You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકા જવા જમીન વેચી, 57 લાખનો ખર્ચો કર્યો, 14 મહિનાની જેલ અને અંતે કાઢી મૂક્યા
- લેેખક, કમલ સૈની અને અવતારસિંહ
- પદ, બીબીસી પંજાબી, કૈથલ, હરિયાણા
અમેરિકામાંથી તાજેતરમાં દેશનિકાલ પામેલા ઘણા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ કામદારોએ પોતાના અપમાન, દેવાં અને તૂટેલાં સપનાંની વ્યથાનું વર્ણન બીબીસી સાથેની વાતચીતમાં કર્યું છે.
ગેરકાયદે ક્રૉસિંગને સરળ બનાવવા માટે માનવતસ્કરો દ્વારા જેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે તે 'ડૉન્કી રૂટ' મારફત અમેરિકામાં પ્રવેશેલા ઓછામાં ઓછા 54 પુરુષો રવિવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા.
હરિયાણાના આ બધા લોકો 25થી 40 વર્ષની વયના છે. પોલીસે જણાવ્યું હતું કે આ લોકોના દેશનિકાલ બાબતે ભારત સરકારે કોઈ ટિપ્પણી કરી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કરવામાં આવી રહેલી આકરી કાર્યવાહી દરમિયાન આ પગલું લેવામાં આવ્યું છે. તેમાં આ વર્ષે 2,400થી વધુ ભારતીયોને અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા છે.
ખાસ કરીને દક્ષિણ એશિયન દેશોના ઘણા પુરુષો અમેરિકા અને યુરોપ જવા માટે ડૉન્કી રૂટની જોખમી મુસાફરી કરે છે. તેમાં અનેક સરહદો પાર કરવાનો સમાવેશ થાય છે.
ઘણા લોકો વધુ સારા જીવન અથવા વતનમાંના પોતાના પરિવારને ટેકો આપવા માટે પોતાની જમીન વેચી નાખે છે અને લોન લે છે.
રવિવારે પરત આવેલા 54 લોકો પૈકીના 15 પુરુષોની બીબીસી પંજાબીએ હરિયાણાના કૈથલ જિલ્લામાં મુલાકાત લીધી હતી. પોતાનું ભવિષ્ય અનિશ્ચિત હોવાનું એ પુરુષોએ જણાવ્યું હતું.
હરજિંદરસિંહ નામના ખેડૂતે ચાર વર્ષ પહેલાં અમેરિકા જવા માટે 35 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, વતનમાંના પોતાનાં સંતાનોને આધાર આપવા માટે તેઓ અમેરિકામાં રસોઈયા તરીકે કામ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારી આશા ઠગારી નીવડી છે. હું કશું કરી શક્યો નહીં, એ દુઃખની વાત છે," એમ કહેતાં હરજિંદરસિંહે ઉમેર્યું હતું કે દેશનિકાલની પ્રક્રિયા દરમિયાન તેમણે જે અપમાનનો સામનો કરવો પડ્યો હતો તેને તેઓ ભૂલી શકતા નથી.
જમીન વેચીને એજન્ટોને 57 લાખ રૂપિયા ચૂકવ્યા
તેમની બધી બચત ખતમ થઈ ગઈ છે અને હવે તેમને તેમનાં સંતાનોના ભવિષ્યની ચિંતા છે.
દેશનિકાલ પામેલા એક અન્ય પુરુષ નરેશકુમારે જણાવ્યુ હતું કે તેમણે જમીન વેચી દીધી હતી અને એજન્ટોને 57 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. એજન્ટોએ નરેશકુમારને અમેરિકા પહોંચાડવાનું વચન આપ્યું હતું.
તેઓ જાન્યુઆરી, 2024માં બ્રાઝિલ ગયા હતા અને ત્યાંથી અમેરિકા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું, "વચ્ચેના સમયગાળામાં મારા સંબંધીઓ મને સમયાંતરે પૈસા આપતા રહ્યા હતા."
જોકે, નરેશકુમાર નવું જીવન શરૂ કરે તે પહેલાં અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું, "મેં 14 મહિના જેલમાં વિતાવ્યા હતા અને પછી તેમણે મને ભારત મોકલી આપ્યો."
બીબીસી પંજાબીએ ટિપ્પણી માટે યુએસ ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ)નો સંપર્ક કર્યો છે, પણ કોઈ જવાબ મળ્યો નથી.
પનામા થઈને અમેરિકા પહોંચેલા કર્નાલ જિલ્લાના રજત પાલે તેમના પ્રવાસને "ખૂબ જ ખતરનાક" ગણાવ્યો હતો.
અંદાજે 2,427 ભારતીયોનો અમેરિકામાંથી દેશનિકાલ
રજત પાલના જણાવ્યા મુજબ, તેમણે 2024માં ભારત છોડ્યું હતું અને થોડા મહિનાઓ પછી ડિસેમ્બરમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચવામાં સફળ થયા હતા.
તેમણે કેવી રીતે મુસાફરી કરી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ આવા રૂટ્સ અપનાવતા ઘણા લોકોને એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ સુધી ગેરકાયદે લઈ જવામાં આવતા હોવાથી તેમણે બસોથી માંડીને હોડીઓ સુધીના પરિવહનના અનેક માધ્યમોનો ઉપયોગ કરવો પડે છે, જંગલમાં મુશ્કેલીભર્યું ટ્રેકિંગ કરવું પડે છે.
કૈથલના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકામાંથી દેશનિકાલ પામેલી એક પણ વ્યક્તિએ તેમના પ્રવાસનું આયોજન કરનાર એજન્ટો સામે ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી, પરંતુ "ફરિયાદ નોંધાવવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે."
ભારત સરકારે અગાઉ જણાવ્યું હતું કે સલામત તથા કાયદેસર સ્થળાંતર બાબતે જાગૃતિ લાવવા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. મોટાં સપનાં અને વચનો દ્વારા લલચાવીને યુવા, સંવેદનશીલ ભારતીયોને ઇમિગ્રેશનમાં મૂર્ખ બનાવવામાં આવતા હોવાના મુદ્દાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજાગર કર્યો હતો.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી અને સપ્ટેમ્બર 2025 દરમિયાન લગભગ 2,427 ભારતીયોનો અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
ત્રણ દાયકાથી અમેરિકામાં રહેતાં 73 વર્ષનાં હરજિતકોરનો આ વર્ષની શરૂઆતમાં દેશનિકાલ કરવામાં આવતાં અમેરિકાના શીખ સમુદાયમાં રોષ ફેલાયો હતો.
ફેબ્રુઆરીમાં 100થી વધુ ભારતીયોને અમેરિકન લશ્કરી વિમાનમાં ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. દેશનિકાલ થયેલી એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું હતું કે 40 કલાકના ફ્લાઇટ દરમિયાન તેમને હાથકડી પહેરાવવામાં આવી હતી અને એ કૃત્યની જોરદાર ટીકા થઈ હતી.
જોકે, હોબાળા બાદ ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતમાં દેશનિકાલની ફ્લાઈટ્સ ઘણા વર્ષોથી ચાલી રહી છે અને અમેરિકન પ્રક્રિયામાં આવા નિયંત્રણોની છૂટ છે.
પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, 2022 સુધીમાં અંદાજે 7,25,000 લાખ વણનોંધાયેલા ભારતીય ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં હતા. ભારતીયોની આ સંખ્યા અમેરિકામાં ગેરકાયદે રહેતા મૅક્સિકો અને અલ સાલ્વાડોરના નાગરિકો પછીના ત્રીજા ક્રમે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન