એક કરોડની વસ્તીવાળું શહેર, જ્યાં હવે માત્ર બે અઠવાડિયાં ચાલે એટલું પાણી બચ્યું છે

    • લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન

ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, તેહરાનનો પીવાના પાણીનો મુખ્ય સ્રોત બે સપ્તાહમાં સુકાઈ જવાનો ભય છે.

રાજધાનીની પાણી કંપનીના ડિરેક્ટર બેહઝાદ પારસાએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય જળભંડાર અમીર કબીર ડૅમમાં હવે માત્ર "14 મિલિયન ઘન મીટર પાણી" બચ્યું છે. એક વર્ષ પહેલાં તેમાં 86 મિલિયન ઘન મીટર પાણી હતું.

તેમણે ચેતવણી આપી હતી કે પાણીના વર્તમાન પ્રમાણને જોતાં તેહરાનને માત્ર "બે સપ્તાહ સુધી જ" પાણી પૂરું પાડી શકાશે.

તેહરાન પ્રાંત લાંબા સમયથી દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. તેની દાયકાઓમાંની પાણીની સૌથી ખરાબ અછતનો સામનો કરી રહ્યો છે.

એક સ્થાનિક અધિકારીએ ઑક્ટોબરમાં જણાવ્યું હતું કે વરસાદનું સ્તર "લગભગ એક સદીમાં અભૂતપૂર્વ" હતું.

સત્તાવાર સમાચાર એજન્સી આઇઆરએનએએ જણાવ્યું હતું કે "આગામી મહિનાઓમાં વરસાદ નહીં પડે તો તેહરાનમાં જળ સંસાધન વ્યવસ્થાપન અને પીવાના પાણીના સાતત્યસભર પુરવઠાએ ગંભીર પડકારોનો સામનો કરવો પડશે."

તેહરાનના એક રહેવાસીએ બીબીસી ન્યૂઝ પર્સિયનને કહ્યું હતું, "પાણીકાપ અને પાણીના પ્રેશરમાં તીવ્ર ઘટાડાને કારણે એપાર્ટમેન્ટ બિલ્ડિંગ્સમાં પાણી ઝડપથી ખતમ થઈ જાય છે અથવા બિલકુલ પાણી જ નથી."

"વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે ઇન્ટરનેટ અને લિફ્ટ પણ કામ કરતા બંધ થઈ જાય છે."

એક મહિલાએ તેનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "ખાસ કરીને ઉનાળાના ગરમ હવામાનમાં ભારે વાયુપ્રદૂષણની વચ્ચે પરિસ્થિતિ અસહ્ય બની જાય છે. ઘરમાં નાનું બાળક કે વૃદ્ધ વ્યક્તિ હોય તો પરિસ્થિતિ વધારે વિકટ બને છે, કારણ કે ક્યારેક તેમણે કલાકો સુધી આવી જ સ્થિતિમાં રહેવું પડે છે."

રાજધાનીના બહુમાળી એપાર્ટમેન્ટ્સથી માંડીને ખુઝેસ્તાન અને સિસ્તાન, બલુચેસ્તાનના ગામડાં સુધી જીવન અસહ્ય રીતે ખોરવાઈ રહ્યું હોવાનું ઘણા લોકોએ જણાવ્યું હતું.

સતત પાંચ શુષ્ક વર્ષ અને રેકૉર્ડ ગરમી પછી તેહરાન નગરપાલિકાના નળ સુકાઈ જવા તરફ આગળ વધી રહ્યા છે.

જળાશયમાંના પાણીનું સ્તર ઐતિહાસિક નીચી સપાટીએ છે, બ્લૅકઆઉટ નિયમિત રીતે થાય છે અને ગુસ્સો વધી રહ્યો છે.

'ડે ઝીરો'

અધિકારીઓ ચેતવણી આપે છે કે વપરાશમાં નોંધપાત્ર ઘટાડો ન થતો હોવાને કારણે અઠવાડિયામાં રાજધાનીના કેટલાક ભાગોમાં 'ડે ઝીરો'ની, એક ટીપું પાણી પણ ન મળે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 'ડે ઝીરો' વેળાએ ઘરના નળ રૉટેશનમાં બંધ કરવામાં આવે છે અને સ્ટેન્ડપાઇપ્સ અથવા ટેન્કર્સ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે.

તેમણે વર્ષની શરૂઆતમાં આવી ચેતવણીનો પુનરોચ્ચાર કર્યો હતો અને તેનું નિયમિત રીતે પુનરાવર્તન કરતા રહ્યા છે.

ઉનાળામાં અતિશય તાપમાન અને ઈરાનની જૂની ઇલેક્ટ્રિક ગ્રીડ પર વધતા દબાણને પગલે આ ચેતવણી આવી પડી છે.

યુનાઇટેડ નૅશન્સ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ફૉર વૉટર, ઍન્વાયર્નમેન્ટ ઍન્ડ હેલ્થના ડિરેક્ટર પ્રોફેસર કાવેહ મદનીએ બીબીસી ન્યૂઝ પર્સિયનને કહ્યું હતું, "આ ફક્ત પાણીની કટોકટી નથી, પરંતુ પાણીમાં નાદારી છે. એક સિસ્ટમમાં એટલું નુકસાન થયું છે કે તને હવે સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેમ નથી."

યુએન કન્વેન્શન ટુ કૉમ્બેટ ડેઝર્ટિફિકેશન (યુએનસીસીડી)ના ડેનિયલ ત્સેગાઈએ ઉમેર્યું હતું કે પાણીની અછત, જમીનની અધોગતિ, આબોહવા પરિવર્તન અને નબળા શાસનનો સરવાળો થાય છે ત્યારે શું થાય છે તે ઈરાન દર્શાવે છે.

ઈરાનની પરિસ્થિતિ અન્ય દેશો માટે આકરી ચેતવણી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેહરાનમાં 'ડે ઝીરો'નો અર્થ

'ડે ઝીરો' વખતે હૉસ્પિટલો અને આવશ્યક સેવાઓને અગ્રતા આપવામાં આવે છે, જ્યારે ઘરોમાં પાણીનું રેશનિંગ કરવામાં આવે છે.

અધિકારીઓ શહેરના વિસ્તારોનો પાણી પુરવઠો વારાફરતી બંધ કરી શકે છે.

શ્રીમંત પરિવારો ઘરની છત પર પાણી સંગ્રહની ટાંકીઓ બનાવી શકશે, પરંતુ ગરીબ પરિવારોએ સંઘર્ષ કરવો પડશે.

ઈરાનના પર્યાવરણ વિભાગના ભૂતપૂર્વ નાયબ વડા પ્રોફેસર કાવેહ મદનીએ કહ્યું હતું, "માણસ ખૂબ જ લવચીક હોય છે અને પરિસ્થિતિ સાથે ઝડપથી અનુકૂલન સાધી લે છે."

"મારી મોટી ચિંતા એ છે કે આગામી વર્ષ પણ શુષ્ક રહેશે તો આગામી ઉનાળો વધારે કઠોર હશે."

બીબીસીએ ઈરાનના વિદેશ મંત્રાલય, તેના લંડન ખાતેના દૂતાવાસ અને તેના લંડનની એલચી કચેરીને પાણીની અછત સંબંધે દેશની યોજના બાબતે ટિપ્પણી કરવા જણાવ્યું હતું.

જોકે, દૂતાવાસને મોકલવામાં આવેલા ઇમેલનો અને હાથોહાથ પહોંચાડવામાં આવેલા પત્રનો કોઈ જવાબ મળ્યો નથી.

જળાશયોમાં પાણીનું ઘટતું સ્તર

રાજધાની તેહરાન ઈરાનનું સૌથી મોટું શહેર છે અને તેમાં લગભગ એક કરોડ લોકો રહે છે.

તેના પાણી પુરવઠાનો આધાર મુખ્ય પાંચ બંધો પર છે.

એ પૈકીનો એક લાર ડૅમ લગભગ સુકાઈ ગયો છે અને તેના સામાન્ય સ્તરના માત્ર એક ટકા કાર્યરત્ હોવાનું તેનું સંચાલન કરતી કંપનીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પાણીના વપરાશમાં ઓછામાં ઓછો 20 ટકા ઘટાડો કરવાની વિનંતી નાગરિકોને કરી છે.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીએ જુલાઈમાં માગમાં 13 ટકા ઘટાડો થયો હતો, પરંતુ અધિકારીઓએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઑક્ટોબર દરમિયાન પુરવઠો ચાલુ રાખવા માટે વધુ 12 ટકા ઘટાડો જરૂરી છે.

તેહરાન અને અન્ય શહરોમાં ઊર્જા બચાવવા માટે સરકારી ઇમારતો નિયમિત રીતે બંધ રાખવામાં આવે છે. તેના કારણે આર્થિક નુકસાન થતું હોવાની ફરિયાદો વ્યાપારી વર્ગ કરી રહ્યો છે.

દુષ્કાળથી 'પાણીની નાદારી' સુધી

સત્તાવાર આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે વરસાદ લાંબા ગાળાની સરેરાશ કરતાં 40થી 45 ટકા ઓછો પડ્યો હતો.

કેટલાક પ્રાંતોમાં તે 70 ટકાથી વધુ ઘટ્યો હતો, પરંતુ આબોહવા આ કથાનો એક હિસ્સો માત્ર છે.

મદનીએ દલીલ કરી હતી કે "આ પાણીની કટોકટી નથી. પાણીની નાદારી છે. એવી પરિસ્થિતિ કે જ્યાં નુકસાન હવે સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેમ નથી અને વપરાશમાં ઘટાડો કરવો એ હવે પૂરતું નથી."

કુદરત દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી કરતાં વધુ પાણીનો વપરાશ ઈરાન દાયકાઓથી કરતું રહ્યું છે. પહેલાં નદીઓ તથા જળાશયોમાંથી અને પછી ભૂગર્ભજળ ભંડારનો ઉપયોગ ઈરાન કરતું રહ્યું છે.

મદનીએ કહ્યું હતું, "દુષ્કાળની પરિસ્થિતિ આપોઆપ સર્જાઈ નથી. આબોહવા પરિવર્તન તીવ્ર બને તે પહેલાં ગેરવહીવટ અને પાણીના વધુ પડતા વપરાશને કારણે કટોકટી સર્જાઈ છે."

ઈરાનના લગભગ 90 ટકા પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે. તેમાંથી મોટા ભાગની પાણીની સિંચાઈ બિનકાર્યક્ષમ રીતે કરવામાં આવે છે. ચોખા અને શેરડી જેવા પાણીની વધુ જરૂરિયાતવાળા પાકો શુષ્ક પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે.

પાઇપમાં લીક્સ

તેહરાનમાં લગભગ 22 ટકા ટ્રીટેડ પાણીનો પાઇપલાઈનમાં લીકેજને કારણે બગાડ થાય છે.

અબલત્ત, આવો બગાડ વિશ્વભરની પાણી પ્રણાલીઓમાં થાય છે. વોટર ન્યૂઝ યુરોપના અહેવાલ મુજબ, યુરોપિયન યુનિયનના દેશોમાં પીવાના પાણીનો 25 ટકા દુર્વ્યય લીકેજને કારણે થાય છે.

મેકકિન્સે એન્ડ કંપનીના જણાવ્યા મુજબ, અમેરિકામાં આ રીતે 14થી 18 ટકા ટ્રીટેટ પાણીનો દુર્વ્યય થાય છે. કેટલીક સેવાઓના જણાવ્યા મુજબ, 60 ટકા પાણી લીકેજને કારણે વહી જાય છે.

ઈરાન 1970ના દાયકાથી ભૂગર્ભજળનું જોરદાર દોહન કરતું રહ્યું છે. કેટલાક અનુમાન અનુસાર, તેના 70 ટકાથી વધારે અનામત જળભંડાર ખતમ થઈ ગયો છે.

કેટલાક જિલ્લાઓમાં એક્વિફાયર્સ (પાણીને ભૂગર્ભમાં વહેવા દેતા પારગમ્ય ખડકો અથવા કુદરતી રીતે બનતી અન્ય સામગ્રી) તૂટી પડવાને કારણે જમીન દર વર્ષે 25 સેન્ટિમીટર જેટલી ડૂબી રહી છે. એ કારણે પાણીનું નુકસાન ઝડપી બને છે.

ઍનર્જી શૉક : જ્યારે સુકાયેલા બંધને કારણે વીજળીની સમસ્યા સર્જાઈ

પાણીની અછતને કારણે ઊર્જાનો અભાવ સર્જાયો છે.

જળાશયો ખાલી હોવાને કારણે જળવિદ્યુતનું ઉત્પાદન ભાંગી પડ્યું છે અને ગૅસથી ચાલતા પ્લાન્ટ્સ ઍર કન્ડીશનિંગ તથા પાણીના પંપની વધતી માગને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા છે.

સરકારી સમાચાર એજન્સી આઇઆરએનએએ જુલાઈમાં એવો અહેવાલ આપ્યો હતો કે વીજળીની માગ 69,000 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જે ખાતરીબંધ સપ્લાય માટે જરૂરી 62,000 મેગાવોટ કરતાં ઘણી વધારે છે.

દિવસમાં બેથી ચાર કલાકનો બ્લૅકઆઉટ અહીં સામાન્ય વાત છે.

ન્યૂઝ રિપોર્ટ્સ અને રાજકારણીઓ જણાવે છે કે વીજકાપની સૌથી ખરાબ અસર અત્યંત ગરીબ લોકોને વધારે થાય છે. જનરેટર્સ ફક્ત શ્રીમંત લોકો પાસે જ હોય તેવી શક્યતા વધારે છે.

સરકારનો જવાબ

ઈરાનના ઊર્જામંત્રી અબ્બાસ અલી આબાદીએ કહ્યું હતું, "પીવાનું પાણી પૂરું પાડવું તે અગ્રતા છે અને તે બધાને પૂરું પાડવું જોઈએ."

જળસંચયના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં અલી આબાદીએ કહ્યું હતું, "આ વર્ષે લેવામાં આવેલાં પગલાંને કારણે અમે ટ્રાન્સપૉર્ટ કરીએ છીએ તેના કરતાં ત્રણ ગણું પાણી બચાવી શક્યા છીએ."

રેશનિંગ દરમિયાન, વધુ વીજ વપરાશની જરૂરિયાતવાળું ક્રિપ્ટોકરન્સી માઇનિંગ ચાલુ રાખવા દેવા બદલ સરકારની ટીકા કરવામાં આવી છે.

કેટલીક ક્રિપ્ટો કંપનીઓ રાજકીય જોડાણ ધરાવતી હોવાનો આરોપ છે. તેના જવાબમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદે સાઇટ્સને ટાર્ગેટ કરી રહ્યા છે અને ઘરેલુ પુરવઠાને અગ્રતા આપી રહ્યા છે.

ગેરકાયદે ક્રિપ્ટોકરન્સી ઑપરેશન્શને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનો આક્ષેપ કરતાં અલી અબદીએ કહ્યું હતું, "આ ક્ષેત્રમાં સક્રિય માઇનર્સને શોધવા તથા દૂર કરવાનું ખૂબ જ મુશ્કેલ છે."

શેરીઓમાં ભભૂકતો રોષ

ખુઝેસ્તાન અને સિસ્તાન-બલુચિસ્તાન સહિતના અનેક પ્રાંતોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. આ પ્રાંતોમાં સૌથી વધુ અછત છે.

"પાણી, વીજળી અને જીવન" મૂળભૂત અધિકાર હોવાના સૂત્રોચ્ચાર પ્રદર્શનકર્તાઓ કરી રહ્યા છે.

કૂવાઓ અને નહેરો સુકાઈ રહ્યાં છે. તેથી પર્યાવરણ સંબંધી સ્થળાંતર ઝડપી બની રહ્યું છે. ઘણા પરિવારો નોકરીઓ, સેવાઓ અને વધુ સારી માળખાગત સુવિધાની શોધમાં તેહરાન જઈ રહ્યા છે.

શહેરો વિસ્થાપિત લોકોને સમાવી લેતાં હોવાથી આ વલણ વધતી જતી અસ્થિરતાને વેગ આપી શકે છે, તેવી ચેતવણી વિશ્લેષકોએ આપી છે.

જિયોપૉલિટિક્સમાં પણ કટોકટીનો પ્રસાર થયો છે. જૂન 2025માં ઇઝરાયલ સાથેના સંઘર્ષ પછી ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના દેશની ડિસેલિનેશન તથા રિસાઇક્લિંગ ટૅક્નૉલૉજીને હાઈલાઇટ કરી હતી.

ઈરાનીઓ તરફ નિર્દેશિત એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે તેનો લાભ "તમારો દેશ આઝાદ થશે ત્યારે" મેળવી શકશે.

તેહરાને તે ટિપ્પણીને રાજકીય નાટક ગણાવીને ફગાવી દીધી હતી અને ઈરાની રાષ્ટ્રપ્રમુખ પેઝેશ્કિયાને ગાઝાના માનવતાવાદી સંકટ તરફ ઇશારો કર્યો હતો.

યુએનસીસીડીના ડેનિયલ ત્સેગાઈએ જણાવ્યું હતું કે ઈરાન આ ક્ષેત્રમાં આવો એકમાત્ર દેશ નથી.

સમગ્ર પશ્ચિમ એશિયામાં અનેક વર્ષોનો દુષ્કાળ, ખાદ્ય-સુરક્ષા અને માનવાધિકારોની સ્થિતિ નબળી પડી રહી છે. તેની ખેતી, ઊર્જા, આરોગ્ય, પરિવહન અને પર્યટનને માઠી અસર થઈ રહી છે.

વિશ્વવ્યાપી ચેતવણી

ડેનિયલ ત્સેગાઈએ જણાવ્યું હતું કે વિશ્વ માનવસર્જિત દુષ્કાળના યુગમાં પ્રવેશી રહ્યું છે અને તેનું કારણ આબોહવા પરિવર્તન અને જમીન તથા પાણીનો વધુ પડતો ઉપયોગ છે.

તેઓ માને છે કે અછત, જમીનની અધોગતિ અને નબળા શાસનનો સરવાળો થાય ત્યારે શું થાય છે તે ઈરાનની પરિસ્થિતિ દર્શાવે છે.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, વર્ષ 2000થી દુષ્કાળમાં વૈશ્વિક સ્તરે 29 ટકા વધારો થયો છે. વર્તમાન ટ્રેન્ડ ચાલુ રહેશે તો 2050 સુધીમાં પ્રત્યેક ચારમાંથી ત્રણ લોકોને તેની માઠી અસર થશે.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના 2015-2018 વચ્ચેના દુષ્કાળ વખતે, આ શહેરમાં પ્રતિ વ્યક્તિ મર્યાદા લાદવામાં આવી હતી અને ટેરિફમાં વધારો કરવામાં આવ્યો હતો. એ પગલાને ઘણી વાર સક્રિય પ્રતિભાવના મૉડલ તરીકે ટાંકવામાં આવે છે.

ત્સેગાઈએ કહ્યું હતું, "આપણને ટેકનિકલ નિરાકરણની ખબર છે. માત્ર તેને નીતિ બનાવવાની અને એ નીતિને અમલમાં મૂકવાની જરૂર છે."

"સવાલ એ નથી કે દુષ્કાળ પડશે કે નહીં, પ્રશ્ન એ છે કે દુષ્કાળ ક્યારે પડશે."

આગળ શું?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઉકેલો ઉપલબ્ધ છે, પરંતુ પાણી, ઊર્જા અને જમીન નીતિ સંબંધે તાત્કાલિક, સંકલિત પગલાં લેવાં જરૂરી છે.

ઈરાને રીયૂઝ, ટપક સિંચાઈ અને વિતરણમાં સુધારણા દ્વારા સાત વર્ષમાં પાણીના રાષ્ટ્રીય વપરાશમાં વાર્ષિક 45 અબજ ઘન મીટરનો ઘટાડો કરવાનું વચન આપ્યું છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, અમલદારશાહી અને ઓછા રોકાણને કારણે મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો સમયસર હાંસલ કરી શકાતા નથી.

પર્યાવરણવાદી કાવેહ મદનીએ કહ્યું હતું, "ઈરાને તેની પાણીની નાદારી આખરે સ્વીકારવી જ પડશે. સરકાર એ નિષ્ફળતાનો જેટલો મોડેથી સ્વીકાર કરશે અને વિકાસના અલગ મૉડલને ભંડોળ પૂરું પાડશે તેટલી જ, પતન ટાળવાની સંભાવના ઓછી થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન