You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં SIRની કામગીરી શરૂ : મતદાર યાદીમાં નામ સમાવવા શું કરવું પડશે?
ગુજરાત, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ સહિતનાં નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ચોથી નવેમ્બરથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવશે.
બિહારમાં એસઆઈઆરના કારણે ઘણો વિવાદ થયો છે અને વિરોધ પક્ષોએ આ મામલે ચૂંટણીપંચ પર વોટ ચોરીનો આરોપ પણ લગાવ્યો છે.
આ પ્રક્રિયામાં મતદારયાદીની સઘન ચકાસણી કરીને સુધારા કરવામાં આવશે. ચૂંટણીપંચ અનુસાર મતદારયાદીમાં રિપીટ થતાં નામોને દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.
બીબીસીએ અહીં એસઆઈઆર શું છે, કયા રાજ્યમાં એસઆઈઆર કરવામાં આવશે અને તેના માટે મતદારોએ પુરાવા તરીકે કયા ડૉક્યુમેન્ટ આપવા પડશે તેની માહિતી આપી છે.
કયાં રાજ્યોમાં એસઆઈઆર થશે?
ચૂંટણીપંચે તાજેતરમાં કરેલી જાહેરાત પ્રમાણે ચોથી નવેમ્બરથી ઘરેઘરે જઈને સરવે કરવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, અંદમાન નિકોબાર, પુડ્ડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું છે કે એસઆઈઆરની જરૂરિયાત અંગે ઘણા અગાઉથી ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ દરેક ચૂંટણી અગાઉ મતદાર યાદીમાં રિવિઝન જરૂરી છે.
તેમણે કહ્યું કે કેટલાક દાયકાથી દરેક રાજકીય પક્ષે ફરિયાદ કરી છે કે મતદાર યાદી અપડેટેડ નથી. અગાઉ 1951થી લઈને 2004 સુધી લગભગ આઠ વખત ચૂંટણીપંચે એસઆઈઆર કરાવ્યા છે. છેલ્લે 2002થી 2004 દરમિયાન એસઆઈઆર થયું હતું.
એસઆઈઆર પ્રક્રિયામાં મહત્ત્વની તારીખો
- એસઆઈઆર માટે 28 ઑક્ટોબરથી 3 નવેમ્બર 2025 દરમિયાન ફૉર્મના પ્રિન્ટિંગ અને અધિકારીઓની તાલીમનું કામ કરવામાં આવ્યું હતું.
- 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 - ઘરેઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરાશે.
- 9 ડિસેમ્બર, 2025 - ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જારી કરવામાં આવશે
- 9 ડિસેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026- વાંધા -ફરિયાદો દાખલ કરી શકાશે
- 9 ડિસેમ્બર 2025થી 31 જાન્યુઆરી 2026 - સુનાવણી અને વેરિફિકેશન
- 7 ફેબ્રુઆરી 2026 - અંતિમ મતદાર યાદી પ્રકાશિત થશે
એસઆઈઆર માટે કયા ડૉક્યુમેન્ટ સ્વીકારાશે
એસઆઈઆર માટે જે ડૉક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે તેની યાદી આ પ્રમાણે છેઃ
- સરકારી કર્મચારીનું ઓળખ પત્ર અથવા પેન્શન ઑર્ડર
- સરકાર કે જાહેર ક્ષેત્રના સંગઠન દ્વારા ઈશ્યૂ કરાયેલું (1987 અગાઉનું) ઓળખપત્ર અથવા ડૉક્યુમેન્ટ
- જન્મનું પ્રમાણપત્ર
- પાસપૉર્ટ
- શાળા અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર (મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ)
- કાયમી સરનામાનું પ્રમાણપત્ર
- વન અધિકારનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- રાજ્ય સરકાર અથવા સ્થાનિક સરકારી સંસ્થાનું ફેમિલી રજિસ્ટર
- સરકારે જમીન/મકાનની ફાળવણી કરી હોય તેનો પુરાવો
- નાગરિકોનું નેશનલ રજિસ્ટર (જ્યાં લાગુ પડતું હોય ત્યાં)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદારોએ શું કરવું?
જો તમારા સરનામામાં કોઈ ફેરફાર થયો ન હોય તો તમારે ચૂંટણીપંચનું સેન્સસ ફૉર્મ ભરીને પોલિંગ સ્ટેશન ઑફિસરને સોંપવાનું રહેશે.
ચૂંટણીપંચે જણાવ્યા પ્રમાણે સેન્સસ ફૉર્મ સોંપતી વખતે કોઈ ડૉક્યુમેન્ટ જોડવાની જરૂર નથી.
જે લોકો 4 ડિસેમ્બર સુધીમાં પોતાના ફૉર્મ જમા ન કરી શકે, તેઓ વાંધા અરજી સોંપવાના તબક્કામાં ફૉર્મ સોંપી શકે છે.
પરિવારના સભ્યો બીજા શહેરમાં અથવા વિદેશ હોય તો શું કરવું
મતદારોએ પોતાનાં નામ રૂબરૂમાં રજિસ્ટર કરાવવાનાં છે. પરંતુ ચૂંટણી અધિકારીઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ શૈક્ષણિક કારણોથી અથવા કામકાજના લીધે રૂબરૂ આવી ન શકે, તો પરિવારના કોઈ સભ્ય તેના માટે ગૅરન્ટી આપી શકે છે. આ માહિતી તેમણે ફૉર્મમાં આપવાની રહેશે.
એક જ શહેરમાં અલગ-અલગ સરનામે રહેતા હોય તો શું કરવું?
કોઈ પરિવાર એક જ શહેરમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હોય તો જ્યારે મતદાર યાદી બનતી હોય ત્યારે તેમણે પોતાના પોલિંગ સ્ટેશન પર ફૉર્મ ભરીને સોંપવાનું રહેશે.
કેવા મતદારોને તકલીફ પડી શકે?
કોઈ પરિવારનો એક સભ્ય પણ કાયમી સરનામે અથવા વોટર લિસ્ટમાં દર્શાવેલા સરનામે રહેતા ન હોય તો સમસ્યા થઈ શકે છે.
પોલિંગ સ્ટેશનના અધિકારીઓ ચકાસણી કરશે કે મતદારો કામચલાઉ અથવા કાયમી ધોરણે ક્યાંય ગયા છે કે નહીં.
ઘણા લોકો એક શહેરમાં કાયમી વસતા હોય તો પણ તેઓ મતદાન માટે પોતાના વતન જતા હોય છે.
આવી સ્થિતિમાં તેઓ જૂના સરનામે પોતાનું ફૉર્મ જમા નહીં કરી શકે તો તેમના નામ દૂર કરવામાં આવશે.
આવી સ્થિતિમાં તેમણે નામ સમાવવા માટે એક નવી અરજી સોંપવી પડશે અને તેઓ હાલમાં જ્યાં વસતા હોય તે મતદાન બૂથ પર પોતાનાં નામ રજિસ્ટર કરાવવાં પડશે.
જો ફૉર્મ સોંપ્યા પછી પણ મતદાર યાદીમાં ગરબડ હશે તો ચૂંટણીપંચ ખુલાસો માંગવા માટે નોટિસ ઇશ્યુ કરશે. જે લોકોને નોટિસ મળે તેમણે ડૉક્યુમેન્ટ સોંપવા પડશે.
તમારો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો હોય તો તમારે જન્મતારીખ અથવા જન્મસ્થળના પુરાવા ફરજિયાત સોંપવા પડશે.
જો 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે જન્મ થયો હોય તો મતદાર અને તેના પિતા અથવા માતાના ડૉક્યુમેન્ટ સોંપવા પડશે જેમાં જન્મ તારીખ અથવા જન્મના સ્થળ દર્શાવેલા હોય.
બીજી ડિસેમ્બર, 2004 પછી જન્મ થયો હોય તેવા મતદારે જન્મતારીખ અને જન્મસ્થળના પુરાવા તથા માતા અને પિતાના જન્મતારીખ અને જન્મસ્થળના ડૉક્યુમેન્ટ સોંપવાના રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન