'નિમિષા પ્રિયાને માફી નહીં' - ભારતીયોની ટિપ્પણીઓને કારણે મહદી પરિવાર ગુસ્સે થઈ ગયો છે?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા

સમગ્ર દેશમાં ચર્ચાનો મુદ્દો બનેલા નિમિષા પ્રિયાને અબ્દો મહદીની હત્યા માટે મોતની સજા સંભળાવ્યા બાદ યમનના સના સ્થિત સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.

તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દુલ ફતાહ મહદીએ યમનના ઍટર્ની જનરલને પત્રમાં કહ્યું, "અમે આ મામલે સમાધાન કે મધ્યસ્થી કરવાના મતમાં નથી."

નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા, જે 16 જુલાઈના રોજ થવાની હતી તેને સ્થગિત કરવામાં આવી છે.

આનો ઉલ્લેખ કરતા અબ્દુલ ફતાહે અનુરોધ કર્યો કે મૃત્યુદંડની તારીખ જલદીથી નક્કી કરવામાં આવે.

નિમિષાને બચાવવાનો પ્રયાસ કરનારાઓએ કહ્યું છે કે યમનના ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ, તેણીને મૃત્યુદંડથી બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે પીડિતાના પરિવારે તેણીને માફ કરી દેવી જોઈએ, જ્યારે મહદી પરિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ મામલે બિલકુલ સમાધાન કરવા માગતા નથી.

નિમિષા પ્રિયા 2008 માં ભારતના કેરળ રાજ્યથી નર્સ તરીકે કામ કરવા માટે યમન ગયાં હતાં.

નિમિષાને સ્થાનિક વ્યક્તિ અને તેમના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહદીની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

2017માં મહદીનો મૃતદેહ મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 34 વર્ષીય નિમિષા હાલમાં યમનની રાજધાની સનાની સેન્ટ્રલ જેલમાં બંધ છે.

તેમના પર મહદીને 'બેહોશીની દવાઓનો વધુ પડતો ડોઝ' આપીને અને પછી શરીરના ટુકડા કરીને તેની હત્યા કરવાનો આરોપ હતો.

યમનના ઍટર્ની જનરલને પત્ર મોકલવામાં આવ્યો

અબ્દુલ ફતાહ મહદીએ કાલે 4 ઑગષ્ટના રોજ ફેસબુક પેજ પર એક પોસ્ટમાં લખ્યું, "અમે ન્યાયનો રસ્તો સારી રીતે જાણીએ છીએ. અમે કોઈની પરવાનગીની રાહ જોયા વિના, અમને થયેલા નુકસાનને આધારે આ રસ્તો પસંદ કર્યો છે."

"ભલે ગમે તેટલો સમય લાગે, કેટલી પણ મુશ્કેલીઓ કેમ ન આવે, પણ અમે અમારો નિર્ણય બદલીશું નહીં. આ મામલે અમે મક્કમ છીએ. અમારી માંગ છે કે બદલો લેવામાં આવે. આંખના બદલે આંખ જ, એના સિવાય કશું નહીં."

આ સિવાય એમણે પોસ્ટની સાથે તારીખ 3-08-2025ના રોજ એક પત્ર પણ સંલગ્ન કર્યો છે.

યમનના ઍટર્ની જનરલને લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "પીડિત તલાલ અબ્દુલ મહદીનો પરિવાર આરોપી નિમિષા પ્રિયાની સામે કિસાસ( પ્રતિશોધાત્મક મોત)ની સજાની માંગ કરે છે.''

આમાં કહેવામાં આવ્યું છે કે, "નિમિષાની ફાંસી કે જે 16 જુલાઈના રોજ થવાની હતી એને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અમે કિસાસની સજાને કાયદાકીય રૂપે લાગુ કરવાના અમારા પૂર્ણ અધિકારની પુષ્ટિ કરીએ છીએ. અમે સમાધાન કે મધ્યસ્થતાના કોઈ પણ પ્રયાસને સ્વીકારવા માગતા નથી."

આ અંગે 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍકશન કાઉન્સિલ'ના સદસ્ય બાબુ જૉન કહે છે, મહદી પરિવારના આ પત્ર અને અનુરોધથી નવાઈ પામવા જેવું કંઈ નથી. એમણે કેટલાક દિવસો પહેલાં યમનના ઍટર્ની જનરલને ઇ-મેઇલ પર એક આવો જ પત્ર મોકલ્યો હતો.

બાબુ જૉનનું કહેવું છે કે અબ્દુલ ફતાહનું એ નિવેદન કે જેમાં તેમણે કહ્યું છે, 'અમે સમાધાન કે મધ્યસ્થીના કોઈ પણ પ્રકારના પ્રયાસોનો સ્પષ્ટ રૂપે અસ્વીકાર કરીએ છીએ,' તે નિમિષાને મામલાને સંભાળવા માટે અધિકૃત વ્યક્તિ સૅમ્યુઅલ જૅરોમ અને ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવેલો પ્રયાસ નથી.

બાબુ જૉન કહે છે, "સૅમ્યુઅલ જૅરોમ અને ભારતીય દૂતાવાસ ઘણા દિવસોથી મહદી પરિવાર પાસે સજામાફી માટેની કોશિશ કરી રહ્યા છે. અબ્દુલ ફતાહે અચાનક આવો પત્ર એટલા માટે મોકલ્યો કારણ કે, કેટલાક લોકો આ મુદ્દે માની રહ્યા હતા કે મહદી પરિવાર નિમિષાને માફ કરી શકે એમ છે."

તેમના કહેવા પ્રમાણે અબ્દુલ ફતાહે આ નિવેદન તેના સંદર્ભે આપ્યું છે.

મહદી પરિવારનો રોષ

સૅમ્યુઅલ જૅરોમ કહે છે, મહદી પરિવારની પાસે માફી મેળવવા માટે અમે જે મહીનાઓથી પ્રયાસ કરી રહ્યા છે એમાં કેટલાક 'ખોટા લોકો'ના કારણે નબળો પડી રહ્યો છે.

તેઓ કહે છે, "યમનમાં અત્યાર સુધી અબ્દુલ ફતાહને બે વાર અને મહદીના પિતાને એક વાર મળી ચૂક્યો છું. 'અમે તમારા દીકરાની હત્યા માટે જેટલા પૈસા માગો તેટલા આપવા તૈયાર છીએ, મહેરબાની કરીને માફ કરી દો' આ પ્રકારની વાત અમે બિલકુલ નથી કરતા."

સૅમ્યુઅલ વધુમાં કહે છે, "નિમિષાએ ક્રૂર હત્યા કરી છે. શરિયા કાયદા પ્રમાણે એને છોડી શકાય છે પણ આવું ત્યારે જ થઈ શકે જ્યારે પીડિતનો પરિવાર દયા રાખીને એને માફ કરી દે. જોકે, ભારતમાં કેટલાક લોકો પોતાના ફાયદા માટે ખોટું બોલી રહ્યા છે અને આ ગુસ્સાથી એમણે યમનના ઍટર્ની જનરલને એક પત્ર મોકલ્યો છે."

22 જુલાઈના રોજ અબ્દુલ ફતાહ મહદીએ એક ફેસબુક પેજ પર પોસ્ટ કરી હતી.

"અમારા એ લોકો સાથે કોઈ સંબંધ નથી, જે લોકો નિમિષાની મુક્તિ અંગે કંદાપૂરના પ્રતિષ્ઠિત ધાર્મિક નેતા ( ગ્રાન્ડ મુફ્તી એપી અબુબકર મુસલિયાર) સાથે વાતચીત કરવાનો દાવો કરે છે. અમે એ પણ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે કોઈ પણ સ્થળે કે સમયે તેમનો સંપર્ક કર્યો નથી કે તેમને મળ્યા નથી."

તેવી જ રીતે, આંધ્ર પ્રદેશના ખ્રિસ્તી ધર્મોપદેશક કે. એ. પૉલે 22 જુલાઈના રોજ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે કહ્યું હતું કે 'નિમિષા ટૂંક સમયમાં મુક્ત થશે અને તે માટે તેઓ પ્રયાસો કરી રહ્યા છે.'

અબ્દુલ ફત્તાહ મહદી, જેમણે પોતાના ફેસબુક પેજ પર આ વીડિયો શૅર કર્યો છે, તેમણે પોસ્ટ કર્યું, "આવી રીતે ફેલાવવામાં આવતા બધા ખોટા સમાચાર સત્યને બદલી શકશે નહીં. અમારી એકમાત્ર માંગ બદલો લેવાની છે."

ભારતીય વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, "નિમિષાની મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી છે અને તેની મુક્તિ માટે સમજૂતી થઈ હોવાના અહેવાલો ખોટા છે."

"ભારત સરકાર આ કેસમાં શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે. અમારા સંયુક્ત પ્રયાસોના પરિણામે, યમનના સ્થાનિક અધિકારીઓએ તેની મૃત્યુદંડની સજા મુલતવી રાખી છે. અમે આ બાબત પર સતત નજર રાખી રહ્યા છીએ," વિદેશ મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું.

'યમનના લોકોની ઇચ્છા પ્રમાણે થશે'

સૅમ્યુઅલ કહે છે કે યમનના લોકો આ મુદ્દા પર ગુસ્સે છે, અને જો તેઓ "નિમિષાની મૃત્યુદંડની સજા તાત્કાલિક અમલમાં મૂકવા" ની માંગણી સાથે કોઈ વિરોધ શરૂ કરશે, તો પરિસ્થિતિ પલટી શકે છે.

"યમનના લોકો જો ફક્ત રાજધાનીમાં વિરોધ પ્રદર્શનો કરશે તો નિમિષાની સજા તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે. તેવી જ રીતે, અન્ય કિસ્સાઓમાં પણ એવી ઘટનાઓ બની છે જ્યાં લોકોએ વિરોધ કર્યો અને સસ્પેન્ડેડ સજાઓ આપવામાં આવી."

"પરંતુ તેઓ અને મહદી પરિવાર શક્ય તેટલી ધીરજ રાખી રહ્યા છે. હવે જ્યારે નિમિષાનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાને આવ્યો છે, ત્યારે ભારતના કેટલાક લોકો તેનો લાભ લેવા માંગે છે. તે નિમિષાને મૃત્યુદંડની નજીક લાવે છે," તેઓ કહે છે.

સૅમ્યુઅલે કહ્યું કે યમનની સરકાર વધુમાં વધુ નિમિષાની મૃત્યુદંડની સજાને માત્ર રોકી શકે છે.

"જો મહદી પરિવાર માફ નહીં કરે, તો સજા ક્યારેય ઉલટાવી શકાશે નહીં. અમે ભારત સરકારની મદદથી આવું કરવા માટે પ્રયાસો ચાલુ રાખીએ છીએ. પરંતુ પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. હવેથી મહદી પરિવાર સાથે વાત કરવી વધુ મુશ્કેલ બનશે," તેમણે કહ્યું.

આ કેસમાં શું થયું હતું?

કેરળના પલક્કડનાં નિમિષા પ્રિયા 2008 માં નર્સ તરીકે કામ કરવા માટે યમન ગયાં હતાં.

ત્યાં કેટલીક હૉસ્પિટલોમાં કામ કર્યાં પછી, તેમણે 2011 માં કેરળ પરત ફર્યા અને ટોમી થૉમસ સાથે લગ્ન કર્યાં. આ દંપતીને એક પુત્રી છે.

ટોમી થૉમસ અને નિમિષાની પુત્રી હવે કેરળમાં રહે છે.

નિમિષાએ 2015 માં યમનના તલાલ અબ્દો મહદી સાથે મળીને એક હૉસ્પિટલ શરૂ કરી હતી.

2017 માં, મહદીનો મૃતદેહ યમનના અલ-બાયદા શહેરમાં પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.

પાણીની ટાંકીમાંથી મહદીનો વિકૃત મૃતદેહ મળી આવ્યાના એક મહિના પછી, યમનના મારિબ શહેરથી નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી.

નિમિષા પર મહદીને બેહોશીની દવા દ્વારા બેહોશ કરીને તેની હત્યા કર્યાનો અને તેની લાશને નિકાલ કરવાનો આરોપ હતો.

નિમિષાના વકીલે દલીલ કરી હતી કે મહદીએ નિમિષા પર શારીરિક ત્રાસ ગુજાર્યો હતો, તેના બધા પૈસા લઈ લીધા હતા, તેનો પાસપૉર્ટ જપ્ત કર્યો હતો અને તેને બંદૂકથી મારી નાખવાની ધમકી આપી હતી.

તલાલ અબ્દો મહદીના ભાઈ, અબ્દેલ ફત્તાહે, બીબીસી સમક્ષ આ દાવાઓને નકારી કાઢ્યા.

એવી પણ દલીલ કરવામાં આવી હતી કે નિમિષાએ મહદીને તેનો પાસપૉર્ટ મેળવવા માટે બેહોશીની દવા આપી હતી, પરંતુ દવાની માત્રા ભૂલથી વધી ગઈ હતી.

2020માં, સનાની એક કોર્ટે નિમિષાને મૃત્યુદંડની સજા ફટકારી હતી. 2023માં યમનની સુપ્રીમ કોર્ટે આ વાતની પુષ્ટિ કરી હતી. નિમિષા પ્રિયા હાલમાં સના સેન્ટ્રલ જેલમાં કેદ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન