એ બે નાગરિક, જે ભારતનો ચોરાયેલો ખજાનો પાછો મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે

    • લેેખક, ચારુકેશી રામદુરાઈ
    • પદ, બીબીસી કલ્ચર

અંગ્રેજોના શાસન દરમિયાન લૂંટી જવાયેલી અથવા દાણચોરી દ્વારા પરદેશ મોકલાયેલી પ્રાચીન વસ્તુઓને કારણે ભારતે તેના મહાન વારસાનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એ સામગ્રી પાછી લાવવાનું કામ હવે બે નાગરિક કરી રહ્યા છે.

રાજા ચાર્લ્સ તૃતીયના રાજ્યાભિષેકની તારીખ નજીક આવી રહી છે, ત્યારે ભારતની નજર લાંબા સમયથી રાણીના સહચર પર, ખાસ કરીને તેમના તાજ પર છે.

વિવાદાસ્પદ કોહિનૂર હીરો જેના પર જડવામાં આવ્યો છે તે ક્વીન મેરી ક્રાઉન રાણી પહેરશે કે નહીં? એ તાજ હાલ ટાવર ઑફ લંડન ખાતેના રૉયલ કલેક્શનનો હિસ્સો છે.

બધાને આશ્ચર્ય થતું હોય તો જાણી લો કે રાણી એ તાજ પહેરવાનાં નથી, એ વાતની પુષ્ટિ બકિંઘહામ પૅલેસે કરી છે.

આ બાબતે શાહી નિવાસસ્થાન બકિંઘહામ પૅલેસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ભારત સાથે રાજદ્વારી સમસ્યા સર્જાવાની ચિંતા હતી, કારણ કે કોહિનૂર હીરો પોતાની સત્તાવાર માલિકીનો હોવાનો દાવો ભારત લાંબા સમયથી કરતું રહ્યું છે.

કોહિનૂર સાથેનો તાજ નહીં પહેરવાના નિર્ણયને, તે ભારતની માલિકીનો છે એવું માનતા લોકોના તૃષ્ટીકરણના સંકેત તરીકે પણ જોવામાં આવે છે.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે હીરો 1849માં પંજાબ પ્રાંત કબજે કર્યો, ત્યારે જપ્ત કર્યો હતો અને રાણી વિક્ટોરિયાને સમર્પિત કર્યો હતો.

કોહિનૂરનો સૌપ્રથમ લેખિત રેકૉર્ડ 1628નો છે. ભારત સરકાર અને ભારતીય નાગરિકો તે પરત કરવાની માગણી સતત કરતા રહ્યા છે. તેથી એ હીરો ભારત અને તેના ભૂતપૂર્વ અંગ્રેજ શાસકો વચ્ચેની કટુતાનું કારણ લાંબા સમયથી બની રહ્યો છે.

મિન્ટ નામના અખબારમાં પ્રકાશિત એ લેખમાં તેની સ્પષ્ટ સમજ આપવામાં આવી છે. તે મુજબ, “કોહિનૂર હીરા બાબતે મુખ્ય વિવાદ એ છે કે તે ભારતની ભેટ હતો, એવી છાપ અંગ્રેજોની યુવા પેઢીમાં છે, પરંતુ એ હીરાના હસ્તગત કરવા પહેલાંના હિંસક ઇતિહાસનો કોઈ સત્તાવાર ઉલ્લેખ નથી.”

કોહિનૂર બાબતે નવેસરથી સર્જાયેલા વિવાદને પગલે ચમકતા પથ્થરો જ નહીં, પરંતુ પશ્ચિમી શાસકો દ્વારા તેમના 100થી વધુ વર્ષના વેપાર અને શાસનકાળમાં છીનવી લેવાયેલા અન્ય તમામ સંસાધનો બાબતે પણ સવાલ ઊઠવા લાગ્યા છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પ્રકાશિત એક લેખનું શીર્ષક કહે છે, “હીરો રાખી લો, બાકીનું બધું પાછું આપો.”તેમાં જે ‘બાકી’ની વાત છે એ અમૂલ્ય સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, જેના વિશે ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટને વધુ ચિંતા છે.

વિશ્વભરના જાહેર સંગ્રહાલયો અને ખાનગી સંગ્રાહકો પાસેથી ચોરી જવાયેલી અથવા દાણચોરી વડે લઈ જવાયેલી આ પ્રાચીન કલાકૃતિઓ (ખાસ કરીને મૂર્તિઓ) પાછી મેળવવા માટે શિપિંગ એક્ઝિક્યુટિવ એસ વિજયકુમાર અને સરકારી નીતિના નિષ્ણાત અનુરાગ સક્સેના દ્વારા ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ નામની નાગરિક ચળવળ 2013માં શરૂ કરવામાં આવી હતી.

કલાકૃતિઓ પાછી મેળવવાના કામમાં એસ વિજયકુમાર એક દાયકા કરતાં વધુ સમયથી મદદ કરતા રહ્યા છે.

વિવિધ ક્ષેત્રના અનામ સ્વયંસેવકોની નાની વૈશ્વિક ટીમ સાથે મળીને આ બન્ને ઑસ્ટ્રેલિયા, સિંગાપુર, જર્મની, યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકા જેવા દેશોમાંથી અબજો રૂપિયાની પ્રાચીન કલાકૃતિઓ ભારત પાછી લાવ્યા છે.

સુભાષ કપૂર નામના એક આર્ટ સ્મગલર દ્વારા ચોરવામાં આવેલી 22 લાખ ડૉલરની પ્રાચીન કલાકૃતિઓ મૂળ ક્યાંની છે તેની તપાસમાં આ બન્નેએ મદદ કરી હતી અને તેનાથી પ્રેરિત થઈને ઑસ્ટ્રેલિયાની નેશનલ ગૅલરીએ તે વસ્તુઓ ભારત સરકારને પાછી આપી હતી.

આ ઘટનાને કારણે એ બન્ને તાજેતરમાં સમાચારમાં ચમક્યા હતા. તેમના લક્ષ્યાંકમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાંથી બળજબરીપૂર્વક લઈ જવામાં આવેલી અને તાજેતરમાં ભારતીય મંદિરો તથા સાર્વજનિક સંગ્રહમાંથી ચોરવામાં આવેલી એમ બન્ને પ્રકારની કલાકૃતિઓનો સમાવેશ થાય છે.

તેઓ આ કામ કેવી રીતે કરે છે?

એસ વિજયકુમાર હવે ચેન્નાઈમાં રહે છે, જ્યારે સક્સેના આજે પણ સિંગાપુરમાં જ રહે છે. ગૂમ થયેલી મૂર્તિઓના દસ્તાવેજીકરણની ફિલ્ડ ટ્રીપ્સ અને એવી વસ્તુઓનું લિલામ કરતી કંપનીઓ સાથેના સ્ટિંગ ઑપરેશન્શ વિશે સરળતાથી વાત કરે છે.

તેમના જણાવ્યા મુજબ, ગુમ થયેલી પ્રાચીન વસ્તુઓ વિશેની માહિતી તો હંમેશા ઉપલબ્ધ હોય છે, પરંતુ તેને પાછી મેળવવાની સત્તાવાર ઇચ્છાનો સતત અભાવ જોવા મળે છે.

એસ વિજય કુમારના જણાવ્યા મુજબ, 1970થી 2022 દરમિયાન ભારત સરકાર 19 કળાકૃતિ પાછી મેળવવામાં સફળ થઈ હતી, જ્યારે છેલ્લાં 10 જ વર્ષમાં 600 કલાકૃતિઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ માત્ર ગોકીરો કરતું તકેદારી જૂથ નથી. તેમણે મોટા પ્રમાણમાં પેપર વર્ક અને જટિલ વાટાઘાટ કરવી પડે છે. તેમના કામમાં હિમાયત, કર્મશીલતા, ભારતની અંદર અને બહાર વિદેશી સરકારો તથા કાયદાનું પાલન કરાવતી કસ્ટમ્સ, યુરોપોલ તેમજ હોમલેન્ડ સિક્યૉરિટી જેવી એજન્સીઓ વચ્ચેના સંકલનનો સમાવેશ થાય છે.

એસ વિજયકુમાર કહે છે, “ભૂતકાળમાં અમે ભારતનો સંપર્ક સાધ્યો ત્યારે કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો. તેથી એ કામ હવે અમે કરી રહ્યા છીએ.”

સક્સેના નિખાલસતા અને થોડા ગૌરવ સાથે સ્વીકારે છે કે, “ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ એક સંસ્થા કરતાં એક નેટવર્ક વધારે છે. અમારી પાસે પૈસા નથી અને સત્તા પણ નથી.”

તેમની આખી ટીમ જરૂરી નોંધ તૈયાર કરે છે, લિલામગૃહો, આર્ટ ગૅલરીઝ તથા સંગ્રહાલયોની વ્યક્તિગત મુલાકાત લે છે અને શંકાસ્પદ વસ્તુઓનું નિરીક્ષણ કરે છે. એ પછી તે પાછી મેળવવાની દરખાસ્ત માટે સત્તાવાર એજન્સીઓનો સંપર્ક કરે છે.

કળા નિષ્ણાત, બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રાચીન ઇજિપ્તના નિષ્ણાત અને હવે સાંસ્કૃતિક પુનઃસ્થાપનના ઓનલાઈન રિસોર્સ રિટર્નિંગ હેરિટેજનું સંચાલન કરતા લુઇસ મેકનોટ માને છે કે નાગરિક કર્મશીલતાનું ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ મોડેલ બહુ રસપ્રદ છે.

તેઓ કહે છે, “કલાકૃતિમાં રસ ધરાવતા આવા કર્મશીલો ઘરની બહાર નીકળીને સમર્થકોના સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરીને સક્રિયપણે માહિતી એકત્ર કરે છે અને ચોક્કસ કલાકૃતિ ચોરવામાં આવી હોવાનું પ્રતિપાદિત કરી શકે, ત્યારે જ તેઓ સરકારનો સંપર્ક કરે છે. તેના અનુસંધાને સરકાર, ચોરાયેલી કલાકૃતિ જ્યાં રાખવામાં આવી હોય છે એ દેશોની સરકાર અથવા મ્યુઝિયમ પર દબાણ લાવે છે.”

એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોમાંથી પશ્ચિમના રાષ્ટ્રોમાં મૂલ્યવાન આર્ટ તથા કલાકૃતિઓની ચોરી તેમજ હેરફેરની એક સ્થાપિત પૅટર્ન છે. કાં તો તે વસાહતી શાસકો દ્વારા અથવા તો દાણચોરોના અત્યાધુનિક નેટવર્ક દ્વારા તેને સીધી ઉઠાવી જવામાં આવેલી હોય છે.

‘ધ એનાર્કીઃ ધ ઇસ્ટ ઇન્ડિયા કંપની, કૉર્પોરેટ વાયોલન્સ એન્ડ પિલેજ ઑફ એન એમ્પાયર’ નામના પોતાના પુસ્તકમાં અને અન્ય લખાણોમાં લેખક-ઇતિહાસકાર વિલિયમ ડેલરિમ્પલે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ દ્વારા હજારો અમૂલ્ય વસ્તુઓની લૂંટની વાત કહી છે.

તેમણે લખ્યું છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારત પરનો વિજય વિશ્વના ઇતિહાસમાં કૉર્પોરેટ હિંસાનું સર્વોચ્ચ કૃત્ય છે.”

અંગ્રેજ શાસકોએ ભારત છોડ્યાનાં વર્ષો પછી આજે પણ ચોરાયેલી પ્રાચીન વસ્તુઓનું અબજો ડૉલરનું કાળાબજાર ધમધમી રહ્યું છે. એવી બહુ ઓછી ચીજો અકસ્માતે મળી આવે છે.

દાખલા તરીકે, 2018ના મેટ ગાલામાં ઝમકદાર ગોલ્ડન ગાઉનમાં સજ્જ થઈને આવેલાં કિમ કર્દાશિયને એવા ઝળકતા ગોલ્ડન મમી સાથે એક ફોટો લીધો હતો. એ ફોટાને કારણે લોકોનું ધ્યાન મમી ભણી આકર્ષાયું હતું.

બાદમાં ખબર પડી હતી કે 2011માં આરબ આંદોલનની અંધાધૂંધી દરમિયાન તે મમી ગુપચુપ ઇજિપ્ત બહાર લઈ જવામાં આવ્યું હતું અને આખરે તે ન્યૂયૉર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં સ્થાન પામ્યું હતું.

સાવધ મીડિયાના આક્રોશને કારણે મેટ્રોપોલિટન મ્યુઝિયમે તે મમી ઇજિપ્તને પાછું મોકલાવવું પડ્યું હતું. એ મમીના નકલી દસ્તાવેજો માટે મેટ્રોપોલિટન મ્યુઝિયમે 40 લાખ ડૉલર ચૂકવ્યા હતા.

મ્યુઝિયમના નુકસાન માટે કોઈને દુઃખ થાય એ પહેલાં જાણી લેવું જરૂરી છે કે પ્રાચીન વસ્તુઓના ગેરકાયદે વેપાર પર પૂર્ણવિરામ મૂકવાનો ઠરાવ 1970ના યુનેસ્કો સંમેલનમાં કરવામાં આવ્યો હોવા છતાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ અને બ્રિટિશ મ્યુઝિયમ (જેને કેટલાક ચોરાયેલી ચીજોનું સૌથી મોટું ખરીદકર્તા કહે છે) જેવાં મોટાં સંગ્રહાલયો સહિતના મ્યુઝિયમ્સે આવી કળાકૃતિઓ સુભાષ કપૂર જેવા ચોરટાઓ પાસેથી ખરીદવાનું ચાલુ રાખ્યું છે.

એસ વિજયકુમારે તેમના ‘ધ આઈડોલ થીફ’ નામના તેમના પુસ્તકમાં સુભાષ કપૂર વિશે વિસ્તારપૂર્વક લખ્યું છે. એસ વિજયકુમારના જણાવ્યા મુજબ, આ બધું માગ અને પુરવઠાના પ્રમાણભૂત માર્કેટ ઇકૉનૉમિક્સને કારણે ચાલતું રહે છે.

ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં 2020માં “સંગ્રહાલયો ખરીદવાનું બંધ કરશે ત્યારે જ લૂંટ બંધ થશે” શીર્ષક હેઠળ પ્રકાશિત એક લેખમાં એસ વિજયકુમારે, સર્વવાંછિત પ્રાચીન વસ્તુઓના મૂળ પ્રત્યે આંખ આડા કાન કરવાની હાકલ કરી હતી.

પ્રાચીન કલાકૃતિઓ પ્રાપ્ત કરવી તે મોટાં સંગ્રહાલયો માટે એક સ્પર્ધાત્મક ખેલ છે અને મેટ્રોપોલિટન મ્યુઝિયમના ‘ટ્રેઝર હન્ટર’ નામે જાણીતા ભૂતપૂર્વ ડિરેક્ટર થોમસ હોવિંગ જેવા આદરણીય લોકો તેમાં મોખરે છે.

તેઓ કળાકૃતિઓના સંગ્રહની ચાંચિયાગીરીની પોતાની શૈલી વિશે બડાઈ મારતા હતા, તેવું કહેવાય છે. તેમણે તેમની 1994માં પ્રકાશિત સંસ્મરણકથામાં ‘સ્મગલર્સ એન્ડ ફિક્સર્સ’ વિશે વિગતવાર લખ્યું હતું.

એસ વિજયકુમારના જણાવ્યા મુજબ, સુભાષ કપૂર પકડાઈ ગયાનાં વર્ષો પછી પણ તેની સાથે સંકળાયેલી મૂર્તિઓ અને પ્રતિમાઓ આર્ટ ગૅલરીઝ તથા ક્યુરિયો શૉપ્સમાં જોવા મળતી રહે છે.

પ્રાચીન વસ્તુઓની બહુ મોટી માગ છે અને નબળા દસ્તાવેજીકરણ તથા સરકારી ઉદાસીનતાના સંયોજનને લીધે ભારત જેવા દેશોમાંથી આવી સામગ્રીનો પુરવઠો સતત મળતો રહે છે.

એસ વિજયકુમાર દૃઢ વિશ્વાસ સાથે કહે છે, “આપણે દર વર્ષે કમસે કમ 1,000 અત્યંત મૂલ્યવાન વસ્તુઓ ગુમાવીએ છીએ.”

એ ઉપરાંત મંદિરો, પુરાતત્ત્વીય સ્થળો અને નાનાં મ્યુઝિયમોમાંની મૂલ્યવાન કલાકૃતિઓ સંબંધે દરેક તબક્કે અંદરના અનેક માણસોની સંડોવણી આ કામમાં હોય છે.

પુનઃસોંપણી સંબંધી ચર્ચા

અંગ્રેજોના શાસનકાળમાં થયેલી આવી લૂંટ કરતાં નજીકના ભૂતકાળમાં ચોરી જવાયેલી કલાકૃતિઓને શોધવાનું તથા તેની પુનઃપ્રાપ્તિનું કામ ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ માટે સામાન્ય રીતે આસાન બન્યું છે. તેનું એક કારણ આવી કળાકૃતિઓ તેના મૂળ માલિકને સોંપવાની નૈતિક જરૂરિયાત બાબતે ચાલી રહેલી ચર્ચા છે.

વિશ્વભરના સંગ્રહાલયો ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ, રિટર્નિંગ હેરિટેજ અને આર્ટ રિકવરી જેવાં નાગરિક સંગઠનોના વધતા દબાણનો સામનો કરી રહ્યાં છે, પરંતુ તેઓ એવી દલીલ કરે છે કે એવી કલાકૃતિઓ સલામત મ્યુઝિયમમાં રહીને વૈશ્વિક આનંદનું કેન્દ્ર બને એ વધારે જરૂરી છે.

ન્યૂ યોર્ક ટાઈમ્સ અખબારમાં તાજેતરમાં પ્રકાશિત એક લેખમાં સૂચવવામાં આવ્યું હતું કે, “પ્રાચીન કલાકૃતિ તેના મૂળ માલિકને પરત કરવાના વધતા વલણના ટીકાકારોને ચિંતા એ વાતની છે કે વિદ્વાનોની વર્ષોની મહેનત અને સંદર્ભની ભાવના સાથે મ્યુઝિયમમાં એકત્ર કરવામાં આવેલી કળાકૃતિઓની સંખ્યા ઘટી રહી છે.”

“તેઓ સવાલ કરે છે કે અમેરિકાના દર્શકોને કોઈની વ્યક્તિગત માલિકીની નહીં, પરંતુ સમગ્ર માનવજાતની માલિકીની પ્રતિષ્ઠિત કલાકૃતિઓ નિહાળવાથી વંચિત રાખવા જોઈએ?”

આ દલીલમાં મૂળભૂત ખામી એ છે કે એ પૈકીની ઘણી કલાકૃતિઓ “આનંદ” માણવા માટેની કલાકૃતિ નથી, પરંતુ છીનવી લેવામાં આવી એ પહેલાં સુધી તે પવિત્ર વસ્તુઓની અનેક પેઢીઓ પૂજા કરી હતી, તેને હૃદયમાં સ્થાન આપ્યું હતું.

સક્સેનાના જણાવ્યા મુજબ, આ કલાકૃતિઓ સમુદાયો માટે શ્રદ્ધા તથા ઓળખનું પ્રતીક છે તેમજ તેનું સાંસ્કૃતિક તથા ભાવનાત્મક મહત્ત્વ પણ છે.

“આ મૂર્તિઓને પ્રેમથી સ્નાન કરાવવામાં આવે છે, વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને તેને વ્યાપક ઊર્જાનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે.”

દક્ષિણ ભારતના ચોલા બ્રોન્ઝના નિષ્ણાત એસ વિજયકુમાર ઉમેરે છે, “દેવી-દેવતાઓની મૂર્તિઓની કોકટેલ પાર્ટીઓમાં ખુલ્લેઆમ હરાજી કરવામાં આવે છે અને તે ખાનગી બેડરૂમ્સ કે બગીચાઓમાં પહોંચે છે તે મને અપમાનજનક લાગે છે.”

ચોરાયેલી મૂર્તિઓ ભારત પાછી લાવીને તેમને મૂળ મંદિરોમાં વિધિપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યાના આનંદદાયક ઉદાહરણ પણ એસ વિજયકુમાર અને સક્સેનાએ આપ્યાં હતાં.

મેકનોટ ભારપૂર્વક કહે છે, “પ્રચંડ ધાર્મિક મહત્ત્વ ધરાવતી અથવા દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને ચારિત્ર્ય માટે બહુ જ મૂલ્યવાન વસ્તુઓની માગ સૌથી વધુ હોય છે.”

તેઓ નાઇજીરિયાના વિવાદાસ્પદ બેનિન બ્રોન્ઝ અને ઇથિયોપિયા ટેબોટ્સ (બ્રિટિશ દળોએ ગુપચાવી લીધેલી ઇથિયોપિયન ઓર્થોડોક્સ ચર્ચની પવિત્ર તકતીઓ) જેવાં ઉદાહરણ આપતાં કહે છે, “પોતાની વસ્તુ પાછી આપવાની માગ કરવાનું યોગ્ય કારણ તેમની પાસે છે એવું હું માનું છું.”

લૂંટી જવામાં આવેલી આ કલાકૃતિઓનો મોટો હિસ્સો સંસ્થાનવાદના અત્યાચારોથી કલંકિત છે તે કોઈ સ્વીકારતું નથી.

એસ વિજયકુમાર કહે છે, “કંબોડિયામાં પુનઃપ્રાપ્તિ સરળ છે, કારણ કે તેને ખ્મેર રૂજ સાથે લોહિયાળ સંબંધ છે. તે હોલોકાસ્ટ આર્ટ જેવું છે. યુરોપમાં કોઈ મ્યુઝિયમ તેને સ્પર્શવા તૈયાર નથી, પરંતુ સંસ્થાનવાદ હજુ એ તબક્કે પહોંચ્યો નથી.”

અનીતા આનંદ સાથે કોહિનૂર વિશેના એક પુસ્તકના સહ-લેખક વિલિયમ ડેલરિમ્પલ આ ફરકની ટીકા કરતાં કહે છે, “નાઝીઓ દ્વારા ચોરી જવામાં આવેલી યહૂદી કલાકૃતિઓનું શું કરવું જોઈએ એવું તમે કોઈને પૂછશો તો બધા કહેશે કે એ તેમના મૂળ માલિકોને પાછી સોંપી દેવી જોઈએ, પરંતુ ભારતમાંથી બંદૂકની અણીએ લૂંટવામાં આવેલી પ્રાચીન કલાકૃતિઓ વિશે એ જ વાત આપણે કહેતા નથી.” આ વાત સ્મિથસોનિયન સામયિકને તેમણે 2017માં જણાવી હતી.

ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટને અન્ય દેશોમાં આવકાર્ય ગણવામાં આવતો નથી. તેથી પ્રત્યક્ષ દબાણની કોઈ અસર ન થાય ત્યારે તેઓ પ્રસંગોપાત બિનપરંપરાગત યુક્તિઓનો આશરો લે છે.

ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના યુવાન બ્રિટિશ-ભારતીય સ્વયંસેવકોનું એક જૂથ થોડાં વર્ષો પહેલાં લંડનનાં સંગ્રહાલયોમાં નાનાં કાર્ડ્ઝ સાથે ગયું હતું.

“મને ભારતમાંથી લાવવામાં આવી છે” અને “મદદ કરો, બ્રિટિશરોએ મારું અપહરણ કર્યું છે” વગેરે જેવાં લખાણ ધરાવતાં એ કાર્ડઝ તેમણે તેમની પસંદની કળાકૃતિઓની બાજુમાં ગોઠવી દીધાં હતાં. આ અહિંસક વિરોધ દેખીતી રીતે વાઇરલ થયો હતો અને સત્તાવાળાઓએ વાટાઘાટ શરૂ કરવી પડી હતી.

સોશિયલ મીડિયા પર ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટની પસંદગીનું એક હેશટેગ #BringBackOurGods હોઈ શકે, પરંતુ એસ વિજયકુમાર દાવો કરે છે કે તેમનું સંગઠન કોઈ ધર્મ કે રાજકીય વિચારધારાથી પ્રેરિત નથી. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેમણે વિવિધ ધર્મોનાં પ્રતીકો પાછાં મેળવ્યાં છે અને સરકારી એજન્સીઓની ખુલ્લેઆમ ટીકા કરતા રહ્યા છે.

ભારતનું ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ મોડેલ પાડોશી દેશો માટે પણ પ્રેરણા બન્યું છે. શ્રીલંકા અને નેપાળ બન્ને સાંસ્કૃતિક પુનઃસ્થાપન પર આધારિત આવા પ્રોજેક્ટ્સ શરૂ કરી રહ્યા છે.

એસ વિજયકુમારના કહેવા મુજબ, ઇન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટનું એકમાત્ર લક્ષ્ય ભારતના ગૌરવને પુનઃસ્થાપિત કરવાનું છે, જ્યારે સક્સેનાને એમ કહેવું ગમે છે કે “ઇતિહાસ તેની ભૂગોળનો હોય છે.”