You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AI : એ નોકરીઓ જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છીનવી નહીં શકે
- લેેખક, કેટ મોર્ગન
- પદ, બીબીસી વર્કલાઇફ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અનેક લોકોની નોકરી છીનવી લેશે એવી ચર્ચા ચારેકોર થઈ રહી છે, ત્યારે નિષ્ણાતો કહે છે કે એવાં કેટલાંક કામ જરૂર છે, જે કમસેકમ હમણાં તો કમ્પ્યુટર નહીં જ કરી શકે.
યાંત્રિક લૂમ્સથી માંડીને માઇક્રોચિપ્સ સુધીનાં નવાં મશીનો માણસોની નોકરી છીનવી લેશે એવી ચિંતા ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતથી જ થતી રહી હતી, પરંતુ એ પછીના સમયમાં મોટા ભાગે માણસની મરજી ચાલતી રહી છે.
હવે કેટલાક નિષ્ણાતો કહે છે કે એઆઈની સર્વવ્યાપકતા સાથે માણસોની નોકરી છીનવાઈ જવાનો ખતરો સાચો પડી રહ્યો છે. હવે રોબોટ્સ કેટલાંક કામ ખરેખર કરી રહ્યા છે.
કઈ કઈ નોકરીઓ પર નથી ખતરો?
ગોલ્ડમૅન સાક્સના માર્ચ 2023ના અહેવાલમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે કન્ટેન્ટ જનરેશન માટે સક્ષમ એઆઈ માણસો દ્વારા કરવામાં આવતાં કામ પૈકીનાં 25 ટકા કામ કરી શકે તેમ છે.
સમગ્ર યુરોપિયન યુનિયન અને અમેરિકામાં ઑટોમેશન 30 કરોડ નોકરીઓ ઓહિયાં કરી જશે. તે ભયંકર હોઈ શકે છે, એવું ‘રૂલ ઑફ ધ રોબોટ્સઃ હાઉ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિલ ટ્રાન્સફૉર્મ એવરીથિંગ’ પુસ્તકના લેખક માર્ટિન ફોર્ડે જણાવ્યું હતું.
તેમના કહેવા મુજબ, “આવું માત્ર વ્યક્તિગત રીતે જ નહીં થાય, તે પ્રણાલીગત પણ હોઈ શકે છે. તે કેટલાક લોકો માટે અચાનક અથવા બધા લોકો માટે એક જ સમયે થઈ શકે છે. તેના માત્ર લોકો માટે નહીં, અર્થતંત્ર માટે પણ ગંભીર સૂચિતાર્થો હશે.”
સદ્નસીબે, બધા સમાચાર ખરાબ નથી. નિષ્ણાતો સાવધાનીપૂર્વક ચેતવણી આપે છે કે કેટલીક એવી વસ્તુઓ છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને વિલક્ષણ વિચાર જેવા માનવીય ગુણો સાથેનાં એવાં ઘણાં કામ છે, જે કરવા એઆઈ સક્ષમ નથી. કૌશલ્ય આધારિત કામમાં આગળ વધવાથી નોકરી ગુમાવવાની શક્યતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
ફોર્ડ કહે છે, “નજીકના ભવિષ્યમાં ત્રણ પ્રકારની નોકરીઓ સલામત રહેશે એવું મને લાગે છે. પ્રથમ પ્રકારમાં ખરેખર સર્જનાત્મક હોય તેવાં કામ આવે છે. એવાં કામ જે નિર્ધારિત ફૉર્મ્યુલા મુજબનાં નથી, પરંતુ નવા વિચાર સાથે, નવા સર્જન સાથે સંકળાયેલાં છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો અર્થ એવો બિલકુલ નથી કે ‘સર્જનાત્મક’ ગણાતી તમામ નોકરી સલામત છે. વાસ્તવમાં ગ્રાફિક ડિઝાઇન અને વિઝ્યુઅલ આર્ટ સંબંધી તમામ કામનો વારો પહેલો આવે એ શક્ય છે. બેઝિક અલ્ગોરિધમ્સ લાખો ઇમેજનું વિશ્લેષણ કરવા બોટ્સને નિર્દેશ આપી શકે છે. તેને પગલે એઆઈ એસ્થેટિક્સમાં તત્કાળ નિપુણતા પ્રાપ્ત કરી શકે છે, પરંતુ અન્ય પ્રકારનાં સર્જનાત્મક કામમાં થોડી સલામતી જરૂર છે.
ફોર્ડ કહે છે, “વિજ્ઞાન, મેડિસિન અને કાયદા ક્ષેત્રે નવી કાનૂની વ્યૂહરચના અથવા વ્યવસાયિક વ્યૂહરચના આવી રહી છે. તેમાં માણસોનું સ્થાન યથાવત્ રહેશે એવું મને લાગે છે.”
તેમના જણાવ્યા મુજબ, બીજી સલામત કૅટગરી સુસંસ્કૃત વ્યક્તિગત સંબંધ જાળવવો જરૂરી હોય તેવાં કામની છે. નર્સીસ, બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો તરફ ઇશારો કરતાં તેઓ કહે છે, “આવાં કામમાં લોકોની બહુ ઊંડી સમજ જરૂરી છે. સંબંધ કેળવી શકાય એ રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતા એઆઈને લાંબો સમય લાગશે એવું હું માનું છું.”
ફોર્ડના કહેવા મુજબ, “ત્રીજો સેફ ઝોન એવી નોકરીઓ છે, જેમાં ઘણી ગતિશીલતા, દક્ષતા અને અણધાર્યા સંજોગોમાં સમસ્યા નિવારણની આવડત જરૂરી હોય. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર્સ, વેલ્ડર્સ અને તેના જેવા અન્ય લોકો આ કૅટગરીમાં આવે છે.”
ફોર્ડ ઉમેરે છે, “આ બધાં કામોમાં દરેક વખતે નવી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવાનું હોય છે. તેનું ઑટોમેશન કરવાનું કદાચ સૌથી વધારે મુશ્કેલ છે. આવાં કામના ઑટોમેશન માટે સાયન્સ ફિક્શનના રોબોટ્સની જરૂર પડે. સ્ટાર વોર્સના સી-3પીઓની જરૂર પડે.”
આ પ્રકારનાં કામ કરતા લોકોની નોકરી એઆઈની યુગમાં સંપૂર્ણપણે સલામત રહેશે એવું નથી. અમેરિકાની બફેલો યુનિવર્સિટી ખાતે શ્રમ અર્થશાસ્ત્રના ઍસોસિએટ પ્રોફેસર જોઆન સોંગ મેકલોફલિનના જણાવ્યા મુજબ, ઉદ્યોગ ભલે ગમે તે હોય, પરંતુ મોટાભાગનાં કામ ટેકનૉલૉજી દ્વારા સ્વચાલિત થાય તેવી શક્યતા છે.
- આર્ટિફિશિયલ ઇન્જેલિજન્સ ક્ષેત્રે થઈ રહેલાં વિકાસ અને સંશોધનોને કારણે પાછલા અમુક સમયથી ઘણા લોકોમાં નોકરીઓને લઈને ચિંતા પેદા થઈ છે
- પાછલા અમુક સમયથી એવું કહેવાઈ રહ્યું છે કે નવી ટેકનૉલૉજીના વિકાસ સાથે અમુક કામ માટે મનુષ્યની જરૂરિયાત નહીં રહે
- પરંતુ આ ભય બધાં કામો કે કૌશલ્યો બાબતે યોગ્ય છે? આ અંગે નિષ્ણાતો કેવો અભિપ્રાય વ્યક્ત કરે છે?
એઆઈ સંપૂર્ણપણે હાવી થઈ શકશે?
સોંગ મેકલોફલિન કહે છે, “ઘણા કિસ્સામાં નોકરીઓ પર તત્કાળ કોઈ ખતરો નથી, પરંતુ કામમાં જરૂર ફેરફાર થશે. હ્યુમન જૉબ વ્યક્તિગત કૌશલ્ય પર વધારે કેન્દ્રીત થશે. દાખલા તરીકે, માણસ કરતાં એઆઈ કૅન્સરનું નિદાન વધુ સારી રીતે કરે તેવી કલ્પના કરવી શક્ય છે. હું ધારું છું કે ભવિષ્યમાં ડૉક્ટરો એ નવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરશે, પરંતુ ડૉક્ટરોની ભૂમિકા જ સદંતર બદલાઈ જશે એવું હું માનતી નથી.”
તેમનાં જણાવ્યા મુજબ, રોબોટ કૅન્સરનું નિદાન વધુ સારી રીતે કરી શકે, પરંતુ મોટા ભાગના લોકોને આ બાબતમાં ડૉક્ટરનો, વાસ્તવિક વ્યક્તિનો અભિપ્રાય જાણવાનું પસંદ છે. લગભગ તમામ નોકરીઓ સંદર્ભે આ સાચું છે. તેથી તેવાં માનવીય કૌશલ્ય વિકસાવવાથી લોકોને એઆઈ સાથે કામ કરવામાં બહુ મદદ મળશે.
સોંગ મેકલોફલિન કહે છે, “મારા કામમાંથી શું બદલાશે અથવા મારું કયું કામ કમ્પ્યુટર કે એઆઈ વધુ સારી રીતે કરી શકશે અને મારામાં કેટલું પૂરક કૌશલ્ય છે, તે વિચારવું ખરેખર સલાહભર્યું છે.”
તેમના જણાવ્યા મુજબ, બૅન્ક ટેલર્સે પૈસા ગણતી વખતે અત્યંત સાવધ રહેવું પડતું હતું. હવે તે કામ સ્વચાલિત થઈ ગયું છે. છતાં ટેલરનું સ્થાન યથાવત્ છે.
તેઓ કહે છે, “પૈસા ગણવાનું કામ, મશીનને કારણે જૂનું-પુરાણું થઈ ગયું છે, પરંતુ બૅન્ક ટેલર્સ હવે ગ્રાહકો સાથે જોડાવા અને નવી પ્રોડક્ટ્સ વિશે માહિતગાર કરવા પર વધારે ફોકસ કરે છે. સામાજિક કૌશલ્ય વધારે મહત્ત્વનું બની ગયું છે.”
ઉચ્ચ અભ્યાસ અથવા મોટા પગારવાળી નોકરી એઆઈના યુગમાં સલામત નહીં હોય એ યાદ રાખવું જરૂરી છે, એમ જણાવતાં ફોર્ડ કહે છે, “આજીવિકા માટે કાર ડ્રાઇવિંગનું કામ કરતી વ્યક્તિ કરતાં વ્હાઇટ-કૉલર જોબ કરતી વ્યક્તિનું કામ વધારે સારું છે એવું આપણને લાગે, પરંતુ ઉબરના ડ્રાઇવર કરતાં વ્હાઇટ-કૉલર જોબ કરતી વ્યક્તિ પર જોખમ વધારે છે, કારણ કે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર આજે પણ ઉપલબ્ધ નથી. એઆઈ રિપોર્ટ્સ જરૂર લખી શકે છે. ઘણા કિસ્સામાં ઓછા શિક્ષિત કર્મચારીઓ કરતાં શિક્ષિત કર્મચારીઓ પર જોખમ હશે. હોટલમાં રૂમ સાફ કરવાનું કામ કરતી વ્યક્તિ વિશે વિચારો. એ કામને ઑટોમેટ કરવાનું ખરેખર મુશ્કેલ છે.”
ટૂંકમાં એઆઈને કારણે નોકરી ગૂમાવવાને બદલે ગતિશીલ, અણધાર્યા કામ કરવાં પડે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાનું કૌશલ્ય પ્રાપ્ત કરવું ઇચ્છનીય છે. કમસેકમ થોડા સમય માટે તો ઇચ્છનીય છે જ.