અમેરિકાનો એ ટાપુ, જ્યાં કોઈની પાસે કાર નથી, પણ દરેક પાસે ઘોડો હોય છે

    • લેેખક, સ્ટીફન સ્ટાર
    • પદ, બીબીસી ટ્રાવેલ

અમેરિકામાં 'વિશ્વની કાર રાજધાની'ની વચ્ચોવચ એક શાંત, વાહન-મુક્ત ટાપુ છે, જ્યાં 600 લોકો તથા 600 અશ્વો સાથેની એક સમયની જીવનશૈલી જોવા મળે છે.

'મોટર સિટી' ડેટ્રોઇટમાં ફૉર્ડ, જનરલ મોટર્સ અને ક્રાઇસ્લર જેવી કંપનીઓનો ઉદ્ભવ થયો હતો. એ જ્યાં આવેલું છે તે મિશિગન રાજ્યને "વિશ્વની કાર રાજધાની" કહેવામાં આવે છે.

મિશિગનના ઉત્તરી કિનારે લેક હ્યુરોનમાં એક શાંત, મનોહર ટાપુ આવેલો છે. એ ટાપુ પ્રવાસીઓને સેંકડો વર્ષોથી આકર્ષિત કરતો રહ્યો છે. આ ટાપુ શોધાયો ત્યારથી જ ત્યાં કાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મેકિનાક નામનો આ ટાપુ 3.8 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને ત્યાં માત્ર 600 લોકો રહે છે. આ ટાપુ પર કોઈ મોટરાઇઝ્ડ વાહનો નથી અને એકમાત્ર અમેરિકન હાઈવે પર કાર ચલાવવાની છૂટ નથી.

ટાપુની શેરીઓમાં ગૉલ્ફ કાર્ટ ચલાવવા પર પણ પ્રતિબંધ છે. તેથી તમને ચિચિયારી સંભળાય તો તે ટાપુના હંસ અથવા ઘુવડ પૈકીના કોઈ એકની હોઈ શકે છે.

વાહનો શા માટે નહીં?

તેનું કારણ આપતાં ટાપુના કેન્દ્ર પર હસ્તકલાની સામગ્રીનો એક સ્ટૉલ ધરાવતાં ઉર્વાના ટ્રેસી મોર્સ કહે છે, "અશ્વ અહીં રાજા છે."

સ્થાનિક દંતકથા અનુસાર, 1889માં અહીં એક કાર અકસ્માત થયો ત્યારે નજીકમાં ઊભા અશ્વો ડરી ગયા હતા. એ વખતે ગામના સત્તાવાળાઓએ કમ્બશન ઍન્જિન ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

બે વર્ષ પછી તે પ્રતિબંધ સમગ્ર ટાપુમાં અમલી બનાવવામાં આવ્યો હતો. ત્યારથી સ્થાનિક લોકો એક સમયની શાંત જીવનશૈલી તરફ વળ્યા છે.

એક સદી કરતાં વધુ સમય પછી પણ દર ઉનાળામાં 600 અશ્વો અહીંનું કામકાજ ચલાવે છે. દર ઉનાળામાં લગભગ 120 લાખ લોકો મિશિગનના અપર પેનીનસુલામાં આવેલા મેકિનાવ સિટી અથવા સેન્ટ ઇગ્નેસથી 20 મિનિટનો પ્રવાસ કરીને અહીં પહોંચવા ફેરીમાં ચડે છે અને ટાપુના દક્ષિણ છેડે આવેલા નાના ગામ મેકિનાક આઇલૅન્ડ પર ઊતરે છે.

ત્યાં મુલાકાતીઓ ગામના પ્રખ્યાત ફજની ખરીદી કરે છે. લગભગ 70 માઇલ લાંબા રસ્તા પર લટાર મારે છે અને આરામદાયક સમયના આનંદદાયક અવાજનો આનંદ માણે છે.

પાનખરમાં 600 પૈકીના લગભગ 300 ઘોડાઓ મુખ્ય ભૂમિ તરફ પાછા જવાનું શરૂ કરે છે અને પ્રવાસન મોસમના અંત અને શિયાળાના આગમનનો સંકેત આપે છે.

ટાપુ પરનું જીવન કેવું છે?

ઉર્વાના ટ્રેસી મોર્સ 1990માં વિદ્યાર્થી તરીકે પહેલીવાર આ ટાપુની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારથી તેઓ અહીં સ્ક્રીમશો, કળાકૃતિઓ, ઘરેણાં અને અન્ય વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે.

ઉર્વા કહે છે, "કચરો ઉપાડવાથી માંડીને ફેડેક્સ ડિલિવરી સુધીના દરેક કામમાં અશ્વોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ અમારી જીવનશૈલી છે. આ જ અમારી ગતિ છે."

ઉર્વા ઉમેરે છે, "અમારા પૈકીના મોટાભાગના લોકોને બાઇક દ્વારા કે ચાલીને કે હોર્સ ટેક્સી દ્વારા ફરવા જવાની પરંપરા પસંદ છે."

સ્વદેશી સમુદાયો લૅક હ્યુરોન અને લૅક મિશિગનના સંગમસ્થાન પરના ટાપુના વ્યૂહાત્મક સ્થાનનો ઉપયોગ માછીમારી અને શિકારના સ્થળ તરીકે સેંકડો વર્ષોથી કરતા હતા.

તેઓ માનતા હતા કે અહીંના ચૂનાના પથ્થરો અને હરિયાળું જંગલ પાણીમાંથી નીકળતા વિશાળ કાચબા જેવા લાગે છે. તેથી તેમણે તેનું નામ મિશિલિમાકિનાક અથવા "મહાન કાચબાનું સ્થળ" રાખ્યું હતું.

બ્રિટિશ દળોએ ઈસ 1780માં ટાપુ પર એક રક્ષણાત્મક કિલ્લો બનાવ્યો હતો. મુલાકાતીઓ આજે પણ ચોક્કસ પ્રકારના વસ્ત્રોમાં સજ્જ દુભાષિયાઓની સાથે તોપના બૉમ્બમારાનો અનુભવ કરી શકે છે અને મિશિગનની સૌથી જૂની ઇમારતની અંદર અધિકારીનું નિવાસસ્થાન જોઈ શકે છે.

વર્ષ 1812ના યુદ્ધ પછી અમેરિકાએ મેકિનાક કબજે કર્યાના 200થી વધુ વર્ષ પછી અહીંના સ્વદેશી મૂળ એવાને એવા જ છે. અનિશિનાબેએ ટાપુ પર સ્વદેશી ઇતિહાસને પુનર્જીવીત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અનિશિનાબેના સભ્ય એરિક હેમેનવે કહે છે, "મેકિનાક ટાપુ અનિશિનાબેના ઇતિહાસ અને સંસ્કૃતિમાં સૌથી મહત્ત્વપૂર્ણ તથા અગ્રણી સ્થાનો પૈકીનો એક છે. અનિષ્કાબીક લોકો અનાદિ કાળથી લેક હ્યુરોન અને લેક મિશિગનને જોડતા જળમાર્ગ પાસે વસેલા છે. અમે હજુ પણ આ જળમાર્ગ પર, અમારા પૂર્વજોના સ્થાને છીએ. પાણીના મધ્યપશ્ચિમનો રાજમાર્ગ હતો અને હજુ પણ રહેશે."

એરિક હેમેનવે જણાવે છે કે ટાપુ પર મોટી સંખ્યામાં કબરો મળી આવી હતી. "એ પૈકીની કેટલીક લગભગ 3,000 વર્ષ જૂની છે. મેકિનાક ગ્રૅટ લૅક્સ પરનાં સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક છે."

એરિક હેમેનવેએ બિડલ હાઉસને વિકસાવવાનું કામ પણ કર્યું છે. બિડલ હાઉસ 2021મા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને તે મેકિનાક આઇલૅન્ડ નેટિવ અમેરિકન મ્યુઝિયમ છે.

એરિક હેમેનવે કહે છે, "અન્ય મૂળના લોકોને અહીં આવતા જોઉં છું ત્યારે મોટી સફળતા મળી હોય એવું લાગે છે. આ અમારી કથા છે. ટાપુ પ્રવાસન કેન્દ્ર બન્યો છે, પરંતુ તેની સંસ્કૃતિ યથાવત્ છે."

આ ટાપુનો ઇતિહાસ શું છે

મેકિનાક આઇલૅન્ડ 19મી સદીના અંત સુધીમાં શિકાગો, ડેટ્રૉઇટ અને એક સમયે સમૃદ્ધ મિડવેસ્ટના અન્ય ભાગોના શ્રીમંત ઉદ્યોગપતિ પરિવારોનું પ્રિય સ્થળ બની ગયો હતો. એ લોકો ઉનાળામાં ટાપુના શુદ્ધ પાણીમાં આરામ કરવા માટે આવતા હતા.

મેકિનાકની 138 વર્ષ જૂની ગ્રાન્ડ હોટેલમાં સુંદર રીતે શણગારેલા ઓરડાઓ છે અને તે વિશ્વનો સૌથી લાંબો મંડપ હોવાનો દાવો કરવામાં આવે છે. ગ્રાન્ડ હોટેલ ઔદ્યોગિક અમેરિકાના ગિલ્ડેડ કાળની છેલ્લી સંપૂર્ણપણે કાર્યરત હોટેલો પૈકીની એક પણ છે.

ગ્રાન્ડ હોટેલનું અનોખું આકર્ષણ એ છે કે મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમરે તાજેતરમાં એચબીઓની 'ધ વ્હાઇટ લોટસ' શ્રેણીની ચોથી સીઝન માટે ટાપુને લોકેશન બનાવવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર એક પોસ્ટ મૂકી હતી. તેમણે રમતિયાળ શૈલીમાં આગ્રહ કર્યો હતો, પરંતુ મેકિનાક ઢગલાબંધ પ્રવાસીઓથી છલકાઈ જાય એવું તેઓ ઇચ્છતાં નથી.

ગ્રેચેન વ્હિટમર કહે છે, "આપણે જ્યાં રહેતા હોઈએ તેના માટે ગર્વ હોય, પરંતુ આ સ્થળ કેટલું સુંદર છે એ હું લોકોને જણાવવા ઈચ્છતી નથી."

આ ટચુકડો ટાપુ ખરેખર અદભૂત છે. મેકિનાકના 80 ટકા લૅન્ડ એરિયામાં મેકિનાક આઇલૅન્ડ સ્ટેટ પાર્ક આવેલો છે. પ્રવાસીઓ આ પાર્કમાંના જૂના જંગલોમાં હરીફરી શકે છે, ચૂનાના ઊંચા સ્તંભોને વખાણી શકે છે અને ટાપુના સૌથી પ્રખ્યાત આકર્ષણો પૈકીના એક 50 ફૂટ પહોળા આર્ક રોકના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા માટે હાઇકિંગ, બાઇકિંગ અથવા ઘોડાગાડી ભાડેથી લઈ શકે છે.

સ્થાનિક લોકો ટાપુના એક ગામથી ઉત્તરે જઈને 8.5 માઇલના હાઇવે પર બાઇક ઍન્ડ હાઇકિંગ ટ્રેઇલનો આનંદ માણવાનું સૂચવે છે. તે સમગ્ર ટાપુના પરિઘને આવરી લે છે. તેમાં પાંચ માઇલ લાંબા મેકિનાક સસ્પેન્શન બ્રિજ અને દરિયાઈપથ્થરોથી આચ્છાદિત શાંત સાગરકિનારા તથા જંગલ સુધી પણ પહોંચી શકાય છે.

શિયાળામાં શાંત થઈ જતો દ્વીપ

ઘોડાઓ સિવાય ભાડાની 1500 બાઇક દ્વારા રહેવાસીઓ અને મુલાકાતીઓ ટાપુમાં ફરી શકે છે. પરિવહનનું આ સ્વયં સંચાલિત વાહન સૂચવે છે કે મેકિનાકના રહેવાસીઓ દેશના બાકીના ભાગ કરતાં અલગ ગતિએ આગળ વધવામાં ખુશ છે.

ઉર્વાના ટ્રેસી મોર્સ માટે કાર વિનાના સ્થળે રહેવાનું મુખ્ય કારણ આ છે. અહીં આકરો શિયાળો હોવા છતાં તેમણે આખું વર્ષ ટાપુ પર રહેવાનું નક્કી કર્યું છે. તેઓ વર્ષના નવ મહિના બાઇક ચલાવે છે.

તેઓ કહે છે, "મને મારી બાઇક પર બેસીને વૃક્ષોની હારમાળા વચ્ચેથી ગામમાં આવવાનો વિચાર ખૂબ જ ગમે છે. તેનાથી મારો દિવસ બહેતર બની જાય છે. હું લોકોનું દિલથી સ્વાગત કરું છું અને તેમની સાથે વાતો કરું છું."

સાયકલિંગ એ પરિવહનનું સૌથી સરળ અને સૌથી લોકપ્રિય માધ્યમ છે, પરંતુ ટાપુને શક્તિ પ્રદાન કરવામાં બાઇકની ભૂમિકા સ્પષ્ટપણે ગૌણ છે.

ટાપુ પર 140 વર્ષથી ફેરી સર્વિસ ચલાવતી કંપની આર્નોલ્ડ ફ્રેટ દર એપ્રિલમાં મિશિગનના અપર પેનિનસુલામાંથી અનેક અશ્વો અહીં લાવે છે.

આ કંપનીમાં કામ કરતા હન્ટર હૉગલુન્ડ કહે છે, "આ સ્થળ આજે જે છે તેનું કારણ અશ્વો છે. તમે બોટમાંથી ઊતરો અને તમને ઘોડાના ડાબલાના અવાજ સાંભળવા મળે ત્યારે એવું લાગે છે તે તમે ભૂતકાળમાં સરી પડ્યા છો. અશ્વોને છોડવા માટે અહીં રોજ હજારો ટ્રક્સ આવે છે. આગામી મહિનાઓમાં કદાચ 200 કે 300થી વધારે ટ્રક્સ આવશે."

કચરો એકઠો કરવા, પૅકેજીસની ડિલિવરી કરવા અને ટાપુનું કામકાજ ચાલુ રહે એ માટે શિયાળા દરમિયાન અહીં 20થી 30 અશ્વોને રાખવામાં આવે છે.

શિયાળામાં બરફ જામવાને કારણે ફેરી સેવા બંધ થાય છે ત્યારે સ્ફટિક જેવા શુદ્ધ પાણીથી ઘેરાયેલો મેકિનાક ટાપુ મુખ્ય ભૂમિથી થોડા સમય માટે વિખૂટો પડી જાય છે, પરંતુ વસંત ઋતુમાં અને ઉનાળામાં મેકિનાક ફરીથી જીવંત થઈ જાય છે.

જૂનમાં ટાપુના 10 દિવસના લોકપ્રિય લાઇલેક ઉત્સવ પહેલાં, ગામની શેરીઓમાં પથરાયેલાં લાઇલેકના સંખ્યાબંધ વૃક્ષો ખીલવાં લાગે છે. તારાઓના નિરીક્ષણના શોખીનો ઉત્તર મિશિગનના સ્વચ્છ આકાશને નિહાળવા ટાપુ પરના સૌથી ઊઁચા સ્થળ મેકિનાકના ફૉર્ટ હોમ્સ અને ગ્રાન્ડ હોટેલના કપોલા બાર તરફ જાય છે, પરંતુ ટાપુની આસપાસ સાયકલ ચલાવવાથી આનંદિત લોકો કારના એંજિનના કર્કશ અવાજ વિના, મરિનાને નિહાળતાં આઇસક્રીમ અથવા ફજ આરોગવાની મોજ મસ્તીથી માણે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન