You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિમિષા પ્રિયા : ભારતીય નર્સને મોતની સજા મળી એ યમન સાથે ગુજરાતનો શું સંબંધ છે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
યમનમાં એક હત્યાકેસમાં મૃત્યુદંડનો સામનો કરી રહેલાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની મોતની સજા મોકૂફ રાખવામાં આવી છે.
અગાઉ નિમિષા પ્રિયાને બુધવાર, 16 જુલાઈએ મોતની સજા આપવાનો નિર્ણય લેવાયો હતો.
મૂળ કેરળના પલક્કડ જિલ્લાના કોલેંગોડે ગામનાં વતની નિમિષા પ્રિયા યમનમાં કામ કરતાં હતાં. જુલાઈ 2017માં તેમના પર યમનના એક નાગરિકની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો.
સૂત્રોએ કહ્યું કે યમનના સ્થાનિક સત્તાવાળાઓએ મૃત્યુદંડ આપવાનું મોકૂફ રાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
2020માં યમનની એક અદાલતે નિમિષા પ્રિયાને મોતની સજા સંભળાવી હતી. તેમની સામે નિમિષા પ્રિયાએ અપીલ કરી હતી જેને યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે નકારી કાઢી હતી.
યમનમાં 2014થી હુતી બળવાખોરો અને ત્યાંની સરકાર વચ્ચે ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે અને પરિણામે છેલ્લા એક દાયકાથી ત્યાં રાજકીય ઊથલપાથલ ચાલી રહી છે.
જોકે ખાડી દેશ યમન સાથે ગુજરાતનો પણ વર્ષો જૂનો સંબંધ છે. આજે પણ ગુજરાતમાંથી અનેક વહાણો વેપાર અર્થે ત્યાં જાય છે.
દુનિયામાં સમુદ્રમાર્ગે થતા માલ-સામાનના વેપારનો 15% વેપાર લાલ સાગરના રસ્તે થાય છે. ભૂમધ્ય સમુદ્ર વાટે યુરોપને એશિયા સાથે જોડતો સમુદ્ર માર્ગ ઇજિપ્તની સુએઝ કૅનાલમાંથી પસાર થઈ રાતા સમુદ્રમાં પ્રવેશે છે અને એડનના અખાત વાટે અરબ સાગર સુધી પહોંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યમન એડનના અખાતના પશ્ચિમ કાંઠે અને રાતા સમુદ્રના પૂર્વ છેડાના ઉત્તર કાંઠે આવેલો દેશ છે. યમનની પશ્ચિમે સાઉદી અરેબિયા અને સાઉદી અરેબિયા પછી જૉર્ડન, ઇઝરાયલ જેવા દેશો આવેલા છે.
એડનના અખાતના અગ્નિ કાંઠે હોર્ન ઑફ આફ્રિકા (આફ્રિકાનું શિંગડું) તરીકે ઓળખાતા ભૂભાગ પર આફ્રિકા ખંડનો સોમાલિયા દેશ આવેલો છે. યમનની સામે રાતા સમુદ્રના દક્ષિણ કાંઠે સોમાલિયા નજીક જિબુટી, એરિટ્રિયા, સુદાન અને ઇજિપ્ત દેશો આવેલા છે.
યમનના દરિયાકાંઠે નિશ્તુન, અલ મકલ્લા, એડન, મોખા, અલ હુદાયદાહ વગેરે જેવાં મોટાં બંદરો આવેલાં છે.
યમન સાથે ગુજરાતનો સદીઓ જૂનો સંબંધ કયો છે?
છેક હડપ્પા કાળ એટલે કે ચારેક હજાર વર્ષથી ગુજરાતમાં વહાણવટાનો વ્યવસાય ફૂલતોફાલતો આવ્યો છે. દરિયાઈ માર્ગે આફ્રિકા ખંડના પૂર્વ કાંઠાના અને ખાડી દેશો સાથે ગુજરાતના વેપારી સંબંધો સૈકા જૂના છે.
ગુજરાતનાં વહાણો સદીઓથી અરબ સાગરને પાર ખાડી દેશો તેમજ હિન્દ મહાસાગરના પશ્ચિમ કાંઠે આવેલા આફ્રિકા ખંડના દેશો વચ્ચે માલ-સામાન અને લોકોનું વહન કરતાં આવ્યાં છે.
1498માં પોર્ટુગલના વાસ્કો દ ગામાને આફ્રિકાના પૂર્વ કિનારે આવેલા કેન્યા દેશના માલિંદીથી અરબ સાગરના પૂર્વ કિનારે આવેલા કેરળ સુધીનો દરિયાઈ રસ્તો દેખાડનાર વ્યક્તિ કચ્છના નાવિક કાનજી માલમ હોવાનું મનાય છે.
આ સફર પૂરી કરી વાસ્કો દ ગામાએ યુરોપ ખંડથી ભારત સુધીનો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. તેને કારણે પોર્ટુગલના ફિરંગીઓ ભારતમાં આવ્યા અને ત્યાર બાદ અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે પણ ભારત આવ્યા, તેમણે અહીં કોઠા સ્થાપ્યા અને ભારત પર રાજ કર્યું.
ઇન્ડિયન સેલિંગ વેસેલ્સ ઍસોસિયેશન સેક્રેટરી આદમ ભાયા બીબીસીને કહે છે, "અંગ્રેજીમાં સેલિંગ વેસેલ્સ, ધો અને કન્ટ્રી ક્રાફટ તરીકે ઓળખાતા ગુજરાતનાં વહાણો આજે પણ ઈરાનના અખાતમાં આવેલા ઈરાન, ઇરાક, કુવૈત, બહેરીન, કતાર, સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોનાં બંદરો તેમજ ઓમાનના અખાતમાં આવેલા ઓમાન, ઈરાન અને સંયુક્ત અરબ અમીરાતનાં બંદરો સુધી માલ-સામાન લઈ જાય છે અને ત્યાંથી ભારતના પશ્ચિમ કિનારાનાં બંદરો પર લાવે છે."
તેઓ વધુમાં જણાવે છે કે આ ઉપરાંત લાકડાનાં બનેલાં આ વહાણો યમન, જિબુટી, સોમાલિયા, સાઉદી અરેબિયા, એરિટ્રિયા વગેરે દેશોનાં બંદરો સુધીની પણ સફર કરે છે.
'ગુજરાતના લોકોએ યમનના લોકોને ડુંગળીની ખેતી શીખવાડી'
આદમ ભાયા કહે છે, "યમન સાથે ભારતના રાજદ્વારી સંબંધો ક્યારેય ખરાબ નથી રહ્યા. ભારતનાં વહાણો ગુજરાતનાં બંદરો પરથી ચોખા, ડુંગળી, બટાટા, મગફળી, ચણા, ખાંડ વગેરે યમનનાં બંદરો સુધી પહોંચાડતાં આવ્યાં છે અને ઇરાક વગેરે દેશોમાંથી ખજૂર ભારત સુધી લાવતાં રહ્યાં છે. ઉપરાંત ગુજરાતનાં વહાણો ખાડી દેશોના પણ એક બંદરેથી બીજા બંદર સુધી માલ-સામાન પહોંચાડવાની સેવા આપે છે."
તેઓ વધુમાં કહે છે કે આઠેક વર્ષ પહેલાં યમનમાં ભારતીય નર્સો ઉપરાંત અન્ય લોકો પણ રહેતા હતા.
ભાયા કહે છે, "વહાણો દ્વારા વહન કરતા માલ-સામાનના ક્લિયરિંગ-ફોરવર્ડિંગની સેવા આપતા લોકો તેમજ વહાણોના એજન્ટસ યમનમાં પણ રહેતા હતા. આ ઉપરાંત, ગુજરાતના લોકોએ યમનના લોકોને ડુંગળીની ખેતી પણ શીખવાડી છે."
તેઓ ચિંતા સાથે કહે છે, "યમનમાં છેલ્લાં પાંત્રીસેક વરસથી આંતરિક કલહ ચાલી રહ્યો છે અને છેલ્લા દાયકામાં ગૃહયુદ્ધ તીવ્ર બનતા ત્યાં પરિસ્થિતિ બગડી છે. તેથી, ત્યાં ભારતીય નાગરિકોની સલામતી બાબતે ચિંતા ઊભી થઈ છે. પરિણામે, હવે ગુજરાતના લોકો યમનમાં રહેવાનું ટાળે છે."
ગુજરાતમાં વહાણોથી ચાલતો વેપાર કેટલો મોટો છે?
ગુજરાતમાં કચ્છમાં આવેલા માંડવી, મુન્દ્રા, કંડલા બંદર નજીકનું તુણા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સલાયા, પોરબંદરનું પોરબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ બંદર વહાણવટા માટે જાણીતાં છે.
ભાયા કહે છે, "ગુજરાતમાં હાલ 270 જેટલાં વહાણ કાર્યરત્ છે અને પચ્ચીસથી ત્રીસ જેટલાં બિનકાર્યરત્ છે. ગુજરાત ઉપરાંત, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને આંદામાન નિકોબાર ટાપુના લોકો પણ વહાણવટા સાથે જોડાયેલા છે. ભારતમાં અંદાજે 450 કાર્યરત્ વહાણો છે અને તે વાર્ષિક ધોરણે અંદાજે પાંચ લાખ મેટ્રિક ટન માલનું વહન કરે છે, જેનું મૂલ્ય અંદાજે 100 અબજ રૂપિયા છે. વહાણવટું એ ભારતની ઐતિહાસિક ધરોહર સમાન વ્યવસાય છે અને તે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે ત્રણેક લાખ લોકોને રોજગારી પૂરી પડે છે."
સેક્રેટરી ભાયા કહે છે કે કર્ણાટક અને કેરળનાં વહાણ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને માલદીવનાં બંદરો તરફ માલ-સામાન પહોંચાડે છે જ્યારે તામિલનાડુનાં જહાજો શ્રીલંકા તરફ વધારે સફરો ખેડે છે.
તેઓ કહે છે કે પહેલાં આ વહાણો સઢથી ચાલતાં, પરંતુ હવે એન્જિનથી ચાલે છે. આવાં વહાણો એકસાથે 200 ટન (એક હજાર કિલો એટલે એક ટન)થી 3000 હજાર ટન માલ વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારત 1995માં વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO) એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બનતા વહાણવટા ઉદ્યોગને ફટકો પડ્યો હતો.
ભાયા કહે છે, "ભારત ડબલ્યુટીઓનું સભ્ય બન્યું તે પહેલાં ખાડી દેશોમાંથી ખજૂરની આયાત માત્ર વહાણો દ્વારા જ કરી શકાતી હતી. ભારત સરકારે ખજૂરનો કાર્ગો (માલસામાન) વહાણો માટે રિઝર્વ રાખ્યો હતો, પરંતુ ભારત ડબલ્યુટીઓમાં જોડાતા આ રિઝર્વેશન રદ કરવું પડ્યું હતું. તેથી, વહાણોને મળતા કાર્ગોમાં ઘટાડો થયો હતો."
કાર્ગો રિઝર્વેશન રદ થતા અને લોખંડનાં મોટાં બલ્ક કેરિયર જહાજો અને કન્ટેનર જહાજોની સમુદ્રી વેપારમાં બોલબાલા વધવા છતાં વહાણવટા ઉદ્યોગે તેનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે.
ભાયા કહે છે, "કન્ટેનર શિપ્સ દ્વારા કાર્ગો મોકલવાનું ભાડું ઓછું થાય છે, કારણ કે આવાં શિપ બહુ મોટાં હોય છે અને એકસાથે હજારો ટન માલ-સામાન લઈ જઈ શકે છે. આવાં શિપ કાર્ગો પહોંચાડવા માટે વધારે સમય લે છે, કારણ કે તેમાં કેટલાય વેપારીઓનો માલ ભરેલો હોય છે અને તેથી તે કેટલાંય બંદરો પર લાંગરે છે."
તેઓ વધુમાં જણાવે છે, "વહાણ દ્વારા માલ મોકલવાનું ભાડું થોડું વધુ થાય છે, પરંતુ વહાણ માલને કન્ટેનર શિપની સરખામણીએ ઓછા સમયમાં પહોંચાડી દે છે, કારણ કે તેની વહન ક્ષમતા ઓછી હોવાથી મોટા ભાગે તે એક વેપારીનો માલ ભરે છે અને આવા વેપારીને જે બંદરે માલ મોકલવો હોય તે બંદરે જ સીધું જાય છે. વળી, અમારાં વહાણ નાનાં બંદરોએ પણ લાંગરી શકે છે અને તે રીતે માલ જે જગ્યાએ પહોંચાડવો હોય તેની નજીકના બંદરે ઉતારી શકાય છે. આ રીતે, વહાણવટાનો પરંપરાગત ધંધો હજુ સુધી જીવંત રહી શક્યો છે."
તો શું નાવિકો હજુ પણ વહાણો લઈને યમન જાય છે?
ભાયા કહે છે કે ગુજરાતના નાવિકો વહાણોને યમનનાં બંદરો સુધી લઈ જઈ રહ્યા છે અને ત્યાંથી સુરક્ષિત રીતે પાછા પણ ફરી રહ્યા છે.
તેઓ કહે છે, "વહાણોના નાવિકોને યમનની મુખ્ય ભૂમિ પર જવાનું હોતું નથી. તેઓ માત્ર વહાણો ત્યાંના બંદર સુધી લઈ જાય છે અને માલ ઊતરી જાય કે વહાણોમાં ચડી જાય એટલે ત્યાંથી પાછા રવાના થઈ જાય છે. વળી, 2015ની ઘટનાને બાદ કરતા કોઈ ભારતીય વહાણ પર ત્યાં હુમલો થયો નથી, કારણ કે ભારતીય વહાણો હથિયારો, ડ્રગ્સ કે કોઈ અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું ક્યારેય વહન કરતા નથી."
ભારતની યમન ન જવાની સૂચના
યમનમાં ગૃહયુદ્ધ તીવ્ર બનતા સાઉદી અરેબિયાએ 2015માં હુતી વિદ્રોહીઓને ટાર્ગેટ કરતા હવાઈ હુમલા કર્યા હતા. સાઉદી અરેબિયાના બૉમ્બમારાની ઝપટે ગુજરાતનાં બે જહાજો પણ ચડી ગયાં હતાં અને પરિણામે ગુજરાતના ઓછામાં ઓછા છ નાવિકોનાં મોત થયાં હતાં.
સ્થિતિ વધારે વણસતા ભારત સરકારે 2015માં ભારતીયોને યમનમાંથી નીકળી જવા સલાહ આપી હતી અને ભારતીયો તેમજ અન્ય કેટલાક દેશોના નાગરિકોને યમનમાંથી પરત લાવવા વિમાનો મોકલ્યાં હતાં.
પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતા 26 સપ્ટેમ્બર, 2017ના રોજ એક નોટિફિકેશન બહાર પાડી ભારત સરકારે ભારતીય નાગરિકોને ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર યમન ન જવાની સૂચના આપી હતી.
તેમજ જણાવ્યું હતું કે ભારતીય પાસપૉર્ટ કે ભારત સરકાર દ્વારા અપાયેલા પ્રવાસ માટેના અન્ય દસ્તાવેજો યમન જવા માટે માન્ય ગણાશે નહીં. સરકારે ચેતવણી આપી હતી કે 'આ સૂચનાનો ભંગ કરી જો કોઈ ભારતીય યમન જશે તો તેનો પાસપૉર્ટ જપ્ત કરી લેવામાં આવશે અથવા રદ કરી દેવાશે અને તેમને પછીના સાત વર્ષ સુધી ભારતીય પાસપૉર્ટ આપવામાં નહીં આવે.'
ભારત સરકારે વધારે ચેતવણી આપતા જણાવ્યું હતું કે 'જો નોકરી કે કામ માટે લોકોની ભરતી કરતી કોઈ એજન્સી લોકોને યમન મોકલશે અને જો તેવા લોકોનું મોત, અપહરણ થઈ જશે કે તેમને અન્ય કોઈ હાનિ પહોંચશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવી એજન્સી અને તેના ડાયરેક્ટરોની રહેશે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.'
યમન જવા પરનો પ્રતિબંધ હજુ પણ લાગુ છે. 13 ડિસેમ્બર, 2024ના રોજ લોકસભામાં પુછાયેલા એક પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય કક્ષાના વિદેશમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું હતું કે '2017ના નોટિફિકેશન બાદ યમન ગયેલ પંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રહેવાસી તેવા 579 ભારતીયોના પાસપૉર્ટ જપ્ત કરી લેવાયા હતા. તેમાં કેરળના 328 લોકો, તામિલનાડુના 64, ઉત્તર પ્રદેશના 47, કર્ણાટકના 38, મહારાષ્ટ્રના 30, બિહારના 19, ગુજરાતના 14, પશ્ચિમ બંગાળના 10, તેલંગણાના છ, આંધ્રપ્રદેશ અને ગોવાના બે-બે અને છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા-પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા અને ઉત્તરાખંડના એક-એક રહેવાસીઓનો સમાવેશ થતો હતો.'
મંત્રીએ ઉમેર્યું હતું કે 579માંથી 269 લોકોને તેમના પાસપૉર્ટ પરત આપી દેવાયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન