You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાહ્મણ પરિવારની દીકરી, જે પાકિસ્તાનની ફર્સ્ટ લેડી બની, ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારે શું થયું હતું?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત જમશીદ માર્કર કહેતા રહેતા હતા કે જ્યારે રાના લિયાકતઅલી કોઈ રૂમમાં પ્રવેશતાં ત્યારે તે ખંડ આપોઆપ પ્રકાશિત થઈ જતો હતો.
એક વખત બ્રિજની એક ગેમ પછી જ્યારે લિયાકતઅલીએ પોતાના નેતા મહમદઅલી ઝીણાને કહ્યું કે આપ આપના એકાકીપણાને ધ્યાનમાં લઈને બીજી શાદી કેમ નથી કરી લેતા? તો ઝીણાએ તરત જ જવાબ આપ્યો હતો, "મને બીજી રાના લાવી દો, હું તરત શાદી કરી લઈશ."
રાના લિયાકતઅલીનો જન્મ 13 ફેબ્રુઆરી 1905એ અલ્મોડામાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ આયરીન રૂથ પંત હતું.
તેઓ એક કુમાઉં બ્રાહ્મણ પરિવારનાં હતાં, જેણે પછીથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.
રાના લિયાકતઅલીનું જીવનચરિત્ર 'ધ બેગમ'નાં સહ-લેખિકા દીપા અગ્રવાલ જણાવે છે, "તેઓ સહેજ પણ દબાઈ જાય તેમાંનાં નહોતાં. ખૂબ સ્વતંત્ર વિચારસરણી ધરાવતાં હતાં અને તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો."
"પોતાના લગભગ 86 વર્ષના જીવનકાળમાં તેમણે 43 વર્ષ ભારત અને લગભગ તેટલાં જ વર્ષ પાકિસ્તાનમાં વીતાવ્યાં. તેમણે પોતાની આંખો સામે ઇતિહાસ બનતાં જોયો એટલું જ નહીં, પરંતુ તેનો ભાગ પણ બન્યાં."
"ઝીણાથી લઈને જનરલ ઝિયા-ઉલ-હક સુધી બધાની સામે તેઓ પોતાની વાત કહેવામાં જરાયે ડર્યાં નહીં. એમએના ક્લાસમાં તેઓ એકમાત્ર છોકરી હતાં."
"છોકરા તેમને હેરાન કરવા માટે તેમની સાઇકલની હવા કાઢી નાખતા હતા. 1927માં, તેઓ છોકરી હોવા છતાં સાઇકલ ચલાવતાં હતાં, એ જ એક અનોખી વાત હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ્મોડાના પંત સમાજે તેમના પરિવારનો બહિષ્કાર કર્યો
1874માં આયરીન પંતના દાદા તારાદત્ત પંતે જ્યારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો, ત્યારે આખા કુમાઉંમાં હોબાળો થઈ ગયો હતો.
તેમના સમુદાયને એ વાતનું એટલું ખરાબ લાગ્યું હતું કે તેમને 'ઘટાશ્રાદ્ધ'ની રીતિ દ્વારા મૃત જાહેર કરી દીધા હતા.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહેલા પુષ્પેશ પંતનું મોસાળ પણ એ જ જગ્યાએ હતું જ્યાં આયરીન રૂથ પંતનો પરિવાર રહેતો હતો.
પ્રોફેસર પુષ્પેશ પંત યાદ કરતાં કહે છે, "આજથી 60 વર્ષ પહેલાં, આઠ-દસ વર્ષની ઉંમરે હું મારા મોસાળવાળા મકાનમાં રહેતો હતો. તેમના વિશે લોકો જાતભાતની વાતો કરતા હતા કે આ નૉર્મન પંતસાહેબનું મકાન છે."
"તેમનાં બહેનને પાકિસ્તાનના પહેલા વડા પ્રધાન લિયાકતઅલી ખાન સાથે પરણાવ્યાં છે. નૉર્મન પંત એક ખૂબ જ યોગ્ય અને બુદ્ધિશાળી વ્યક્તિ રહ્યા હશે, પરંતુ લોકો તેમને 'આયરીન પંતના ભાઈ' તરીકે જ ઓળખતા હતા."
"તેમના દાદા અલ્મોડાના ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના હતા અને ત્યાંના પ્રતિષ્ઠિત વૈદ્ય હતા. જ્યારે તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો, ત્યારે સમગ્ર વિસ્તારમાં સનસનાટી પ્રસરી ગઈ હતી. તેઓ એવાં ધર્માંતરણોમાં નહોતા જેઓ અનુસૂચિત જાતિમાંથી થતાં હતાં."
"તેઓ ઊંચી ધોતીવાળા બ્રાહ્મણ હતા. આ આઘાતને સહન કરવામાં જ અલ્મોડાના લોકોની બે પેઢીઓ પસાર થઈ ગઈ, પછી જ્યારે તેમની બહેને એક બીજું ધર્માંતરણ કરી લીધું અને તેઓ મુસલમાન બની ગયાં, ત્યારે તેમના પર બીજું એક વિલક્ષણતાનું આવરણ ચડી ગયું."
"તેમના વિશે ખૂબ જ રસપ્રદ કહાણીઓ પ્રસિદ્ધ હતી. એ ભૂરાસાહેબ ફક્ત બીબીસી સાંભળતા હતા. અંગ્રેજોની જેમ ટોસ્ટ બટરનો નાસ્તો કરતા હતા. ફરવા એકલા નીકળતા હતા, કેમ કે, તેમને કદાચ ખબર હતી કે અલ્મોડાના બ્રાહ્મણ (તેમને) બ્રાહ્મણ નહીં સમજે, કેમ કે તેઓ બે પેઢીથી ખ્રિસ્તી બની ગયા હતા."
શિવાનીની યાદ
એ સમયના અલ્મોડાના રૂઢિચુસ્ત સમાજમાં કથિત રીતે 'આધુનિક' પંત બહેનો' આખા શહેરની ચર્ચાનો વિષય જ નહોતી, પરંતુ લોકો તેમની ઈર્ષ્યા પણ કરતા હતા.
જાણીતાં નવલકથાકાર શિવાનીનાં પુત્રી ઈરા પાંડે તેમના જીવનચરિત્ર 'દીદ્દી'માં લખે છે, "મારા નાનાની પડોશમાં આવેલું ઘર ડૅનિયલ પંતનું હતું, જે ખ્રિસ્તી હતા. પરંતુ, એક જમાનામાં તેઓ મારાં માતાના પક્ષે અમારા સંબંધી થતા હતા."
"અમારા રૂઢિચુસ્ત નાનાએ તેમની દુનિયાને અમારી દુનિયાથી અલગ કરવા માટે અમારાં ઘરોની વચ્ચે એક દીવાલ ચણાવી દીધી હતી. અમને કડક આદેશ હતો કે અમારે બીજી બાજુ જોવાનું પણ નહીં."
"મારાં માતા શિવાનીએ લખ્યું હતું કે તેમના ઘરના રસોડામાં સ્વાદિષ્ટ ગોશ્ત બનવાની પાગલ કરી દેનારી સુગંધ અમારા 'બોરિંગ' બ્રાહ્મણ રસોડામાં પહોંચીને અમારાં સામાન્ય દાળ, બટેટાના શાક અને ભાતને પરાસ્ત કરી દેતી હતી."
"બર્લિન વૉલ'ની પેલી તરફનાં બાળકોમાંના હેનરી પંત મારા ખાસ મિત્ર હતા. તેમનાં બહેનો ઓલ્ગા અને મૂરિયલ (જેને પીઠ પાછળ અમે મરિયલ કહેતા હતા) જ્યારે પોતાની જૉર્જેટની સાડીમાં અલ્મોડાના બજારમાંથી પસાર થતાં હતાં ત્યારે અમે લોકો ઈર્ષ્યાથી લગભગ બળી મરતા હતા."
લખનઉની આઇટી કૉલેજમાં અભ્યાસ
આયરીન પંત પહેલાં લખનઉની લાલબાગ સ્કૂલમાં અને પછી ત્યાંની પ્રખ્યાત આઇટી કૉલેજમાં ભણ્યાં હતાં.
અનેક મોટાં લેખિકાઓની આખી પેઢી, જેવી કે, ઇસ્મત ચુગતાઈ, કુરતુલૈન હૈદર, રાશિદ જહાં અને અતિયા હોસૈન આ જ કૉલેજમાં ભણ્યાં હતાં.
આ કૉલેજ પોતાની વિદ્યાર્થિનીઓને ઘણી આઝાદી આપતી હતી. એ જમાનામાં કૉલેજની છોકરીઓ ઘણી વાર હજરતગંજ ફરવા જતી હતી, જેને 'ગંજિંગ' કહેવાતું હતું.
આયરીનની બાળપણની સખી કે. માઇલ્સ પોતાના પુસ્તક 'અ ડાઇનેમો ઇન સિલ્ક'માં લખે છે, "તેઓ જ્યાં પણ રહેતાં, તેમની ચારેબાજુ જિંદાદિલી રહેતી. જ્યારે તેમણે લખનઉ યુનિવર્સિટીમાં એડ્મિશન લીધું, ત્યારે છોકરાઓ બ્લૅક બોર્ડ પર તેમની તસવીર ચીતરી દેતા હતા, પરંતુ આયરીન પર તેની કશી અસર નહોતી થતી."
લિયાકતઅલી સાથે પ્રથમ મુલાકાત
તેમની મુસ્લિમ લીગના નેતા લિયાકતઅલીને મળવાની કહાની રસપ્રદ છે.
દીપા અગ્રવાલ જણાવે છે, "તે દિવસોમાં બિહારમાં પૂર આવ્યું હતું. લખનઉ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે તેઓ એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને તેના માટે થોડું ભંડોળ ભેગું કરશે."
"આયરીન પંત ટિકિટ વેચવા માટે લખનઉ વિધાનસભા ગયાં. ત્યાં તેમણે જે પહેલો દરવાજો ખખડાવ્યો તેને લિયાકતઅલી ખાને ખોલ્યો. લિયાકત ટિકિટ ખરીદવામાં આનાકાની કરી રહ્યા હતા. ઘણા પ્રયત્ન પછી તેઓ એક ટિકિટ ખરીદવા તૈયાર થયા."
દીપા અગ્રવાલ આગળ જણાવે છે, "આયરીને તેમને કહ્યું, 'ઓછામાં ઓછી બે ટિકિટ તો ખરીદો જ. કોઈને તમારી સાથે અમારો શો જોવા માટે લેતા આવો.' લિયાકતે કહ્યું, 'હું કોઈને ઓળખતો નથી, જેને હું આ શોમાં લઈ આવી શકું."
"આ સાંભળીને આયરીને બોલ્યાં, 'હું તમારા માટે એક સાથીની વ્યવસ્થા કરું છું. જો કોઈ નહીં મળે, તો હું જ તમારી બાજુમાં બેસીને શો જોઈશ.' લિયાકતઅલી તેમની આ વિનંતીનો અસ્વીકાર ન કરી શક્યા."
"એ જ સાંજે ગવર્નરે વિધાન પરિષદના બધા સભ્યો માટે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. એનો અર્થ એ કે જ્યારે આયરીને લૉરેન્સ હોપે લખેલું પ્રખ્યાત ગીત 'પેલ હૅન્ડ્સ આઈ લવ્ડ બિસાઇડ ધ શાલીમાર' ગાયું ત્યારે તેને સાંભળવા માટે લિયાકતઅલી હાજર નહોતા. પરંતુ મધ્યાંતર પછી તેમણે જોયું કે લિયાકત પોતાના સાથી મુસ્તાક રઝાની સાથે એ શો જોઈ રહ્યા હતા."
દિલ્હીની મેડેંસ હોટલમાં નિકાહ
આ દરમિયાન આયરીન દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કૉલેજમાં અર્થશાસ્ત્રનાં લેક્ચર બની ગયાં.
એક દિવસ છાપામાં સમાચાર છપાયા કે લિયાકતઅલીને ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આયરીને તેમને પત્ર લખીને તેના અભિનંદન પાઠવ્યા.
લિયાકતે તેનો જવાબ આપતાં લખ્યું, "મને જાણીને ખુશી થઈ કે તમે દિલ્હીમાં રહો છો, કેમ કે તે મારા વતન કરનાલની અત્યંત નજીક છે. જ્યારે હું લખનઉ જવા દિલ્હી થઈને નીકળું ત્યારે, શું તમને મારી સાથે વેંગર રેસ્તોરાંમાં ચા પીવાનું ગમશે?"
આયરીને લિયાકતની એ વિનંતી સ્વીકારી લીધી. અહીંથી એ બંને વચ્ચે ઓળખાણની જે શરૂઆત શરૂ થઈ તે 16 એપ્રિલ 1933એ બંનેની શાદી સુધી પહોંચી ગઈ.
લિયાકતઅલી ઉંમરમાં તેમના કરતાં 10 વર્ષ મોટા હતા એટલું જ નહીં, પરંતુ પરિણીત પણ હતા. તેમણે પોતાની પિતરાઈ બહેન જહાંઆરા બેગમ સાથે શાદી કરી હતી અને તેમને એક પુત્ર પણ હતો, જેનું નામ વિલાયતઅલી ખાન હતું.
તેમની શાદી દિલ્હીની પ્રખ્યાત મેડેંસ હોટલમાં થઈ હતી અને જામા મસ્જિદના ઇમામે તેમના નિકાહ પઢાવ્યા હતા. આયરીને ઇસ્લામ ધર્મ કબૂલ કરી લીધો અને તેમનું નવું નામ ગુલ-એ-રાના રાખવામાં આવ્યું.
બંને સંગીતનાં શોખીન
પરંતુ એમાં શંકાને કશું સ્થાન નહોતું કે લિયાકતઅલી એ સમયે મુસ્લિમ લીગના 'રાઇઝિંગ સ્ટાર' હતા અને મહમદઅલી ઝીણાના સૌથી અંગત.
રાના લિયાકતઅલીના જીવનચરિત્ર 'ધ બેગમ'નાં સહ-લેખિકા દીપા અગ્રવાલ જણાવે છે, "લિયાકતઅલીને ફોટોગ્રાફીનો ખૂબ શોખ હતો અને તેમને 'મિકેનિકલ' વસ્તુમાં ખૂબ રસ હતો. ઘણી વાર તેઓ પોતાની કારના સ્પેરપાર્ટ સાથે છેડછાડ કરતા રહેતા હતા."
"તેઓ સંગીત શીખ્યા હતા. તેઓ સારા ગાયક હતા અને પિયાનો અને તબલાં વગાડતા હતા. રાના પણ પિયાનો અને ગિટાર વગાડતાં હતાં. તેમની ડિનર પાર્ટીઝમાં ફક્ત ગઝલોનો દૌર જ નહોતો ચાલતો, પરંતુ અંગ્રેજી ગીતો પણ સાંભળવા મળતાં હતાં."
"પતિ-પત્ની બંને બ્રિજ રમવાનાં પણ શોખીન હતાં. લિયાકત શતરંજ પણ રમતા હતા, જ્યારે રાના 'સ્ક્રૅબલ'નાં સારા ખેલાડી ગણાતાં હતાં. પાંચ ફૂટની ઊંચાઈનાં રાનાને ન તો ઘરેણાંનો શોખ હતો કે ન તો કપડાંનો. હા, તેમને એક 'પર્ફ્યૂમ' ખૂબ ગમતું હતું, જ્વૉએ."
"લિયાકતને સફરજન ખૂબ ભાવતાં હતાં. તો તેઓ કહેતા રહેતા કે તેનાથી લોહી શુદ્ધ થાય છે."
બંગલો પાકિસ્તાનને 'ડોનેટ' કર્યો
જતાં પહેલાં ઝીણાએ ઔરંગઝેબ રોડવાળો બંગલો રામકૃષ્ણ દાલમિયાને વેચ્યો હતો, પરંતુ લિયાકતઅલીએ પોતાનો બંગલો પાકિસ્તાનને 'ડોનેટ' કરી દીધો.
તેને આજે 'પાકિસ્તાન હાઉસ'ના નામથી ઓળખવામાં આવે છે અને ત્યાં આજે પણ ભારતમાં પાકિસ્તાનના હાઈકમિશનર રહે છે. તેમનું નવું સરનામું છે, 8, તિલક માર્ગ.
આ એ જ જગ્યા છે જ્યાંથી 1946ના બજેટના દસ્તાવેજ સીધા સંસદ ભવન લઈ જવાયા હતા. એ સમયે લિયાકતઅલી વચગાળાની સરકારમાં નાણામંત્રી હતા.
દીપા અગ્રવાલ જણાવે છે, "લિયાકતઅલીએ પોતાના ઘરની એકેએક વસ્તુ પાકિસ્તાનને આપી દીધી. તેઓ માત્ર અંગત ઉપયોગની કેટલીક વસ્તુઓ જ પોતાની સાથે લઈને પાકિસ્તાન ગયા."
"તેમાં એક સૂટકેસ હતી જે સિગરેટ લાઇટરોથી ભરેલી હતી. તેમને સિગરેટ લાઇટર ભેગા કરવાનો શોખ હતો. જ્યારે બધી વસ્તુઓ પૅક થઈ ગઈ ત્યારે રાનાએ કહ્યું કે હું એક જાજમ પોતાની સાથે લઈ જવા માગું છું, કેમ કે, એ મારાં માતાની છે અને હું તેને અહીં ન છોડી શકું."
ઑગસ્ટ 1947માં લિયાકતઅલી અને રાના લિયાકતઅલીએ પોતાના બે પુત્રો અશરફ અને અકબરની સાથે દિલ્હીના વૅલિંગ્ટન ઍરપૉર્ટથી એક ડકોટા વિમાનમાં કરાચી માટે રવાના થયા.
લિયાકતઅલીની હત્યા
લિયાકતઅલી પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બન્યા અને રાના ત્યાંનાં 'ફર્સ્ટ લેડી'. તેમને લિયાકતે પોતાના મંત્રીમંડળમાં અલ્પસંખ્યક અને મહિલા મંત્રી તરીકે સ્થાન આપ્યું.
પરંતુ માત્ર ચાર વર્ષ જ પસાર થયાં કે લિયાકતઅલીની, રાવલપિંડીમાં તેઓ એક સભાને સંબોધતા હતા, ત્યારે હત્યા કરી દેવાઈ.
ઘણા લોકો વિચારતા હતા કે તેઓ હવે ભારત પાછાં જતાં રહેશે, પરંતુ તેમણે પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો.
'ધ બેગમ'નાં સહ-લેખિકા તહમીના અઝીઝ અયુબ જણાવે છે, "શરૂઆતમાં તેઓ ખૂબ પરેશાન હતાં. થોડાં ગભરાયાં પણ, કે હવે હું શું કરીશ? કેમ કે, લિયાકત તેમના માટે કશા પૈસા કે સંપત્તિ છોડીને નહોતા ગયા."
"તેમના બૅન્ક ખાતામાં માત્ર 300 રૂપિયા હતા. તેમની સામે સૌથી મોટી સમસ્યા બાળકોના પાલનપોષણની અને તેમને ભણાવવાની હતી. કેટલાક મિત્રોએ આગળ આવીને તેમને મદદ કરી."
"પાકિસ્તાનની સરકારે તેમને માસિક 2,000 રૂપિયાનું 'સ્ટાઇપેન્ડ' બાંધી આપ્યું. ત્રણ વર્ષ પછી તેમને હૉલૅન્ડમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે મોકલી દેવાયાં, જેનાથી તેમને થોડો સહારો મળ્યો."
"તેમણે પહેલાં જ, 1949માં ઑલ પાકિસ્તાન વુમન ઍસોસિયેશનનો પાયો નાખ્યો હતો. તેઓ વિદેશમાં રહીને પણ તેની સાથે સતત જોડાયેલાં રહ્યાં."
રાજદૂતના પદ પર નિયુક્તિ
રાના લિયાકતઅલીને પહેલાં હૉલૅન્ડ અને પછી ઇટલીમાં પાકિસ્તાનનાં રાજદૂત બનાવાયાં.
તહમીના અયુબ જણાવે છે, "તેઓ ખૂબ ભણેલાં-ગણેલાં હતાં, ખૂબ સમજદાર હતાં અને તેમને ઘણા બધા મુદ્દાની જાણકારી હતી. 1950માં જ્યારે તેઓ પહેલી વાર લિયાકતઅલી ખાન સાથે અમેરિકા ગયાં હતાં, ત્યારે તેમણે પોતાની ખૂબ સારી છાપ ઊભી કરી હતી."
"એ દરમિયાન તેમને ઘણા પુરસ્કાર પણ મળ્યા. તેમણે આ રોલમાં પોતાને ખૂબ ઝડપથી ઢાળી લીધાં. હૉલૅન્ડમાં એ સમયે રાણીનું રાજ હતું. તેમની સાથે તેમને અંગત મૈત્રી થઈ ગઈ. હૉલૅન્ડે તેમને પોતાનું સૌથી મોટું નાગરિક સન્માન 'ઑરેન્જ અવૉર્ડ' આપ્યું."
"ત્યાંનાં રાણીએ તેમને ખૂબ આલીશાન મકાન ઑફર કર્યું, જે એક 'હેરિટેજ બિલ્ડિંગ' હતું. તેમણે કહ્યું કે તમે આને ખૂબ ઓછી કિંમતે ખરીદી લો, પોતાની ઍમ્બેસી માટે."
"એ બિલકુલ શહેરની વચ્ચોવચ છે અને રાજમહેલથી માત્ર એક કિલોમીટર દૂર. એ બિલ્ડિંગ આજે પણ અમારી પાસે છે જ્યાં હૉલૅન્ડમાં પાકિસ્તાનના રાજદૂત રહે છે. તેઓ આખા હૉલૅન્ડમાં ખૂબ ફરતાં હતાં."
"તેમની પરિયોજનાઓ બતાવતાં હતાં અને પોતાના ઘરમાં મોટા મોટા ભોજન-સમારંભો યોજતાં હતાં—જેવા એક રાજદૂતે યોજવા જોઈએ."
જગત મહેતાનાં બાળકોને પોતાના હાથે નવડાવ્યાં
પોતાના રાજદૂતના કાર્યકાળ દરમિયાન જ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડની રાજધાની બર્ન ગયાં અને ભારતના પૂર્વ વિદેશ સચિવ જગત મહેતાના ફ્લૅટમાં રોકાયાં, જે એ સમયે સ્વિટ્ઝર્લૅન્ડમાં ભારતના જુનિયર રાજદ્વારી હતા.
પછીથી જગત મહેતાએ પોતાના પુસ્તક 'નેગોશિએટિંગ ફૉર ઇન્ડિયા: રિઝૉલ્વિંગ પ્રૉબ્લમ્સ થ્રૂ ડિપ્લૉમસી'માં લખ્યું, "તેઓ અમારા નાનકડા ફ્લૅટમાં પોતાનાં બે બાળકો અને કે. માઇલ્સની સાથે આવીને રોકાયાં; જોકે, ત્યાં બ્રિટનના રાજદૂતે, જે પાકિસ્તાના દૂતનું કામ પણ સંભાળતા હતા, તેમને પોતાના નિવાસે રહેવાની ઑફર કરી હતી."
"આવતાંની સાથે જ તેઓ વિના સંકોચ મારા રસોડામાં ઘૂસી ગયાં. અને બીજું તો ઠીક, તેમણે મારાં બે નાનાં બાળકોને પોતાના હાથે નવડાવ્યાં પણ ખરાં. રાજદ્વારી ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચેની આ પ્રકારની દોસ્તીનું ભાગ્યે જ બીજું ઉદાહરણ મળે."
રાનાનો અયુબ ખાન સાથે મતભેદ
કૂટનીતિના ક્ષેત્રમાં ઘણું નામ કમાયા છતાં તેમને પાકિસ્તાનના સરમુખત્યાર અયુબ ખાન સાથે ક્યારેય ન બન્યું અને અયુબ ખાને તેમને હેરાન કરવામાં કશી કચાશ ન રાખી.
તહમીના અઝીઝ અયુબ જણાવે છે, "અયુબ ખાને તેમને ઘણાં હેરાન કર્યાં, કેમ કે, તેઓ ઇચ્છતા હતા કે તેઓ ફાતિમા ઝીણા વિરુદ્ધ ચૂંટણીપ્રચારમાં ભાગ લે. તેમણે ચોખ્ખી ના પાડી દીધી કે હું પાકિસ્તાનીની રાજદૂત છું."
"હું આવીને કઈ રીતે તમારા પક્ષનો પ્રચાર કરી શકું? અયુબ ખાને તેમને બદલાની ભાવનાથી ઇટલીથી પાછાં બોલાવી લીધાં."
જનરલ ઝિયાનો પણ વિરોધ કર્યો
રાના લિયાકતઅલીને તેમની સેવાઓ માટે પાકિસ્તાનના સૌથી મોટા નાગરિક સન્માન 'નિશાન-એ-ઇમ્તિયાઝ'થી સન્માનિત કરવામાં આવ્યાં. તેમને 'માદરે-પાકિસ્તાન'નો ખિતાબ પણ મળ્યો.
રાના લિયાકતઅલીને પાકિસ્તાનમાં મહિલાઓના ઉત્થાન માટે હંમેશાં યાદ કરાશે. તેમણે પાકિસ્તાનના બીજા એક સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકનો વિરોધ પણ કર્યો.
તહમીના જણાવે છે, "જ્યારે જનરલ ઝિયા-ઉલ-હકે ભુટ્ટોને ફાંસીએ ચડાવ્યા, ત્યારે તેમણે સૈન્ય સરકાર વિરુદ્ધ પ્રચારનું નેતૃત્વ કર્યું. તેમણે જનરલ ઝિયાના ઇસ્લામી કાયદા લાગુ કરવાના નિર્ણયનો પૂરજોશથી વિરોધ કર્યો."
"કાનૂન-એ-શહાદત અનુસાર બે મહિલાઓની સાક્ષી એક પુરુષની સાક્ષી જેટલી ગણાતી હતી. તેમની ધરપકડ કરવાની જનરલ ઝિયાની હિંમત તો ન થઈ, પરંતુ તેમનાં ઘણાં સહયોગીઓને જેલમાં પૂરી દેવામાં આવ્યાં."
30 જૂન 1990એ રાના લિયાકતઅલીએ અંતિમ શ્વાસ લીધા.
1947 પછી પાકિસ્તાનને પોતાનું ઘર બનાવી લેનારાં રાના લિયાકતઅલી જોકે ત્રણ વખત ભારત આવ્યાં, પરંતુ તેઓ ફરી ક્યારેય અલ્મોડા પાછાં ન ગયાં.
પરંતુ, અલ્મોડાને તેઓ ક્યારેય ન ભૂલ્યાં. તે હંમેશાં તેમના મનમાં જીવંત રહ્યું.
દીપા અગ્રવાલ જણાવે છે, "તેમને કુમાઉમાં ખવાતી મડુઆની (રાગી) રોટલી, ભાતની સાથે ગેહતની દાળ અને દાદિમ (જંગલી દાડમ)ની ચટણી ખાવાનું હંમેશાં ગમતું. પાકિસ્તાન ગયા પછી પણ તેમના ઘરારા ભારતમાં જ સિવાતા હતા. એક વાર તેમણે પોતાના ભાઈ નૉર્મનને તેમના જન્મદિવસે મોકલેલા ટેલિગ્રામમાં લખ્યું હતું, આઈ મિસ અલ્મોડા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન