ગુજરાતી મૂળના ઝોહરાન મમદાણીનાં સીરિયન મૂળનાં પત્ની રમા દુવાજી કોણ છે?

ન્યૂ યૉર્કના નવા મેયર તરીકે ચૂંટાયેલા ઝોહરાન મમદાણી હાલમાં ચર્ચામાં છે. તેમની સાથે તેમનાં પત્ની રમા દુવાજીની પણ ચર્ચા થઈ રહી છે.

દુવાજી હવેથી ન્યૂ યૉર્કનાં ફર્સ્ટ લેડી તરીકે ઓળખાશે. તેઓ આ શહેરના અત્યાર સુધીનાં સૌથી યુવા ફર્સ્ટ લેડી હશે.

ચૂંટણી જીત્યા પછી પોતાની વિક્ટરી સ્પીચમાં મમદાણીએ પોતાની પડખે ઊભેલાં પત્ની માટે 'હયાતી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. અરબી ભાષામાં 'હયાતી'નો અર્થ થાય છે 'મારું જીવન'.

રમા દુવાજી ન્યૂ યૉર્કમાં રહે છે. તેઓ એક ઇલસ્ટ્રેટર અને કલાકાર છે તથા સીરિયન મૂળનાં છે. તેઓ મિડલ ઈસ્ટના વિષયો પર આર્ટ અને ઇલસ્ટ્રેશન બનાવે છે.

તેમની કૃતિઓ 'બીબીસી ન્યૂઝ', 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ', 'ધ વૉશિંગ્ટન પોસ્ટ', 'વાઇસ' અને લંડનના ટેટ મૉડર્ન સંગ્રહાલયમાં પ્રકાશિત થઈ ચૂકી છે.

આ વર્ષે મે મહિનામાં મમદાણીએ પોતાનાં પત્નીની ઓળખ વિશે ઉઠાવાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

ઝોહરાન મમદાણીએ પોતાનાં પત્ની રમા દુવાજીની ટીકાના જવાબમાં 13મેએ લખ્યું હતું, "રમા માત્ર મારાં પત્ની નથી. તેઓ એક ઉત્તમ કલાકાર છે અને લોકો તેમને તેમના કામ અને ઓળખના આધારે ઓળખે તે તેમનો અધિકાર છે."

તે વખતે મમદાણી પર પોતાનાં પત્નીની ઓળખ છુપાવવાનો આરોપ લગવાયો હતો.

તેમનાં પત્ની સીરિયન મૂળના અને પેલેસ્ટાઇનના સમર્થક હોવાથી તેઓ જાણી જોઈને રમાને ચૂંટણીપ્રચારથી દૂર રાખે છે તેવા આરોપો લગાવાયા હતા.

જ્યારે મમદાણીનું કહેવું હતું કે તેમનાં પત્નીની ઓળખ માત્ર તેમના પૂરતી સીમિત નથી. તેઓ ઉત્કૃષ્ટ કલાકાર છે અને તેમની ઓળખ કોઈ સંબંધના આધારે નહીં પણ તેમના કૌશલ્યના આધારે થવી જોઈએ.

ડેમૉક્રેટિક પાર્ટીની પ્રાઇમરી (ન્યૂ યૉર્ક સિટીના મેયર માટે) જીત્યા તે અગાઉ મમદાણીના કોઈ પણ જાહેર કાર્યક્રમ અથવા ચૂંટણીપ્રચારથી રમા દુવાજી દૂર રહેતાં હતાં.

તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પણ ક્યારેય મમદાણીની તરફેણમાં પોસ્ટ કરી ન હતી.

તેઓ સામાન્ય રીતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા આર્ટવર્ક અથવા પોતાની તસવીરો જ શૅર કરતાં હતાં.

પરંતુ 24 જૂને મમદાણીએ જ્યારે ન્યૂ યૉર્ક સિટીના મેયર માટે ડેમૉક્રેટિક પાર્ટીની પ્રાઇમરીમાં જીત મેળવી, ત્યારે તેની ઉજવણી માટેના એક કાર્યક્રમમાં રમા દુવાજી પહેલી વખત પોતાના પતિ સાથે જોવા મળ્યાં.

રમા દુવાજી આ જીતની ઉજવણીમાં અસહજ દેખાતાં હતાં. ત્યાર પછી તેમણે ઇન્સ્ટાગ્રામ પર મમદાણી સાથે પોતાની તસવીરો શૅર કરતા લખ્યું કે "તેઓ ભાગ્યે જ આના કરતાં વધુ ગૌરવાન્વિત અનુભવી શકતાં હતાં."

એપ્રિલથી મમદાણીનો ચૂંટણીપ્રચાર શરૂ થયો હતો અને આ દરમિયાન એક બાજુ તેઓ પોતાની મુસ્લિમ ઓળખના કારણે ટીકાનો સામનો કરતા હતા, બીજી તરફ કેટલાક લોકો તેમને પત્નીના કારણે નિશાન બનાવતા હતા.

વાસ્તવમાં રમા દુવાજી પોતાના આર્ટવર્કના માધ્યમથી ગાઝામાં ઇઝરાયલી સૈનિકોના અભિયાન અને આ દરમિયાન થતી હિંસાનો વિરોધ કરતાં હતાં. તેથી પણ તેમને નિશાન બનાવવામાં આવ્યા.

એવામાં સવાલ ઊઠે છે કે આખરે રમા દુવાજી કોણ છે અને તેમની ઓળખ આટલી મહત્ત્વની કેમ છે?

ઝોહરાન મમદાણીનાં પત્ની રમા દુવાજી કોણ છે?

રમા દુવાજી પોતાના પતિના ચૂંટણીપ્રચારમાં બહુ ઓછાં જોવા મળ્યાં, જેના કારણે વિરોધીઓએ દાવો કર્યો કે મમદાણી પોતાનાં પત્નીને છુપાવે છે.

દુવાજી સીરિયન મૂળનાં ઇલસ્ટ્રેટર અને એનિમેટર છે જેઓ ન્યૂ યૉર્ક સિટીના બ્રુકલિનમાં રહે છે.

તેઓ 27 વર્ષનાં છે અને અમેરિકાની વર્જિનિયા કૉમનવેલ્થ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન કર્યું છે. તેમણે ન્યૂ યૉર્ક સિટીની સ્કૂલ ઑફ વિઝ્યુઅલ આર્ટ્સમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે.

સીએનએન મુજબ દુવાજીએ લાઇમલાઇટથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો, ભલે તેમના પતિની લોકપ્રિયતા વધતી જતી હોય. કહેવાય છે કે પડદાની પાછળ તેઓ જ પ્રેરકબળ હતાં.

એવું કહેવાય છે કે તેઓ મમદાણીની બ્રાન્ડ ઓળખને અંતિમ રૂપ આપનાર વ્યક્તિ હતી. તેમાં તેમણે પીળા, નારંગી અને વાદળી રંગનો પ્રચારમાં ઉપયોગ કર્યો, જેમાં બોલ્ડ આઇકનોગ્રાફી અને ફૉન્ટ પણ સામેલ છે.

રમા દુવાજીનો જન્મ હ્યુસ્ટન, ટેક્સાસમાં થયો હતો અને નવ વર્ષની વયે તેઓ દુબઈ આવ્યાં હતાં.

થોડો સમય તેમણે કતારમાં અભ્યાસ કર્યો. અરબ મીડિયા મુજબ તેમનાં માતાપિતા સીરિયન મુસ્લિમ છે અને મૂળે દમાસ્કસનાં રહેવાસી છે. હાલમાં તેમનો પરિવાર દુબઈમાં રહે છે.

તેમના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે. રમા દુવાજી પોતે પણ આના વિશે વાત નથી કરતાં.

પરંતુ યંગ મી નામની એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે કોવિડ દરમિયાન તેમણે પોતાનો મોટા ભાગનો સમય પોતાના પરિવાર સાથે દુબઈમાં વિતાવ્યો હતો.

રમા દુવાજી જાણીતાં ઇલસ્ટ્રેટર હોવાની સાથે સાથે સામાજિક અને રાજકીય મુદ્દા પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે.

તેઓ પોતાની આર્ટ દ્વારા પેલેસ્ટાઇનના મુદ્દાને અવાજ આપવાનો પ્રયાસ કરે છે.

આ ઉપરાંત વંશીય હિંસા અને કૉલેજ કેમ્પસમાં વિરોધના અવાજને દબાવવાના પ્રયાસ મામલે પણ તેઓ કામ કરે છે.

તેમણે કોલંબિયા યુનિવર્સિટીના પેલેસ્ટાઇનના વિદ્યાર્થી મહમૂદ ખલીલના ટેકામાં ઇલસ્ટ્રેશન બનાવ્યા હતા.

મહમૂદ ખલીલને આ વર્ષે હમાસનું સમર્થન કરવાના આરોપો હેઠળ અટકાયતમાં લેવાયા હતા.

યંગ મી વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમને પૂછવામાં આવ્યું કે "આપણે એક એવા સમયમાં જીવીએ છીએ જ્યાં રાજનીતિ અને કળાને અલગ કરવા અશક્ય જણાય છે. આવામાં પેલેસ્ટાઇન, ટ્રમ્પની વાપસી, ઇમિગ્રેશન અને કસ્ટમ ઍન્ફોર્સમેન્ટના દરોડાને એક કલાકાર તરીકે તમે કેવી રીતે જુઓ છો?"

રમાએ જવાબ આપ્યો કે "હું ખોટું નહીં બોલું. ન્યૂ યૉર્કમાં અત્યારે બધું બરાબર નથી. મને મારા મિત્રો અને પરિવાર માટે ચિંતા થાય છે અને લાગે છે કે આ ચીજો મારા હાથમાંથી બહાર છે."

"મારી કળા હંમેશાં મારી આજુબાજી બનતી ઘટનાઓનો અરીસો રહી છે. હાલમાં આટલા બધા લોકોનો અવાજ દબાવવામાં આવે છે, તેમને દેશમાંથી બહાર કાઢવામાં આવે છે, તો હું માત્ર મારો અવાજ ઉઠાવી શકું છું. અમેરિકા, પેલેસ્ટાઇન અથવા સીરિયામાં જે કંઈ થાય છે, તેના પર બોલી શકું છું."

સીરિયન ઓળખ અંગે મૂંઝવણ

રમા દુવાજી આમ તો સીરિયન મૂળનાં છે, પરંતુ પોતાની સીરિયન ઓળખ સ્વીકારવામાં તેમને ઘણો સમય લાગ્યો.

તેમણે 2019માં એક ઇન્ટરવ્યૂમાં પોતાની સીરિયન-અમેરિકન ઓળખ વિશે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે શરૂઆતનાં વર્ષોમાં તેઓ પોતાની સીરિયન ઓળખ છુપાવવાનો પ્રયાસ કરતાં હતાં. તેઓ બધાને કહેતાં કે તેઓ અમેરિકન છે.

તેમણે કહ્યું, "10 વર્ષ સુધી ખાડીના દેશોમાં રહેવા દરમિયાન હું મારી અમેરિકન ઓળખ સાથે જીવતી રહી. તે વખતે મારા વાળ સામાન્ય રંગના હતા, મારા વિચારો બહુ પશ્ચિમી હતા અને સરખી રીતે અરબી ભાષા બોલતા પણ આવડતું ન હતું, પરંતુ હું અમેરિકા આવી, ત્યારે મને સમજાયું કે પરંપરાગત ધોરણોથી હું અમેરિકન પણ નથી."

"હું ત્યાંના લોકો સાથે મારી જાતને કનેક્ટ કરી શકતી ન હતી. તેથી લાંબા સમય સુધી પોતાની ઓળખને લઈને મૂંઝવણમાં રહી. અંતે મેં મારી મિડલ ઈસ્ટર્ન ઓળખને પકડી. તે શું છે તેની મને ખબર નથી. તે સંપૂર્ણપણે સીરિયન પણ નથી અને અમીરાતી પણ નથી, પરંતુ તેણે મારી કળા અને મારા કામ પર બહુ પ્રભાવ પાડ્યો."

ઝોહરાન મમદાણી સાથે લગ્ન

ઝોહરાન અને રમાની ઉંમરમાં છ વર્ષનો તફાવત છે. ઝોહરાન હંમેશાં રમા દુવાજીના કામના પ્રશંસક રહ્યા છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેઓ રમાને ડેટિંગ ઍપ હિંજ પર મળ્યા હતા.

તેમણે હસતાં હસતાં કહ્યું હતું કે "તેના પરથી સાબિત થાય છે કે આ ડેટિંગ ઍપ્સ પર હજુ આશા રાખી શકાય છે."

બંનેએ ન્યૂ યૉર્ક સિટીમાં લો પ્રોફાઇલ રીતે લગ્ન કર્યાં હતાં. અગાઉ 2024માં તેમણે દુબઈમાં સગાઈ કરી અને પછી પારિવારિક રિવાજોથી નિકાહ પણ કર્યા હતા.

મમદાણીના કેમ્પેઇન દ્વારા નિવેદનમાં જણાવાયું કે "આ એક ખાનગી, પરંતુ ખુશીઓથી ભરપૂર સમારોહ હતો. માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો આ લગ્નમાં સામેલ હતા."

24 જૂને ઝોહરાન જ્યારે ડેમૉક્રેટિક પાર્ટીની પ્રાઇમરી જીત્યા, ત્યારે તેમણે પોતાનાં માતા મીરા નાયર, પિતા મહમૂદ મમદાણી અને પત્ની રમા દુવાજીનો આભાર માન્યો હતો.

તેમણે બધાની હાજરીમાં પોતાનાં પત્નીનો હાથ ચૂમ્યો અને કહ્યું, "મારે મારી ઉત્તમ પત્નીનો આભાર માનવો જોઈએ. રમા, થેંક યૂ".

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન