અમદાવાદ : 50 વર્ષની અવધિ માટે બનાવેલો બ્રિજ પાંચ વર્ષમાં જ ખખડી ગયો, બંધ પડેલો બ્રિજ તોડવામાં વર્ષો કેમ લાગી રહ્યાં છે

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

બુધવારે વડોદરામાં ગંભીરા ગામ નજીક મહી નદી પરનો પુલ તૂટી પડતાં કેટલાંય વાહનો અને તેમાં સવાર લોકો નદીમાં ખાબક્યાં હતાં. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં આવ્યો છે.

આસપાસના લોકોનું કહેવું છે કે બ્રિજ પડી જશે અને લોકો દટાઈ જશે બાદમાં શું સરકાર જાગશે?

નબળી ગુણવત્તાને કારણે છેલ્લાં ત્રણ વર્ષથી બંધ કરવામાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જુલાઈ 2022થી વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અગાઉ પાંચ વાર ટેન્ડર કરવામાં આવ્યું હતું.

વર્ષ 2017માં જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એવો આ બ્રિજ અજય ઍન્જિ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. દ્વારા 39.87 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.

બ્રિજ પર અવાર-નવાર ગાબડા પડતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને અલગઅલગ લૅબોરેટરીમાં બ્રિજના મટિરિયલ્સનું ટેસ્ટિંગ કરાવ્યું હતું.

આઈઆઈટી રૂરકી તેમજ સરદાર વલ્લભભાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીનો રિપોર્ટમાં બ્રિજની નબળી ગુણવત્તા હોવાનું પુરવાર થતાં જુલાઈ 2022માં બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એએમસી દ્વારા અજય ઍન્જિ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ખોખરા પોલીસે અજય ઍન્જિ.ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડાયરેક્ટરોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

બ્રિજના ઇન્સ્પેક્શન માટે જવાબદાર ચાર ઍન્જિનિયરને સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી હતી.

વિપક્ષનો આક્ષેપ છે કે એએમસીના અધિકારીઓ અને સત્તાપક્ષે 1000 દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

હાટકેશ્વર બ્રિજ આસપાસ રહેતા લોકો શું કહે છે?

હાટકેશ્વર બ્રિજ આસપાસ રહેતા લોકો કહે છે કે બ્રિજ પડ્યા બાદ તંત્ર દોડતું થશે.

પ્રભાતભાઈ દેસાઈ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આ બ્રિજ ગમે ત્યારે પડી જશે અને કેટલાય લોકોને દાટી દેશે. બ્રિજ બંધ હોવાને કારણે લોકો હેરાન થાય છે. બ્રિજ પર સળિયા દેખાઈ રહ્યા છે. બ્રિજને તોડવા અંગે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. છેલ્લા કેટલાય સમયથી એએમસીના અધિકારીઓ આવે છે માપણી કરે છે અને જતા રહે છે. હાલ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી પરંતુ બ્રિજ પડશે ત્યારે તંત્ર દોડતું આવશે."

સ્થાનિક ગુલાબભાઈ જૈને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "બ્રિજને તોડવાનું ક્યારે મહુરત નીકળશે. છેલ્લાં ત્રણ વર્ષથી બંધ છે અહીંયા ખૂબ જ ટ્રાફિક થાય છે. લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. આ સરકારના ભ્રષ્ટાચારનો એક નમૂનો છે. અમે છેલ્લાં ત્રણ વર્ષથી સાંભળી રહ્યા છીએ કે બ્રિજ તોડવાનો છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી."

સ્થાનિક રહેવાસી સંજયભાઈએ જણાવ્યું હતું કે, "બ્રિજમાં ખાડા ખાડા થઈ ગયા છે. સળિયા દેખાય છે. પડશે તો કેટલાય લોકોને લઈને મરશે. આ બ્રિજ કરોડોમાં બનેલો છે હવે એએમસીને એ તોડવાનો પણ એટલો જ ખર્ચ થશે. બ્રિજ બનતો હોય ત્યારે જ સરકારે તેના મટિરિયલ અંગે જોવું જોઈએ. બ્રિજ પડી જાય તો લોકો મારી જાય છે. કોઈનાં માતાપિતા તો કોઈનાં ભાઈ, બહેન અને બાળકો મારી જાય છે. પરંતુ સરકારને કોઈ ફરક પડતો નથી."

બ્રિજ તોડવાની પ્રક્રિયા કેટલે પહોંચી?

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા બ્રિજ તોડવામાં માટે છઠ્ઠી વાર ટેન્ડર કરવામાં આવ્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 21 જૂનના રોજ ટેન્ડરની બિડ ખોલી હતી. ચાર કંપનીઓએ બિડ ભરી હતી. જેમાં લૉએસ્ટ બિડ વન શ્રી ગણેશ કંસ્ટ્રક્શન કંપનીની હતી, જેમણે 3.90 રકમ ભરી હતી.

10 જુલાઈના રોજ મળેલી એએમસીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બ્રિજ તોડવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને બ્રિજ તોડી પાડવા અને બનાવવા માટે અગાઉ પાંચ વાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, "ટેન્ડરમાં લૉએસ્ટ વન આવેલી શ્રી ગણેશ કંન્સ્ટ્રક્શન નામની કંપનીને જાણ કરવામાં આવી છે. કંપનીએ બ્રિજ તોડવાની મેથડોલૉજી સબમિટ કરવાની રહેશે."

"આ મેથડોલૉજીને આઈઆઈટી ગાંધીનગર ખાતે મંજૂર કરાવ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે. મેથડોલૉજી મંજૂર થયા બાદ 6 મહિનામાં બ્રિજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. બ્રિજ તોડવાના પૈસા અજય ઍન્જિ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસેથી લેવામાં આવશે."

'1000 દિવસ થયા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી' વિરોધ પક્ષ નેતા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ દિવસે હાટકેશ્વર બ્રિજને બંધ કર્યાને 1000 દિવસ પૂરા થયા હતા. તેમ છતાં બ્રિજની તોડવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી."

"ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ લોકોનું ધ્યાન ભટકાવવા માટે એએમસી સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવા અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે."

શહેઝાદખાન પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, "હાટકેશ્વર બ્રિજ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કામ કરતા ઉચ્ચારીઓ તેમજ ઍન્જિનિયર્સ બધા જ નિષ્ફળ રહ્યા છે. એએમસી દ્વારા અત્યારે બ્રિજ તોડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવો બ્રિજ ક્યારે બનાવવામાં આવશે તે અંગે હજુ કોઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. બ્રિજ તોડવા માટે પણ વરસાદ બાદ તોડવામાં આવશે તેવી વાત કરવામાં આવે છે. બ્રિજ ક્યારે તૂટશે તે પ્રશ્ન છે. હજુ તો નવો બનવવા અંગે તો કોઈ વાત જ કરવામાં આવી નથી. લોકો હેરાન થઈ રહ્યા છે."

એક હજાર દિવસ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોર્શન દ્વારા કોઈ હાટકેશ્વર બ્રિજ અંગે કોઈ કામગીરી કરી ન હોવાના વિપક્ષના આક્ષેપ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "હાટકેશ્નર બ્રિજ અંગે અગાઉ અમે પાંચ વાર ટેન્ડર કર્યા હતા. જેમાં ચાર વાર કોઈ પણ કંપનીએ રસ દાખવ્યો ન હતો. એક વાર એક કંપનીએ રસ દાખવ્યો હતો પરંતુ તે સિંગલ ટેન્ડર હતું. છઠ્ઠી વાર ટેન્ડર કર્યું ત્યારે ચાર કંપનીઓએ રસ દાખવ્યો છે. હાલ બ્રિજ તોડવા અંગેનું જ ટેન્ડર કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા આ અંગે ગંભીરતાથી કામગીરી કરવામાં આવી રહી છે."

નવો બ્રિજ કયારે બનશે તે અંગે જવાબ આપતા દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે "હાલ બ્રિજ તોડવા અંગેની કામગીરી કરવામાં આવશે. બ્રિજ તોડવાની કામગીરી ખતમ થયા બાદ બ્રિજ બનાવવા અંગે વાત કરીશું."

બ્રિજને તોડી પાડવાની નોબત કેમ આવી ?

10 એપ્રિલ 2015ના રોજ આ પુલનું બાંધકામ શરૂ થયું અને રૂ. 39.87 કરોડમાં પુલ બંધાયો.

વર્ષ 2017માં આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફ્લાયઓવરની ડિફેક્ટ લાયબિલિટી એક વર્ષની અને આયુષ્ય 50 વર્ષ નક્કી કરાયું હતું

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કરાવેલી વિવિધ તપાસના રિપોર્ટ અનુસાર માર્ચ 2021માં આ પુલના ખોખરા બાજુના 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સમાં નાનકડું ગાબડું પડ્યું.

મહાનગરપાલિકાના અધિકારીઓએ તે વખતે પુલનું તાકીદે હાઇ-ગ્રેડ માઇક્રો કૉન્ક્રિટ દ્વારા સમારકામ કરાવ્યું હતું.

સાથે આ પુલની મજબૂતાઈ અને કૉન્ક્રિટની ગુણવત્તાની તપાસ માટે 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સનું એનડીટી પરીક્ષણ કરાવવાનો નિર્ણય લેવાયો.

મે 2021માં સીઆઈએમઈસી નામની ખાનગી લૅબોરેટરી દ્વારા રિબાઉન્ડ હેમર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એનડીટી ટેસ્ટના શરૂઆતના પરીક્ષણને રિબાઉન્ડ હેમર ટેસ્ટ કહેવાય છે.

રિબાઉન્ડ હેમર ટેસ્ટના પરિણામમાં સામે આવ્યું કે પુલના ટૉપ સ્લૅબનો કૉન્ક્રિટ ગ્રેડ M-45નો હોવો જોઈએ તેના બદલે M-25થી M-30ની આસપાસનો હતો.

ફેબ્રુઆરી 2022, જૂન 2022 તેમજ ઑગસ્ટ 2022માં ફરી 45 મીટરના બંને સ્પાનના ટૉપ સ્લૅબમાં કૉન્ક્રિટ ક્રશ થયું.

જુલાઈ 2022 દરમિયાન પડેલાં ગાબડાં મોટાં હતાં, જેનાં પગલે પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

સપ્ટેમ્બર 2022માં 45 મીટરના સ્પાનને મજબૂત બનાવવા માટે સમારકામ હાથ ધરાયું, પરંતુ એનડીટી પરીક્ષણોનાં પરિણામો આવતાં સમારકામ અટકાવી દેવાયું.

મહાનગરપાલિકાએ બે અલગ-અલગ લૅબોરેટરી કેસીટી અને સીઆઈએમઈસી પાસે એનડીટી પરીક્ષણ કરાવ્યાં.

અલ્ટ્રાસૉનિક પલ્સ વેલૉસિટી (યુપીવી) અને કૉન્ક્રિટ કૉર ટેસ્ટમાં બંને લૅબોરેટરી દ્વારા પ્રાપ્ત થયેલાં પરિણામો પ્રમાણે, હાટકેશ્વર ફ્લાયઓવરનો 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સના ટૉપ સ્લૅબ, વેબ અને બૉટમ સ્લૅબ બધા જ ભાગોમાં કૉન્ક્રિટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી (M-10થી M-15ની રેન્જમાં) આવી હતી.

ત્યાર બાદ સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીએ પુલના મટિરિયલની ચકાસણી કરી અને પુલની નબળી ગુણવત્તા પર મહોર મારી હતી.

ફેબ્રુઆરી 2023માં આઇઆઇટી રૂરકીના પ્રોફેસર સહિત બે ખાનગી કન્સલટન્ટ મળીને ત્રણ સભ્યોની એક ઍક્સપર્ટ પેનલ બનાવી હતી. બીજી તરફ, મુંબઈની ખાનગી કંપનીના આ હાટકેશ્વર ફ્લાયઓવરના પિલરની સ્ટ્રેન્થ ચકાસણી માટેના આદેશ આપ્યા હતા જેથી આ મુંબઈની કંપનીએ પિલરના ટેસ્ટ કર્યા હતા જેનો રિપોર્ટ એપ્રિલમાં સબમિટ કરાયો હતો જેમાં નબળી ગુણવત્તા હોવાનું સાબિત થયું હતું.

મહાનગરપાલિકાની કાર્યવાહી

તા.16 એપ્રિલ 2023ના દિવસે કૉન્ટ્રાક્ટર અજય ઍન્જિ. ઇન્ફ્રા. પ્રા.લિ. અને પીએમસી SGS ઇન્ડિયા પ્રા.લિ. સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ખોખરા પોલીસે અજય ઍન્જિ.ઇન્ફ્રા પ્રા.લિ ના ડાયરેક્ટર રસિક પટેલ, રમેશ પટેલ, ચિરાગ પટેલ, કલ્પેશ પટેલની ધરપકડ કરી હતી.

20 જુલાઈ 2023ના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ ફ્લાયઓવર બાંધનારા કૉન્ટ્રાક્ટર અજય ઍન્જી. ઇન્ફ્રા. પ્રા.લિ. અને પીએમસી એજન્સી SGS ઇન્ડિયા પ્રા.લિ.ને બ્લૅક લિસ્ટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન