You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજ્ઞાનીઓ 10 વર્ષથી જે સવાલનો જવાબ શોધી રહ્યા હતા, એઆઈએ તેને બે દિવસમાં ઉકેલી નાખ્યો
- લેેખક, ટૉમ ગૅરકન
- પદ, ટૅક્નૉલૉજી રિપૉર્ટર, બીબીસી ન્યૂઝ
વિજ્ઞાનિકોને એક સમસ્યાને સમજવા અને ઉકેલવા માટે દસ વર્ષ જેટલો સમય લાગી ગયો હતો, પરંતુ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ટૂલે માત્ર બે દિવસમાં તેને ઉકેલી નાખી હતી.
સુપરબગ્સ ઍન્ટિબાયૉટિક્સ સામે પ્રતિરોધક ક્ષમતા કેવી રીતે કેળવી શકે છે, તે અંગે ઇમ્પીરિયલ કૉલેજના પ્રોફેસર જોસ આર. પેનાડેસ તથા તેમની ટીમ પાછલાં ઘણાં વર્ષોથી આ દિશામાં સંશોધન કરી રહ્યાં હતાં.
તેમણે ગૂગલ દ્વારા નિર્મિત 'કૉ-સાયન્ટિસ્ટ' ટૂલને પોતાનાં સંશોધન સંબંધિત નાનકડો સવાલ પૂછ્યો.
ત્યારે ગૂગલના આ ટૂલે માત્ર 48 કલાકમાં આ સવાલનો જવાબ આપી દીધો. પ્રોફેસર તથા તેમની ટીમને આ સવાલનો જવાબ શોધવામાં વર્ષો લાગી ગયાં હતાં.
બીબીસી સાથે વાત કરતાં પ્રો. પેનાડેસે કહ્યું કે એઆઇ ટૂલે જે રિઝલ્ટ આપ્યું, તેને જોઈને તેઓ ચોંકી ગયા હતા, કારણ કે તેમનું રિસર્ચ હજુ સુધી પ્રકાશિત નહોતું થયું.
આનો મતલબ એ હતો કે એઆઇને આ માહિતી કોઈ સાર્વજનિક સ્રોતમાંથી નહોતી મળી.
પ્રો. પેનાડેસે બીબીસી રેડિયો 4ના કાર્યક્રમ 'ટુડે'માં જણાવ્યું, "હું કોઈકની સાથે શૉપિંગ કરી રહ્યો હતો, મારે તેમને કહેવું પડ્યું કે, 'મને એક કલાક એકલો મૂકી દો' આ વાતને સમજવા માટે મને સમય જોઈશે."
વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ સંશોધન અને સિદ્ધાંતને (થિયરી) પ્રસ્થાપિત કરવા પાછળ તેમને 10 વર્ષ કરતાં વધુનો સમય લાગી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજ્ઞાનીઓનું માનવું છે કે જો તેમને પ્રોજેક્ટની શરૂઆતમાં જ એ.આઈ. દ્વારા આપવામાં આવેલી હાઇપૉથીસિસ (પરિકલ્પના) મળી ગઈ હોત, તો તેમની અનેક વર્ષોની મહેનત બચી ગઈ હોત.
પ્રો. જોસ આર. પેનાડેસના કહેવા પ્રમાણે, એ.આઈ. ટૂલની રિસર્ચ કૉપીએ તેમના દ્વારા લખાયેલા રિસર્ચ પેપર કરતાં વધુ સારી રીતે લખાયેલી હતી.
પ્રો. પેનાડેસ ઉમેરે છે, "એવું નથી કે આ ટૂલે માત્ર એક હાઇપૉથીસિસ યોગ્ય રીતે જણાવી હોય. આ ટૂલે આ સિવાયની પણ વધુ ચાર હાઇપૉથીસિસ આપી, જે એકદમ ખરી હતી."
"આમાંથી એક હાઇપૉથીસિસ એવી હતી કે જેના વિશે અમે ક્યારેય વિચાર્યું પણ ન હતું, હવે અમે તેના ઉપર કામ કરી રહ્યા છીએ."
સુપરબગ્સનો 'સુપર' કોયડો
વિશ્વના અલગ-અલગ દેશોમાં વિજ્ઞાનીઓની અનેક ટીમો ખતરનાક બૅક્ટેરિયા કેવી રીતે 'સુપરબગ્સ' બની જાય છે અને શા માટે તેમની ઉપર ઍન્ટિબાયૉટિક્સની અસર ખતમ થઈ જાય છે, તેના વિશેનો જવાબ મેળવવામાં લાગેલા છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે સુપરબગ અલગ-અલગ પ્રકારના વાઇરસની જેમ એક પ્રકારે 'પૂંછડી જેવો' આકાર ધારણ કરી લે છે, જેના કારણે તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સહેલાઈથી ફેલાઈ શકે છે.
પ્રો. પેનાડેસ આના વિશે સમજાવતા કહે છે, "સુપરબગ્સ પાસે 'ચાવીઓનો ઝૂડો' હોય છે, જેના કારણે તેઓ એક ઘરમાંથી બીજા ઘરમાં એટલે કે એક હોસ્ટમાંથી બીજા હોસ્ટમાં કોઈપણ જાતના અવરોધ વગર પ્રવેશી શકે છે."
આ રિસર્ચની સૌથી ખાસ બાબત એ હતી કે આ હાઇપૉથીસિસની માત્ર તેમની ટીમે શોધ કરી છે અને તેમણે આ સંશોધન અત્યારસુધીમાં ક્યાંય પ્રકાશિત નથી કરાવ્યું કે કોઈને શૅર સુદ્ધાં નથી કર્યું.
આથી, પ્રો. પેનાડેસે ગૂગલના નવા એ.આઈ. ટૂલને પારખવા માટે આ હાઇપૉથીસિસનો ઉપયોગ કર્યો.
બે દિવસ બાદ એ.આઈ. ટૂલે અમુક હાઇપૉથીસિસ આપી, જેમાંથી પહેલી હાઇપૉથીસિસ પ્રો. પેનાડેસના સંશોધન સંબંધિત જ હતી. મતલબ કે સુપરબગ્સ 'પૂંછડી' બનાવીને ફેલાય છે.
એ.આઈ.ની સંશોધન પર અસર
છેલ્લા કેટલાક સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ.) અંગે ભારે ચર્ચા થઈ રહી છે. એ.આઈ.ના સમર્થકોનું કહેવું છે કે તેનાથી વિજ્ઞાનક્ષેત્રે પ્રગતિ થશે, તો કેટલાક લોકોને આશંકા છે કે તેનાથી નોકરીની તકો ઘટી જશે.
પ્રો. પેનાડેસના કહેવા પ્રમાણે, લોકોનો આ ભય સમજી શકાય એવો છે, પરંતુ જ્યારે તમે ઊંડાણપૂર્વક ચિંતન કરો, તો અહેસાસ થાય છે કે એ.આઈ. ખૂબ જ શક્તિશાળી અને કામનું સાધન છે.
પ્રો. પેનાડેસના કહેવા પ્રમાણે, આ પ્રોજેક્ટ ઉપર કામ કરનારી ટીમને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભવિષ્યમાં એ.આઈ. ખૂબ જ લાભકારક સાબિત થશે.
પ્રો. પેનાડેસ કહે છે, "મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ.આઈ. વિજ્ઞાનને સંપૂર્ણપણે બદલી દેશે. હું એવી ચીજ સામે ઊભો છું, જે ખૂબ જ અદ્દભૂત છે. તેના ભાગરૂપ બનીને હું ખૂબ જ ખુશ છું."
"તમને કોઈ મોટી મૅચમાં રમવાની તક મળી હોય એવી અનુભૂતિ થઈ રહી છે – મને એવું લાગે છે કે જાણે કે આ ચીજની સાથે ચૅમ્પિયન્સ લીગની મૅચ રમી રહ્યો છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન