You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નહેરુનું એ પ્રખ્યાત ભાષણ જેના આધારે ઝોહરાન મમદાણીએ ન્યૂ યૉર્ક ગજવી દીધું
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
બુધવારે, નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાણીએ ન્યૂ યૉર્કમાં એક અતિઉત્સાહી ભીડને સંબોધતાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના 15 ઑગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતની આઝાદીના પ્રસંગે આપેલા ભાષણનો આધાર ટાંક્યો.
મમદાણીએ નહેરુના શબ્દોનો પુનરુચ્ચાર કર્યો, "ઇતિહાસમાં એવી ક્ષણો ખૂબ ઓછી આવે છે, જ્યારે આપણે જૂનાથી નવા તરફ પ્રયાણ કરીએ છીએ."
"જ્યારે એક યુગ સમાપ્ત થાય છે અને એક રાષ્ટ્રના આત્માને અભિવ્યક્તિ મળે છે. આજે રાત્રે આપણે જૂનાથી નવા તરફ ડગ માંડી રહ્યા છીએ."
મમદાણીએ જેવું ભાષણ પૂરું કર્યું, હૉલમાં 2004ની બૉલીવુડની હિટ ફિલ્મ 'ધૂમ'નું ટાઇટલ સૉંગ ગુંજવા લાગ્યું. ત્યાર પછી જે-જી અને એલિસિયા કીઝનું 'એમ્પાયર સ્ટેટ ઑફ માઇન્ડ' વાગવા લાગ્યું.
આ ગીત હવે નવા અર્થો સાથે ગુંજતું હતું. ન્યૂ યૉર્કના ભારતીય મૂળના પ્રથમ મેયરે ઇતિહાસ રચી નાખ્યો.
નહેરુના ભાષણની પૃષ્ઠભૂમિ
થોડાક મહિના પહેલાં, મમદાણીએ બૉલીવુડને પોતાના ચૂંટણીપ્રચારનો ભાગ બનાવ્યું હતું. મમદાણી માટે આ તેમનાં દક્ષિણ એશિયાઈ મૂળનું પ્રતીક હતું.
ઝોહરાન મમદાણીનાં માતા ફિલ્મનિર્માતા મીરા નાયર છે, અને તેમના પિતા મહમૂદ મમદાણી યુગાન્ડામાં જન્મેલા ભારતીય મૂળના વિદ્વાન છે.
તેમણે હિંદીમાં રેકૉર્ડ ઘણા સંદેશા ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા, તેમાંના મોટા ભાગનામાં ચર્ચિત બૉલીવુડ ફિલ્મોનાં રસપ્રદ દૃશ્યો અને ડાયલૉગ્સનો ઉપયોગ કરાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બુધવારે વિજયી થયા પછી પોતાના ભાષણમાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનો આધાર ટાંકવો તે આ કડીનો ભાગ હતો.
મમદાણીએ નહેરુનાં જે વાક્યો ઉધાર લીધાં, તે ઐતિહાસિક છે. દિલ્હીના બંધારણસભા હૉલમાં નહેરુ ભાષણની શરૂઆતમાં જે શબ્દો બોલ્યા હતા તે કાળજયી છે.
"ઘણાં વરસો પહેલાં આપણે નિયતિને વચન આપ્યું હતું, અને હવે સમય આવી ગયો છે કે આપણે એ વાયદો પૂરો કરીએ, પૂરેપૂરો કે સંપૂર્ણ રૂપમાં નહીં, પરંતુ મોટા ભાગે ચોક્કસપણે."
"અડધી રાત્રે દુનિયા જ્યારે સૂઈ રહી હશે, ભારત જીવન અને સ્વતંત્રતા સાથે જાગશે."
15 ઑગસ્ટ 1947ની મધ્યરાત્રિ પહેલાં, ભારત બે સદીઓના બ્રિટિશ શાસન પછી આઝાદ થવાનું હતું.
જવાહરલાલ નહેરુના આ શબ્દોમાં ઉત્સાહ અને ગંભીરતા, બંને હતાં. તેમાં જવાબદારીનું વચન અને એક રાષ્ટ્રને પોતાનો હક મળ્યાની અનુભૂતિ પણ ભળેલાં હતાં.
મમદાણીનાં ભાષણનાં અર્થઘટન
ઘણા લોકોનું માનવું છે કે નહેરુના ભાષણ સાથે સહમતી દર્શાવીને મમદાણીએ એવો સંકેત આપ્યો છે કે ન્યૂ યૉર્કમાં કશુંક નવું અને સંભવિત રીતે પરિવર્તન લાવનારું કામ શરૂ થઈ ગયું છે.
દાયકાઓ પહેલાં નહેરુ પોતાના ભાષણમાં એક રાષ્ટ્રના પુનર્જન્મ જેવી મોટી ઘટના તરફ ઇશારો કરતા હતા.
નહેરુએ પોતાના ભાષણમાં આગળ કહેલું કે આઝાદી અંત નથી, પરંતુ શરૂઆત છે. આ 'આરામ કે વિશ્રામની નહીં, બલકે, નિરંતર પ્રયાસ'ની શરૂઆત છે.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની સેવાનો અર્થ છે, એવા લાખો લોકોની સેવા કરવી, જેઓ પીડિત છે. તેમનો અર્થ છે, 'ગરીબી, અજ્ઞાનતા, બીમારી અને તકની અસમાનતા'ને સમાપ્ત કરવી.
તેમણે પ્રતિજ્ઞા લીધી કે ભારતનું કાર્ય ત્યાં સુધી પૂરું નહીં થાય જ્યાં સુધી આંસુ અને પીડા રહેશે.
તેમણે 'નાનીમોટી ટીકાઓ'ની જગ્યાએ એકજૂથ રહેવાનું આહ્વાન કર્યું, જેથી 'સ્વતંત્ર ભારતના એ મહાન ભવનનું નિર્માણ કરી શકાય, જેમાં ભારતનાં બધાં સંતાનો વિકસી શકે'.
ભારતના પ્રથમ વડા પ્રધાનનું લગભગ 1,600 શબ્દનું આ ભાષણ ઇતિહાસનાં સૌથી પ્રસિદ્ધ ભાષણોમાંનું એક ગણાય છે.
'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ'એ એ સમયે લખ્યું હતું કે નહેરુએ 'પોતાના દેશવાસીઓને પોતાની વાક્પટુતાથી રોમાંચિત કરી દીધા હતા'.
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેને 'ભાવનાઓ અને વાક્પટુતાથી ભરપૂર' ભાષણ ગણાવ્યું.
ઇતિહાસકાર શ્રીનાથ રાઘવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'આ ભાષણ આજે પણ ભારતમાં ગુંજે છે, કેમ કે, તેણે એ ક્ષણને એ જ રીતે વ્યક્ત કરી હતી જે રીતે મહાન ભાષણોમાં થાય છે.'
1947ની એ રાત્રે ત્રણ મુખ્ય વક્તા હતા.
પહેલા નહેરુ પોતે, બીજા ચૌધરી ખલીકુઝ્ઝમાન અને ત્રીજા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. પરંતુ એ રાતના સ્ટાર નહેરુ જ હતા, તેમાં બેમત નથી.
નહેરુના ભાષણની પૃષ્ઠભૂમિ ખૂબ જ રસપ્રદ હતી. ટાઇમ મૅગેઝીને લખ્યું છે કે મધરાતના એક કલાક પહેલાં બંધારણસભા હૉલમાં ભારતીય નેતાઓ એકઠા થયા હતા.
સભાકક્ષ 'ભારતના નવા તિરંગા ઝંડાના રંગો જેવો ઝગમગતો હતો'.
ટાઇમ મૅગેઝીને નહેરુના ભાષણને 'પ્રેરણાદાયક' ગણાવ્યું. ત્યાર પછી જે થયું, તે ઇતિહાસનું અદ્ભુત નાટ્યમંચન થતું.
મૅગેઝીને લખ્યું હતું, "અને જેવો મધરાતનો બારનો ટકોરો વાગ્યો, પ્રભાતનું પારંપરિક પ્રતીક શંખધ્વનિ આખા ગૃહમાં ગુંજી ઊઠ્યો. બંધારણસભાના સભ્યો ઊભા થઈ ગયા. આ પવિત્ર ક્ષણમાં તેમણે એકસાથે ભારત અને તેના લોકોની સેવાનો સંકલ્પ કર્યો."
બંધારણસભાના હૉલની બહાર ભારતીયો આનંદથી નાચી રહ્યા હતા.
પોતાના પુસ્તક 'ઇન્ડિયા આફ્ટર ગાંધી'માં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા એક અમેરિકન પત્રકારના રિપોર્ટનો આધાર ટાંકે છે:
'હિંદુ, મુસલમાન અને શીખ એકસાથે ખુશીથી ઉજવણી કરી રહ્યા હતા… આ નવા વર્ષની પૂર્વસંધ્યાએ ટાઇમ્સ સ્ક્વેર જેવું દૃશ્ય હતું. લોકોનાં ટોળાં સૌથી વધુ નહેરુને ચાહતાં હતાં.'
પરંતુ આઝાદીના આ ઉત્સવમાં પહેલાંથી જ અરાજકતા અને હિંસા શરૂ થઈ ગઈ હતી. સમગ્ર ઉપખંડમાં કોમી રમખાણ ફેલાયાં હતાં.
બે દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદો નક્કી કરી દેવાઈ. તેનાથી ઇતિહાસનું સૌથી મોટું અને લોહિયાળ પલાયન શરૂ થયું.
દોઢ કરોડ લોકો નવી સરહદની આરપાર ચાલ્યા ગયા. એક અનુમાન અનુસાર તેમાંથી દસ લાખથી વધુ લોકો રમખાણોમાં મૃત્યુ પામ્યા.
ઊથલપાથલના એ સમયમાં, ભારતના અધૂરા વચનની યાદ અપાવતાં નહેરુના શબ્દ ગુંજી ઊઠ્યા – એ નેતા, જેમની ભાષા પરની પકડ તે ક્ષણના મહત્ત્વને અનુરૂપ હતી.
નહેરુ એક પ્રખર વક્તા તરીકે પહેલાંથી જ પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. તેઓ રાજનીતિ, વિજ્ઞાન, કળા અને નૈતિકતા જેવા વિવિધ વિષયો પર સહજતાથી ભાષણ આપતા હતા.
ઑસ્ટ્રેલિયાના રાજદ્વારી વૉલ્ટર ક્રોકરે કહ્યું હતું કે નહેરુનાં ભાષણોની વ્યાપકતા અને સહજતા અદ્વિતીય હતી.
ઑગસ્ટ 1947ના પોતાના એક ઐતિહાસિક ભાષણને પૂરું કરતાં નહેરુએ કહ્યું હતું:
"હવે પછી આપણે સખત મહેનત કરવાની છે. આપણે ત્યાં સુધી આરામ નહીં કરીએ જ્યાં સુધી આપણે આપણો વાયદો પૂરો ન કરી લઈએ, જ્યાં સુધી આપણે દરેક ભારતીય નાગરિકને એ મુકામે ન પહોંચાડી દઈએ જ્યાં પહોંચાડવાનો નિર્ણય નિયતિએ કર્યો છે."
સાત દાયકા પછી, ન્યૂ યૉર્કમાં મમદાણીની સામે તેમના અલગ પડકારો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન