ગુજરાત : ઑસ્ટ્રેલિયા થઈને 'ગેરકાયદે અમેરિકા ઘૂસવા'નું સપનું લઈને નીકળેલા ગુજરાતીઓનું ઈરાનમાં કેવી રીતે અપહરણ કરીને માર મરાયો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીનગર પાસે આવેલા બાપુપુરા ગામમાં ધોળા દિવસે સુનકાર છે, ગ્રામપંચાયત અને બજાર પણ બંધ છે, અચાનક ગામમાંથી કોઈ મોટર સાઇકલ લઈને બહાર આવે છે, તો કોઈ કારમાં નીકળે છે, પણ કોઈ વાત કરવા ઊભું નથી રહેતું.

ગામની મહિલાઓ ઘીનો ડબ્બો લઈને થાળ સાથે ગામથી છ કિલોમીટર દૂર કૅનાલ પાસે આવેલા ગોગા મહારાજના મંદિર પાસે જાય છે.

થોડી મિનિટો પહેલાં ગામમાં ચકલું ફરકતું નહોતું અને અચાનક લોકો ગામ છોડીને જવા લાગ્યા ત્યારે અહીંના રામજી મંદિરને તાળું મારીને બહાર નીકળેલા એક 68 વર્ષીય વૃદ્ધે કહ્યું કે, "અમારા ગામના ઑસ્ટ્રેલિયા ગયેલા લોકોને માર મરાયો હતો, એ લોકો પાછા આવે છે. એમની બાધા પૂરી કરવા માટે ગામના કેટલાક લોકો ગોગા મહારાજના મંદિરે સુખડીનો થાળ ધરાવવા ગયા છે, તો કેટલાક લોકો ઍરપૉર્ટ ગયા છે."

બીબીસીની ટીમ સાંકડા અને કાચા રસ્તેથી કૅનાલ પાસે આવેલા ગોગા મહારાજના મંદિરે પહોંચી તો ત્યાં લોકો એકઠા થયા હતા, પણ ગામ સિવાયના લોકોને મંદિરમાં પ્રવેશ ન હતો.

અમુક સમય પહેલાં આ ગામના ત્રણ યુવાન અને એક યુવતી ઑસ્ટ્રેલિયા જવા નીકળેલાં. તેમનું કથિતપણે અપહરણ કરી ઈરાનના પાટનગર તહેરાનમાં બંધક બનાવી તેમને માર મારવામાં આવ્યો હોવાના સમાચાર પાછલા અમુક દિવસથી વહેતા થયા હતા.

કથિત અપહરણકારોએ આ ચારેયને મુક્ત કરવા માટે કરોડો રૂપિયાની ખંડણી માંગી હોવાની પણ ફરિયાદ છે. હવે આ કથિત યાતનામાંથી માંડ છૂટ્યા પછી બે લોકો બીમાર થઈ જતાં એમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. આ સંજોગોમાં ભારત પરત ફરેલા લોકોને શાંતિથી ધાર્મિક વિધિ કરવા દેવાય એ હેતુસર મંદિરમાં બહારની વ્યક્તિઓની પ્રવેશબંધી હતી.

નોંધનીય છે કે આ તમામ યુવાનો મંગળવારે બપોરે ભારત પરત ફર્યા હતા.

લગભગ પોણા કલાક કુટુંબીઓ અને નજીકનાં સગાં સાથે ચાલેલી વિધિ બાદ, ગામના લોકોએ બીબીસીની ટીમને પ્રસાદ આપીને કહ્યું કે મંદિરમાં દર્શન કરો, પણ પરિવાર સાથે વાતચીત કરવાની મનાઈ છે.

કેમ ગામના લોકો નારાજ થઈ પીડિતોને ગામની બહાર લઈ ગયા?

ગાંધીનગરના બાપુપુરા ગામમાં દિવાળીના તહેવારો શરૂ થયા અને ગ્રામપંચાયતની સામે આવેલા ગુલાબી રંગના ઘરમાં બધાએ વહેલી ધનતેરસની પૂજા કરી, અને પછી કેટલાક લોકો પહેલાં દિલ્હી જવા નીકળી ગયા અને પછી દિલ્હીથી 19 ઑક્ટોબર એટલે કે કાળી ચૌદશે ઑસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા.

બાપુપુરા ગામના સરપંચ પ્રકાશ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ લોકો ફ્લાઇટમાં દિલ્હીથી ગયા હતા, ગામમાં કોઈને આ વાતની ઝાઝી ખબર નહોતી, ગામનાં અજય અને પ્રિયા ચૌધરીની સાથે અનિલ ચૌધરી તથા નિખિલ ચૌધરી નામના યુવાનો પણ આ ટ્રિપ પર ગયા હતા. એ લોકો થાઇલૅન્ડથી દુબઈ થઈને તહેરાન પહોંચ્યા હતા, ત્યાંથી ઍરપૉર્ટ પરથી એમને બહાર કાઢી લેવાયાં હતાં, અને એક હોટલમાં લઈ જઈ બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

તેઓ આગળ કહે છે કે, "અહીં એમને એક હોટલમાં બંધ કરી ઢોર માર મારતો વીડિયો ઉતારી, ઈરાનના નંબર પરથી ગામમાં એમના સગાને વૉટ્સઍપ મારફતે મોકલી પૈસાની માંગણી કરાઈ હતી."

"જેના કારણે અહીં એમનાં સગાં ગભરાઈ ગયાં હતાં , અને 25 ઑક્ટોબરે મારી પાસે આવ્યા, એટલે અમે મદદ માટે અમારા ધારાસભ્ય જેએસ પટેલનો સંપર્ક કર્યો અને એમને આ છોકરાઓને છોડાવવાની વિનંતી કરી."

માણસાના ધારાસભ્ય જેએસ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારી પાસે આ વિગત આવી મને ખબર પડી કે આ લોકો કોઈ એજન્ટ થકી ઑસ્ટ્રેલિયા ગયા છે, અને એમનું અપહરણ થયું છે ,આ એજન્ટ કોણ છે, એની એમનાં માતાપિતાને ખબર નથી. આ યુવાનોએ એજન્ટના નામની જાહેરાત કરી નથી. મેં એમને ક્રૂરપણે માર મરાતા વીડિયો જોયા, આ ઘટનામાં કોઈ બાબા ખાન નામના માણસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગણી કરી હતી. અમને ખબર પડી કે એ તહેરાનમાં હેલી હોટલમાં છે. એટલે અમે તાત્કાલિક ગૃહમંત્રી અમિત શાહને 26 તારીખે પત્ર લખી આ યુવકોને છોડાવવા વિનંતી કરી અને તાત્કાલિક કામગીરી શરૂ થઈ, અને બે દિવસમાં એમને છોડાવી લાવ્યા."

તેઓ આગળ જણાવે છે કે, "માર મારવાનો અને ખંડણી માગવાનો ગુનો પરદેશમાં બન્યો છે, એટલે એ ફરિયાદ નહીં થાય, પણ આ યુવાનો એજન્ટનું નામ જણાવશે એ બાદ તાત્કાલિક ફરિયાદ નોંધાવીશું."

આ લોકોને બચાવવા માટે ભૂતપૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ પણ મહેનત કરી હતી.

અમિત ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમને આ વાતની ખબર પડતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સંપર્ક કર્યો, આ ઉપરાંત ગુજરાતમાં મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીનો સંપર્ક કર્યો. મેં મારા સંપર્ક લગાવ્યા ત્યારે ખબર પડી કે આ લોકો કોઈ લેભાગુ એજન્ટ થકી વિદેશ ગયા હતા."

"હેલી હોટલ અંગે તપાસ કરતાં ખબર પડી કે એ એક સસ્તી હોટલ હતી, એટલે એક વાત તો નક્કી હતી કે આ લોકો કોઈ અસામાજિક તત્ત્વોના હાથમાં છે. એટલે એમને શોધવાનું કામ સહેલું થઈ ગયું હતું. 27મી ઑક્ટોબરે એમને છોડાવી મોડી રાત સુધીમાં દોહા લવાયાં, અને ત્યાંથી પહેલી ફ્લાઇટમાં ભારત લવાયાં છે."

"હાલ પતિ-પત્ની, અજય અને પ્રિયા ચૌધરીની તબિયત નાદુરસ્ત હોવાથી એમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જયારે નિખિલ અને અનિલની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હાલ પૂછપરછ પૂરી થતાં ગામ લાવ્યા છીએ, આ લોકો હજી માનસિક આઘાતમાં છે, એટલે થોડા સ્વસ્થ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે."

ગામમાં કેવો છે માહોલ?

માંડ પોણા ત્રણ હજારની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં ચૌધરી જ્ઞાતિનું મહત્ત્વ વધુ છે.

અશોકનાં માતા નાદુરસ્ત તબિયતના કારણે વાત કરવા તૈયાર નથી, તો એમના કૌટુંબિક ભાઈ જેબી ચૌધરીએ આ લોકોને તહેરાનમાં માર મરાતો વીડિયો બતાવી બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જે ક્રૂરતા સાથે આ લોકો પર વસ્ત્રહીન કરીને અત્યાચાર ગુજારાયો છે, એ પછી આ લોકો ખૂબ આઘાતમાં છે, અમે એ લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ હજુ એ આઘાતમાં હોવાથી સરખી વિગતો નથી આપી શકતા, અમારા સમાજના અમુક લોકો દવાખાને છે."

"અમુક અહીં છે. ઍરપૉર્ટથી આવ્યા બાદ અમે એમની પાસેથી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો, પણ એ કશું કહી શકતા નથી આઘાતમાંથી બહાર આવે પછી વાત કરી શકીશું."

આ ગામના મોટા ભાગના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. અહીંના લોકોને વિદેશ જવાનો શોક પણ ખરો. જોકે, કેટલા લોકો પરદેશ રહે છે, એનો સત્તાવાર આંકડો આપવા કોઈ તૈયાર નથી, પણ ગામમાં મોંઘા શૂઝ અને ટીશર્ટની ડિમાન્ડ વધુ છે.

ગ્રામપંચાયતની સામે આવેલા નાનકડા સલૂનમાંથી બહાર આવેલા એક વેપારીએ આ ચારેય પીડિત પોતાના સમાજના અને એક જ કુટુંબના હોવાથી પોતાનું નામ નહીં આપવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :

"આ લોકો અમારા કુટુંબીજનો જ છે, સમાજ અને કુટુંબના લોકોએ જ્યાં સુધી પોલીસ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી કોઈ વિગતો નહીં આપવાનું નક્કી કર્યું છે. એટલે વધુ વિગતો નહીં આપી શકું, પણ અહીંથી પરદેશ જઈને કમાવવાના બધાને અભરખા છે."

"આસપાસના ગામના લોકો પરદેશથી આવે ત્યારે જેવાં કપડાં પહેરે એવાં આ લોકોને અહીં પહેરવાં જોઈએ છે. એટલે અમારા ગામમાં કપડાં અને શૂઝની દુકાન વધુ ચાલે છે. અહીં ખેતીની આવક સારી છે એટલે બિયારણ અને હોલસેલના વેપારીઓ છે, પણ અહીંના લોકોને પરદેશ જવાનો મોહ હોવાથી પરદેશ તરફ દોટ મૂકે છે."

"ગામના લોકો વાત કરે છે એ મુજબ અહીં છેલ્લા કેટલાક સમયથી એનકે અને ડીકે નામના બે જણા આવતા હતા. એમના આખા નામ કોઈને ખબર નથી. આ બંને જણના આગમન બાદથી ગામમાં જુવાનિયાઓ પરદેશ જવાનાં સપનાં જોતા હતા. મને બહુ ખબર નથી, પણ એવું સાંભળ્યું હતું કે, ટ્રમ્પના કડક વલણ પછી કૅનેડા અને મેક્સિકોની અમેરિકા જવાની લાઇન બંધ થયા પછી હવે ઑસ્ટ્રેલિયાની નવી લાઇન શરૂ થઈ છે."

"ત્યાં નોકરી મેળવી અને અમેરિકા જઈ શકાય છે. ઑસ્ટ્રેલિયાથી કયા રૂટથી અમેરિકા જવાય, એની કોઈને ખબર નથી, પણ ઑસ્ટ્રેલિયામાં નોકરી હોય તો બિઝનેસ વિઝા માટે કંપની સ્પૉન્સર કરે તો અમેરિકા જવાય એવી લાલચ આપીને આ લોકોને ત્યાં લઈ ગયા હોવા જોઈએ."

શું કહે છે પોલીસ ?

ગાંધીનગરના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રવિ તેજા વસમશેટ્ટીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હાલ અજય ચૌધરી , પ્રિયા ચૌધરી , અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરી પરત આવ્યાં છે. અમે આ મામલાની ગંભીરતા જોતાં પ્રાથમિક પૂછપરછ કરી છે, પણ આ ચાર લોકોએ હજુ ફરિયાદ નથી નોંધાવી. ફરિયાદ નોંધાતાં જ અમે કાર્યવાહી કરીશું."

આ ઉપરાંત ફરિયાદ ન નોંધાઈ હોવાથી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક પૂછપરછ કરી છે, એ પ્રમાણે અમને ફરિયાદ નોંધાય એ પહેલાં કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ખંડણીના મૅસેજ ઈરાનની સારી ઇન્ટરનેટ સેવા આપતા તમીમ કંપનીના સિમકાર્ડથી આવ્યો છે. અલબત્ત હજુ ફોનનું આઇપી ઍડ્રેસ મેળવ્યું નથી, પણ આ હેલી હોટલમાં ફ્રી વાઇફાઇ છે, એટલે એનો આઇપી ઍડ્રેસ શોધવાનો પ્રયાસ કરીશું."

"હાલ આ મહિનાની સાત તારીખે આવી જ રીતે ઑસ્ટ્રેલિયા લઈ જવાની લાલચ આપી ગાંધીનગરના એક યુવાનને છેતરનાર દક્ષ કૈલાસગીરી ગોસ્વામી સામે સીઆઇડી ક્રાઇમમાં કેસ નોંધાયો છે. જેની ઉપર અગાઉ અમદાવાદમાં હિંમતનગરના એક યુવાનને ઑસ્ટ્રેલિયા મોકલવાના નામે છેતરપિંડી કર્યાનો બીજો કેસ થયેલો છે. એટલે ડીકે નામની વ્યક્તિ એ જ છે કે નહીં એની પણ તપાસ કરીશું. એક વાર ફરિયાદ નોંધાયા પછી આગળની કાર્યવાહી થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન