You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કારનો વીમો લેતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું, કયા સંજોગોમાં ક્લૅમ નામંજૂર થાય?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
જીવન વીમો અને આરોગ્ય વીમાની સાથે સાથે હવે કાર ઇન્સ્યોરન્સ પણ આપણા નાણાકીય આયોજનનો ભાગ બની ગયો છે.
શક્ય છે કે ઘણા લોકો પાસે લાઇફ ઇન્સ્યોરન્સ અથવા હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય, પરંતુ તેમણે પોતાના વાહનનો વીમો જરૂર ઉતરાવ્યો હશે.
ભારત અત્યારે સૌથી મોટા ઑટોમોબાઇલ માર્કેટ પૈકી એક છે જેના કારણે વાહનોના વીમામાં ઢગલાબંધ કંપનીઓ કામ કરતી હોય છે.
તમારી કાર ચોરાઈ જાય, અકસ્માત થાય અથવા બીજા કોઈ કારણોથી ડૅમેજ થાય ત્યારે તમારે પોલીસ અને વીમા કંપની બંનેને યાદ કરવા પડે છે.
ઑટોમોબાઇલનો વીમો ખરીદવો ફરજિયાત છે અને વીમા વગર વાહન ચલાવવું ગેરકાયદે ગણાય છે. છતાં હજુ પણ ભારતમાં લગભગ 48 ટકા વાહનો વીમા વગર દોડે છે.
જોકે, વાહનનો વીમો ઉતરાવતી વખતે લોકો ઘણી ભૂલો કરતા હોય છે જેના કારણે તેમના ક્લૅમ રિજેક્ટ થાય છે અથવા તો બહુ ઓછી રકમ મંજૂર થાય છે.
બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો સાથે વાત કરીને જાણ્યું કે વાહનોનો વીમો ઉતરાવવામાં કઈ વાતોને ધ્યાનમાં રાખવી.
ભારતમાં કાર ઇન્સ્યોરન્સના પ્રકાર કયા કયા છે?
કારનો વીમો મુખ્યત્વે ત્રણ પ્રકારનો હોય છે - કૉમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ, ઑન ડૅમેજ કાર ઇન્સ્યોરન્સ અને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉમ્પ્રિહેન્સિવ કાર વીમામાં કારના માલિકને સૌથી વધુ કવરેજ મળે છે. તેમાં થર્ડ પાર્ટીને થતા નુકસાન ઉપરાંત તમારા વાહનને અકસ્માતથી થયેલું નુકસાન, કુદરતી આફત, ચોરી અથવા આગથી થયેલું નુકસાન પણ કવર થઈ જાય છે.
ઑન ડૅમેજ કાર ઇન્સ્યોરન્સમાં પૂર, ધરતીકંપ, ચોરી, રમખાણ અથવા અકસ્માતના કારણે થયેલું નુકસાન કવર કરે છે. જ્યારે થર્ડ પાર્ટી કાર વીમો એ ભારતીય કાયદા પ્રમાણે બેઝિક કવરેજ છે. તેમાં તમારી કારના કારણે કોઈને ઈજા, મૃત્યુ અથવા પ્રોપર્ટીને નુકસાન થાય તો તેના માટે નાણાં ચૂકવાય છે. તેમાં તમારા વાહનને થતું નુકસાન કવર થતું નથી.
કયો વીમો ખરીદવો જોઈએ?
નિષ્ણાતો તમારા ફોર વ્હીલર માટે ઝીરો ડેપ્રિસિયેશન અથવા ઝીરો ડેપ પૉલિસી ખરીદવાની સલાહ આપે છે જે કૉમ્પ્રિહેન્સિવ કાર ઇન્સ્યોરન્સ પર એક ઍડ-ઑન છે.
તમે નવી કાર ખરીદો છો, પરંતુ શો-રૂમમાંથી બહાર નીકળતા જ તેની વેલ્યૂ ઘટવા લાગે છે, કારણ કે કારની કિંમત પર ઘસારો (ડેપ્રિસિયેશન) લાગુ પડશે. આવી સ્થિતિમાં કારનો કોઈ ઇન્સ્યોરન્સ ક્લૅમ થાય તો વીમા કંપની ઘસારાનો ખર્ચ કાપી લેતી હોય છે, પરંતુ તમે ઝીરો ડેપ્રિસિયેશન વીમા પૉલિસી ખરીદી હશે તો તમને ઘસારા વગર પૂરી રકમ મળશે.
વીમા સલાહકાર મિથુન જાથલ કહે છે કે "કેટલાક લોકો કારનો વીમો ખરીદતી વખતે ઓછામાં ઓછું પ્રીમિયમ આવે તેવા પ્રયાસ કરતા હોય છે, પરંતુ તે સરવાળે મોંઘું પડે છે. ઝીરો ડેપ ઇન્સ્યોરન્સ ભલે મોંઘું પડે પણ તે વધારે યોગ્ય છે."
તેઓ કહે છે, "કાર ઇન્સ્યોરન્સ એવું ખરીદો જેમાં બધું કવર થાય, નહીંતર ક્લૅમ વખતે મોટું નુકસાન આવશે."
સર્વેયર અને લૉસ એસેસર નીરજ જૈને બીબીસીને જણાવ્યું કે, "ઑટો ઇન્સ્યોરન્સ ખરીદો ત્યારે તેની પૉલિસી ગાઇડલાઇન્સ જાણો અને બધા ઍડ-ઓન સમજી લો."
તમે ઝીરો અથવા નીલ ડેપ્રિસિયેશન પૉલિસી ખરીદી હશે તો IRDA (ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી) મુજબ વાહનની કિંમતમાં જે ઘસારો થતો હોય તેને વેઇવ કરવામાં આવે છે.
તેઓ જણાવે છે કે, "વીમો લેનારને ખબર હોવી જોઈએ કે તેનામાં કયા કયા ઍડ-ઑન છે. તમે એન્જિન પ્રોટેક્શન કવર લીધું હોય તો તેમાં કઈ ચીજો આવરી લેવાય છે તે સમજી લો. કઈ સ્થિતિમાં વીમા કંપની ક્લૅમ મંજૂર નહીં કરે તે શરતો જાણો."
નીરજ જૈન કહે છે કે, "ઘણા લોકો માનતા હોય છે કે વીમો ખરીદ્યા પછી તમારી કારને કંઈ પણ થાય તો બધું વળતર મળી જશે, પરંતુ એવું નથી. તમે સમયાંતરે કારનું કુલન્ટ કે ઑઇલ ચેન્જ ન કરાવો અને છતાં કાર ચલાવો જેનાથી એન્જિનને નુકસાન થાય તો આવી સ્થિતિમાં ક્લૅમ નહીં ચૂકવાય, કારણ કે આ વાહનના ઘસારાના કારણે થયેલું નુકસાન છે. વીમો ત્યારે ચૂકવાશે જ્યારે કોઈ ઘટનાના કારણે કારને નુકસાન થયું હોય."
"આ ઉપરાંત પર્સનલ ચીજો, કી પ્રોટેક્શન, કન્ઝ્યુમેબલ કવરેજ પણ આવે છે. તમારી કારના નટ, બોલ્ટ, વૉશર, કુલન્ટ, ઑઇલ વગેરેના ઍડ-ઑન કવરેજ પણ આવે છે."
તેમણે કહ્યું કે, "સૌથી સસ્તા પ્રીમિયમ દર જોઈને વીમો ખરીદતી વખતે સાવધાન રહેવું, કારણ કે તેમાંથી ઘણી ચીજોનું કવરેજ બાકાત કરવામાં આવે છે."
કારનું સંપૂર્ણ કવરેજ કેવી રીતે મળે?
વીમા સલાહકાર મિથુન જાથલ કહે છે કે "કાર માટે હવે RTI એટલે કે રિટર્ન ટુ ઇનવૉઇસ માટેનું વીમા કવરેજ પણ આવે છે. તેમાં તમારી કાર ચોરાઈ જાય અથવા અકસ્માતના કારણે રિપૅર ન થઈ શકે એ રીતે ટોટલ લૉસ હોય, તો તમે કાર ખરીદતી વખતે આરટીઓ અને બીજા જે ટૅક્સ ચૂકવ્યા હશે તેની રકમ પણ કવર થઈ શકશે. ટૂંકમાં આરટીઆઈ સાથેનો વીમો ખરીદ્યો હોય તો કારના ઓરિજિનલ ઇનવૉઇસ અને ડેપ્રિસિયેટેડ વેલ્યૂ વચ્ચેના તફાવતની રકમ તમને મળી જશે."
તેઓ કહે છે કે, "તમારા કાર ઇન્સ્યોરન્સને રિન્યૂ કરવાની તારીખ નજીક આવે તેના એક-બે મહિના અગાઉથી અલગ-અલગ વીમા કંપનીઓ તરફથી ફોન આવવા લાગે છે, કારણ કે તમારો ડેટા બધી જગ્યાએ શૅર થઈ ગયો હોય છે. બધી કંપનીઓ તમને ઓછામાં ઓછા ભાવે કાર ઇન્સ્યોરન્સ આપવાની વાત કરે છે, પરંતુ તેમાં ઘણી બાબતો બાકાત થઈ જાય છે તેનો તમને ખ્યાલ રહેતો નથી."
તેમની સલાહ છે કે, "તમે કાર ખરીદો ત્યારે ડીલરને પૂછી શકો છો કે કોનો ક્લૅમ સેટલમેન્ટ રેશિયો સૌથી સારો છે, કારણ કે કઈ કંપની સાથે ક્લૅમનો અનુભવ સારો છે તે જુઓ."
વીમા કંપનીને કઈ બાબતો જણાવવી જરૂરી છે?
ઇન્સ્યોરન્સ સર્વેયર ઍન્ડ લૉસ એસેસર નીરજ જૈન કહે છે કે વીમો ખરીદતી વખતે તમે કારની બધી જ વિગતો વીમા કંપનીને આપો તે સલાહભર્યું છે.
તેઓ કહે છે, "ધારો કે તમારી કારમાં અસલમાં મ્યુઝિક સિસ્ટમ નથી આવતી, પરંતુ પછી તમે બહારથી સિસ્ટમ ફીટ કરાવો, વૂફર લગાવો, અલગથી લાઇટિંગ કરાવો કે મોડિફિકેશન કરાવો તો વીમા કંપનીને તેની જાણ કરો. નહીંતર ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કારણે કારમાં નુકસાન થશે તો વીમા કંપની ક્લૅમ રિજેક્ટ કરી શકે છે."
તેઓ કહે છે કે, "કાર કંપનીએ જે પ્રકારનાં ટાયર, બમ્પર કે બીજાં સાધન આપ્યાં હોય તેમાં તમે મોડિફિકેશન કરાવો તો વીમા કંપનીને જણાવવું પડે અને તે મુજબ પ્રીમિયમ નક્કી થાય. આ માહિતી આરટીઓને પણ જણાવવી પડે."
"આ ઉપરાંત ટોઇંગ કવરેજની રકમ પણ ચેક કરો. તમારી કાર ગમે ત્યાં ખરાબ થઈ જાય અને તેના માટે ક્રેઇન મગાવવી પડે તો તેમાં નાણાકીય લિમિટ હોય છે. તેથી વીમો ખરીદતી વખતે આ વાતનો ખ્યાલ રાખો."
કાર અકસ્માત થાય ત્યારે સૌથી પહેલા શું કરવું?
નીરજ જૈન કહે છે કે "ઈરડાના નિયમો પ્રમાણે કાર અકસ્માત થતા જ 24 કલાકની અંદર તમારે વીમા કંપનીને તેના ટોલ-ફ્રી નંબર પર જાણ કરવી જોઈએ. મોટા ભાગે લોકો પોતાના એજન્ટને અથવા ડીલરને ફોન કરતા હોય છે, પરંતુ ઇન્ટિમેશન કરવામાં વિલંબ થાય તો તમને પેનલ્ટી લાગે છે."
"ટોલ-ફ્રી નંબર પર ફોન કર્યા પછી વીમા કંપની તમારે શું કરવું તેનું માર્ગદર્શન આપશે. કોઈને ઈજા થઈ હોય અથવા જીવલેણ અકસ્માત હોય તો પોલીસ એફઆઈઆર કરવી જરૂરી છે."
કાર અકસ્માત થાય પછી કેવી પ્રક્રિયા થાય છે?
કૉમર્શિયલ વ્હીકલને અકસ્માત થાય તો જે સ્થળે અકસ્માત થયો હોય ત્યાં ઈરડા દ્વારા નિયુક્ત સર્વેયર જશે અને તેનો સર્વે કરશે. આ સર્વેયર સ્વતંત્ર પ્રોફેશનલો હોય છે જે વાહનના નુકસાનનું સર્વે કરશે અને કઈ ચીજ રિપૅર કરી શકાશે અને કઈ ચીજ બદલવી પડશે તેનો અંદાજ કાઢશે.
અહીં એક વાત મહત્ત્વની છે કે ભારતમાં વીમા કંપનીઓ સર્વેયર રાખતી હોય છે, કારણ કે તેને ફી ચૂકવવાની હોય છે. સર્વેના આકલનથી ગ્રાહકને સંતોષ ન હોય તો તેઓ પોતાના ખર્ચે પોતાના સર્વેયર પણ રાખી શકે છે.
સર્વેયર અને લૉસ એસેસર નીરજ જૈને જણાવ્યું કે, "પ્રાઇવેટ કારને અકસ્માત થયો હોય અને ક્લૅમની જાણ કરી દીધી હોય ત્યાર પછી તેને કંપનીના વર્કશૉપમાં મોકલવામાં આવે છે જ્યાં કારના બધા ડૉક્યુમેન્ટ જોવામાં આવે છે, ક્લૅમનું ફૉર્મ ભરવામાં આવે છે જેના પર આખા ક્લૅમનો આધાર રહેશે. તેમાં કઈ રીતે અકસ્માત થયો, કાર કોણ ચલાવતું હતું, કેટલા લોકો સવાર હતા, કોઈને ઈજા અથવા મૃત્યુ થયું કે નહીં વગેરે વિગતો ભરવી પડે છે. તેની સાથે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પરમિટ, ઇન્સ્યોરન્સના કાગળ જોડવા પડે છે."
"ત્યાર બાદ વર્કશૉપ કારની સ્થિતિના આધારે ખર્ચનો અંદાજ કાઢશે. વીમા કંપનીને જાણ કરશે, વીમા કંપનીના સર્વેયરને મોકલશે અને સર્વેયર તેનો સર્વે કરીને કઈ ચીજો રિપ્લેસ કરવી કે રિપૅર કરવી તે જણાવશે," એમ તેઓ કહે છે.
ડ્રાઇવિંગ લાયસન્સ વિના અકસ્માત થાય તો વીમો મળે?
ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવીને થતા અકસ્માતો એ ભારતમાં મોટી સમસ્યા છે.
ઇન્સ્યોરન્સ સર્વેયર નીરજ જૈને જણાવ્યું કે, "સૌથી પહેલાં તો ડ્રાઇવિંગ લાયસન્સ કે ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવી જ ન શકાય. કૉમર્શિયલ વ્હીકલ્સ માટે ફિટનેસ સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે."
તેઓ કહે છે, "ડ્રાઇવિંગ લાયસન્સ વગર કોઈ પણ કંપની વીમો મંજૂર નહીં કરે. ધારો કે ડ્રાઇવિંગ લાયસન્સ થોડા દિવસો અગાઉ એક્સપાયર થઈ ગયું હોય અને તેને રિન્યૂ કરવામાં આવ્યું ન હોય, તો વીમા કંપની ક્લેમ નામંજૂર કરશે, પરંતુ કોર્ટ તમને વીમો અપાવી શકે છે."
કારને પાણીમાં ઉતારવાથી ખરાબ થઈ જાય ત્યારે શું?
ઘણી વખત ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હોય ત્યારે લોકો પાણીમાં કાર ચલાવતા હોય છે અને કારને નુકસાન થાય છે.
આવા કેસ વિશે નીરજ જૈને જણાવ્યું કે "મોટર ઇન્સ્યોરન્સમાં ડ્રાઇવરની બેદરકારી કવર થાય છે, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી બેદરકારી કવર નથી થતી. તેથી આવા કિસ્સામાં વીમો નહીં મળે. આના માટે લોકો એન્જિન પ્રોટેક્શન પોલિસી લેતા હોય છે."
"હા, તમે ક્યાંક જઈ રહ્યા છો અને ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જાય ત્યારે તમે ગાડીને એક જગ્યાએ ઊભી રાખી દેશો, ત્યાર પછી પાણીના કારણે કારને નુકસાન ગયું હોય તો તેનો વીમો મળશે."
વીમાની રકમ ક્યારે ન મળે?
તમે કારને જાણી જોઈને બેદરકારીથી નુકસાન પહોંચાડ્યું હોય તો ક્લૅમ રિજેક્ટ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર જોવા મળે છે કે લોકો નવાનક્કોર વાહનોને દરિયાકિનારે પાણીમાં ઉતારતા હોય છે. આવા કેસમાં નુકસાની સામે કવરેજ નહીં મળે.
આ ઉપરાંત નીરજ જૈન કહે છે કે, "વીમો ઉતરાવતી વખતે તમે પહેલેથી કારને જે નુકસાન (પ્રિ-એક્ઝિસ્ટન્ટ ડૅમેજ) હોય તેની જાણ ન કરો અને પછી વીમાનો ક્લૅમ કરો તો આવા ક્લૅમ રિજેક્ટ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે પહેલેથી કારનું બમ્પર તૂટી ગયું હોય અને પછી તમે બમ્પર રિપ્લેસ કરવા ક્લેમ કરશો તો તે મંજૂર નહીં થાય."
"આ ઉપરાંત ઘણી વખત લોકો અલગ-અલગ સમયે થયેલા ડેન્ટ માટે એકસાથે ક્લૅમ કરે છે. તે વખતે પણ ક્લૅમ નામંજૂર થતા હોય છે. એટલે કે જૂના ડૅમેજને વીમા હેઠળ કવર કરવામાં નથી આવતા."
ઑનલાઇન વીમો ખરીદવો કે ઑફલાઇન?
ભારતમાં હવે મોબાઇલ પર મિનિટોની અંદર ઑનલાઇન વીમો ખરીદી શકો છો, પરંતુ તેમાં કઈ કઈ ચીજો બાકાત રાખવામાં આવે છે તે જાણવી જરૂરી છે.
નીરજ જૈન કહે છે કે, "આજે ભારતમાં બે ડઝનથી વધારે જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે. તેથી ચાર-પાંચ કંપનીઓના ક્વૉટ ચેક કરો, તેના બેનિફિટ્સ જુઓ અને કઈ ચીજો બાકાત રાખવામાં આવે છે તે જુઓ."
મિથુન જાથલ માને છે કે "હાલમાં ઑનલાઇન ઍડવાઇઝરનો ટ્રેન્ડ ચાલે છે, પરંતુ તમારે એ જોવું જોઈએ કે ક્લૅમ કરવાનો આવે ત્યારે તમને કોણ માર્ગદર્શન આપશે. તમે પ્રીમિયમના ક્વૉટેશનની સરખામણી કરો ત્યારે પ્રીમિયમની રકમના બદલે તેની ડિટેલ જુઓ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન