You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: જામનગરમાં મગફળી વાવતા ખેડૂતોએ ટેકાના ભાવની ખરીદી માટે વિરોધ કેમ કર્યો?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
જામનગરમાં બુધવારે કૉંગ્રેસ પક્ષની આગેવાની હેઠળ ખેડૂતોએ એક રેલી કાઢી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપી માગણી કરી કે સરકાર ખેડૂતદીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદે અથવા તો ભાવાંતર ભુક્તાન એટલે કે ભાવપૂર્તિ યોજના લાવે, ખેડૂતને 300 મણ મગફળી સુધીના જથ્થામાં તેનો લાભ આપે.
ખેડૂતોની આ રેલી એવા સમયે આવી છે જ્યારે 2025ની ખરીફ એટલે કે ચોમાસું સિઝનની મગફળી વેચાણ માટે બજારમાં આવવા લાગી છે અને રાજ્યના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી)ના યાર્ડ્ઝમાં મગફળીના ભાવ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે.
વળી, આ ભાવ ઘટાડો એવી સિઝનમાં આવ્યો છે જ્યારે રાજ્યમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન રાજ્યના ઇતિહાસમાં સૌથી વધારે હોવાના સરકારી અંદાજ છે.
આવી પરિસ્થિતિમાં એક અનિશ્ચિતતાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે—સરકાર ટેકાના ભાવે ખેડૂતદીઠ કેટલી મગફળી ખરીદશે ક્યારથી ખરીદશે તે બાબતે સરકારે 20 ઑક્ટોબર એટલે કે દિવાળીના દિવસની સાંજ સુધી કોઈ જાહેરાત કરી નથી.
સરકાર પાછલાં કેટલાંય વર્ષોથી સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પહેલા પખવાડિયામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની શરૂઆત કરે છે અને તેની જાહેરાત સામાન્ય રીતે સામ્પ્ટેમ્બર જ કરી દેતી હતી, પરંતુ આ વર્ષે હજુ સુધી સરકારે ખરીદી બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ખેડૂતો શું કહી રહ્યા છે?
રેલીના આયોજક અને કૉંગ્રેસ નેતા કાસમ ખફી જામનગરના છેલ્લા ગામના ખેડૂત છે અને છ ભાઈઓએ 100 વીઘા (6.25 વીઘા=1 હેક્ટર) જમીનમાં મગફળી વાવી છે.
તેઓ કહે છે કે હાલ મગફળીની મોસમ લેવાનું ચાલુ છે અને વીઘા દીધી 15થી 20 મણ ઉત્પાદન મળવાની આશા છે.
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "એક તરફ સરકાર કેટલી મગફળી ખરીદશે તેની જાહેરાત કરતી નથી. બીજી તરફ યાર્ડમાં અત્યારે ભાવ 750થી 800 રૂપિયા જ મળે છે. પરિણામે ખેડૂતો લૂંટાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાસમ ખફીએ માગ કરતા કહ્યું, "ખેડૂતોએ મગફળી વાવવા 3000 રૂપિયા પ્રતિ મણના ભાવે બિયારણ ખરીદ્યાં છે, ખાતર અને દવા પાછળ પણ ઘણા ખર્ચ થયા છે. બજારમાં મગફળીના ભાવ મળતા નથી. અમારી માગણી છે કે ખેડૂતોને બચાવવા સરકાર ખેડૂતો પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદે."
"જો સરકાર ખેડૂતદીઠ 300 મણ મગફળી ખરીદી શકે તેમ ન હોય તો સરકારે ભાવાંતર ભુક્તાન યોજના લાવી, મગફળીનો બજારભાવ 1000 રૂપિયા પ્રતિ મણ ગણી ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે જે 450 રૂપિયાનો ફેર રહે છે તે ખેડૂતને આપે. આ રીતે સરકાર 300 મણના હિસાબે રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર ખેડૂતોના ખાતામાં જમા કરાવે."
તેમણે કહ્યું, "હાલ એવા અહેવાલ છે કે સરકાર ખેડૂતદીઠ 70 મણ મગફળી ખરીદશે, પરંતુ ખેડૂતોએ મહેનતથી 300 મણ જેટલું ઉત્પાદન લીધું છે."
મગફળીના ભાવ કેટલા કેટલા ઘટ્યા છે?
ખેડૂતો સામાન્ય રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી મગફળી લેવાનું શરૂ કરતા હોય છે અને ઑક્ટોબરની શરૂઆતથી વિવિધ એપીએમસીના યાર્ડ વેચવા માટે લાવવાની શરૂઆત કરે છે.
રાજકોટના ગોંડલ શહેરમાં આવેલ ગોંડલ એપીએમસી ગુજરાતમાં મગફળીનું સૌથી મોટું જથ્થાબંધ માર્કેટ છે. ગોંડલ એપીએમસી યાર્ડના ભાવ સામાન્ય રીતે રાજ્યના અન્ય એપીએમસી યાર્ડ્ઝમાં ભાવનો ટ્રેન્ડ નક્કી કરે છે.
કોઈ એક દિવસમાં વેચાયેલી મગફળીના લોટમાંથી જે કિંમતે સૌથી વધારે લોટ વેચાય તે કિંમતને મૉડાલ પ્રાઇસ કહેવાય છે. તે સરેરાશ ભાવ કે સૌથી ઊંચા તથા સૌથી નીચા ભાવ કરતાં અલગ છે અને બજારભાવનું વાસ્તવિક ચિત્ર આપે છે.
સત્તાવાર આંકડા અનુસાર ગત વર્ષે પહેલીથી 20 ઑક્ટોબર દરમિયાન ગોંડલ એપીએમસીમાં મૉડલ પ્રાઇસ પ્રતિ મણ રૂપિયા 1100 કે તેથી વધારે હતી. તેની સરખામણીએ આ વર્ષે મૉડાલ પ્રાઇસ સરેરાશ 900 રૂપિયા રહી છે.
જામનગર એપીએમસીના સેક્રેટરી હિતેશ પટેલે પણ બીબીસીને જણાવ્યું કે આ વર્ષે ઑક્ટોબર મહિના દરમિયાન મગફળીના ભાવ ગત વર્ષ કરતાં સરેરાશ 150 રૂપિયા ઓછા છે.
તેમણે કહ્યું, "આ વર્ષે મગફળીનું વાવેતર વધુ છે અને સારા વરસાદ થતા ઉત્પાદકતા પણ સારી છે. પરિણામે, રાજ્યના કુલ ઉત્પાદન વધારો થવાના અંદાજ વચ્ચે યાર્ડમાં પણ મગફળીની આવક ગત વર્ષ કરતાં વધારે છે. તેથી ભાવ દબાયા છે."
મગફળીના ભાવ કેમ ગગડ્યા છે?
વિશ્વમાં મગફળીના ઉત્પાદનની બાબતમાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. વિશ્વમાં થતા મગફળીના કુલ ઉત્પાદનમાંથી સરેરાશ વીસેક ટકા મગફળીનું ઉત્પાદન ભારતમાં થાય છે.
કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, ગત વર્ષે ભારતમાં 1.19 કરોડ મેટ્રિક ટન મગફળી (એક ટન એટલે 50 મણ મગફળી થાય અને તે હિસાબે 59.50 કરોડ મણ)નું ઉત્પાદન થયું હતું હતું. તેમાંથી 1 કરોડ મેટ્રિક ટન ઉત્પાદન ખરીફ ઋતુમાં થયું હતું.
ભારતમાં મગફળીનું સૌથી વધારે વાવેતર અને ઉત્પાદન ગુજરાતમાં થાય છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગત વર્ષે ગુજરાતમાં 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું અને 51.81 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હતું.
ગોંડલસ્થિત મગફળીના વેપારી જયેશ સતોડિયા કહે છે કે ઘરઆંગણા અને વિદેશી બજારનાં પરિબળોને કારણે આ વર્ષે મગફળીના ભાવ નીચા ચાલી રહ્યા છે.
તેમણે બીબીસીને કહ્યું, "કેન્દ્ર સરકારે વિદેશોમાંથી આયાત કરતા તેલ પરની આયાત ડ્યૂટી આ વર્ષે 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી નાખતા પામ, સોયાબીન અને સૂરજમુખીનું આયાતી તેલ સસ્તું થયું છે. અત્યારે ભારતમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થઈ ગયા છે."
જયેશ સતોડિયા કહે છે, "બીજા દેશો આપણને પામ તેલ આપે છે અને આપણું સિંગતેલ લઈ જાય છે. વિશ્વમાં ચીન સિંગદાણા અને મગફળીના તેલની સૌથી વધારે આયાત કરે છે, પરંતુ ભારત સાથેના તેના વેપાર સંબંધો તાજેતરનાં વર્ષોમાં સામાન્ય રહ્યા નથી. તેથી, ઇન્ડોનેશિયા ભારતના સિંગતેલ અને સિંગદાણા ખરીદનાર સૌથી મોટા દેશ તરીકે સ્થાપિત થયો છે."
"જોકે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયાએ અફ્લાટોક્સિનના ઊંચા પ્રમાણની ફરિયાદ કરીને ભારતની મગફળીની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર પછી આયાત ચાલુ થઈ છે, પરંતુ ગુણવત્તાનાં ધોરણો ઊંચાં રાખ્યાં છે. યુરોપીય યુનિયનના દેશો પણ એફ્લાટોક્સિનની ફરિયાદ કરીને ભારતની મગફળી ખરીદતા નથી. પરિણામે ભારતમાં મગફળીની કિંમતો પર દબાણ આવ્યું છે."
સતોડિયા કહે છે મગફળીના ખોળના ઘટેલા ભાવ પણ મગફળીના ભાવમાં ઘટનું એક મોટું કારણ છે.
સતોડિયાએ કહ્યું, "ગત વર્ષે સિંગખોળનો ભાવ પ્રતિકિલો 45થી 52 રૂપિયા હતો. આ વર્ષે આ ભાવ 23 રૂપિયા થઈ ગયો છે.
"ગયા વર્ષે નાફેડે ગુજરાતમાંથી જ 12 લાખ મેટ્રિક ટન કરતાં વધારે મગફળી ટેકાના ભાવે ખરીદી હતી અને તેનું વેચાણ હવે પૂરું થયું છે. નાફેડની મગફળી 900 રૂપિયાની આજુબાજુના ભાવે મળી જતી હતી. આ વર્ષે સિઝનની શરૂઆતમાં બજારમાં આવતી મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી પણ ભાવ પર તેની અસર છે."
સરકાર ટેકાના ભાવે કેટલી મગફળી ખરીદશે?
સામાન્ય રીતે સરકાર જમીનના એક ખાતાદીઠ મહત્તમ 125 મણ મગફળી ખરીદતી હતી, 2024-25માં સરકારે ખાતાદીઠ 200 મણ મગફળી ખરીદી હતી.
આ વર્ષે ખાતાદીઠ સરકાર કેટલી મગફળી ખરીદશે તે જાણવા માટે બીબીસીએ ગુજરાતના કૃષિમંત્રી જિતુ વાઘાણીનો ટેલિફોનિક સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.
જોકે સરકારી સૂત્રોએ બીબીસીને કહ્યું કે આ વર્ષે ટેકાના ભાવે ખરીદી થનાર જથ્થામાં ઘટાડો થશે.
તેમના મતે, "આ વર્ષે મગફળીનો વાવેતર વિસ્તાર 19 લાખ હેક્ટરથી વધીને 22.10 લાખ હેક્ટર થઈ ગયો છે અને ઉત્પાદન 52 લાખ ટનથી વધીને 66 કરોડ ટન થવાનો અંદાજ છે. તે હિસાબે કેન્દ્ર સરકાર ગુજરાતમાંથી સોળેક લાખ ટન (આઠ કરોડ મણ) મગફળી ખરીદવાની મંજૂરી આપે, પરંતુ આ વર્ષે 9.32 લાખ ખેડૂતોએ નામ નોંધાવ્યાં છે જે ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણાં છે. ઉત્પાદનમાં 25 ટકાથી પણ ઓછો વધારો થયો છે. તેથી, પ્રતિ ખેડૂત લેવાની થતી મગફળીમાં ઘટાડો થશે. ચર્ચાઓ એવી હતી કે પ્રતિખેડૂત 70થી 100 મણ મગફળી ખરીદવામાં આવે."
સૂત્રોએ કહ્યું કે સરકારનું આયોજન 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરી દેવાનું આયોજન હતું. જોકે મંત્રીમંડળમાં ફેરફાર થતા કામ અટકેલું છે.
યાર્ડમાં વધારે લાંબી કતારો થશે?
છેલ્લાં દસેક વર્ષથી ખેડૂતોની મગફળી ભરીને વેચવા આવેલાં વાહનોની લાંબી કતારો સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડ્ઝ બહાર જોવા મળે છે.
આ વર્ષે વધેલા વાવેતર વિસ્તારને પરિણામે યાર્ડના સત્તાધીશો આગોતરું આયોજન કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
ગોંડલ યાર્ડના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ બીબીસીને જણાવ્યું, "સૌરાષ્ટ્રના ઇતિહાસમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે સૌથી વધારે થવાનું છે. અમને આશા છે કે સરકાર વધારે જથ્થો ખરીદશે અને એક-બે દિવસમાં જાહેરાત થઈ જશે. અત્યારે ભેજવાળી મગફળી આવતી હોવાથી ભાવ નીચા છે, પરંતુ સરકારી ખરીદી શરૂ થતા અને દિવાળી બાદ ભેજ વગરની મગફળી આવતા ભાવમાં 200-300 રૂપિયાનો સુધારો થશે. ખેડૂતોને મગફળી વેચવામાં મુશ્કેલી ન પડે તે માટે અમે યાર્ડ નજીક વધારાની જમીન ભાડે રાખી છે."
ગોંડલ યાર્ડના સેક્રેટરી તરુણ પાંચાણીએ કહ્યું કે ગોંડલ યાર્ડ 250 વીઘામાં ફેલાયેલું છે અને વધારાની 17 વીઘા જમીન આ વર્ષે ભાડે રાખી છે.
તેમણે કહ્યું, "અત્યારે નૅશનલ હાઈવે 27ને પહોળો કરવાનું કામ ચાલુ હોવાથી અમારા યાર્ડ નજીક હાઈવે પર વાહનોને કતારમાં ઊભા રાખી શકાય તેમ નથી. આથી અમે 17 વીઘા જમીન યાર્ડની નજીક ભાડે રાખી છે. સરેરાશ દોઢ મણ મગફળી ભરેલી 3500થી 40000 હજાર ગુણીનો વેપાર દૈનિક ધોરણે અમારા યાર્ડમાં થાય છે. વેપારીઓ મજૂરોની અછતની વાતો કરો છે, પરંતુ અમારો પ્રયાસ છે કે દૈનિક વેપારના જથ્થામાં વધારો થાય જેથી ખેડૂતોને તેમની મગફળી વેચવા દિવસો સુધી રાહ જોવી ન પડે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન