ગીર : ખેતરમાંથી મળેલા દુર્લભ પ્રાણીને વેચવાનો પ્રયાસ કરતા 'દેવામાં ડૂબેલા' રત્નકલાકાર અને ખેડૂત કેવી રીતે ઝડપાયા

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગીર જંગલના પશ્ચિમ છેવાડે આવેલા ઘાટવડ ગામના એક ખેડૂતે કથિત રીતે તેના ખેતરમાં આવી ચડેલા એક ઇન્ડિયન પેંગોલિન (ભારતીય કીડીખાઉ) નામના પ્રાણીને પકડી લીધું અને તેને વેચી પૈસા કમાવાના ઇરાદે એક રત્નકલાકારને વાત કરી.

એક રત્નકલાકારે એ દુર્લભ પ્રાણીને કથિત રીતે વેચવાના પ્રયાસો આદર્યા પરંતુ તેની ગંધ રાજકોટ શહેર પોલીસને પડી જતાં વાડી માલિક સહિત ત્રણ લોકોને ધરપકડ કરાઈ છે.

કીડીખાઉ એવું પ્રાણી છે જેનો વિશ્વમાં ગેરકાયદેસર વેપાર કરાય છે.

પ્રાકૃતિક જગતનું મૂલ્યાંકન કરી વન્યજીવો પર વિલુપ્ત થઈ જવાનો કેટલો ભય છે તેનું વિશ્લેષણ કરતી ઇન્ટરનૅશનલ યુનયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચર (ટૂંકમાં, આઈયુસીએન) નામની વૈશ્વિક સંસ્થાના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં જેનો ગેરકાયદેર વેપાર કરાય છે તે સ્તનધારી વન્યપ્રાણીઓની યાદીમાં કીડીખાઉ પ્રથમ ક્રમે છે.

એશિયાના અમુક દેશો, ખાસ કરીને ચીન અને વિયેતનામમાં, શ્રીમંત વર્ગ આ પ્રાણીનું માંસ આરોગે છે તેમ જ કીડીખાઉના સ્કેલ્સ (ભીંગડા) પરંપરાગત દવાઓ બનવવામાં વપરાય છે.

કીડીખાઉ વેચવા નીકળેલા ઇસમો કઈ રીતે પકડાઈ ગયા?

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ કમિશ્નર ઑફ પોલીસ ભરત બસિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, રાજકોટ શહેર પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રૂપ (ટૂંકમાં એસ.ઓ.જી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાની ટીમને બાતમી મળી કે એક પેંગોલિનને પકડી લેવાયા બાદ તેને વેચવા માટે એક વ્યક્તિ રાજકોટ આવવાની છે. આ બાતમીના આધારે એસઓજીએ 39 વર્ષીય બીજલ સોલંકી નામની વ્યક્તિની શુક્રવારે રાજકોટના ઢેબર રોડ પરથી અટકાયત કરી લીધી.

બીબીસી સાથે વાત કરતા બસિયાએ જણાવ્યું કે, "બીજલ સોલંકી ઍન્ટિક આર્ટિકલ્સ (પૌરાણિક વસ્તુઓ)નો વેપાર કરે છે. તેને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તેણે અમારી ટીમને જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં 28 વર્ષીય દિલીપ મકવાણા નામની વ્યક્તિએ એક પેંગોલિનને એક વાડીમાં આવેલી ઓરડીમાં ગોંધી રાખ્યું છે."

"તેથી, રાજકોટ એસઓજીની ટીમે ઘાટવાડ દોડી જઈ દિલીપ મકવાણાની પણ અટકાયત કરી લીધી અને અતુભાઈ લાલકિયા નામના ખેડૂતની વાડીમાં આવેલી એક ઓરડીમાં ગોંધી રાખેલા પેંગોલીનનું રેસ્ક્યુ (બચાવ) કર્યું."

બસિયાએ કહ્યું કે પેંગોલિનનું રેસ્ક્યુ કર્યા બાદ એસઓજીએ તે પ્રાણી તેમ જ બીજલ સોલંકી અને દિલીપ મકવાણાને આ ગુનો વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ હેઠળનો હોઈ આગળની કાર્યવાહી માટે ગીર પશ્ચિમ વન્યપ્રાણી વિભાગની જામવાળા રેન્જના અધિકારીઓને સોંપી દીધા.

એસઓજીએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે દિલીપ મકવાણા ઘાટવાડ ગામના છે જયારે બીજલ સોલંકી ઘાટવાડ પાસેના ગાંગેથા ગામના રહીશ છે. આતુભાઈ લાલકિયા પણ ઘાટવાડ ગામના ખેડૂત છે.

દેવામાં ડૂબેલા રત્નકલાકારનો પ્લાન કઈ રીતે નિષ્ફળ ગયો?

રાજકોટ શહેર એસઓજી પાસેથી બીજલ સોલંકી અને દિલીપ મકવાણાનો કબજો સ્વીકાર કર્યા બાદ પેંગોલિનના શિકાર અને તેને વેચવાની કોશિશ કરવા બદલ જામવાળા રેન્જ ફૉરેસ્ટ ઑફિસ ખાતે તેમની સામે વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો અને બંને આરોપીની વિધિવત રીતે ધરપકડ કરી કરી હતી. આ બંને આરોપીઓને શનિવારે જ કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગતા કોર્ટે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ત્યાર બાદ રવિવારે સાંજે વન અધિકારીઓએ 70 વર્ષના ખેડૂત આતુભાઈ લાલકિયાની પણ આ ગુનામાં તેમની કથિત સંડોવણી બદલ ધરપકડ કરી લીધી.

જામવાળાના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (આર.એફ.ઓ) ભૂપત વાળાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે દિલીપ મકવાણાએ પોતાનું દેવું ઉતારવા પેંગોલિનને વેચવા માટે આતુભાઈ અને બીજલ સોલંકીને મનાવી લીધા હતા.

વાળાએ કહ્યું, "દિલીપ મકવાણા ઘાટવડના છે પરંતુ સુરતમાં રહી હીરા ઘસવાનું કામ કરતા હતા. હાલ, તેઓ સુરતમાં કપડાં વેચવાનું કામ કરે છે પરંતુ દિવાળીના તાહેવારો ઉજવવા માટે પોતાના વતનમાં આવ્યા હતા."

"તેમની ઉપર પાંચેક લાખ જેટલું દેવું થઈ ગયું છે. તેમણે આતુભાઈને કહેલા કે કોઈ વન્યપ્રાણી મળી આવે તો તેને વેચીને પૈસા કમાઈ શકાય છે. આરોપીઓ કહે છે કે ધનતેરસ (18 ઑક્ટોબર)ના દિવસે આતુભાઈની વાડીમાં કીડીખાઉ ફસાયું એટલે આરોપીઓએ આતુભાઈની વાડીમાં આવેલી એક ઓરડીમાં તેને પૂરી દીધું."

"ત્યાર બાદ દિલીપ મકવાણાએ બીજલ સોલંકીનો સંપર્ક સાધ્યો, પકડાયેલા પેંગોલિનનો ફોટો મોકલ્યો અને તે પ્રાણીને વેચી આપવા મદદ માગી."

આરએફઓ વાળાએ વધુ જણાવતા કહ્યું કે બીજલ સોલંકીએ કીડીખાઉ વેચી આપવાની પ્રથમ તો ના જ પાડી દીધી.

આરઓએફઓએ કહ્યું, "બીજલ સોલંકીએ દિલીપ મકવાણાને જણાવી દીધું કે તે માત્ર ઍન્ટિક આર્ટિકલ્સનો જ વેપાર કરે છે અને પેંગોલિન વેચી આપવામાં તેની અસમર્થતા દર્શાવી. પરંતુ દિલીપ મકવાણાએ ફરી વાર વિનંતી કરતા બીજલ સોલંકીએ હા પાડી અને ગ્રાહક શોધવાની શરૂઆત કરી. તે દરમિયાન આ ગુનાની ગંધ રાજકોટ શહેર એસઓજીની ટીમને આવી જતા તેમણે બીજલ સોલંકી અને દિલીપ મકવાણાને પકડી લીધા."

પેંગોલિન કેમ દુર્લભ ગણાય છે?

આઈયુસીએનના 2014ના એક રિપોર્ટ અનુસાર દુનિયામાં પેંગોલિનની આઠ પ્રજાતિઓ હયાત છે. તેમાંથી ચાર આફ્રિકા ખંડમાં અને ચાર એશિયા ખંડમાં જોવા મળે છે. એશિયા ખંડમાં જોવા મળતી ચાર પ્રજાતિઓમાંની એક પ્રજાતિ છે ઇન્ડિયન પેંગોલિન.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યપ્રાણી અભયારણના સુપરિટેન્ડન્ટ મોહન રામ અને અન્ય સંશોધકોના એક રિસર્ચ પેપરમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયન પેંગોલિન પાકિસ્તાન, ભારત, નેપાળ અને શ્રીલંકામાં જોવા મળે છે. આ પ્રાણી ગીરના જંગલમાં પણ જોવા મળે છે અને મુખ્યત્વે કીડી, ઊધઈ વગેરે જેવા જંતુઓ આરોગે છે.

આઈયુસીએનના 2014ના રિપોર્ટ અનુસાર વિશ્વમાં ગેરકાયદેસર વેપાર કરાતી સ્તનધારી પ્રાણીઓની યાદીમાં પેંગોલિન પ્રથક ક્રમાંકે છે. આઈયુસીએનના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે, "ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય વેપાર માટે શિકાર અને પકડી લેવાની પ્રવૃત્તિ આજે એશિયા અને વધારે પડતી રીતે આફ્રિકામાં પેંગોલિન માટે સૌથી મોટું જોખમ છે. આ પ્રવૃત્તિમાં જીવતા પેંગોલિન, તેના સ્કેલ્સ અને માંસનો સમાવેશ થાય છે. પ્રાથમિક રીતે તેને પૂર્વ એશિયામાં અને ખાસ કરીને ચીન અને વિયેતનામમાં મોકલવામાં આવે છે."

દુનિયામાંથી લુપ્ત થઈ જવાનો ભય હોય તેવા વન્યજીવોનો ગેરકાયેદેસર વેપાર અટકાવવા માટે પ્રયાસરત કન્વેનશન ઑન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઇન ઍન્ડેન્જર્ડ સ્પીશીઝ ઑફ વાઇલ્ડ ફૉના ઍન્ડ ફ્લોરા (ટૂંકમાં, સાઈટીઝ) નામની સંસ્થાના સભ્ય દેશોએ 2016માં પેંગોલિનના વેપાર પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો. એ રિપોર્ટ અનુસાર 2015માં મોટી માત્રામાં ફ્રોઝન (ઠંડા પાડીને જમાવી દેવાયેલા) પેંગોલિનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આવ્યો અને તે જથ્થાનું વજન 10,500 કિલો હતું. 2015માં જ ભારતમાં જપ્ત કરવામાં આવેલા પેંગોલિન સ્કેલ્સનું વજન 10,000 કિલો જેટલું હતું.

આઈયુસીએને તેના રેડ લિસ્ટ (લાલ યાદી)માં ઇન્ડિયન પેંગોલિનને ઍન્ડેન્જર્ડ એટલે કે લુપ્ત થઈ જવાના ભયગ્રસ્ત પ્રજાતિની શ્રેણીમાં મૂક્યું છે. આ શ્રેણીમાં રહેલા જીવો વિલુપ્તિથી માત્ર બે કદમ દૂર હોય છે.

પેંગોલિનની વસ્તી કેવી છે અને ખેડૂતે તેને કઈ રીતે પકડી પાડ્યું?

જામવાળા આરએફઓ વાળાએ બીબીસીને કહ્યું કે આતુભાઈ લાલકિયાની વાડી ગીરના જંગલની સરહદ નજીક આવેલી છે.

તેમણે કહ્યું, "આતુભાઈ લાલકિયાએ પોતાના પાકના રક્ષણ માટે તેમના ખેતર ફરતે માછીમારોની જાળ બાંધી છે. પૂછપરછમાં આતુભાઈએ કહ્યું કે કેટલાય સમયથી તેમના ખેતરમાં પેંગોલિન દેખાતું હતું. દિવાળીના તહેવારો દરમિયાન જાળ બાંધેલી હોવા છતાં પેંગોલિન તેમની વાડીમાં પ્રવેશવામાં સફળ રહ્યું પરંતુ વાડીની બહાર નીકળવાની કોશિશ કરતી વખતે તે જાળમાં ફસાઈ ગયું. આતુભાઈની નજરે તે ચડતા તેમણે વનવિભાગને જાણ કરવાને બદલે પકડીને તેની ઓરડીમાં પૂરી દીધું અને પછી દિલીપ મકવાણાને જાણ કરી."

વાળાએ કહ્યું કે ગીરના જંગલમાં પેંગોલિનની સારી વસ્તી છે પરંતુ આ પ્રાણી નિશાચર હોવાથી લોકોને બહુ જોવા મળતું નથી.

આરએફઓએ કહ્યું,"ગીરની બૉર્ડરની આજુબાજુ પણ આ પ્રાણીઓ વિચરણ કરતાં રહે છે. દોઢેક વર્ષ અગાઉ અમે જામવાળા રેન્જની હદમાં આવેલ એક ખેડૂતની વાડીમાં જાળમાં પેંગોલિન ફસાઈ જતા અમે તેને રેસ્ક્યુ કર્યું હતું."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન