You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝોહરાન મમદાણી : ગુજરાતી મૂળના નેતા ન્યૂ યૉર્ક મેયરની ચૂંટણી જીત્યા, પદ મેળવનાર પ્રથમ મુસ્લિમ બનશે
અમેરિકામાં ડેમૉક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાણી ન્યૂ યૉર્કના મેયરની ચૂંટણી જીતી ગયા છે. ચાર નવેમ્બરે થયેલી ચૂંટણીમાં તેમની જીત નક્કી મનાઈ રહી હતી.
સીબીએસ અનુસાર, 34 વર્ષીય મમદાણી 100 વર્ષથી વધુ સમયમાં ન્યૂ યૉર્કમાં સૌથી યુવા અને પ્રથમ મુસલમાન અને દક્ષિણ એશિયન મૂળના મેયર છે.
મેયરપદ માટે મુખ્ય ટક્કર ઝોહરાન મમદાણી અને ઍન્ડ્રયુ કુઓમો વચ્ચે હતી. મમદાણી સામે ડેમૉક્રેટ પ્રાઇમરીમાં હાર બાદ કુઓમો સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.
તો રિપબ્લિકન પાર્ટી તરફથી કર્ટિસ સ્લિવા ઉમેદવાર છે. સ્લિવાએ પોતાની હાર સ્વીકારી લીધી છે અને મમદાણીને અભિનંદન આપ્યાં છે.
તેમણે કહ્યું કે "અમારી પાસે હવે ચૂંટાયેલા મેયર છે. હું તેમને અભિનંદન આપું છું, કેમ કે તેઓ સારું કરશે, તો આપણે બધા સારું કરીશું."
જીત બાદ શું બોલ્યા ઝોહરાન મમદાણી?
જીત પછી મમદાણીએ એક કેમ્પેન પાર્ટીમાં હાજરી આપી. તેમણે પોતાનાં માતાપિતા અને પત્નીનો આભાર માન્યો.
તેમણે સ્ટેજ પરથી કહ્યું, "મારા મિત્રો, આપણે એક રાજકીય વંશવાદને ઉખેડી નાખ્યો છે."
તેમણે તેમના હરીફ એન્ડ્ર્યુ કુઓમો વિશે કહ્યું, "હું ફક્ત એન્ડ્ર્યુ કુઓમોને તેમના અંગત જીવનમાં શુભકામનાઓ પાઠવું છું, પરંતુ આજે રાત્રે હું છેલ્લી વખત તેમનું નામ લઈ રહ્યો છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મમદાણીએ કહ્યું કે, મતદારોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે. તેઓએ આ શહેરમાં જીવન શક્ય બનાવવા માટે મતદાન કર્યું છે.
મમદાણીએ તેમનાં માતાપિતા વિશે કહ્યું, "તમે મને આજે જે છું તે બનાવ્યો છે. મને તમારો પુત્ર હોવાનો ખૂબ ગર્વ છે."
ઝોહરાન મમદાણી કોણ છે?
યુગાન્ડાના કંપાલામાં જન્મેલા મમદાણી પોતાના પરિવાર સાથે સાત વર્ષની વયે ન્યૂ યૉર્ક પહોંચ્યા હતા. તેઓ બ્રૉન્ક્સ હાઈસ્કૂલ ઑફ સાયન્સમાં ભણ્યા અને બાદમાં બોડેન કૉલેજમાંથી આફ્રિકન સ્ટડીઝમાં ડિગ્રી મેળવી.
કૉલેજમાં તેઓ સ્ટુન્ડન્ટ્સ ફૉર જસ્ટિસ ઇન પેલેસ્ટાઇન નામના કૅમ્પસ ચૅપ્ટરના સહસ્થાપક હતા.
તેઓ વિવિધતાભર્યા આ શહેરમાં પોતાનાં મૂળ સાથે જોડાયેલા છે. તેમણે પોતાના કૅમ્પેનમાં એક વીડિયો સંપૂર્ણપણે ઉર્દૂમાં બનાવ્યો હતો, જેમાં તેમણે બોલીવૂડની ક્લિપો જોડી હતી. બીજા વીડિયોમાં તેઓ સ્પેનિશ બોલતા દેખાયા હતા.
મમદાણી અને તેમનાં 27 વર્ષીય પત્ની જેઓ એક બ્રૂકલિનસ્થિત સીરિયન કલાકાર છે 'હિંજ' નામની ડેટિંગ ઍપ પર મળ્યાં હતાં.
તેમનાં માતા મીરા નાયર એક ખ્યાતનામ ફિલ્મ ડાયરેક્ટર છે અને તેમના પિતા પ્રોફેસર મહમૂદ મમદાણી કોલંબિયા ખાતે ભણાવે છે. તેમનાં માતાપિતા હાર્વર્ડમાં ભણેલાં છે.
મમદાણી પોતાની જાતને 'જનતાના ઉમેદવાર' અને આયોજક તરીકે રજૂ કરે છે.
તેમની સ્ટેટ ઍસેમ્બ્લી પ્રોફાઇલ પ્રમાણે "જીવને અનિવાર્ય વળાંક લીધા એ સાથે ફિલ્મ, રૅપ અને લેખનથી માર્ગપરિવર્તન."
રાજકારણમાં આવ્યા એ પહેલાં તેમણે હાઉસિંગ કાઉન્સેલર તરીકે કામ કર્યું, જ્યાં તેઓ ક્વીન્સમાં ઓછી આવક ધરાવતા ઘરમાલિકોને ઘર ખાલી ન કરવું પડે એ માટે મદદરૂપ થતા.
તેમણે પોતાના ધર્મને પણ પોતાના કૅમ્પેનનો એક દેખીતો ભાગ બનાવ્યો. તેઓ ઘણી વાર મસ્જિદોની મુલાકાત લેતા અને નિયમિતપણે શહેરમાં જીવવા માટેના ખર્ચના સંકટ અંગે ઉર્દૂમાં વીડિયો જાહેર કરતા.
નરેન્દ્ર મોદી અને ઇઝરાયલની ટીકા
ઝોહરાન મમદાની ઇઝરાયલથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખૂલીને આલોચના કરી ચૂક્યા છે.
મે 2025માં એક કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં એક રેલીમાં હાજરી આપશે અને તે પછી તેઓ ન્યૂ યૉર્કના મેયર સાથે સંયુક્ત પત્રકારપરિષદને સંબોધવા ઇચ્છે છે. તો તેઓ તેમાં સામેલ થશે?
મમદાણીએ જવાબ આપતા કહ્યું, "મારા પિતા અને તેમનો પરિવાર ગુજરાતના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુસ્લિમોની કત્લેઆમમાં મદદ કરી હતી, હિંસા એટલી વ્યાપક હતી કે હવે એવું લાગે છે કે ગુજરાતી મુસ્લિમો અસ્તિત્વમાં જ નથી. આપણે મોદીને એ જ રીતે જોવા જોઈએ જે રીતે આપણે બેન્જામિન નેતન્યાહૂને જોઈએ છીએ. તે એક યુદ્ધ અપરાધી છે."
આ નિવેદન બાદ ન્યૂ યૉર્કમાં રહેતા ઇન્ડો-અમેરિકન અને હિન્દુ અને શીખ સમુદાયના કેટલાક લોકોએ તેને વિભાજનકારી અને દ્વેષપૂર્ણ ગણાવ્યું. તેઓએ મમદાની પાસેથી માફીની પણ માગ પણ કરી હતી.
એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે જૂન 2022માં સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો સંબંધિત તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટને સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યો, જેણે મોદીને નિર્દોષ જાહેર કર્યા હતા.
પેલેસ્ટાઇનને સમર્થન આપવા અને ઇઝરાયલની ટીકા કરવા અંગે ઝોહરાન મમદાણીના અભિગમથી મોટા ભાગના ડેમૉક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે મતભેદ રહ્યા છે.
એક અમેરિકન ચૅનલ સાથેની મુલાકાતમાં તેમણે ઇઝરાયલને યહૂદી દેશ તરીકે અસ્તિત્વનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું, "હું એવા કોઈ પણ દેશને સમર્થન આપી શકતો નથી જ્યાં નાગરિકત્વ ધર્મના આધારે અથવા અન્ય કોઈ આધાર પર વિભાજિત થાય છે. મારું માનવું છે કે દરેક દેશમાં સમાનતા હોવી જોઈએ."
મમદાણીએ કથિત રીતે ઇઝરાયલ પ્રત્યે ઉશ્કેરણીજનક અત્યંત વિવાદાસ્પદ "ગ્લોબલાઇઝેશન ધ ઇન્તિફાદાને"ના નારાથી પોતાને દૂર રાખ્યા ન હતા. તેમણે તેને માનવ અધિકારો માટે પેલેસ્ટિનિયન લોકોની લડાઈનું પ્રતીક ગણાવ્યું. તેઓ તેને હિંસાનો નહીં, પણ સમાનતાનો અવાજ માને છે.
ઝોહરાનની મુસ્લિમ ઓળખ પર હુમલા
પ્રાયમરી ચૂંટણી જીત્યા પછી મમદાણીની મુસ્લિમ ઓળખ પર પ્રહાર વધ્યા હતા. રિપબ્લિકન સાંસદ એન્ડી ઓગલ્સે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને ઝોહરાન મમદાણીની નાગરિકતા રદ કરવા અને તેમને દેશનિકાલ કરવાની માગ કરી હતી.
મમદાણી તેમની ધાર્મિક ઓળખ પર આધારિત પ્રહારનો ખૂલીને જવાબ આપતા રહ્યા છે. તેમને તેમના પ્રચાર દરમિયાન હિંસક હુમલાઓની ધમકીઓ પણ મળી હતી. મમદાણીએ તેમના પ્રચાર દરમિયાન આ ધમકીઓનાં રેકૉર્ડિંગ પણ સંભળાવ્યા હતા.
એમએસએનબીસીએ ઝોહરાન મમદાણીને તેમના દેશનિકાલ માટેના કૉલ અને તેમના પર થઈ રહેલા ઇસ્લામોફોબિક પ્રહારો વિશે પૂછ્યું કે તેમનો પરિવાર આને કેવી રીતે જુએ છે? મમદાણીએ જવાબ આપ્યો, "તે ખૂબ જ મુશ્કેલ છે. તે દરરોજ થઈ રહ્યું છે. મારા નામ અને શ્રદ્ધાના આધારે મારા પર નિયમિતપણે આવા પ્રહારો કરવામાં આવે છે. તેનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. મારી જીત એ બતાવવાની તક છે કે મુસ્લિમ હોવું એ બીજા કોઈ ધર્મના અનુયાયી હોવા જેવું જ છે."
દક્ષિણ કૈરાલાઇનાના રિપબ્લિકન પ્રતિનિધિ નેન્સી મેકે 25 જૂનના રોજ ઈદના પ્રસંગે કુર્તા-પાયજામામાં ઝોહરાન મમદાણીની તસવીર શૅર કરીને લખ્યું હતું, "9/11 પછી આપણે કહ્યું કે, 'અમે ક્યારેય ભૂલીશું નહીં.' મને લાગે છે કે આપણે ભૂલી ગયા છીએ. આ ખૂબ જ દુઃખદ છે."
9/11ના હુમલા સમયે ઝોહરાન મમદાણી નવ વર્ષના હતા અને મેનહટનમાં રહેતા હતા.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન