'મને લોન નહોતી મળી તો બીજાનું શું થતું હશે?'

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી ન્યૂઝ ગુજરાતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારથી તેમની વિધાનસભા બેઠક મણિનગર પર તેમની સામે કોંગ્રેસમાંથી કોણ ચૂંટણી લડે છે, તે મહત્ત્વનું રહેતું.

હવે મોદીના વડા પ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ માટે આ બેઠક જીતવી અને ભાજપ માટે મણિનગરની બેઠક જાળવી રાખવી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

વર્ષ 2017ની આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની સામે કોંગ્રેસે નવા અને યુવા ચહેરાને તક આપી છે, એમનું નામ છે શ્વેતા બ્રહ્મભટ્ટ.

તમને આ વાંચવું પણ ગમશે:

હાલ ગુજરાતની ચૂંટણીમાં શ્વેતા એમની શૈક્ષણિક લાયકાતને કારણે ચર્ચામાં છે. શ્વેતાએ આઈઆઈએમ, બેંગલોરથી પોલિટિકલ લીડરશિપનો અભ્યાસ કર્યો છે.

રાજકારણમાં સક્રિય પરિવારમાં ઊછરેલાં શ્વેતા તેમના પરિવારને કારણે નહીં પણ પોતાની આગવી ઓળખના બળે રાજકારણમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે.

લંડનમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ વિષયમાં અભ્યાસ બાદ શ્વેતાએ નેશનલ હેલ્થ સર્વિસમાં મળેલી નોકરી સ્વીકારવાને બદલે એમણે ભારત પરત આવવાનું પસંદ કર્યું.

શ્વેતા બૅન્કિંગ ક્ષેત્રમાં 10 વર્ષ નોકરી કરીને હવે રાજકારણ દ્વારા સમાજનું કાર્ય કરવા ઇચ્છે છે.

એમણે કહ્યું, "મારો મુખ્ય હેતુ સામાજિક કાર્યો કરવાનો છે. રાજકારણ એ માધ્યમ છે. મેં ટ્રસ્ટ અથવા સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હોત તો મારે ફંડ માટે સરકાર પાસે જ જવું પડ્યું હોત.

"એનાથી હું મર્યાદિત લોકો સુધી જ પહોંચી શકી હોત. રાજકારણ એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં તમે મોટા જનસમૂહ સુધી પહોંચી શકો છો.

મારી ઉમેદવારીથી લોકોને ખ્યાલ આવશે કે, આ છોકરી કંઈક કરવા ઇચ્છે છે."

રાજકારણના અનુભવ અને અભ્યાસ વિશે શ્વેતા કહે છે, "આઈઆઈએમ, બેંગલોરમાં પોલિટિકલ લીડરશિપના અભ્યાસને કારણે મને ભારતનાં રાજકારણ વિશે ઘણું જાણવા મળ્યું.

અમે ગામડાંની મુલાકાત લીધી. સિંગાપોરની મુલાકાત લીધી અને ત્યાં વહીવટીતંત્ર કેવી રીતે ચાલે છે, એ જાણવાનો પ્રયાસ કર્યો."

શ્વેતા બિઝનેસ વુમન તરીકે પોતાના અનુભવ વિશે વાત કરતાં કહે છે, "મેં સાણંદમાં વુમન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં પ્રોજેક્ટ કરવા વિચાર્યું અને મેં ત્યાં અરજી કરી.

"મને ત્યાં પ્લૉટ મળ્યો અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મારું સન્માન પણ કર્યું હતું. આ પછી ભારત સરકારની મુદ્રા સ્કીમ અંતર્ગત મેં લોન માટે અરજી કરી. પણ લોન મળી નહીં."

એમણે જણાવ્યું, "આઈઆઈએમ, અમદાવાદમાં એક કાર્યક્રમમાં આવેલા એક સંસદસભ્યને મેં પૂછ્યું કે, 'ઉચ્ચ અભ્યાસ કરેલા લોકોને લોન લેવામાં તકલીફ પડે છે, તો બીજા લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે?

"લોકો સુધી આ યોજના કેવી રીતે પહોંચશે?' તેમણે મને નાણાં મંત્રાલયમાં ફરિયાદ કરવાનું સૂચન કર્યું."

એમણે ઉમેર્યું, "મારા અભ્યાસના કારણે હું ત્યાં સુધી લડી શકી, પણ મને જો આટલી મુશ્કેલી પડતી હોય તો, જે મહિલાઓ પાસે સારું શિક્ષણ નથી, કૉમ્યુનિકેશન સ્કિલ નથી, પણ સારો આઇડિયા છે અને વેપાર કરવો છે તો તેમનું શું થતું હશે?

"આ બધા સવાલોએ મને રાજકારણમાં આવવા પ્રેરી."

વિકાસ વિશે શ્વેતા કહે છે, "વ્યક્તિ ત્યારે જ વિકાસશીલ બની શકે, જ્યારે તે દરેક વાતમાં સ્વતંત્ર હોય. કાંકરિયા તળાવ ફરતે વિકાસ કરવામાં આવ્યો પણ ત્યાં ફી લેવામાં આવે છે.

ગરીબ માણસો કેવી રીતે ત્યાં જઈ શકે? વિકાસની વ્યાખ્યામાંથી આપણે ગરીબોની બાદબાકી કરી નાંખી છે. આ સ્થિતિ બદલવાની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો