માર્ક ઝુકરબર્ગે 'અંતિમ દિવસો' માટે શું સિક્રેટ બંકર બનાવ્યું, વિશ્વની મોટી કંપનીઓના લીડર્સ કેવી તૈયારી કરી રહ્યા છે?

    • લેેખક, ઝો ક્લેઇનમેઇન
    • પદ, ટૅક્નૉલૉજી સંપાદક

માર્ક ઝુકરબર્ગે હવાઇયન ટાપુ પર આવેલી 1,400 એકરની તેમની વિશાળ રાંચ(વાડી)માં 2014માં કામ શરૂ કર્યું હોવાનું કહેવાય છે.

વાયર્ડ સામયિકના અહેવાલ મુજબ, તેમાં એક આશ્રયસ્થાનનો સમાવેશ થાય છે. ત્યાં પૂરતી ઊર્જા અને ખાદ્ય સામગ્રીની વ્યવસ્થા હશે. જોકે, ત્યાં કામ કરતા સુથારો અને ઇલેક્ટ્રિશિયનોને નૉન-ડિસ્ક્લોઝર કરાર મારફત એ બાબતે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

એ વિસ્તારની આસપાસ છ ફૂટ ઊંચી દીવાલ બાંધવામાં આવી હોવાથી અંદર શું ચાલી રહ્યું છે તે નિહાળી શકાતું નથી.

તમે ડૂમ્સડે (કયામતનો દિવસ) બંકર બનાવી રહ્યા છો કે કેમ, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગે તેનો જવાબ નકારમાં આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે જગ્યા ભૂગર્ભમાં 5,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. "તે એક નાના આશ્રયસ્થાન જેવી, ભોંયરા જેવી છે."

આ જવાબને પગલે અટકળો બંધ થઈ નથી એવી જ રીતે કૅલિફોર્નિયામાં પાલો અલ્ટોના ક્રેસન્ટ પાર્કમાં તેમણે 11 પ્રૉપર્ટી ખરીદી છે અને તેમાં 7,000 ચોરસ ફૂટ અન્ડરગ્રાઉન્ડ સ્પેસનો ઉમેરો કર્યો છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, તેમની બિલ્ડિંગ પરમિટમાં બેઝમેન્ટનો ઉલ્લેખ છે, પરંતુ તેમના કેટલાક પાડોશીઓ તેને બંકર અથવા અબજોપતિની ગુફા કહે છે.

ટૅકનૉલૉજી ક્ષેત્રના અન્ય અગ્રણીઓ બાબતે પણ અનુમાન ચાલી રહ્યું છે. એ પૈકીના કેટલાક અગ્રણીઓ ભૂગર્ભ જગ્યાઓ સાથેના જમીનના એવા ટુકડાઓ ખરીદવામાં વ્યસ્ત છે, જેને અબજો પાઉન્ડના લક્ઝરી બંકરમાં રૂપાંતરિત કરી શકાય.

લિંક્ડઇનના સહ-સ્થાપક રીડ હૉફમૅન "સર્વનાશ વીમા"ની વાત કરી છે. તેમણે અગાઉ દાવો કર્યો હતો કે લગભગ અડધોઅડધ અતિધનવાન લોકો પાસે આવો વીમો છે, કારણ કે તે ન્યૂઝીલૅન્ડમાં ઘર માટે એક લોકપ્રિય સ્થળ છે.

આ તબક્કે સવાલ થાય કે તેઓ ખરેખર યુદ્ધ, જળવાયુ પરિવર્તનના પ્રભાવ કે કોઈ અન્ય વિનાશકારી ઘટનાની તૈયારી કરી રહ્યા છે, જેના વિશે તેમના સિવાયના આપણા જેવા લોકો કશું જાણતા નથી?

છેલ્લાં કેટલાંક વર્ષોમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ(એઆઈ)ની પ્રગતિએ અસ્તિત્વ સાથે સંકળાયેલી સંભવિત સમસ્યાઓની યાદીમાં ઉમેરો કર્યો છે. ઘણા લોકો આ પ્રગતિની તીવ્ર ગતિથી અત્યંત ચિંતિત છે.

ઓપન એઆઈના મુખ્ય વિજ્ઞાની અને સહ-સંસ્થાપક ઇલ્યા સુત્સ્કેવર એવા લોકો પૈકીના એક છે.

2023ના મધ્ય સુધીમાં સાન ફ્રાન્સિસ્કો સ્થિત આ કંપનીએ ચૅટજીટીપી રિલીઝ કર્યું હતું. આ ચૅટબૉટનો ઉપયોગ હવે દુનિયામાં કરોડો લોકો કરી રહ્યા છે. કંપની તેને ઝડપથી અપડેટ પણ કરી રહી હતી.

પત્રકાર કરેન હાઓના એક પુસ્તકમાં જણાવ્યા મુજબ, એ વર્ષના ઉનાળા સુધીમાં ઇલ્યા સુત્સ્કેવરને ખાતરી થઈ ગઈ હતી કે કમ્પ્યુટર સાયન્ટિસ્ટો આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) વિકસાવવાની અણીએ પહોંચી ગયા છે. એજીઆઈ એક એવું બિંદુ છે, જ્યાં મશીનો માનવબુદ્ધિ સાથે મેળ ખાતાં થઈ જાય છે.

એક મીટિંગમાં ઇલ્યા સુત્સ્કેવરે તેમના સાથીદારોને સૂચવ્યું હતું કે આવી શક્તિશાળી ટૅકનૉલૉજી વિશ્વમાં રજૂ થાય એ પહેલાં તેમણે કંપનીના ટોચના વિજ્ઞાનીઓ માટે ભૂગર્ભમાં આશ્રયસ્થાન બનાવવું જોઈએ. આ વાત કરેન હાઓએ જણાવી હતી.

તેમણે એવું કહ્યાના વ્યાપક અહેવાલો છે કે "એજીઆઈ રિલીઝ કરતા પહેલાં આપણે ચોક્કસપણે એક ભોંયરું બનાવીશું."જોકે, આ કથનમાં "આપણે" શબ્દ કોના માટે વપરાયો હતો તે સ્પષ્ટ નથી.

આ બાબત એક વિચિત્ર હકીકત પર પ્રકાશ પાડે છે. ઘણા અગ્રણી કૉમ્પ્યુટર વિજ્ઞાનીઓ અને ટૅકનૉલૉજી ક્ષેત્રના અગ્રણીઓ પૈકીના કેટલાક એઆઈના ખૂબ જ બુદ્ધિશાળી સ્વરૂપને વિકસાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. એઆઈ એક દિવસ શું કરી શકે તેમ છે, એ વિચારથી તેઓ પોતે પણ ખૂબ ડરતા હોય એવું લાગે છે.

તેથી એજીઆઈ આવશે તો ક્યારે આવશે અને તે સામાન્ય લોકોને ડર છે, તેટલું પરિવર્તનશીલ સાબિત થઈ શકે તેમ છે?

આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સનું 'આપણા ધાર્યા કરતાં વહેલું' આગમન

ટૅકનૉલૉજી અગ્રણીઓએ દાવો કર્યો છે કે એજીઆઈ ટૂંક સમયમાં આવી જશે. ઓપનએઆઈના બૉસ સૅમ ઑલ્ટમૅને ડિસેમ્બર 2024માં કહ્યું હતું, "વિશ્વના મોટાભાગના લોકો વિચારે છે તેના કરતાં એજીઆઈ વહેલું આવશે."

ડીપમાઇન્ડના સહ-સ્થાપક સર ડેમિસ હાસાબિસે ગયા વર્ષે લખ્યું હતું કે તેમની પસંદગીનો શબ્દ "શક્તિશાળી એઆઈ" 2026ની શરૂઆતમાં આપણી સાથે હોઈ શકે છે.

અન્ય લોકોને શંકા છે. સાઉથમ્પ્ટન યુનિવર્સિટીના કૉમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર ડેમ વેન્ડી કહે છે, "તેઓ પોતપોતાની અનુકૂળતા મુજબ વાતો કરતા રહે છે. તેનો આધાર તમે કોની સાથે વાત કરો છો તેના પર હોય છે." અમે ફોન પર વાતો કરી રહ્યા છીએ, પરંતુ તેમની આંખોના હાવભાવ નિહાળી શકું છું.

ડેમ વેન્ડી કહે છે, "વૈજ્ઞાનિક સમુદાય કહે છે કે એઆઈ ટૅકનૉલૉજી અદ્ભુત છે, પરંતુ તે માનવબુદ્ધિની નજીક ક્યાંય નથી."

ટૅકનૉલૉજી કંપની કૉગ્નિઝન્ટના ચીફ ટૅકનૉલૉજી ઑફિસર બાબાક હોજત એ વાત સાથે સંમત થાય છે કે એ પહેલાં અનેક મૂળભૂત બાબતોમાં સફળતા પ્રાપ્ત કરવી જરૂરી બનશે.

વળી, તે એક જ ક્ષણમાં આવવાની શક્યતા ઓછી છે. એઆઈ ઝડપથી આગળ વધતી ટૅકનૉલૉજી છે, તેની યાત્રા ચાલુ છે અને વિશ્વમાં અનેક કંપનીઓ પોતપોતાનાં સંસ્કરણો વિકસાવવા માટે દોડી રહી છે.

જોકે, સિલિકૉન વેલીમાં કેટલાક લોકોને આ વિચાર ઉત્તેજિત કરતો હોવાનું એક કારણ એ છે કે તેને વધુ કંઈક અદ્યતન, એએસઆઈ અથવા આર્ટિફિશ્યલ સુપર ઇન્ટેલિજન્સ ટૅકનૉલૉજીનું પહેલું પગલું માનવામાં આવે છે.

1958માં 'ધ સિંગ્યુલારિટી'ની વિભાગનું મરણોત્તર શ્રેય હંગેરીમાં જન્મેલા ગણિતશાસ્ત્રી જૉન વૉન ન્યૂમૅનને આપવામાં આવ્યું હતું. એ વિભાવના તે ક્ષણનો ઉલ્લેખ કરે છે, જ્યારે કૉમ્પ્યુટર ઇન્ટેલિજન્સ માનવ સમજણની બહાર છે.

ઍરિક શ્મિટ, ક્રેગ મુન્ડી અને સ્વર્ગસ્થ હેનરી કિસિંજર લિખિત 2024ના પુસ્તક 'જેનેસિસ'માં એક સુપર-પાવરફુલ ટૅકનૉલૉજીના આઇડિયાની વિચારણા કરવામાં આવી છે. તે નિર્ણય લેવામાં અને નેતૃત્વ કરવામાં એટલો કાર્યક્ષમ બને છે કે આપણે તેને નિયંત્રણ સંપૂર્ણપણે સોંપી દઈએ છીએ.

આવું થશે કે કેમ તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે આવું ક્યારે થશે, તેઓ દલીલ કરે છે.

નોકરી વગર બધા માટે પૈસા?

એજીઆઈ અને એએસઆઈની તરફેણ કરતા લોકો તેના ફાયદાઓ વિશે લગભગ એક અવાજમાં વાત કરે છે. તે જીવલેણ રોગો માટે નવા ઉપચાર શોધી કાઢશે. આબોહવા પરિવર્તનની સમસ્યાનું નિરાકરણ કરશે અને સ્વચ્છ ઊર્જાનો અખૂટ પુરવઠો શોધી કાઢશે, એવી દલીલ તેઓ કરે છે.

ઍલોન મસ્કે એવો દાવો પણ કર્યો હતો કે સુપર ઇન્ટેલિજન્ટ એઆઈ "સાર્વત્રિક ઉચ્ચ આવક"ના યુગની શરૂઆત કરી શકે છે.

એઆઈ એટલું સસ્તું અને વ્યાપક બનશે કે લગભગ કોઈ પણ વ્યક્તિ (સ્ટાર વોર્સના સંદર્ભમાં) "પોતાના વ્યક્તિગત R2-D2 અને C-3PO હોય તેવું ઇચ્છશે." આ વિચારને ઍલોન મસ્કે તાજેતરમાં સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "દરેક વ્યક્તિને શ્રેષ્ઠ તબીબી સંભાળ, ખોરાક, ઘર, પરિવહન અને બીજું બધું પુષ્કળ પ્રમાણમાં સતત મળતું રહેશે."

અલબત, તેની એક ભયાનક બાજુ પણ છે. આતંકવાદીઓ આ ટૅકનૉલૉજીનું અપહરણ કરી લે અને તેનો ઉપયોગ એક પ્રચંડ હથિયાર તરીકે કરે તો અથવા આ ટૅકનૉલૉજી જાતે નક્કી કરી લે કે વિશ્વની સમસ્યાઓનું કારણ માનવજાત છે અને તે આપણને નષ્ટ કરે તો શું થશે?

વર્લ્ડ વાઇડ વેબના નિર્માતા ટિમ બર્નર્સ લીએ આ મહિનાની શરૂઆતમાં બીબીસી સાથે વાત કરતાં ચેતવણી આપી હતી કે "એ આપણા કરતાં સ્માર્ટ હશે તો આપણે તેને અંકુશમાં રાખવું પડશે."

"આપણે તેને સ્વિચ ઑફ કરવા સક્ષમ બનવું પડશે."

સરકારો કેટલાંક રક્ષણાત્મક પગલાં લઈ રહી છે. અનેક અગ્રણી એઆઈ કંપનીઓ કાર્યરત છે તે અમેરિકામાં રાષ્ટ્રપતિ બાઇડને 2023માં એક ઍક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યો હતો અને કેટલીક કંપનીઓ માટે સલામતી પરીક્ષણનાં પરિણામ સંઘ સરકાર સાથે શૅર કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને ઇનોવેશન માટે "અવરોધ" ગણાવીને કેટલાક આદેશોને રદ કર્યા છે.

દરમિયાન, યુનાઇટેડ કિંગ્ડમમાં ઍડવાન્સ્ડ એઆઈને લીધે સર્જાતાં જોખમોને વધુ સારી રીતે સમજવા માટે સરકારી ભંડોળ વડે સંચાલિત એઆઈ સેફટી ઇન્સ્ટિટ્યૂટ નામની સંશોધન સંસ્થાની સ્થાપના બે વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

એ પછી એવા અતિ-ધનવાન લોકો છે, જેમની પાસે સર્વનાશ સામે વીમાની પોતાની યોજનાઓ છે.

રીડ હૉફમૅને અગાઉ કહ્યું હતું, "તમે ન્યૂઝીલૅન્ડમાં ઘર ખરીદી રહ્યા છો એમ કહેવું કોઈ વિગત આપવાને બદલે એક રીતે આંખ મારવા સમાન છે." ભોંયરાઓ બાબતે કંઈક આવું જ છે, પરંતુ તેમાં એક માનવીય ખામી છે.

એક વખત મારી મુલાકાત એક અબજોપતિના ભૂતપૂર્વ બૉડીગાર્ડ સાથે થઈ હતી. તેમણે પોતાના માટે "બંકર" બનાવ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે કશુંક અણધાર્યું બને તો સલામતી ટીમની સર્વોચ્ચ અગ્રતા તેના બૉસને ખતમ કરીને બંકરમાં પ્રવેશવાની હશે. તેઓ મજાક કરતા હોય એવું લાગતું ન હતું.

એઆઈથી ખરેખર ડરવું જોઈએ?

નીલ લૉરેન્સ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં મશીન લર્નિંગના પ્રોફેસર છે. તેઓ આ સમગ્ર ચર્ચાને બકવાસ ગણાવે છે.

તેઓ દલીલ કરે છે, "આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સનો ખ્યાલ આર્ટિફિશ્યલ જનરલ વેહિકલ જેટલો જ વાહિયાત છે."

"યોગ્ય વાહનનો આધાર સંદર્ભ પર હોય છે. કૅન્યા જવા માટે મેં ઍરબસ એ-350નો ઉપયોગ કર્યો હતો, જ્યારે રોજ યુનિવર્સિટી જવા માટે હું કારનો ઉપયોગ કરું છું. હું કાફેટેરિયામાં ચાલીને જાઉં છું..આ બધું જ કરી શકે એવું કોઈ એક વાહન નથી."

તેમના માટે એજીઆઈની વાત કરવી તે ધ્યાનભંગ સમાન છે.

તેઓ કહે છે, "આપણે જે ટૅકનૉલૉજી બનાવી છે તે પહેલી વાર સામાન્ય માણસોને મશીન સાથે સીધી વાત કરવાની અને તેમને જે જોઈએ છે તે કરવાની સુવિધા આપે છે. તે એકદમ અસાધારણ છે અને સંપૂર્ણપણે પરિવર્તનશીલ છે."

"મોટી ચિંતા એ છે કે આપણે એજીઆઈ વિશેની બિગ ટૅકનૉલૉજીની વાર્તા પર એટલા મોહી પડ્યા છીએ કારણ કે આપણે લોકો માટે વસ્તુઓની વધુ સારી બનાવવાનું ચૂકી ગયા છીએ."

હાલના એઆઈ ટૂલ્સ જંગી ડેટાના આધારે તાલીમ પામેલા છે અને પૅટર્ન સારી રીતે શોધી શકે છે, પછી ભલે તે સ્કૅનમાં ગાંઠનાં ચિહ્નો હોય કે પછી કોઈ ચોક્કસ ક્રમમાં આવવાની શક્યતા હોય તેવો શબ્દ. તેમના પ્રતિભાવો ભલે ગમે તેટલા વિશ્વાસપાત્ર લાગે, પરંતુ તેઓ કશું "અનુભવી" શકતા નથી.

બાબાક હોજત કહે છે, "મોટાં લૅંગ્વેજ મૉડલ(એઆઈ ચૅટબૉટ્સનો પાયો)ની કામ કરવાની એવી ચાલાકીભરી રીત છે કે જાણે તેની મેમરી હોય અને તે શીખતું હોય, પરંતુ તે મનુષ્યો કરતાં ઘણી હલકી ગુણવત્તાવાળા હોય છે."

કૅલિફોર્નિયા સ્થિત IV.AI કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર વિન્સ લિન્ચ પણ એજીઆઈ વિશેની અતિશયોક્તિથી સાવધ છે.

તેઓ કહે છે, "એ ગ્રેટ માર્કેટિંગ છે. તમારી કંપની અત્યાર સુધીની સૌથી સ્માર્ટ વસ્તુ બનાવી રહી હોય તો લોકો તેને ખરીદવા માટે પૈસા ચૂકવશે."

તેઓ ઉમેરે છે, "એ બે વર્ષ પછીની વાત નથી. એ માટે ખૂબ ગણતરી કરવી પડે, પારાવાર માનવ સર્જનાત્મકતાની જરૂર પડે. ઘણી બધી ભૂલો કરવી પડે અને ઘણું બધું શીખવું પડે."

એજીઆઈ ખરેખર ક્યારેય સાકાર થશે કે નહીં, એવું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "મને ખરેખર ખબર નથી."

એઆઈ માણસ કરતાં વધુ બુદ્ધિશાળી બની શકે?

એઆઈએ કેટલીક રીતે પહેલાંથી જ માનવ મગજ પર પ્રભુત્વ મેળવી લીધું છે. એક જનરેટિવ એઆઈ ટૂલ એક જ મિનિટમાં મધ્યયુગીન ઇતિહાસમાં નિષ્ણાત બની શકે છે અને બીજી મિનિટે જટિલ ગાણિતિક સમીકરણો ઉકેલી શકે છે.

કેટલીક ટૅકનૉલૉજી કંપનીઓ કહે છે કે તેમનાં ઉત્પાદનો આ રીતે શા માટે પ્રતિક્રિયા આપે છે તેની તેમને હંમેશાં ખબર હોતી નથી. મેટાના કહેવા મુજબ, તેની એઆઈ સિસ્ટમ જાતે જ સુધરી રહી હોવાના સંકેતો મળ્યા છે.

આખરે મશીનો ભલે ગમે તેટલાં બુદ્ધિશાળી બને, જૈવિક રીતે હજુ મગજનો જ વિજય થઈ રહ્યો છે. તેમાં લગભગ 86 અબજ ન્યુરોન અને 600 ટ્રિલિયન સિનેપ્સ છે, જે તેના આર્ટિફિશ્યલ સમકક્ષો કરતાં ઘણાં વધારે છે.

મગજને ક્રિયા-પ્રતિક્રિયાઓ વચ્ચે થોભવાની જરૂર પડતી નથી અને તે નવી માહિતી સાથે સતત અનુકૂલન સાધતું રહે છે.

બાબાક હોજત કહે છે, "કોઈ બાહ્યગ્રહ પર જીવન મળી આવ્યું છે એવું તમે કોઈ માનવીને કહેશો તો તે તરત જ શીખશે અને તેની ભવિષ્યમાં તેના વૈશ્વિક દૃષ્ટિકોણ પર અસર થશે. મોટાં લૅંગ્વેજ મૉડલ્સની વાત કરીએ તો તમે તેનું એક હકીકત તરીકે પુનરાવર્તન કરતા રહેશો ત્યારે જ તે મૉડેલ્સ તેને જાણશે."

"મોટાં લૅંગ્વેજ મૉડલ્સ પાસે મેટા-કૉગ્નિશન પણ નથી. તેનો અર્થ એ છે કે તેઓ જે કંઈ જાણે છે એ પણ બરાબર જાણતા નથી. માનવીઓમાં આત્મનિરીક્ષણની ક્ષમતા હોય છે. તેને ક્યારેક ચેતના તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ચેતના વડે તેઓ એ સમજી શકે છે કે તેઓ શું જાણે છે."

તે માનવ બુદ્ધિનો એક મૂળભૂત હિસ્સો છે અને પ્રયોગશાળાઓમાં હજુ સુધી તેની નકલ કરી શકાઈ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન