂળ નવસારી નજીક એક નાનકડા ગામમાંથી આવ્યા છે અને તેઓ બરોડાની અંડર-19 ટીમમાં રમ્યા હતા.
2019માં તેઓ નાણાકીય કારણથી ઓમાન ગયા હતા અને પછી ક્રિકેટ ટીમમાં જોડાયા હતા.
ટીમમાં આશિષ ઓડેદરા પણ સામેલ છે જેમનો જન્મ જૂનાગઢમાં થયો હતો.
ઓમાનની ટીમમાં અગાઉ અજય લાલચેતા, રાજેશકુમાર રાણપરા અને કશ્યપ પ્રજાપતિ પણ સામેલ હતા અને આ ત્રણેય મૂળ ગુજરાતી હતા.
કશ્યપ પ્રજાપતિનો જન્મ ખેડા જિલ્લામાં થયો હતો અને તેઓ જમણેરી બૅટ્સમૅન તથા બૉલર છે.
અજય લાલચેતાનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તેઓ ડાબોડી બૅટ્સમૅન તથા સ્પિન બૉલર છે. ઓમાનની ટીમમાં તેમનું સ્થાન એક ઑલરાઉન્ડર તરીકે છે. તેઓ સૌરાષ્ટ્રની અંડર 16 અને અંડર 19 ટીમમાં પણ રમી ચૂક્યા છે. જ્યારે રાજેશ રાણપરા મૂળ પાલનપુરના છે.
ભૂતકાળમાં સંદીપ પાટીલ અને અંશુમાન ગાયકવાડ જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો ઓમાનની ક્રિકેટ ટીમના કોચ રહી ચૂક્યા છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ઓમાનમાં ક્રિકેટ રમતી 80 ડોમેસ્ટિક ટીમો છે જેમાં ગુજરાતનાં અલગ-અલગ શહેરમાંથી આવેલા 140 ખેલાડીઓ રમે છે.ખાસ કરીને મૂળ પોરબંદર, આણંદ, સુરત, વડોદરા અને અમદાવાદના યુવાનો ઓમાન માટે ક્રિકેટ રમે છે. ઓમાનની નેશનલ ટીમના અત્યાર સુધીના સાત કૅપ્ટનમાંથી ચાર ગુજરાતી હતા.
ઓમાનમાં ક્રિકેટના વિકાસમાં કનકશી ખીમજીનો ફાળો
ઓમાનના ક્રિકેટમાં ભારતનું અથવા ગુજરાતીઓનું પહેલેથી પ્રભુત્વ રહ્યું છે તેમ કહી શકાય, કારણ કે 1979માં જ્યારે ઓમાનના રાજવી પરિવારની મદદથી 'ઓમાન ક્રિકેટ'ની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતીય વેપારી કનકશી ખીમજીને તેના પહેલા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
શેઠ કનકશી ગોકળદાસ ખીમજી કચ્છના માંડવી બંદરેથી 1970ના દાયકામાં ઓમાન ગયા હતા અને ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેમને પ્રવાસી ભારતીય ઍવૉર્ડ પણ અપાયો હતો અને આ ઍવૉર્ડ જીતનાર તેઓ પ્રથમ ગલ્ફસ્થિત ભારતીય હતા.
કનકશી ખીમજી એ વેપારી હતા જેમને 'દુનિયાના પ્રથમ હિંદુ શેખ'નું બિરુદ આપવામાં આવ્યું હતું.
ઓમાનના ઘણા લોકો આજે પણ કનકશી ખીમજીને 'ઓમાન ક્રિકેટના ગૉડફાધર' ગણાવે છે. તેમના પુત્ર પંકજ ખીમજી હાલમાં ઓમાન ક્રિકેટના પ્રમુખ છે.
Espncricinfoના એક અહેવાલમાં પીટર ડેલ્લા પેન્નાએ લખ્યું છે કે, "1970ના દાયકાથી ઓમાનમાં આધુનિક ક્રિકેટનો ઇતિહાસ શરૂ થાય છે જેમાં કનકશી ખીમજીનો ઉત્સાહ અને માર્ગદર્શન કારણભૂત હતાં."
કનકશીના પુત્ર પંકજ ખીમજીએ કહ્યું હતું કે ઓમાનમાં તેમના પિતા બ્રિટિશ નેવલ ટીમ્સ સામે ક્રિકેટ રમતા હતા. ઓમાનના રાજવી પરિવારના લોકોને પણ તેમાં રસ હતો.
પંકજ ખીમજીએ કહ્યું હતું કે તેમનો પરિવાર કારમાં છ કલાક મુસાફરી કરીને શારજાહ સુધી બુખાતિર લીગની મૅચ જોવા જતો. પરિવારના લોકો પાસે જે ફાજલ સમય હોય તે ક્રિકેટમાં જ ખર્ચ થઈ જતો હતો.
2011માં આઈસીસી ડૅવલપમૅન્ટ પ્રોગ્રામે કનકશી ખીમજીને ઓમાન ક્રિકેટમાં કરેલા પ્રદાન માટે લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન