You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિમિષા પ્રિયા : ભારતીય નર્સની મોતની સજાને ટાળનાર મૌલવી કોણ છે અને તેમણે એવું શું કર્યું?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી હિંદી માટે
યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા હાલ પૂરતી ટાળી દેવાઈ છે. આ સમાચાર પછી 94 વર્ષના કંથાપુરમ એપી અબુબકર મુસલિયારના નામની ચર્ચા છે.
નિમિષા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો ગુનો સાબિત થયો છે. તેથી નિમિષા પ્રિયાને મોતની સજાથી બચાવવા હોય તો તલાલ અબ્દો મહદીનો પરિવાર તેમને માફી આપે તે જરૂરી છે.
નિમિષા પ્રિયાને બચાવવા માટે 'સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલ' નામે અભિયાન ચાલે છે. તેના સંચાલકોએ જણાવ્યું કે સોમવાર, 14 જુલાઈએ કેરળના પ્રભાવશાળી અને સન્માનનીય ગણાતા મુસ્લિમ ધર્મગુરુ મુફ્તી એપી અબુબકર મુસલિયારે 'યમનના કેટલાક શેખ' સાથે નિમિષા પ્રિયા અંગે વાત કરી હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ અને કાઉન્સિલના સભ્ય સુભાષ ચંદ્રાએ બીબીસી હિંદીને જણાવ્યું કે "સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનૅશનલ ઍક્શન કાઉન્સિલના સભ્યોએ ગ્રેન્ડ મુફ્તી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી તેમણે (યમનના) કેટલાક વગદાર શેખો સાથે વાત કરી."
ચંદ્રાએ કહ્યું કે "અમને જણાવાયું છે કે એક બેઠક બોલાવાઈ છે જેમાં મૃતકનાં કેટલાંક સગાં સહિતના પ્રભાવશાળી લોકો પણ હાજર રહેશે."
16 જુલાઈએ નિમિષા પ્રિયાને મોતની સજા અપાવાની હતી. તેનાથી માત્ર 48 કલાક અગાઉ કંથાપુરમ અથવા મુસલિયારની દખલથી પીડિત પરિવારની વાતચીતમાં ગતિ આવી છે.
નિમિષા પ્રિયાની મોતની સજાને ટાળવામાં ભૂમિકા ભજવનાર મુસલિયાર કોણ છે?
મુસલિયારને અનૌપચારિક રીતે ભારતના ગ્રેન્ડ મુફ્તીનો ખિતાબ પણ અપાયો છે. તેમને સુન્ની સૂફીવાદ અને શિક્ષણમાં યોગદાન માટે ઓળખવામાં આવે છે. જોકે તેમણે મહિલાઓ વિશે આપેલાં નિવેદનોની ઘણી વખત ટીકા થઈ ચૂકી છે.
કેરળ યુનિવર્સિટીના ઇસ્લામિક ઇતિહાસના પ્રોફેસર અશરફ કડક્કલે બીબીસી હિંદીને જણાવ્યું કે, તેમના અનુયાયીઓની તેમના પર ખૂબ શ્રદ્ધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે,"કેટલાક લોકો તો એવું પણ માને છે કે તેમની પાસે જાદુઈ શક્તિઓ છે."
"તેઓ બરેલવી સંપ્રદાયથી આવે છે. સૂફી સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સન્માનિત કર્યા છે, પરંતુ મહિલાઓ વિશે તેમના વલણની ઘણી ટીકા થતી રહી છે."
સાંસ્કૃતિક અને રાજકીય વિશ્લેષક શાહજહાં મદાપતે બીબીસી હિંદીને જણાવ્યું કે, "તમે પૂછ્યું કે તેમને શક્તિશાળી નેતા બનાવતી ચીજ કઈ છે. મારો જવાબ છે કે ભારતમાં કોઈ ચંદ્રાસ્વામીનો મુકાબલો કરી શકે તો આ માણસ છે. તે પણ એવી જ રીતે છે. રાજનીતિક અને સામાજિક રીતે બહુ સારી રીતે જોડાયેલા છે. તેઓ એક સંપૂર્ણ ખેલાડી છે."
શાહજહાં મદાપતે જે તાંત્રિક ચંદ્રાસ્વામીની વાત કરી તે 90ના દાયકામાં ભારતીય રાજનેતાઓમાં બહુ વગ ધરાવતા હતા. તેઓ તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિંહારાવની બહુ નજીક ગણાતા હતા. તેના કારણે તે સમયમાં ચંદ્રાસ્વામીનો બહુ પ્રભાવ હતો. ઘણા રાજનેતાઓ તેમના દરબારમાં હાજરી લગાવતા હતા.
નિમિષા પ્રિયાના મામલે તેમના હસ્તક્ષેપ છતાં મહિલાઓ વિશે તેમના વિચારો ચર્ચાસ્પદ છે. લેખિકા અને સામાજિક કાર્યકર ડૉક્ટર ખરીજા મુમતાઝે તેમના વખાણ કરતા બીબીસી હિંદીને જણાવ્યું કે "તમામ પ્રયાસો નિષ્ફળ ગયા ત્યારે તેઓ કંઈક કરી શક્યા. મને આ વાતનો આનંદ છે."
નિમિષા પ્રિયા માટે મુસલિયારે આખરે શું કર્યું?
મુસલિયારે પોતાની જૂની મિત્રતા અને યમનમાં સૂફી પરંપરા 'બા અલાબી તરીકા'ના વડા શેખ હબીબ ઉમર બિન હાફિઝ સાથે પોતાના જૂના સંપર્કોનો ઉપયોગ કરીને તલાલ મહદીના પરિવારના સંપર્કમાં આવ્યા.
શેખ હબીબ ઉમર યમનમાં આવેલી સંસ્થા 'દાર ઉલ મુસ્તફા'ના સંસ્થાપક છે, જ્યાં કેરળ સહિત દુનિયાભરના લોકો ભણવા જાય છે. શેખ હબીબ ઉમર યુદ્ધમાં સામેલ જૂથોની સાથે સાથે યમનનાં તમામ જૂથો સાથે બહુ સારી રીતે સંકળાયેલા છે.
મુસલિયારના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે "તેમણે સંપૂર્ણપણે માનવીય આધાર પર હસ્તક્ષેપ કર્યો હતો. તેમણે માત્ર એટલું કહ્યું કે શરિયતના કાયદામાં એવી જોગવાઈ છે કે બ્લડ મની આપીને વ્યક્તિને બિનશરતી માફી આપી શકાય છે. ગયા શુક્રવારથી તેના પ્રયાસ શરૂ થયા હતા."
મુસલિયાર સાથે વાતચીત થઈ શકી નથી.
શેખ હબીબ ઉમર કેરળ આવી ચૂક્યા છે. મલપ્પુરમમાં નૉલેજ સિટીની એક મસ્જિદ અને માદીન સાદાત અકાદમીના ઉદ્ઘાટનમાં તેઓ સામેલ હતા. મુસલિયારના પુત્રે નૉલેજ સિટી સ્થાપી છે.
મૌલવી મુસલિયાર કેવી રીતે ચર્ચામાં આવ્યા?
મૌલવી મુસલિયારે 1926માં બનેલી સુન્ની સંસ્થા 'સમસ્ત કેરળ જમાયતુલ ઉલેમા'થી અલગ રસ્તો પસંદ કર્યો ત્યારે તેઓ મુસ્લિમ સમુદાયમાં ચર્ચામાં આવ્યા. 1986 સુધી આ સંસ્થા સંગઠિત રહી અને ત્યાર પછી વિચારધારામાં મતભેદ પેદા થવા લાગ્યા.
પ્રોફેસર અશરફ જણાવે છે કે "મુસલિયાર કટ્ટરવાદી સલાફી આંદોલનની વિરુદ્ધ હતા જેમનું માનવું હતું કે મુસ્લિમોએ અંગ્રેજી કે મલયાલમ ભાષા શીખવી ન જોઈએ, કારણ કે અંગ્રેજી એ 'નર્કની ભાષા' છે અને મલયાલમ એ 'નાયર સમુદાયની ભાષા' છે. સલાફી જૂથો મહિલાઓને શિક્ષણ આપવાની પણ વિરુદ્ધ હતા. મુસલિયારે આ બધા વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું."
તેમણે વિદેશથી આવતા ફંડમાંથી શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અશરફનું કહેવું છે કે "ઓછામાં ઓછા 40 ટકા સુન્ની મુસ્લિમો મુસલિયારની પડખે છે. પરંપરાગત રીતે સુન્ની સંગઠન ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ)ની સાથે હતા જે યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટનો હિસ્સો છે, પરંતુ મુસલિયારે 'દુશ્મનનો દુશ્મન મિત્ર' ગણાય એવી નીતિ અપનાવી અને સીપીએમને ટેકો આપ્યો. તેના કારણે લોકો તેને 'અરિવલ સુન્ની' કહેવા લાગ્યા. મલયાલમમાં હંસલી અરિવલ કહેવામાં આવે છે જે સીપીએમનું ચૂંટણી પ્રતીક છે."
તેઓ એપી સુન્ની જૂથના સમસ્ત કેરળ જમાયતુલ ઉલેમાના મહાસચિવ છે.
પ્રોફેસર અશરફની જેમ જ શાહજહાં મદાપત શિક્ષણ સંસ્થાઓ બનાવવામાં તેમના યોગદાનને સ્વીકારે છે.
શાહજહાં કહે છે, "કેરળમાં તેમના ઘણા અનુયાયી છે, કારણ કે તેઓ બહુ સારા આયોજક છે. પણ મહિલાઓ અને ઇન્ટર-ઇસ્લામિક કો-ઑપરેશન અંગે તેમના વિચારે બહુ જુનવાણી છે. તેમણે એક વખત કહ્યું હતું કે સલાફી વર્ગની વ્યક્તિને તો સલામ પણ કહેવી ન જોઈએ."
મહિલાઓ વિશે વિવાદાસ્પદ નિવેદન
મુસ્લિમોએ એક કરતા વધુ પત્ની રાખવી જોઈએ એવા તેમના નિવેદનની ડૉક્ટર મુમતાઝ ટીકા કરે છે.
તેઓ કહે છે, "તેમણે કહ્યું હતું કે પુરુષોને બીજી પત્ની હોવી જોઈએ જેથી પહેલી પત્ની પિરિયડમાં હોય ત્યારે પુરુષ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે. મહિલાઓ વિશે તેમના આવા ચિંતાજનક વિચારો છે. આપણે તેમની ટીકા કરવી જ પડશે. તેમની ટિપ્પણીઓ સહન કરી શકાય એવી નથી."
આમ છતાં ડૉક્ટર મુમતાઝ કહે છે કે, "આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે તેમણે નિમિષા પ્રિયા બિનમુસ્લિમ છે એની પરવા કર્યા વગર આ મામલે પોતાના વ્યાપક સંપર્કોનો ઉપયોગ કર્યો."
આ ઉપરાંત મૌલવી મુસલિયારે 26/11ના મુંબઈ હુમલા પછી મુસ્લિમોનું એક મહાસંમેલન યોજવામાં પોતાની સક્રિય ભૂમિકા ભજવી હતી. આ મહાસંમેલનનો મુખ્ય લક્ષ્ય મુસ્લિમ સમુદાયને એ સંદેશ આપવાનો હતો કે "ઇસ્લામમાં આતંકવાદ હરામ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન