ગોલ્ડ : વિયેતનામની આ સોનાની હોટલમાં શું છે ખાસ વાત?

વિયેતનામમાં ખૂલેલી એક હોટલનો દાવો છે કે તે દુનિયાની સૌથી પહેલી ગોલ્ડ પ્લેટેડ હોટલ છે.

વિયેતનામના હોનોઈમાં આવેલી ધ ડોલ્સે હાનોઈ ગોલ્ડન લેક હોટલે પ્રવાસીઓને આકર્ષવા માટે ગોલ્ડનો ઉપયોગ કર્યો છે.

24 કૅરેટનું એક ટન જેટલું સોનું આ હોટલમાં વાપરવામાં આવ્યું છે.

આ હોટલમાં બેઝિનથી લઈને સંડાસ અને લિફ્ટથી લઈને ઇન્ફિનિટી પૂલ એમ તમામ જગ્યાઓ 24 કૅરેટ સોનાથી ચમકી રહી છે.

આ ઉપરાંત હોટલના બહારના ભાગને પણ સોનાથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ હોટલમાં જે વાસણોમાં ભોજન પિરસાય છે તે વાસણો પણ સોનાના છે.

હોટલના મુખ્ય માલિક અને હોઆબિન્હ જૂથના ચૅરમૅન ન્ગુયેન હુ ડુઓન્ગે સમાચાર સંસ્થા રોયટર્સ સમક્ષ દાવો કર્યો કે હાલના સમયમાં આના જેવી બીજી કોઈ હોટલ દુનિયામાં નથી.

વધુમાં તેમણે કહ્યું કે, જો મહામારી ન હોત તો હોટલ કદાચ મહેમાનોથી સંપૂર્ણ રીતે ભરાયેલી હોત.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કારણે લાગુ થયેલાં લૉકડાઉનના ત્રણ મહિના પછી વિયેતનામમાં હોટલો ફરી શરૂ થઈ રહી છે.

સમાચાર સંસ્થા રૉયર્ટસ હોટલના એક મહેમાને કરેલી વાતને ટાંકીને લખે છે, "આ હોટલે લકઝરીને લઈને મારા વિચારને બદલી નાખ્યો છે. બીજી લકઝરી હોટલમાં માત્ર માર્બલ જ હોય છે, પરંતુ અહીં તો નીચે જમીનથી શરૂ કરી બેસિન સુધીની તમામ વસ્તુઓ ગોલ્ડ છે."

વિયેતનામે જે પ્રકારે કોરોના વાઇરસને રોક્યો છે તેની વિશ્વમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યાં માત્ર 350 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ મૃત્યુ થયું નથી.

હોટલના ફેસબુક પેજ પરથી જાણવા મળે છે કે હોટલમાં 342 લક્ઝુરિયસ સ્યૂટ્સ છે જેમાં 10 ડુપ્લેક્ષ અને 1 પ્રેસિડેન્સિયલ ડુપ્લેક્ષ સ્યૂટ છે. દરેક રૂમમાં ઇમ્પિરિયલ સ્ટાઇલની સુવિધા છે અને બાથરૂમમાં રહેલી વસ્તુઓ સોનાની છે.

હોટલના માલિક ડુઓન્ગ જણાવે છે કે આ હોટલમાં એક ટન જેટલું સોનું વાપરવામાં આવ્યું છે. તેઓ આજ પ્રકારના ગોલ્ડ પ્લેટેડ પ્રોજેક્ટનું પ્લાનિંગ હો ચિ મિન સિટી અને રિસોર્ટ માટે પણ કરી રહ્યા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો