ગંભીરા બ્રિજ પર લટકેલું ટૅન્કર કેવી રીતે ઉતારવામાં આવ્યું, તેની નીચે બલૂન મૂકીને હવા કેમ ભરવામાં આવી?

નવમી જુલાઈના રોજ ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને પુલ તૂટી પડ્યો. એ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટનામાં પાંચથી વધુ વાહનો નદીમાં પડી ગયાં હતાં, પરંતુ એક ટૅન્કર બ્રિજ પર લટકી રહ્યું હતું.

આ લટકી રહેલું ટૅન્કર ઘણા દિવસ વીતી ગયાં હોવા છતાં ઉતારવામાં આવ્યું ન હોવાથી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

અંતે ગઈકાલે 5મી ઑગસ્ટના રોજ લગભગ 26 દિવસ પછી આ ટૅન્કરને ઉતારવામાં સફળતા મળી હતી.

આ ટૅન્કરને જે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઉતારવામાં આવ્યું તેની પણ ચર્ચા થઈ રહી છે. શું છે આ ટૅક્નૉલૉજી અને ટૅન્કર ઉતારવા સામે કેવા પડકારો હતા?

ટૅન્કર ઉતારવા સામે કયા કયા પડકારો હતા?

લટકી રહેલું ટૅન્કર જો તમે આણંદ બાજુથી બ્રિજ પર જાઓ તો લગભગ 600થી 700 મીટર દૂર હતું.

બ્રિજ પર જરા પણ ભાર આપવાનો ન હતો, નહીંતર બ્રિજનો વધુ ભાગ તૂટી પડે તેવો ભય હતો.

ટૅન્કર જ્યાં લટકતું હતું ત્યાં નદીનું પાણી વહી રહ્યું હતું.

સામાન્ય રીતે કોઈપણ વસ્તુને જો ઊંચી કરવી હોય તો એક બાજુએથી ભાર આપવો જરૂરી બને છે. એવામાં ભાર ન આપી શકાય તેમ હોવાથી આ કામગીરીમાં વિલંબ થયો હતો.

બ્રિજ નબળો હોવાથી ટૅન્કર ઉતારવું એ મોટો પડકાર બન્યો હતો.

મરીન ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટરના ઑપરેશન હૅડ કેતન ગજ્જરે કહ્યું હતું કે, "બંને બાજુ પાણી હતું, બ્રિજનું બાંધકામ નબળું હોવાથી અમારે 900 મીટર દૂરથી આ કામગીરી કરવાની હતી. માણસોની સુરક્ષા પણ અમારી પહેલી પ્રાથમિકતા હતી."

ટૅન્કરને અંતે કેવી રીતે કાઢવામાં આવ્યું?

ટૅન્કરના માલિકે પણ ટૅન્કર ઉતારી આપવાની ઘણી રજૂઆતો કરી હતી. કારણ કે તેમનું ટૅન્કર ત્યાં લટકી રહેવાથી તેમના ધંધાને અસર થઈ રહી હતી.

ત્યાર પછી સરકાર દ્વારા પોરબંદરની વિશ્વકર્મા ઍન્જિનિયરિંગ કંપનીની મરીન ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટરની ટીમને કામગીરી સોંપવામાં આવી હતી.

કંપનીના 60થી 70 કર્મચારીઓએ ચારથી પાંચ દિવસમાં જગ્યાનો અભ્યાસ કર્યો હતો અને ટૅન્કર બહાર કાઢવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.

ટૅન્કરને જે ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને કાઢવામાં આવ્યું તે કૅપ્સ્યૂલ બલૂન ટૅક્નૉલૉજી છે.

કૅપ્સ્યૂલ આકારનાં બલૂનમાં હવા ભરીને તેનાથી ટૅન્કરનાં ટાયરને ઊંચા કરવામાં આવ્યાં હતાં.

બ્રિજથી દૂર રોડ પર 200 ટન જેટલા વજનની ક્રેન રાખવામાં આવી હતી. તેના વડે જ ટૅન્કરને પછી પાછળના ભાગેથી ખેંચી લેવામાં આવ્યું હતું.

ઑપરેશન હૅડ કેતન ગજ્જરે કહ્યું હતું કે, "અમારી 60થી 70 લોકોની ટીમ હતી અને ચાર દિવસથી આ તૈયારી કરી રહ્યા હતા. અમે લોડ-બૅક ટેસ્ટિંગ કર્યું હતું અને પછી અમારો પ્લાન હતો કે ત્યારે જ ટૅન્કરને પાછું ખેંચી લઈએ. લગભગ અડધી કલાકમાં જ અમે આ કામ પૂર્ણ કર્યું છે."

"આ ફીલ્ડમાં સમાન પ્રકારના પડકારો આવતા નથી, દરેક પડકાર નવો હોય છે એટલે એ રીતે કામ કરવું પડે છે."

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કહ્યું હતું કે, "આ ટૅન્કર પર કોઈપણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા વગર આ ટૅન્કર કાઢવાનું હતું. મંગળવારે ટેસ્ટિંગની કામગીરી નક્કી થઈ હતી. પરંતુ કંપનીના કર્મચારીઓને લાગ્યું હતું કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની બાંધછોડ વગર જ આ ટૅન્કર કાઢવું શક્ય છે. આથી તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન