ટીપુ સુલતાનઃ રૉકેટ ટેક્નોલૉજી, વ્યાજમુક્ત બૅન્કો અને ખાંડ મિલોથી માંડીને શસ્ત્રો ઉત્પાદન સુધી

    • લેેખક, સરફરાઝ અહમદ
    • પદ, ઇતિહાસ સંશોધક

લંડનની લીડેનહૉલ સ્ટ્રીટ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું વડુંમથક હતું. ટીપુ સુલતાન હયાત હતા ત્યાં સુધી લીડેનહૉલ સ્ટ્રીટ માટે મૈસૂર ભારતનું મહત્ત્વનું કેન્દ્ર હતું. મૈસૂરે કંપનીના અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું, એવો મત જાણીતા ઇતિહાસકાર બી. શેખ અલીએ વ્યક્ત કર્યો છે.

બી. શેખ અલીના આ નિવેદનનો અર્થ કેટલીક ઘટનાઓ તથા સમકાલીન દસ્તાવેજોને આધારે સ્પષ્ટ કરી શકાય.

ટીપુ સુલતાને તેમની રાજકીય નીતિમાં સામાન્ય લોકોને સમાવી લેવાનો અભિગમ અપનાવ્યો હતો. તેમણે વેપાર દ્વારા સામાન્ય માણસોની પ્રગતિની યોજના બનાવી હતી. ભારતમાં ઉત્પાદન અને વૈશ્વિક બજાર પર તેમની નજર હતી.

તેમણે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને વિદેશી વેપારીઓના બહિષ્કારનો આદેશ કાલિકટના ફોજદારને આપ્યો હતો.

એ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે “અંગ્રેજ વેપારીઓને કોઈ માલ વેચવો નહીં કે તેમની પાસેથી કોઈ માલ ખરીદવો નહીં, તેવી સૂચના તમારે સ્થાનિક લોકોને તથા વેપારીઓને આપવાની છે. તેથી અહીં અંગ્રેજ વેપારીઓ ટકી શકશે નહીં.”

વિશ્વભરમાં કૃષિપેદાશોના વેચાણ માટે ટ્રેડિંગ કંપનીની સ્થાપના

ટીપુ સુલતાને માત્ર વિદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ અટકાવ્યો ન હતો, પરંતુ સામાન્ય ખેડૂતોને વૈશ્વિક બજાર બાબતે જાગૃત પણ કર્યા હતા. ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરીને તેમાં ખેડૂતોને સમાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ કંપનીમાં રોકાણ કરવાની હાકલ લોકોને કરી હતી.

કંપની માટે બહાર પાડેલા હુકમનામામાં જણાવવામાં આવ્યું હતું કે “ધર્મ કે જાતિના ભેદભાવ વિના તમામ નાગરિકોને વેપાર તથા નફામાં ભાગીદાર બનવાનો આદેશ સલ્તનત-એ-ખુદાદાદ દ્વારા આપવામાં આવે છે. જે નાગરિક પાંચથી 500 ઇમામી સુધીનું રોકાણ વેપાર માટે કરશે તેને વર્ષના અંતે એક ઇમામી સામે અર્ધી ઇમામી લેખે વળતર આપવામાં આવશે એટલે કે મૂળ રોકાણ સામે 150 ટકા નફો. જે વ્યક્તિ 500થી 5,000 ઇમામીનું રોકાણ કરશે તેને 25 ટકા અને 5,000થી વધુ ઇમામીનું રોકાણ કરશે તેને 12.5 ટકા નફો ચૂકવવામાં આવશે.”

આનો અર્થ એવો થાય કે ટીપુ સુલતાન ગરીબોને આર્થિક રીતે સક્ષમ કરીને રાજ્યમાં આર્થિક સમાનતા સ્થાપિત કરવા ઇચ્છતા હતા.

ટીપુ સુલતાને મસ્કત, બહેરીન, કતાર, ઇરાક, ઈરાન અને તુર્કી સહિતના વિશ્વના ઘણા દેશોમાં પોતાનાં વેપારકેન્દ્રો સ્થાપ્યાં હતાં.

મૈસૂરમાં તેમની કંપનીના એજન્ટો દ્વારા માલ એકઠો કરવામાં આવતો હતો અને તેનું પ્રોસેસિંગ કર્યા બાદ એ માલ મોટાં જહાજોમાં ભરીને વિશ્વ બજારમાં મોકલવામાં આવતો હતો અને તેનું વેચાણ કરવામાં આવતું હતું. કંપની તથા મૈસૂરના ખેડૂતોને તેનાથી વધુ ફાયદો થતો હતો.

મૈસૂરને બનાવ્યું સિલ્ક સિટી

વૈશ્વિક બજારની જરૂરિયાતનો તાગ મેળવીને ટીપુએ ઘણા વિદેશી પાક ભારત લાવવાના પ્રયાસ કર્યા હતા. ટીપુએ એ પાક લેવા માટે મૈસૂરમાં સંશોધનકેન્દ્ર શરૂ કર્યુ હતું. લાલબાગ નામની કૃષિ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. એ પ્રયોગશાળામાં પ્રથમ પાક લેવામાં આવતો હતો અને બાદમાં ખેડૂતોને બિયારણનું વિતરણ કરવામાં આવતું હતું.

કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરતા અનેક કારખાનાં ટીપુએ શરૂ કરાવ્યાં હતાં. તેઓ વિશ્વના જુદા-જુદા ભાગમાંથી રેશમના કીડા લાવ્યા હતા અને તેને ઉછેરવાનું શરૂ કર્યું હતું. એ જ કારણે મૈસૂર વિશ્વમાં સિલ્ક સિટી તરીકે ખ્યાતિ પામ્યું હતું.

ઇતિહાસ સંશોધક અને પ્રસિદ્ધ લેખક ઇરફાન હબીબ કહે છે, “ટીપુની દૂરંદેશીનું એક ઉદાહરણ મૈસૂરમાં રેશમના ઉત્પાદનની શરૂઆત છે, જે બાદમાં એક યશસ્વી ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યું હતું. શેતૂરનાં વૃક્ષો વાવવાની જવાબદારી ચોક્કસ ખેડૂતો અને તાલુકેદારોને સોંપવામાં આવી હતી. રેશમના કીડાના ઉછેર તથા જાળવણી માટે રાજ્યમાં 21 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી.”

ખાંડ ઉત્પાદનની સ્પર્ધામાં વિશ્વમાં નંબર વન

શ્રીરંગપટ્ટનમ નજીકના પલાહલ્લી અને ચિન્નાપટ્ટનમમાં ખાંડની બે મિલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ પૈકીની એક મિલનું નામ શ્રી અષ્ટગ્રામ શુગરમિલ્સ હતું અને તેમાં ઉત્પાદિત ખાંડ વિશ્વ બજારમાં પહોંચાડવામાં આવતી હતી.

વૈશ્વિક સ્તરે યોજાતી ખાંડ સ્પર્ધામાં ટીપુના ખાંડ કારખાનાની ખાંડ 1803 સુધી પ્રથમ ક્રમે હતી.

રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ટીપુએ મહત્ત્વના ઘણા નિર્ણય લીધા હતા. તેમણે કાઝીઓને આપેલા આદેશો પણ બહુ મહત્ત્વના છે.

એ આદેશોમાં તેમણે જણાવ્યું હતું કે “કાઝીઓએ તેમના પ્રદેશમાં વસ્તીગણતરીની છે અને પુરુષો, સ્ત્રીઓ તથા બાળકો વિશેની તમામ માહિતી એકત્ર કરવાની છે. તેમની આવકનો સ્રોત શું છે એ પણ જાણવાનું છે. કોઈ બેરોજગાર હોય તો તેને સરકાર તરફથી 50-100 રૂપિયાની આવક થાય તેવો રોજગાર આપવાનો છે. ખેડૂતે કોઈ કારણસર ખેતી છોડી દીધી હોય, બેરોજગાર થઈ ગયા હોય તો તેવા દરેક ખેડૂતને બે હળ તથા બળદ સાથે ખેતીના ખર્ચ માટે 20-30 રૂપિયા આપવાના છે.”

‘ખેતી કરે તેને કરમાફી’

એ સિવાય ટીપુ સુલતાને કાવેરી નદી પર માહી ડૅમ બનાવવાની યોજના ઘડી હતી. એ ડૅમના પાણીનો ઉપયોગ કરીને જે ખેડૂત ખેતી કરશે તેનો કર માફ કરવામાં આવશે, તેવી જાહેરાત ડૅમના શિલાલેખમાં કરવામાં આવી હતી.

શિલાલેખનો એ પથ્થર 1911માં કૃષ્ણરાજસાગર ડૅમના નિર્માણ માટે ખોદકામ કરતી વખતે મળી આવ્યો હતો. તેમાં 12 જૂન, 1798ની તારીખ નોંધાયેલી છે. શિલાલેખનો તે પથ્થર કૃષ્ણરાજસાગર ડૅમના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યો છે.

ટીપુ સુલતાને રાજ્યમાં વ્યાજમુક્ત બૅન્કોની સ્થાપના કરી હતી. એ બૅન્કો દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. એ ઉપરાંત બૅન્કો ખેડૂતોને બકરીઓ તથા જરૂરિયાતની અન્ય ચીજો પણ પૂરી પાડતી હતી.

અત્યાધુનિક શસ્ત્રોનું ઉત્પાદન

હૈદરઅલી અને ટીપુ સુલતાન બન્નેએ મૈસૂરના સૈન્યને આધુનિક બનાવવાના પ્રયાસ કર્યા હતા. ફ્રેન્ચ અને અન્ય સાથીઓની મદદ વડે મૈસૂરમાં યુરોપિયન શસ્ત્રોના ઉત્પાદનની યોજના બનાવવામાં આવી હતી. ટીપુ સુલતાને અનેક નવાં શસ્ત્રો પણ બનાવ્યાં હતાં.

ટીપુ સુલતાને 1787માં ફ્રાન્સમાંના પોતાના રાજદૂતોને મૈસૂરના કારખાનામાં બનેલી બંદૂકો સાથે લઈ જવા જણાવ્યું હતું. મૈસૂરમાં આવી બંદૂકોનું ઉત્પાદન કરતી દસ ફેક્ટરી છે અને તેમાં હજારો બંદૂકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એ વાત ફ્રાન્સના રાજાને ખાસ જણાવવાનું રાજદૂતોને કહેવામાં આવ્યું હતું.

ઇરફાન હબીબે લખ્યું છે, “ટીપુના કારીગરોએ બનાવેલી બંદૂકો જોઈને પોંડિચેરીના તત્કાલીન ગવર્નર કોસિનીએ 1786માં કહ્યું હતું કે આ બંદૂકોની ગુણવત્તા યુરોપીયન બંદૂકો કરતાં ઘણી સારી છે. ફ્રાન્સના લુઇ સોળમાને 1788માં આ બંદૂકો ભેટ આપવામાં આવી ત્યારે તેમણે પણ સમાન અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.”

ટીપુએ શસ્ત્ર ફેક્ટરીઓની ઉત્પાદનક્ષમતા વધારવા માટે વિવિધ પ્રયોગ કર્યા હતા. કર્નલ કર્ક પેટ્રિકે ટીપુ સુલતાનના ઘણા પત્રોનું ભાષાંતર કર્યું છે. એ પત્રોમાં ટીપુના જુદા જુદા પ્રયોગોની માહિતી આપવામાં આવી છે.

તેઓ લખે છે, “શ્રીરંગપટ્ટનમની ગન ફેક્ટરીમાં નિર્મિત બંદૂકો પાણીના દબાણ વડે ચલાવવામાં આવતી હતી. તે ફેક્ટરીમાં એક એવું મશીન હતું, જે સંપૂર્ણપણે પાણીથી ચાલતું હતું. એ મશીન દ્વારા બંદૂકો તથા તોપના બેરલમાં કાણાં પાડવામાં આવતાં હતાં. ટીપુએ અનેક યંત્રો બનાવ્યાં હતાં, જેમાં ઘડિયાળો, રમકડાં વગેરેનો પણ સમાવેશ થાય છે. ટીપુએ બનાવેલું એક ઑટોમેટિક રમકડું આજે પણ અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એ રમકડામાં ચાવી ભર્યા બાદ તેમાંનો વાઘ ગર્જના કરતો હતો અને તેનાથી અંગ્રેજ સૈનિકો ડરી જતા હતા.”

રૉકેટ ટેક્નોલૉજી

ભારતમાં તોપનો ઉપયોગ તુર્કોએ શરૂ કર્યો હતો. અકબરના શાસનકાળમાં રૉકેટનો ઉપયોગ શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. રૉકેટનું નિર્માણ અગાઉ થયું હતું, પરંતુ ટીપુ સુલતાને વિકસાવેલી રૉકેટ ટેક્નોલૉજી સૌથી અદ્યતન હતી.

એ પહેલાં 100 મીટરથી વધુના અંતરે વિસ્ફોટ કરી શકાય તેવા એકેય હથિયારનો ઉપયોગ ભારતમાં કે વિશ્વમાં ક્યાંય થયો ન હતો.

ટીપુની આ રૉકેટ ટેક્નોલૉજી બાબતે માહિતી આપતાં ડૉ. શિવ ગજરાનીએ લખ્યું છે, “ટીપુએ તેમના પુસ્તક ફતુહાત-એ-મુજાહિદ્દીનમાં રૉકેટ વિશે લખ્યું હતું. તેમની પાસે રૉકેટ ચલાવવાની તાલીમ પામેલા 200 સૈનિકોની ટુકડી હતી. તેને કુશુન બ્રિગેડ કહેવામાં આવતી હતી. ટીપુએ બનાવેલા રૉકેટની લંબાઈ 11/2-3 વ્યાસ હતી. લોખંડની નળીઓ વડે રૉકેટ બનાવવામાં આવતા હતા. 100 મીટર દૂર ગયા બાદ એ રૉકેટમાં જોરદાર વિસ્ફોટ થતો હતો. 1792ની 6 ફેબ્રુઆરીએ તે રૉકેટ કાવેરીની દક્ષિણે બ્રિટિશ દળો પર છોડવામાં આવ્યું હતું. મૈસૂર કબજે કર્યા પછી અંગ્રેજોને 600 રૉકેટ લૉન્ચર, 700 તૈયાર રૉકેટ અને 9,000 ખાલી રૉકેટ મળી આવ્યાં હતાં.”

એ જ રૉકેટનો ઉપયોગ બાદમાં નેપોલિયન સામેના યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. એ રૉકેટને કારણે નેપોલિયનનો પરાજય થયો હોવાનું ઇલિયાસ નદવીએ જણાવ્યું છે.

શિપ બિલ્ડિંગ અને શસ્ત્રો

ટીપુ સુલતાને વિશ્વમાં સૌથી સારી રીતે સૈન્યની રચના કરી હતી. ટીપુએ લખેલા ફતુહાત-એ-મુજાહિદ્દીન પુસ્તકમાં તેની વિગતવાર માહિતી મળે છે.

ટીપુએ સૈનિકો તથા અધિકારીઓના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમને યોગ્યતા અનુસાર જવાબદારી સોંપી હતી.

ટીપુને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બહુ જ રસ હતો. તેથી પોતાના સૈનિકોને વિશ્વની કેટલીક ભાષાનું જ્ઞાન આપવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ માટે આધુનિક જહાજોનું નિર્માણ પણ કર્યું હતું.

ટીપુ સુલતાનના સૈન્યમાં 10,000 સૈનિકો કાર્યરત હતા. ટીપુએ 1796માં 40 લશ્કરી જહાજના નિર્માણનો આદેશ આપ્યો હતો. જમાલાબાદ, વાજિદાબાદ અને મજિદાબાદ એમ ત્રણ બંદરે ટીપુનાં જહાજ કાર્યરત હતાં. જમાલાબાદમાં 12, જ્યારે અન્ય બે બંદરે 14-14 જહાજ હતાં.

ઇરફાન હબીબ લખે છે, “પ્રત્યેક લશ્કરી જહાજ પર 346 લોકોની નિમણૂક કરવામાં આવી હતી. 20 લશ્કરી જહાજ પર 6920 લોકો કાર્યરત હતા. એ લોકોને પાંચ મુખ્ય શ્રેણીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તેમાં બંદૂક ચલાવનારા, તોપચી, નાવિક, કારીગર શર્બશરાન, મશકવાદક, શરણાઈવાદક, લેફ્ટનન્ટ, સેકન્ડ લેફ્ટનન્ટ, જમાદાર અને સિપાહીઓનો સમાવેશ થતો હતો.”

ટીપુનું શસ્ત્રાગાર એકદમ અદ્યતન હતું અને પ્રશિક્ષિત સૈનિકો પર આધારિત હતું.

આરોગ્ય સેવા

ટીપુ શસ્ત્રાગારના સૈનિકોને જ નહીં, પરંતુ પાયદળ અને અશ્વદળના સૈનિકોને પણ ખાસ તાલીમ અપાવતા હતા અને તેમની કવાયતમાં વ્યક્તિગત રીકે ભાગ લેતા હતા.

તેમણે સૈનિકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપ્યું હતું. પોતે તબીબી ક્ષેત્રના અભ્યાસુ હોવાને કારણે તેમણે અનેક સૈનિકોની સારવાર કરી હોવાનું જણાવતા પત્રો ઉપલબ્ધ છે.

ટીપુએ 1786ની 24 મેએ લખેલા એક પત્રમાં નોંધવામાં આવ્યું છે કે તેમણે દોલત ખાન નામના એક અધિકારીને પથરીની સારવાર માટે કઈ દવાઓ મોકલી હતી. એ સિવાય 1785ની 12 સપ્ટેમ્બરના પત્રમાં કૂતરો કરડે પછીની સારવાર તથા દવાઓની વિગત આપવામાં આવી છે.

ટીપુએ જામિયા અલ ઉમુર નામની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. તેમાં તેમણે યુનાની પ્રયોગશાળી શરૂ કર્યાની માહિતી પણ મળે છે.

ઉપરાંત વિશેષ તબીબી શિક્ષણ માટે યુરોપિયન સર્જનોને કામ પર રાખવામાં આવ્યા હતા. શાહી દવાખાનાંઓમાંથી સામાન્ય નાગરિકોને પણ દવાઓ મળી શકે તેવી વ્યવસ્થા ટીપુ સુલતાને સમગ્ર રાજ્યમાં ઊભી કરી હતી.

યુરોપમાં બૅરોમીટર નામના એક ઉપકરણનો ઉપયોગ થર્મોમીટર સ્વરૂપે કરવામાં આવતો હતો. તેના વિશેનું એક પુસ્તક લંડનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ટીપુએ 1786ની 28 ડિસેમ્બરે લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે “યુરોપમાં બૅરોમિટર વિશેનું એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. એક નિશ્ચિત વાતાવરણમાં બૅરોમીટરનો પારો ચોક્કસ ડિગ્રી સુધી પહોંચે છે. તેના પર કોઈ દર્દી હાથ મૂકે તો તેની બીમારીનો તબક્કો જાણવા મળી શકે. એ પુસ્તકનું ફારસી ભાષામાં ભાષાંતર કરીને મોકલશો.”

સમય જતાં ટીપુએ તે બૅરોમીટરના કેટલાક નમૂના મગાવ્યા હતા. એ સિવાય ટીપુએ રક્તશુદ્ધીની પ્રક્રિયા હિજામાની જાણકારી આપીને તેમને ગંભીર બીમારીમાંથી છુટકારો અપાવ્યો હોવાની માહિતી એક અન્ય પત્રમાંથી મળે છે.

ટીપુનું પુસ્તકાલય, પુસ્તકોનું લેખન

ટીપુ સુલતાન ઉત્તમ વાચક હતા. તેની ખાતરી તેમની પર્સનલ લાઈબ્રેરી પર નજર ફેરવતાં થાય છે.

1799માં ટીપુ સુલતાનના શાસનના પતન પછી અંગ્રેજોએ તેના મહેલમાં લૂંટ કરી હતી. એ વખતે ટીપુનું પુસ્તકાલય તેમના ધ્યાનમાં આવ્યું હતું. અંગ્રેજોએ તે પુસ્તકો કબજે કરીને કોલકાતા મોકલી આપ્યાં હતાં. એ પુસ્તકોને ફોર્ટ વિલિયમ કૉલેજ અને એશિયાટિક સોસાયટીમાં રાખવામાં આવ્યાં હતાં.

કાળાંતરે ફોર્ટ વિલિયમ કૉલેજ બંધ થયા પછી એ ગ્રંથો કેમ્બ્રિજ તથા ઑક્સફોર્ડ યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવ્યાં હતાં અને એ આજે પણ ત્યાં જ છે.

ચાર્લ્સ સ્ટુઅર્ટે ટીપુના ગ્રંથાલય વિશે 1809માં ‘ડિસ્ક્રિપ્ટિવ કેટલૉગ ઑફ ધ ઓરિએન્ટલ લાઈબ્રેરી ઑફ ધ લેટ ટીપુ સુલતાન ઑફ મૈસૂર’ નામનું પુસ્તક લખ્યું હતું.

ભવ્ય પુસ્તકાલય ઉપરાંત ટીપુ સુલતાને અનેક વિદ્વાનને આશ્રય પણ આપ્યો હતો. તેઓ તેમની સાથે સૂફી સાહિત્ય, અરબી કવિતા, તુર્કી તથા ઇરાની કવિતા, કુરાન તેમજ ફિલસૂફી જેવા અનેક વિષયોની ચર્ચા કરતા હતા.

ટીપુ સુલતાને પોતે વિદ્વાનોની મદદથી અનેક પુસ્તકો લખ્યાં હતાં. કેટલાક વિષયો અન્યને સૂચવીને તેનાં પુસ્તકો લખાવ્યાં હતાં.

જેકોબિયન ક્લબની સ્થાપના

ફ્રાન્સમાંથી પ્રેરણા લઈને ટીપુ સુલતાને 1797માં શ્રીરંગપટ્ટનમ ખાતે જેકોબિયન ક્લબની સ્થાપના કરી હતી. તેમાં ફ્રાન્સ તથા સિટીઝન ઑફ ટીપુ વચ્ચેની મૈત્રીસંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ ઘટનાને આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક રાજ્ય બનાવવા માટેના પ્રયાસોમાં મહત્વની માનવામાં આવે છે, એવું શિવ ગજરાણીએ જણાવ્યું હતું.

ઇરફાન હબીબ કહે છે, “સિટીઝન ઑફ ટીપુ ગણરાજ્યનું ધ્વજારોહણ કરીને 2300 તોપની સલામી આપવામાં આવી હતી. આઝાદીનું બીજ વાવવામાં આવ્યું હતું. એ ઘટના ભારતની ધરતી પર સ્વતંત્રતા અને સમાનતાની ઘોષણા તરીકે કાયમ યાદ રાખવામાં આવશે.”

ટીપુનું રાજ્ય ઉત્તરોતર આધુનિકીકરણ તરફ આગળ ધપી રહ્યું હતું. તેઓ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર ઝીણી નજર રાખીને પોતાની નીતિઓ ઘડતા હતા. સૈન્યમાં ફેરફાર કરતા હતા.

સામાન્ય લોકોમાં વિશ્વાસ જગાવીને તેમણે નવી આશા આપી હતી. એ જ કારણસર ટીપુનું શાસન લીડનહૉલ સ્ટ્રીટ પરના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હેડક્વાર્ટર માટે માથાનો દુખાવો બન્યું હતું.

તેથી 1799ની ચોથી મેએ ટીપુ સુલતાનની હત્યા પછી વર્ષ 1800માં અંગ્રેજોએ એક સમારંભ યોજીને જાહેરાત કરી હતી કે હવે ભારત અમારું છે.

(સરફરાઝ અહમદ મધ્યકાલીન ડેક્કન ઇતિહાસના વિદ્વાન અને ગાઝીઉદ્દીન રિસર્ચ સેન્ટર, સોલાપુરના સભ્ય છે)